Home Blog Page 4903

બીએપીએસ દ્વારા જરુરિયાતમંદો માટેનો સેવાયજ્ઞ

અમદાવાદઃ ભારતમાં કોરોના વાયરસને કારણે લોકડાઉનની સ્થિતિ છે. ગુજરાતમાં અનેક લોકો જરુરિયાતમંદ લોકોની વ્હારે આવી તેમની મદદ કરી રહ્યા છે. ત્યારે બીએપીએસના સંત અને વોલેન્ટિયર્સે તંત્ર સાથે મળીને જરુરીયાતમંદ લોકો સુધી શાકભાજી પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. આ શાકભાજીનું પેકિંગ પ્યોર હાઈજીનનું ધ્યાન રાખીને કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે અત્યારે સ્થિતિ બહુ વિકટ છે. આ વાયરસને ફેલાતો રોકવા માટે અત્યારે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે અનેક લોકો એવા છે કે જે લોકો રોજ કમાઈને રોજ ખાય છે. હવે જ્યારે નોકરી ધંધા કે મજૂરી બંધ થઈ ગઈ છે ત્યારે આ વર્ગના લોકો સૌથી વધારે મુશ્કેલીમાં મુકાયા છે. તેમની સામે એક યક્ષ પ્રશ્ન ઉભો થયો કે આખરે ખાઈએ તો ખાઈએ શું?

કપરા ટાણે… આ લોકોની સેવા કરતા સેવાભાવી લોકો અને પોલીસ

અમદાવાદઃ કોરોના વાયરસના કારણે અત્યારે સમગ્ર ભારતમાં લોકડાઉન છે. ગુજરાતમાં લોકડાઉનના પરિણામે કેટલાક ગરીબ લોકો કે જે લોકો રોજ કમાઈને રોજ ખાય છે, તેવા લોકો માટે અત્યારે જીવવું મુશ્કેલ બની ગયું છે. ત્યારે આવી સમસ્યાથી પીડાતા લોકોની વ્હારે અનેક લોકો આવ્યા છે અને તેમને ભોજન પુરુ પાડી રહ્યા છે.

આ સાથે જ અહીંયા મજૂરી કામ કરતા કેટલાક લોકોને પોતાના ગામડે જવું છે પરંતુ પબ્લિક કે પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટ બંધ હોવાના કારણે આ લોકો અત્યારે રઝળી પડ્યા છે અને ચાલતા પોતાના પરિવાર સાથે પોતાના વતન જવા મજબૂર બન્યા છે. ત્યારે આ પ્રકારના લોકોને તેમના વતન સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ પોલીસ દ્વારા કરવામાં આવી હતી.

હાથ ધોવાનું કહેનારા ડૉક્ટરને પાગલ ગણી દેવાયો

વિયેના જનરલ હોસ્પિટલમાં બે મેટરનિટી વૉર્ડ હતા. વિજ્ઞાન અને તબીબી શાસ્ત્ર આગળ વધતું રહ્યું હતું અને તે પ્રમાણે યુરોપમાં હોસ્પિટલો વધતી જતી હતી. જોકે હજીય દાયણ અને સુયાણી પ્રથા હતી અને પ્રસૂતિ ઘરે પણ થતી હતી. પરંતુ વિયેના જેવા શહેરમાં હોસ્પિટલ હોય ત્યારે હવે ત્યાં પણ પ્રસૂતાઓ આવતી હતી. વિયેના જનરલ હોસ્પિટલમાં એક વૉર્ડ હતો તેમાં મિડવાઇવ્ઝ કામ કરતી અને પ્રસૂતિ કરાવતી હતી. સાથે જ હોસ્પિટલમાં એક નવો વૉર્ડ પણ ઊભો કરાયો હતો, જ્યાં પુરુષ તબીબો અને તબીબી વિદ્યાર્થીઓ કામ કરતાં હતા.

1848માં વિયેના જનરલ હોસ્પિટલમાં એક નવા ડૉક્ટર આવ્યા ઇગ્નત સેમલવાઇઝ (આખું નામ અંગ્રેજી સ્પેલિંગમાં Ignaz Philipp Semmelweis – જર્મન ઉચ્ચાર ઇગ્નત) ત્યાં પુરુષ તબીબોના વૉર્ડમાં જોડાયા. વૉર્ડની સ્થિતિ સારી નહોતી. મૃત્યુનો દર 18 ટકાથી વધારેનો હતો. સુયાણી વૉર્ડમાં પ્રસૂતા મૃત્યુ દર ઓછો 2 ટકાથી થોડો વધારે હતો. સુયાણી વૉર્ડમાં જગ્યા ના મળે ત્યારે પુરુષ તબીબ વૉર્ડમાં આવવું પડે અને ગર્ભવતિ માતાને ચિંતા રહે.

આ વૉર્ડમાં બાળકના જન્મ પછી માતાને પ્યૂરપેરલ નામનો રહસ્યમય તાવ આવતો અને તેમાં મોત થતું હતું. પ્રસૂતિ પછી તાવ આવતો હોવાથી તેને ચાઇલ્ડબેડ ફિવર એટલે કે ‘પ્રસૂતાપથારી તાવ’ કહેવાતો હતો. તેનું બીજું એક નામ ડૉક્ટર્સ પ્લગ પણ પડી ગયું હતું અને તે ડૉક્ટરોને અપમાનજનક લાગતું હતું. ડૉક્ટરને કારણે જ મોત થાય છે તેવી આ વાત હતી, જે આગળ જતા ડૉ. સેમલવાઇઝને પાગલ કરી દેવાની હતી.

ડૉ. સેમલવાઇઝ જોડાયા ત્યારથી આ બાબતથી ચિંતામાં પડી ગયા હતા. તેઓ વિચારવા લાગ્યા હતા કે એક જ હોસ્પિટલમાં બે વૉર્ડ છે અને છતાં એકમાં પ્રસૂતાને તાવ અને મોત પામે એવું કેમ. તેમણે બધા પ્રકારની સરખામણી કરી. ભાગ્યે જ કોઈ ફરક દેખાતો હતો અને જે ફરક હતો તે દેખીતો હતો – તેમના વૉર્ડમાં પુરુષ ડૉક્ટરો અને મેડિકલ સ્ટુડન્ટ્સ કામ કરતા હતા, જ્યારે બીજા વૉર્ડમાં દાયણો કામ કરતી હતી. તે ફરકથી તાવ આવે તેવો કોઈ તર્ક મળતો નહોતો.

ડૉક્ટર પોતાની રીતે તપાસ કરતાં રહ્યા અને વિચારતા રહ્યા, પણ ઉકેલ સૂઝતો નહોતો. દરમિયાન એક ઘટના બની. એક સાથી ડૉક્ટરને પણ ‘પ્રસૂતાપથારી તાવ’ આવ્યો અને તેમનું મોત થયું. ડૉ. સેમલવાઇઝે ધ્યાનપૂર્વક સમગ્ર ઘટનાક્રમ ચકાસ્યો. તેમને ખ્યાલ આવ્યો કે સાથી પેથોલૉજિસ્ટ ચાઇલ્ડબેડ ફિવરથી મૃત્યુ પામેલી પ્રસૂતાના મૃતદેહની ઑટોપ્સી કરી હતી. એટલું જ નહિ, ઑટોપ્સી કરતી વખતે ગફલત થઈ અને તેમને સ્કાલપેલ આંગળીમાં વાગી ગઈ હતી. તે પછી તરત જ બીમાર પડ્યા. સતત વિચારોમાં ગૂંથાયેલા સેમલવાઇઝને ચમકારો થયો કે પેથોલૉજિસ્ટને મહિલાના શરીરમાંથી ચેપ લાગ્યો હશે.

તે વખતે હજી બેક્ટેરિયા વિશે બહુ સંશોધન થયું નહોતું અને બેક્ટેરિયા, વાઇરસ, જંતુથી ચેપ ફેલાય છે તેની શોધ થઈ નહોતી. ત્યારે એવું મનાતું હતું કે મોટા ભાગે હવામાં દુર્ગંધ સાથે ચેપ ફેલાતો હોય છે. તેથી ગંદકીની દુર્ગંધ દૂર કરવા પર વધુ ધ્યાન અપાતું અને સ્પર્શથી ચેપ ફેલાય તેવું સમજાયું નહોતું. ડૉ. સેમલવાઇઝ ધારણાઓ બાંધતા રહ્યા અને તેમને લાગ્યું કે મૃતદેહના સ્પર્શથી હાથમાં કોઈક પ્રકારના પાર્ટીકલ ચોંટતા હશે અને તે એકબીજાને ચોંટે તેનાથી ચેપ લાગતો હશે. આ તર્ક એટલા માટે તેમને ગળે ઉતર્યો કે દાયણ વૉર્ડમાં કામ કરતી સુયાણીએ મૃતદેહને બહુ સ્પર્શ કરવો પડતો નહોતો. તેમના વૉર્ડમાં પ્રસૂતાનો મૃત્યુ દર ઓછો હતો અને મૃત્યુ પછી ઑટોપ્સીનું કામ તેમણે નહોતું કરવાનું. તે કામ પુરુષ ડૉક્ટર્સ કરતા હતા.

આથી ડૉ. સેમલવાઇઝને સૂઝ્યું કે મૃતદેહની ચીરફાડ થઈ હોય તે પછી હાથને વધારે સારી રીતે ધોવા જોઈએ. આ માટે તેમણે પ્રયાગો શરૂ કર્યો. ઑટોપ્સી પછી ક્લોરિનેટેડ લાઇમ સૉલ્યૂશન તૈયાર કરાવીને તેમાં હાથ ધોવાનું ફરજિયાત બનાવ્યું. સાથે જ સ્કાલપેલ તથા બીજા તબીબી સાધનોને પણ તેમાં ધોવાનો નિયમ તેમણે બનાવ્યો. આ પ્રયોગ જબરદસ્ત સફળ રહ્યો. ઑગસ્ટ 1848 સુધીમાં પુરુષ તબીબોના વૉર્ડમાં પણ પ્રસૂતાનો મૃત્યુદર નાટકીય રીતે ઘટી ગયો. 18 ટકાથી વધારે રહેતો મૃત્યુદર હવે બે ટકાથી પણ ઓછો થઈ ગયો.

જોકે નવા આવેલા આ ધૂની મગજના ડૉક્ટરની વાત સાથીઓને ગમી નહોતી. શું કંઈ ડૉક્ટર બીજાને ચેપ લગાડે? શું ગાંડા જેવી વાત કરો છો… આવા પ્રતિસાદ મળતા હતા. તેમના વૉર્ડમાં લોકો કચવાતા કચવાતા હાથ ધોઇ લેતા હતા, પણ તેમની વાતને સૈદ્ધાંતિક રીતે સ્વીકારવા કોઈ તૈયાર નહોતી. તેમણે પણ ધારણા જ બાંધી હતી અને તેમની પાસે વૈજ્ઞાનિક પુરાવા હજી નહોતા. માત્ર આંકડાકીય રીતે તેમનો પ્રયોગ સાબિત થતો દેખાતો હતો. થોડા વર્ષ પછી તેમણે અભ્યાસપત્ર તૈયાર કરીને વિયેના મેડિકલ સોસાયટીમાં રજૂ કર્યો, ત્યાં પણ બીજા ડૉક્ટરોએ તેમની હાંસી ઉડાવી હતી.
ડૉ. સેમલવાઇઝ પણ માથા ફરેલા હતા અને તેમણે સૌની સાથે ઝઘડો કરેલો. મોટા પાયે બોલાચાલી થઈ ગઈ હતી. તેઓ બહુ મળતાવડા નહોતા કે સારી ભાષામાં સાયન્ટિફિક પેપર તૈયાર કરી શકે તેવા પણ નહોતા. કોઈ પ્રતિષ્ઠિત જર્નલમાં તેમનો અભ્યાસ પણ પ્રગટ થઈ શક્યો નહોતો. આ બધાથી તેઓ અકળાતા હતા અને બીજા ડૉક્ટરો અને સ્ટાફ સાથે તેમના સંબંધો પણ બગડતા રહ્યા હતા.

દરમિયાન વિયેના હોસ્પિટલના સત્તાધીશોને પણ ન જાણે શું સૂઝ્યું કે ફરજિયાત હાથ ધોવાની વાતને રદ કરી. તેમને લાગ્યું કે એક ડૉક્ટરના ધૂનીપણાને કારણે સ્ટાફને શું રોજરોજ હેરાન કરવો. મૃત્યુદર ઓછો થયો છે તેમ છતાં કાળજી લેવા સત્તાધીશો તૈયાર નહોતા.
નિરાશ થયેલા ડૉ. સેમલવાઇઝ પોતાના વિયેના હોસ્પિટલ છોડીને હંગેરીના પેસ્ટ નામના નગરમાં જતા રહ્યા. પેસ્ટની હોસ્પિટલમાં જઈને તેમણે સૌને હાથ અને સાધનો ધોવાની પ્રથા શીખવી. અહીં પણ સારું પરિણામ આવ્યું અને મેટરનિટી વૉર્ડમાં મૃત્યુ દરમાં ઘટાડો નોંધાયો. 1849માં તેમણે વિયેના જનરલ હોસ્પિટલ છોડી દીધી હતી અને પેસ્ટમાં ઘણા વર્ષ કામ કર્યું. છેક 14 વર્ષ પછી 1861માં તેમણે પોતાના અભ્યાસને વ્યસ્થિત રીતે લખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેમાંય સફળતા મળી નહોતી અને કોઈએ ગંભીરતાથી વાત લીધી નહિ.

આખરે 1865માં તેઓ માનસિક રીતે અસ્થિર થઈ ગયા. તેમને પાગલખાનામાં દાખલ કરવા પડ્યા હતા. એવું કહેવાય છે કે પાગલખાનામાં પણ તેઓ ઉગ્ર બની જતા હતા. ચોકિદારો સાથે ઝઘડો થયો અથવા તો તેમની ઉગ્રતાને કાબૂમાં રાખવા ચોકિદારોએ તેમને માર માર્યો હશે. તેના કારણે જ પાગલખાનામાં દાખલ થયાના 14મા દિવસે જ તેમનું મોત થઈ ગયું હતું. મારને કારણે મોત થયું હતું તેવું ક્યાંક નોંધાયું છે, જ્યારે એવી વાત પણ મળે છે કે તેમને હાથમાં વાગ્યું હતું ત્યાં પરુ થઈ ગયું હતું અને તેમાં મોત થયું હતું.

કમનસીબ જુઓ કે જેમણે ચેપ લાગે અને પરુ ના થાય તે માટે હાથ ધોવાની વાત દોઢ દાયકા સુધી કરી પણ કોઈએ માની નહિ. તે જ કારણે તેમનું મોત થયું. તેમની શોધ કેટલી સાચી હતી તે બાદમાં લૂઈ પાશ્વર સહિતના વિજ્ઞાનીઓએ બેક્ટેરિયા વિશે વધુ શોધ કરી ત્યારે જ ખ્યાલ આવ્યો હતો. તે જ સમયગાળામાં અન્ય કેટલાક વિજ્ઞાનીઓએ જુદી રીતે આ દિશામાં વિચાર્યું હતું, પણ હાથ ધોવાના ફાયદાને વૈજ્ઞાનિક ગણીને પદ્ધતિસર તેનો સ્વીકાર થતા બહુ વાર લાગી હતી. ઓલિવર વેન્ડેલ હોલ્મ્સ નામના વિજ્ઞાનીએ 1843માં પોતાના અભ્યાસપત્રમાં આવી જ વાત કરી હતી.

ઇંગ્લેન્ડમાં જેમ્સ યંગ સિમ્પસનને પણ અલગ રીતે પ્રયોગોથી લાગ્યું હતું કે હાથ જંતુનાશકોથી ધોવાથી ફાયદો થાય છે.
હવાથી ચેપ ફેલાવા કરતાં, એકબીજાના સ્પર્શથી, હાથના સ્પર્શથી પણ ચેપ ફેલાઇ શકે છે તે હવે મેડિકલ સાયન્સ સૌથી સારી રીતે જાણે છે. પણ સારી કક્ષાની લેબોરેટરી ના હોવા છતાં માત્ર અનુમાન અને તર્ક અને થોડા પ્રયોગથી એક સાદી વાત, પણ બહુ ઉપયોગી વાત શોધી કાઢકારા ડૉક્ટરને જીવતેજીવત જશ મળ્યો નહોતો. ઉલટાનું તેમને પાગલ અને ધૂની ગણીને ધુત્કારી કાઢવામાં આવતા હતા.

પ્રાચીન ઘણી શોધ બાદમાં જ સાબિત થઈ છે. લિયોનાર્દોએ પણ અનૅટમિનો બહુ અભ્યાસ કરીને અનેક વાતો શોધી કાઢી હતી, પણ તેમણે ક્યારેય તેને ગ્રંથમાં પ્રગટ કરી નહોતી. દાખલા તરીકે હૃદયના વાલ્વ કઈ રીતે ખોલબંધ થાય છે તેની અદભૂત શોધ લિયોનાર્દોએ પોતાની રીતે કરી હતી. તેના અનોખા ચિત્રો પણ દોર્યા હતા. તે વાત પાંચ સદી પછી આધુનિક સાયન્સે પ્રયોગો કરીને સ્વીકારી હતી. આજે કોરોનાના સમયમાં તો સામાન્ય નાગરિકો પણ ડૉ. સેમલવાઇઝની વાતને સ્વીકારીને હાથ ધોઈ રહ્યા છે. તમે સરખી રીતે હાથ ધોયા કે નહિ?

વિદેશથી આવેલા લોકોના સ્વાસ્થ્યની ચકાસણી

અમદાવાદ: શહેરમાં વિદેશથી આવેલા લોકોની સ્વાસ્થ્યની ચકાસણીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. શહેરના હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા કર્મચારીઓ બીજા દેશોમાંથી પ્રવાસ કરીને આવેલા લોકોની ઝીણવટ ભરી તપાસ કરી રહ્યા છે. આરોગ્યની તપાસ સાથે એ વ્યક્તિને ઘરમાં જ રહેવાની સૂચના અપાઈ રહી છે. એ વ્યક્તિ જો ન માને અને વારંવાર ઘરની બહાર નિકળે એ સંજોગોમાં ફરિયાદ થઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મહાનગરપાલિકા નું આરોગ્ય ખાતું ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યું છે. પ્રસ્તુત તસવીરોમાં વિદેશથી આવેલા લોકોના ઘરે ઘેરઘેર જઇને તપાસ કરતા આરોગ્ય કર્મચારીઓ નજરે પડે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)

ફિલ્મ અભિનેત્રી નિમ્મીનું 88 વર્ષે નિધન

નવી દિલ્હીઃ બોલિવુડની પ્રખ્યાત અભિનેત્રી નિમ્મીનું 88 વર્ષે નિધન થયું છે. તે ઘણા લાંબા સમયથી બીમાર હતી. મુંબઈની સરલા નર્સિંગ હોમમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. નિમ્મીના નિધન પછી બોલિવુડ કલાકારોએ સોશિયલ મિડિયા દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી હતી અને દુઃખ વ્યક્ત કર્યું હતું. બોલિવુડના ફિલ્મનિર્માતા મહેશ ભટ્ટે નિમ્મીના નિધન અંગે ટ્વીટ કર્યું હતું. તેમણે આ અભિનેત્રીને ગુડ બાય કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે તમે તમારા દિલને ઇચ્છાથી જીતી શકો છો, પણ તમે મોતથી નઝી જીતી શકતા. તેમણે હાથ જોડીને અલવિદા નિમ્મીજી. એમ કહ્યું હતું. મહેશ ભટ્ટ સિવાય નિમ્મીના નિધન અંગે બોલિવુડના ફિલ્મ અભિનેતા ઋષિ કપૂરે પણ ટ્વીટ કર્યું હતું કે બોબીને એના પ્રીમિયર રિલીઝ થવા પર આશીર્વાદ આપવા બદલ બહુ ધન્યવાદ. તમે આરકે પરિવારનો ભાગ હતા. બરસાત તમારી પણ પહેલી ફિલ્મ હતી. અલ્લા તમને જન્નત નસીબ કરે. આમીન.

નિમ્મીએ 1950થી 1906ના દાયકામાં હિલન્દી ફિલ્મોમાં ખૂબ નામના મેળવી. તેમણે સજા, આન, ઉડન ખટોલો, ભાઈ-ભાઈ, કુંદન, મેરે મહેબૂબ સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમને બરસાત ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. તેમનું નામ નવાબ બાનોથી બદલીને નિમ્મી રાખવામાં આવ્યું હતું. તેમને પહેલી ફિલ્મથી લોકપ્રિયતા મળી હતી.

મોદી સરકારના રાહત પેકેજમાં ડહાપણ અને શાણપણ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જે  ઈકોનોમિક ટાસ્ક ફોર્સ રચના કરી હતી તે ટાસ્ક ફોર્સે પોતાનું ટાસ્ક (કામ) ફોર્સ સાથે શરૂ કરી દીધું છે. નાણાપ્રધાનના વડપણ હેઠળ આ ટાસ્ક ફોર્સે ગુરુવારે તેના બીજા પેકેજની જાહેરાત કરી હતી. હજી બેથી ત્રણ  પેકેજની આશા રાખી શકાય. કોરોના સામેની લાંબી લડાઈને ધ્યાનમાં રાખતાં વધુ રાહત આવશે. મોદી સરકાર ધીમી પણ મકકમ ગતિએ પગલાં ભરી રહી છે. પ્રથમ રાહત પેકેજમાં મોદી સરકારનું લક્ષ્ય ગરીબ અને વંચિત વર્ગ છે, હવે પછીની જાહેરાત માર્ચ અંતે અથવા એપ્રિલના પ્રથમ સપ્તાહમાં આવી શકે. રિઝર્વ બેંકની નાણાં નીતિમાં તો અવશ્ય જ આવશે. કોઈ કંઈ પણ કહે, મોદી સરકાર બહુ  સમજી-વિચારી અને પદ્ધતિસર આગળ વધી રહી છે. આમાં ડહાપણ અને શાણપણ સ્પષ્ટ દેખાય છે. નાના-મધ્યમ અને મોટા વેપાર-ઉદ્યોગ માટેની રાહત પણ પાઇપલાઇનમાં છે.

કોરોના સામેની લડત લાંબી છે, રાહતની યાદી પણ લાંબી બનશે 

પ્રથમ ગરીબજરૂરતમંદ વર્ગને આવરી લીધા  બાદ હવે પછી નાનાથી મોટા વેપારઉધોગ માટેનો વારો નકકી છેઃ રિઝર્વ બેંકની નાણાં નીતિમાં ચોકકસ આર્થિક રાહત આવશે, એમાં કોઈ બેમત નથી

જેની આતુરતાપુર્વક રાહ જોવાતી હતી એ આર્થિક રાહતના પગલાંની જાહેરાત આજથી (ગુરુવારથી) શરૂ થઈ હતી. નાણાપ્રધાન નિર્મલા સિતારમણે આમ તો આ બીજી જાહેરાત કરી છે, જોકે  પહેલા તબકકાની જાહેરાતમાં તેમણે કેટલીક વિધિ વિષયક કે વહીવટી રાહત આપી હતી, જેમ કે કરવેરાના નિયમો, વિધિ પતાવવા માટે વધુ સમય આપવો, વગેરે. હવે બીજી જાહેરાતમાં પીએમ ગરીબ કલ્યાણ યોજના મારફત ગરીબ અને અત્યંત જરૂરતમંદ વર્ગ માટે  1.70 લાખ કરોડના રાહત પેકેજ આપ્યું છે.

અમેરિકા અને આપણા દેશની રાહત

એક તરફ અમેરિકા જેવો  દેશ અબજો ડોલરના રાહત પેકેજ એક સાથે જાહેર કરીને અર્થતંત્રને કોરોનાને કારણે તૂટતું બચાવવા સખત પ્રયાસ કરી રહ્યો છે ત્યારે ભારત સરકાર આ કામ ધીમી ગતિએ શરૂ કર્યુ છે યા તેણે ધીમેથી શરૂ કરવું પડી રહ્યું છે, કારણ કે ભારત અને અમેરિકા અથવા અન્ય વિકસિત દેશો વચ્ચે ઘણા પ્રકારના ફરક છે. જે કાર્ય અન્ય દેશો માટે સરળ છે તે ભારત માટે  કપરું  છે. વાસ્તે, આ વિષયમાં મોદી સરકારની સમજણ વિના ટીકા કરવી વાજબી નહીં ગણાય. કહેવાય છે કે મોદી સરકારે તેના દરેક ખાતાના પ્રધાનો સાથે ચર્ચા ચાલુ રાખીને લાંબા ગાળાનો પ્લાન તૈયાર કર્યો છે, કેમ કે આ લડાઈ કેટલી લાંબી ચાલશે અને આગળ જતાં કેવો વળાંક લેશે એ હાલ કહેવું ખૂબ કઠિન છે. અત્યારના 21 દિવસનો લોક ડાઉનનો સમયગાળો બહુ સંવેદનશીલ છે. સરકાર માટે પહેલાં લોકોના જીવ બચાવવા વધુ મહત્ત્વની અને અગ્રતાની બાબત છે. જાન હૈ તો જહાન હૈની ફિલસૂફીને ધ્યાનમાં રાખી સરકારે પ્રથમ ચરણમાં લોકોને ઘરમાં જ રહેવાની સખત અને શિસ્તબદ્ધ સૂચના આપી, એ પછી બીજા ચરણમાં 21 દિવસના બંધનો ગાળો જાહેર કરાયો અને હવે આર્થિક રાહતના પેકેજની શ્રેણી શરૂ કરવામાં આવી છે.

સરકારની પ્રાધાન્યતા  ગરીબ વર્ગ

મિડિયા અથવા ચોકકસ વર્ગને એમ લાગતું હશે કે મોદી સરકાર રાહત પેકેજ જાહેર કરવામાં વિલંબ કરી રહી છે, કિંતુ આજે જે રીતે નાણાપ્રધાને જાહેરાત સાથે સંકેત આપ્યા એ સમજવા અને નોંધવા જેવા છે. સરકારનું પ્રથમ લક્ષ્ય અને પ્રાધાન્ય ગરીબ, શોષિત,પછાત અને બિન-સંગઠિત સેકટરમાં કામ કરતા વર્ગ છે, જેમાં સરકારે મહિલાઓને પણ ખાસ ધ્યાનમાં રાખી છે. લોકોના પેટમાં અનાજ પહોંચવું પ્રથમ જરૂરી છે એ સત્યને ધ્યાનમાં રાખી મોદી સરકારે ગરીબ કલ્યાણ યોજના હેઠળ અનાજની કેટલીક આઇટમ્સ જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ મુકત રીતે વહેંચવાનો નિર્ણય લીધો છે, જેની હેઠળ આશરે 80 કરોડ લોકો આવરી લેવાશે.  ગરીબોનાં બેંક ખાતાંમાં સીધાં નાણાં પહોંચે એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ભોજન માટે માત્ર અનાજ નહિ, બલકે ગેસનું કનેકશન પણ આવશ્યક હોવાનું નોંધીને સરકારે ત્રણ મહિના ત્રણ ગેસના બાટલા પૂરા પાડવાની જાહેરાત કરી છે.

ખેડૂત અને મહિલા વર્ગ

ખેડૂતોનાં બેંક ખાતાંમાં 2000 રૂપિયાની રકમ જમા કરવી, મનરેગા હેઠળ કામ કરતા કામદારોના વેતન વધારવા, વિધવા, દિવ્યાંગ વર્ગને રાહત આપવી, વગેરે મારફત પણ કરોડોની સંખ્યામાં લોકોને આવરી લેવાયા છે. આ ઉપરાંત દીનદયાળ યોજના હેઠળ કોલેટરલ વિના અપાતી લોનની રકમ મર્યાદા દસ લાખ રૂપિયાથી વધારી 20 લાખ રૂપિયા કરવામાં આવી છે, જેનો લાભ પણ આશરે 8 કરોડ મહિલાઓને મળશે.

સંગઠિત ક્ષેત્ર માટે બે જાહેરાત

સંગઠિત ક્ષેત્રમાં સરકારે હાલ એક જ જાહેરાત કરી છે, જે એમ્પલોયી પ્રોવિડન્ટ ફંડ (ઈપીએફ) માટેની છે. જેમાં 100 સુધીના કર્મચારી- કર્મચારીઓ કામ કરતા હોય એવા એકમોને આવરી લેવાશે. આ કેસમાં પ્રોવિડન્ટ ફંડની 12 ટકા રકમ કર્મચારીના અને 12 ટકા રકમ માલિકના ભાગે કપાતી હોય છે. સરકાર આ 24 ટકા રકમ ત્રણ મહિના સુધી પોતે ભરશે. નાના એકમો માટે આ હાલ બહુ મોટી રાહત ગણાય. આમાં 90 ટકા લોકો 15,000 રૂપિયા સુધીની માસિક આવક ધરાવે છે. આ સાથે ઈપીએફઓમાંથી  કર્મચારીઓને તેમના આ એકાઉન્ટમાંથી 75 ટકા સુધીની રકમ ચોકકસ ખર્ચ –જવાબદારી  માટે ઉપાડવાની સવલત અપાઈ છે, જે તેમની માટે રાહતદાયી પુરવાર થશે.

બાંધકામ ક્ષેત્રના કામદારો

બાંધકામ પ્રવૃતિ સાથે સંકળાયેલા કામદારો માટે તેમ જ માઈનિંગ વર્કર માટે પણ સરકારે રાજય સરકારોને  આ સેકટર માટેનું કલ્યાણ ભંડોળ વાપરવાની સૂચના આપી છે. જેથી કોઈ પણ વર્કર કોરોનાને કારણે અસરગ્રસ્ત હોય તો તેને નાણાં સહાય મળી રહે અથવા મેડિકલ સહાય ઉપલબ્ધ બને. મેડિકલ વર્કર તરીકે કામ કરતા ડોકટર, નર્સિસ તેમ જ સેનિટેશન વર્કર, વગેરેને 50 લાખ રૂપિયા સુધીનો વીમો ઓફર કરાયો છે, કારણ કે હાલ તેઓ કોરોના સામેની લડતના મોરચે  કામ કરી રહ્યા છે.

ટૂંકમાં નવીવધુ રાહત પાક્કી

તાજેતરમાં યુએસ સરકારે તેના અર્થતંત્રને સપોર્ટ કરવા 2 લાખ કરોડ ડોલરનું પેકેજ જાહેર કર્યુ છે, જેની સામે ભારત સરકારે આ એક શરૂઆત કરી છે. જોકે હજી મોદી સરકાર એક પછી એક પગલાં લાવશે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. મોદી સરકારની પ્રાધાન્યતા ગરીબ-વંચિત વર્ગ છે, એ પછી  નિમ્ન વર્ગ, મધ્યમ વર્ગ અને આખરે સમૃદ્ધ વર્ગ પણ આવશે, જેમને સરકાર એવી રીતે રાહત આપશે, જેનો અંતિમ લાભ પ્રજાને અને અર્થતંત્રને પણ  પહોંચે. મોદી સરકાર વતી હાલ નાણાપ્રધાને  કેટલાંક મુદ્દા બાબતે મગનું નામ મરી પાડયું નથી. જેમ કે  લોકોના હોમ લોનના હપ્તા, વેપારી વર્ગ કે કંપનીઓનાં બેંક લોનના હપ્તા,  તેમની માટે મર્યાદિત સમય માટે કરવેરાની રાહત, વગેરે. માર્ચ અંત સુધીમાં આ નવી જાહેરાત પણ આવવાની આશા પાકકી છે. સંભવત એપ્રિલમાં રિઝર્વ બેંકની નાણાં નીતિમાં આવી જાહેરાત આવી શકે છે.

વેપારઉદ્યોગને કઈ રાહતની અપેક્ષા

વર્તમાન દેશવ્યાપી લોક ડાઉનના કપરા સંજોગોમાં સરકારને સહકાર આપનાર નાના-મોટા વેપાર-ઉદ્યોગને ઇન્કમ ટેકસ, ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી)માં ચોક્કસ સમયગાળા માટે  રાહતની અપેક્ષા છે.  જો મોદીજી એમ કહેતા હોય કે આ વર્ગ તેમના કર્મચારીઓનો પગાર ન કાપે, તેમને સહાય કરે, તેમની નોકરી સાચવે, જેવી જવાબદારી તેમનાં પર નાખતા હોય તો આ વર્ગને એ મુજબ રાહત પણ આપવી જોઈએ. કારણ કે આ વર્ગ પણ ધંધાની મંદીથી ગ્રસ્ત અને ત્રસ્ત છે. સરકારે વર્તમાન સમયમાં  જે સેકટર  કોરોનાથી વધુ પ્રમાણમાં  અસરગ્રસ્ત છે તેને કર રાહત આપવી જોઈએ.  વ્યાજના દર ઘટાડી ધિરાણ માગ વધે અને તેને પગલે વપરાશ વધે એવું કરવું જોઈએ.  નોન-બેન્કિંગ ફાઈનાન્સિયલ કંપનીઝ માટે પ્રવાહિતાની સ્થિતિ સુધારવી જોઈએ, જેથી તે વધુ ધિરાણ કરવા સક્ષમ બને. જેમના લોનના હપ્તા ચાલુ છે એવા વર્ગ માટે ચોકકસ સમયગાળાની રાહત મળવાની આશા રખાઇ  છે.  બેંકોની એનપીએ (નોન-પફોર્મિંગ એસેટસ) વધવાની શક્યતા ને ધ્યાનમાં રાખી તેમાં રાહત મળવાની આશા રિઝર્વ બેંક પાસે  છે.  જે વેપાર-ઉદ્યોગની લોનની સમસ્યા છે તેમને તેમની પાત્રતા આધારે ધિરાણની  પુનઃચુકવણીના સમયપત્રકને બદલી આપવું જોઈએ. અમુક સમય માટે વ્યાજમાફી પણ આપી શકાય. બેંકોને આ માટે જનારી ખોટને સરકારે બીજી રીતે સરભર કરી આપવી જોઈએ. આ ઉપરાંત સ્વાસ્થ્ય સેકટર માટે વધુ ભંડોળ ફાળવણી કરવી જોઈએ. અલબત્ત, મોદી સરકારની યાદીમાં આ બાબતો હશે, તેથી આશા રાખીએ કે આ રાહત પણ નજીકના ભવિષ્યમાં આવે.

(જયેશ  ચિતલિયા)

 

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કરશે ઈલાજ કોરોનાનો

મુંબઈઃ ઍપોલો હૉસ્પિટલે આજે (26 માર્ચે) કોરોના વાઈરસ સામે બાથ ભીડવા કેટલાંક પગલાં લેવા વિશે અગત્યની જાહેરાત કરવા એક વર્ચ્યુઅલ અથવા વિડિયો પ્રેસ કૉન્ફરન્સ બોલાવી. બપોરે 12.45 વાગ્યે અમે પત્રકારો પોતપોતાના સ્માર્ટ ફોન, લેપટોપ કમ્પ્યૂટર સામે ગોઠવાઈ ગયા. સામે હતાં ઍપોલો હૉસ્પિટલનાં ગ્રુપ ચૅરમૅન ડૉ. પ્રતાપ સી. રેડ્ડી, વાઈસ ચૅરપર્સન ડૉ. પ્રીતા રેડ્ડી, એક્ઝિક્યુટિવ વાઈસ ચૅરપર્સન શોભના કામીનેની તથા ગ્રુપના નામાંકિત ડૉક્ટર્સ તથા વહીવટકારો.

પત્રકારપરિષદનો સાર એ કે હૉસ્પિટલને કોવિડ-19નાં પરીક્ષણ કરવા આઈસીએમઆર (ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રીસર્ચ)ની મંજૂરી મળી ગઈ છે અને આ શનિવારથી (28 માર્ચથી) દેશનાં પાંચ શહેરમાં આઈસોલેશન રૂમ્સ શરૂ કરી દેશે. રસપ્રદ વાત એ છે કે આ માટે સૌપ્રથમ વાર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદ લેવામાં આવી રહી છે. મતલબ તમે તમારું જાતપરીક્ષણ કરી શકશોઃ કોવિડ-19નું જોખમ તમને કેટલું છે અને એ નિવારવા શું કરવું, વગેરે તમે જાતે જાણી શકશો.

આ માટે તમારે આટલું કરવાનું છેઃ https://covid.apollo247.com/ આ વેબસાઈટની વિઝિટ લેવાની છે. વેબસાઈટ ઊઘડતાં તમને તમારી વય, સ્ત્રી છો કે પુરુષ, તમારા શરીરનું અત્યારનું તાપમાન, વગેરે માહિતી આપવાનું કહેવામાં આવશે… બસ, થોડી વારમાં તમને તમારું રિઝલ્ટ મળી જશે. યાદ રહે- હૉસ્પિટલે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન તથા ભારત સરકારની મિનિસ્ટરી ઑફ હેલ્થ ઍન્ડ ફૅમિલી વેલફૅરની માર્ગદર્શિકાને અનુસરીને આ ઑનલાઈન સ્કેન વિકસાવ્યું છે. એવું નહીં સમજતા કે તમે કોઈ એક્સ્પર્ટ મેડિકલ ઍડવાઈસ મેળવી રહ્યા છો.

(કેતન મિસ્ત્રી)

પ્રિન્સ ચાર્લ્સને મળી હતી કનિકા કપૂરઃ ફોટોઝ વાયરલ

નવી દિલ્હીઃ દેશ દુનિયામાં કોરોના સતત ફેલાઈ રહ્યો છે અને ઘણા જાણીતા ચહેરાઓ પણ તેનો શિકાર બની રહ્યા છે. તાજેતરમાં બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે. પ્રિન્સ ચાર્લ્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેની પત્ની કેમિલા પણ આઇસોલેશન થઈ ગયા છે. પ્રિન્સ ચાર્લ્સના કોરોના પોઝિટિવ હોવાના અહેવાલો બાદ તેમની એક તસવીર સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહી છે, જેમાં તે કનિકા કપૂર સાથે ઉભેલા જોવા મળે છે.

કનિકા કપૂર સાથેની તેની 2-3 તસવીરો વાયરલ થઈ રહી છે અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રિન્સ કોરોના ચેપ કનિકા કપૂરને કારણે છે. તસવીરો ઉપરાંત આ માહિતી પણ વાયરલ થઈ રહી છે કે કનિકા બ્રિટનથી જ કોરોના વાયરસ લઈને આવી છે.
હવે આ સોશિયલ મીડિયા દાવાઓમાં કેટલી સત્યતા છે જોકે આ તપાસમાં ખુલાસો થયો કે કનિકા કપૂર સાથે પ્રિન્સ ચાર્લ્સની આ તસવીરો સાચી છે અને ફોટોશોપ કરાઈ નથી. પરંતુ આ સાથે એક અન્ય મુદ્દો આવ્યો જે આ દાવાઓને ખોટા સાબિત કરે છે. કનિકા કપૂરની આ તસવીરો તાજેતરની નથી પરંતુ આ 2015 અને 2018 ની છે.

કનિકા કપૂર બ્રિટનમાં રહે છે અને તે 2015માં એક ઇવેન્ટ દરમિયાન લંડનમાં પ્રિન્સ ચાર્લ્સને મળી હતી. આ પછી બીજી તસવીર 2018 ની હતી જ્યારે કનિકા કપૂર પ્રિન્સ ચાર્લ્સના ફંક્શનમાં પર્ફોમ કરવા બકિંગહામ પેલેસ પહોંચી હતી. આમાંથી સ્પષ્ટ થઈ ગયું છે કે પ્રિન્સ ચાર્લ્સને કનિકા કપૂર દ્વારા કોરોના ચેપ લાગ્યો નથી અને સોશિયલ મીડિયા પર આ દાવા કરવામાં આવેલા ખોટા છે.

ઉલ્લેખનીય છે કે કનિકા 9 માર્ચે લંડનથી ભારત આવી હતી. જે બાદ તેને કોરોનાથી ચેપ લાગ્યો હતો. કનિકા હાલમાં આઇસોલેશનમાં છે અને તેની સારવાર ચાલી રહી છે. ભારત આવી ગયેલી કનિકા તે દરમિયાન ઘણા લોકોને મળી હતી અને ઘણા લોકો તેના સંપર્કમાં આવ્યા હતા. પ્રશાસન કણિકાના સંપર્કમાં આવેલા તમામ લોકોની તપાસ કરી રહી છે.

વિશ્વભરમાં હાલ આટલા લોકો લોકડાઉનમાં છે

નવી દિલ્હીઃ ચીનના વુહાન શહેરમાંથી જન્મેલા કોરોના વાયરસનો કહેર આખી દુનિયામાં ભયાનક સ્વરુપ ધારણ કરી રહ્યો છે. આ વાયરસની ઝપેટમાં અત્યારસુધીમાં 21 હજાર લોકોના મોત થયા છે વિશ્વના 198 દેશોમાં 4,68,905 લોકો આનાથી સંક્રમિત છે. કોરોના વાયરસ સામે લડવા માટે ભારત સહિત આખા વિશ્વમાં લોકડાઉન ચાલી રહ્યું છે. આશરે 3 અરબ જેટલા લોકો અત્યારે લોકડાઉનમાં જીવી રહ્યા છે.

કેટલાક દેશોમાં તો માત્ર એ જ દર્દીઓની તપાસ કરવામાં આવી રહી છે કે જેમને હોસ્પિટલમાં ભરતી કરવાની જરુર છે. 24 કલાકમાં જે દેશોમાં સૌથી વધારે મૃત્યુ થયા છે તેમાં સ્પેન સૌથી વધારે ઉપર છે. સ્પેનમાં 738, ઈટલીમાં 683 અને ફ્રાંસમાં 231 જેટલા લોકોના મોત થયા છે.

ઈટલીમાં ભયાનક તબાહી મચાવ્યા બાદ હવે સ્પેન કોરોનાના નિશાના પર છે. અહીંયા મૃત્યુનો આંકડો ચીનથી પણ વધારે આગળ નિકળી ગયો. સ્પેનમાં અત્યારસુધીમાં 3,647 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે ચીનમાં 3,287 લોકોના મોત કોરોના વાયરસના કારણે થયા છે. ઈટલીમાં અત્યારે પણ દુનિયામાં સૌથી ખરાબ સ્થિતિ છે. અહીંયા અત્યારસુધીમાં 7,503 જેટલા લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈટલીમાં 74,386 લોકો કોરોનાથી સંક્રમિત છે.

મૃત્યુના આંકડાના આધાર પર જોઈએ તો ઈટલી બાદ સ્પેન સૌથી વધારે પ્રભાવિત છે. અહીંયા કોરોના વાયરસના સંક્રમણના અત્યારે 49,515 મામલાઓ સામે આવ્યા છે. સ્પેન બાદ ચીન અને પછી ઈરાન છે. ઈરાનમાં 2,077 લોકો માર્યા ગયા છે અને 27,017 લોકો સંક્રમિત છે. આ મામલામાં ફ્રાંસ 5મા નંબર પર પહોંચી ગયા છે. ફ્રાંસમાં અત્યારસુધીમાં 25,233 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. બ્રિટનમાં ત્યારે કોરોનાના સકંજામાં આવતું દેખાઈ રહ્યું છે. અહીંયા કોરોનના સંક્રમણના 9,529 કેસો સામે આવ્યા છે. બ્રિટનમાં અત્યાર સુધીમાં 465 લોકો માર્યા ગયા છે. સ્થિતિ એ છે કે બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ કોરોના વાયરસ પોઝિટિવ જણાયા છે.

કોરોના સામે હવે દેશી સેનેટાઈઝર અને અગરબત્તીનું સંશોધન

રાજકોટ: એક તરફ સમગ્ર દુનિયાના વૈજ્ઞાનિકો કોરોના વાઈરસની વેક્સીન અને મહામારી રોકતી અટકાવવાના રસ્તા શોધી રહ્યા છે, ત્યારે બીજી તરફ આપણા અમુક સંશોધકો ય એમની પરંપરાગત સૂઝબૂઝ પ્રમાણે કોરોના સામે કામે લાગી ગયા છે.

આ રહયું એનું ઉદાહરણ.

કોરોનાની બચવા લોકોએ વારંવાર સેનેટરાઇઝરથી હાથ ધોવા જરૂરી છે એ વાત આવ્યા પછી બજારમાં સેનેટરાઇઝરની અછત સર્જાઇ છે અને ભાવ પણ વધારે થઇ ગયા છે ત્યારે ત્યારે રાજુલામાં રહેતા અને ફાર્મસી આયુર્વેદના ક્ષેત્રે છેલ્લા 25 વર્ષથી કામ કરતા એક યુવાને દેશી સેનેટાઈઝર અને દેશી અગરબત્તીનું સંશોધન કરી કોરોના સામે લડવા માટેનો એક પ્રયાસ હાથ ધર્યો છે.

અમરેલીના રાજુલામાં રહેતા મહેશભાઇ હાનાણીએ અત્યારની પરિસ્થિતિને જોતા આ કાર્ય કર્યું છે. આ પહેલા પણ એમે સ્વાઇન ફલુ વખતે એક આયુર્વેદ અગરબત્તી બનાવી બતી. મહેશભાઇ ચિત્રલેખા.કોમ ને કહે છે કોરોનાની બચવા માટે સતત સેનેટરાઇઝરથી હાથ ધોતા રહેવા જોઇએ, પણ અત્યારે બજારમાં મળતા આલ્કોહોલવાળા સેનેટરાઇઝરથી ઘણી જગ્યાએ મહિલાઓના હાથ દાઝયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે મેં દેશી સેનેટરાઇઝર બનાવ્યું છે જેનાથી જંતુઓનો નાશ થઇ શકે છે, આ સેનેટરાઇઝરથી હાથ ધોઇ શકાય છે સાથે સાથે એને કપડા પર પણ છાંટી શકાય છે. દેશી સેનેટરાઇઝર પાંચ ઔષધીમાંથી એક સ્ટીક રુપે બનાવ્યું છે. આ સ્ટીકને લોકો ગળામાં પણ પહેરી શકે છે અને પોતાના રુમાલમાં પણ લગાવી શકે છે. આ સેનેટરાઇઝર સસ્તુ પણ પડે છે.

વધુમાં કહે છે આ ઉપરાંત પાંચ સ્ટીકને અડધો લીટર પાણીમાં હલાવી નાખવાથી એ સેનેટરાઇઝર બની જાય છે, જેને સ્પ્રેમાં ભરીને ધરમાં પણ છાંટી શકાય છે. આયુર્વેદમાંથી બનેલા સેનેટરાઇઝરથી લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે. સાથે એક અગરબત્તી પણ બનાવી છે જેનો ધૂમાડો લેવાથી શરદી, તાવ, ઉધરસમાં રાહત મળે છે અને કિટાણુંનો નાશ થાય છે. આ ઉપયોગની સાથે લોકો એકબીજાથી દૂર રહે અને ઘરમાં રહી લોકડાઉનને સમર્થન આપે.

મહેશભાઇએ સંપૂર્ણ દેશી ઔષધિઓમાંથી દેશી સેનેટરાઇઝર બનાવી વાયરસના સંક્રમણની સુરક્ષા આપવાનો જે પુરુષાર્થ કર્યો છે તેને લોકોએ આવકાર્યો છે.

(જીતેન્દ્ર રાદડિયા-રાજકોટ)