હાથ ધોવાનું કહેનારા ડૉક્ટરને પાગલ ગણી દેવાયો

વિયેના જનરલ હોસ્પિટલમાં બે મેટરનિટી વૉર્ડ હતા. વિજ્ઞાન અને તબીબી શાસ્ત્ર આગળ વધતું રહ્યું હતું અને તે પ્રમાણે યુરોપમાં હોસ્પિટલો વધતી જતી હતી. જોકે હજીય દાયણ અને સુયાણી પ્રથા હતી અને પ્રસૂતિ ઘરે પણ થતી હતી. પરંતુ વિયેના જેવા શહેરમાં હોસ્પિટલ હોય ત્યારે હવે ત્યાં પણ પ્રસૂતાઓ આવતી હતી. વિયેના જનરલ હોસ્પિટલમાં એક વૉર્ડ હતો તેમાં મિડવાઇવ્ઝ કામ કરતી અને પ્રસૂતિ કરાવતી હતી. સાથે જ હોસ્પિટલમાં એક નવો વૉર્ડ પણ ઊભો કરાયો હતો, જ્યાં પુરુષ તબીબો અને તબીબી વિદ્યાર્થીઓ કામ કરતાં હતા.

1848માં વિયેના જનરલ હોસ્પિટલમાં એક નવા ડૉક્ટર આવ્યા ઇગ્નત સેમલવાઇઝ (આખું નામ અંગ્રેજી સ્પેલિંગમાં Ignaz Philipp Semmelweis – જર્મન ઉચ્ચાર ઇગ્નત) ત્યાં પુરુષ તબીબોના વૉર્ડમાં જોડાયા. વૉર્ડની સ્થિતિ સારી નહોતી. મૃત્યુનો દર 18 ટકાથી વધારેનો હતો. સુયાણી વૉર્ડમાં પ્રસૂતા મૃત્યુ દર ઓછો 2 ટકાથી થોડો વધારે હતો. સુયાણી વૉર્ડમાં જગ્યા ના મળે ત્યારે પુરુષ તબીબ વૉર્ડમાં આવવું પડે અને ગર્ભવતિ માતાને ચિંતા રહે.

આ વૉર્ડમાં બાળકના જન્મ પછી માતાને પ્યૂરપેરલ નામનો રહસ્યમય તાવ આવતો અને તેમાં મોત થતું હતું. પ્રસૂતિ પછી તાવ આવતો હોવાથી તેને ચાઇલ્ડબેડ ફિવર એટલે કે ‘પ્રસૂતાપથારી તાવ’ કહેવાતો હતો. તેનું બીજું એક નામ ડૉક્ટર્સ પ્લગ પણ પડી ગયું હતું અને તે ડૉક્ટરોને અપમાનજનક લાગતું હતું. ડૉક્ટરને કારણે જ મોત થાય છે તેવી આ વાત હતી, જે આગળ જતા ડૉ. સેમલવાઇઝને પાગલ કરી દેવાની હતી.

ડૉ. સેમલવાઇઝ જોડાયા ત્યારથી આ બાબતથી ચિંતામાં પડી ગયા હતા. તેઓ વિચારવા લાગ્યા હતા કે એક જ હોસ્પિટલમાં બે વૉર્ડ છે અને છતાં એકમાં પ્રસૂતાને તાવ અને મોત પામે એવું કેમ. તેમણે બધા પ્રકારની સરખામણી કરી. ભાગ્યે જ કોઈ ફરક દેખાતો હતો અને જે ફરક હતો તે દેખીતો હતો – તેમના વૉર્ડમાં પુરુષ ડૉક્ટરો અને મેડિકલ સ્ટુડન્ટ્સ કામ કરતા હતા, જ્યારે બીજા વૉર્ડમાં દાયણો કામ કરતી હતી. તે ફરકથી તાવ આવે તેવો કોઈ તર્ક મળતો નહોતો.

ડૉક્ટર પોતાની રીતે તપાસ કરતાં રહ્યા અને વિચારતા રહ્યા, પણ ઉકેલ સૂઝતો નહોતો. દરમિયાન એક ઘટના બની. એક સાથી ડૉક્ટરને પણ ‘પ્રસૂતાપથારી તાવ’ આવ્યો અને તેમનું મોત થયું. ડૉ. સેમલવાઇઝે ધ્યાનપૂર્વક સમગ્ર ઘટનાક્રમ ચકાસ્યો. તેમને ખ્યાલ આવ્યો કે સાથી પેથોલૉજિસ્ટ ચાઇલ્ડબેડ ફિવરથી મૃત્યુ પામેલી પ્રસૂતાના મૃતદેહની ઑટોપ્સી કરી હતી. એટલું જ નહિ, ઑટોપ્સી કરતી વખતે ગફલત થઈ અને તેમને સ્કાલપેલ આંગળીમાં વાગી ગઈ હતી. તે પછી તરત જ બીમાર પડ્યા. સતત વિચારોમાં ગૂંથાયેલા સેમલવાઇઝને ચમકારો થયો કે પેથોલૉજિસ્ટને મહિલાના શરીરમાંથી ચેપ લાગ્યો હશે.

તે વખતે હજી બેક્ટેરિયા વિશે બહુ સંશોધન થયું નહોતું અને બેક્ટેરિયા, વાઇરસ, જંતુથી ચેપ ફેલાય છે તેની શોધ થઈ નહોતી. ત્યારે એવું મનાતું હતું કે મોટા ભાગે હવામાં દુર્ગંધ સાથે ચેપ ફેલાતો હોય છે. તેથી ગંદકીની દુર્ગંધ દૂર કરવા પર વધુ ધ્યાન અપાતું અને સ્પર્શથી ચેપ ફેલાય તેવું સમજાયું નહોતું. ડૉ. સેમલવાઇઝ ધારણાઓ બાંધતા રહ્યા અને તેમને લાગ્યું કે મૃતદેહના સ્પર્શથી હાથમાં કોઈક પ્રકારના પાર્ટીકલ ચોંટતા હશે અને તે એકબીજાને ચોંટે તેનાથી ચેપ લાગતો હશે. આ તર્ક એટલા માટે તેમને ગળે ઉતર્યો કે દાયણ વૉર્ડમાં કામ કરતી સુયાણીએ મૃતદેહને બહુ સ્પર્શ કરવો પડતો નહોતો. તેમના વૉર્ડમાં પ્રસૂતાનો મૃત્યુ દર ઓછો હતો અને મૃત્યુ પછી ઑટોપ્સીનું કામ તેમણે નહોતું કરવાનું. તે કામ પુરુષ ડૉક્ટર્સ કરતા હતા.

આથી ડૉ. સેમલવાઇઝને સૂઝ્યું કે મૃતદેહની ચીરફાડ થઈ હોય તે પછી હાથને વધારે સારી રીતે ધોવા જોઈએ. આ માટે તેમણે પ્રયાગો શરૂ કર્યો. ઑટોપ્સી પછી ક્લોરિનેટેડ લાઇમ સૉલ્યૂશન તૈયાર કરાવીને તેમાં હાથ ધોવાનું ફરજિયાત બનાવ્યું. સાથે જ સ્કાલપેલ તથા બીજા તબીબી સાધનોને પણ તેમાં ધોવાનો નિયમ તેમણે બનાવ્યો. આ પ્રયોગ જબરદસ્ત સફળ રહ્યો. ઑગસ્ટ 1848 સુધીમાં પુરુષ તબીબોના વૉર્ડમાં પણ પ્રસૂતાનો મૃત્યુદર નાટકીય રીતે ઘટી ગયો. 18 ટકાથી વધારે રહેતો મૃત્યુદર હવે બે ટકાથી પણ ઓછો થઈ ગયો.

જોકે નવા આવેલા આ ધૂની મગજના ડૉક્ટરની વાત સાથીઓને ગમી નહોતી. શું કંઈ ડૉક્ટર બીજાને ચેપ લગાડે? શું ગાંડા જેવી વાત કરો છો… આવા પ્રતિસાદ મળતા હતા. તેમના વૉર્ડમાં લોકો કચવાતા કચવાતા હાથ ધોઇ લેતા હતા, પણ તેમની વાતને સૈદ્ધાંતિક રીતે સ્વીકારવા કોઈ તૈયાર નહોતી. તેમણે પણ ધારણા જ બાંધી હતી અને તેમની પાસે વૈજ્ઞાનિક પુરાવા હજી નહોતા. માત્ર આંકડાકીય રીતે તેમનો પ્રયોગ સાબિત થતો દેખાતો હતો. થોડા વર્ષ પછી તેમણે અભ્યાસપત્ર તૈયાર કરીને વિયેના મેડિકલ સોસાયટીમાં રજૂ કર્યો, ત્યાં પણ બીજા ડૉક્ટરોએ તેમની હાંસી ઉડાવી હતી.
ડૉ. સેમલવાઇઝ પણ માથા ફરેલા હતા અને તેમણે સૌની સાથે ઝઘડો કરેલો. મોટા પાયે બોલાચાલી થઈ ગઈ હતી. તેઓ બહુ મળતાવડા નહોતા કે સારી ભાષામાં સાયન્ટિફિક પેપર તૈયાર કરી શકે તેવા પણ નહોતા. કોઈ પ્રતિષ્ઠિત જર્નલમાં તેમનો અભ્યાસ પણ પ્રગટ થઈ શક્યો નહોતો. આ બધાથી તેઓ અકળાતા હતા અને બીજા ડૉક્ટરો અને સ્ટાફ સાથે તેમના સંબંધો પણ બગડતા રહ્યા હતા.

દરમિયાન વિયેના હોસ્પિટલના સત્તાધીશોને પણ ન જાણે શું સૂઝ્યું કે ફરજિયાત હાથ ધોવાની વાતને રદ કરી. તેમને લાગ્યું કે એક ડૉક્ટરના ધૂનીપણાને કારણે સ્ટાફને શું રોજરોજ હેરાન કરવો. મૃત્યુદર ઓછો થયો છે તેમ છતાં કાળજી લેવા સત્તાધીશો તૈયાર નહોતા.
નિરાશ થયેલા ડૉ. સેમલવાઇઝ પોતાના વિયેના હોસ્પિટલ છોડીને હંગેરીના પેસ્ટ નામના નગરમાં જતા રહ્યા. પેસ્ટની હોસ્પિટલમાં જઈને તેમણે સૌને હાથ અને સાધનો ધોવાની પ્રથા શીખવી. અહીં પણ સારું પરિણામ આવ્યું અને મેટરનિટી વૉર્ડમાં મૃત્યુ દરમાં ઘટાડો નોંધાયો. 1849માં તેમણે વિયેના જનરલ હોસ્પિટલ છોડી દીધી હતી અને પેસ્ટમાં ઘણા વર્ષ કામ કર્યું. છેક 14 વર્ષ પછી 1861માં તેમણે પોતાના અભ્યાસને વ્યસ્થિત રીતે લખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેમાંય સફળતા મળી નહોતી અને કોઈએ ગંભીરતાથી વાત લીધી નહિ.

આખરે 1865માં તેઓ માનસિક રીતે અસ્થિર થઈ ગયા. તેમને પાગલખાનામાં દાખલ કરવા પડ્યા હતા. એવું કહેવાય છે કે પાગલખાનામાં પણ તેઓ ઉગ્ર બની જતા હતા. ચોકિદારો સાથે ઝઘડો થયો અથવા તો તેમની ઉગ્રતાને કાબૂમાં રાખવા ચોકિદારોએ તેમને માર માર્યો હશે. તેના કારણે જ પાગલખાનામાં દાખલ થયાના 14મા દિવસે જ તેમનું મોત થઈ ગયું હતું. મારને કારણે મોત થયું હતું તેવું ક્યાંક નોંધાયું છે, જ્યારે એવી વાત પણ મળે છે કે તેમને હાથમાં વાગ્યું હતું ત્યાં પરુ થઈ ગયું હતું અને તેમાં મોત થયું હતું.

કમનસીબ જુઓ કે જેમણે ચેપ લાગે અને પરુ ના થાય તે માટે હાથ ધોવાની વાત દોઢ દાયકા સુધી કરી પણ કોઈએ માની નહિ. તે જ કારણે તેમનું મોત થયું. તેમની શોધ કેટલી સાચી હતી તે બાદમાં લૂઈ પાશ્વર સહિતના વિજ્ઞાનીઓએ બેક્ટેરિયા વિશે વધુ શોધ કરી ત્યારે જ ખ્યાલ આવ્યો હતો. તે જ સમયગાળામાં અન્ય કેટલાક વિજ્ઞાનીઓએ જુદી રીતે આ દિશામાં વિચાર્યું હતું, પણ હાથ ધોવાના ફાયદાને વૈજ્ઞાનિક ગણીને પદ્ધતિસર તેનો સ્વીકાર થતા બહુ વાર લાગી હતી. ઓલિવર વેન્ડેલ હોલ્મ્સ નામના વિજ્ઞાનીએ 1843માં પોતાના અભ્યાસપત્રમાં આવી જ વાત કરી હતી.

ઇંગ્લેન્ડમાં જેમ્સ યંગ સિમ્પસનને પણ અલગ રીતે પ્રયોગોથી લાગ્યું હતું કે હાથ જંતુનાશકોથી ધોવાથી ફાયદો થાય છે.
હવાથી ચેપ ફેલાવા કરતાં, એકબીજાના સ્પર્શથી, હાથના સ્પર્શથી પણ ચેપ ફેલાઇ શકે છે તે હવે મેડિકલ સાયન્સ સૌથી સારી રીતે જાણે છે. પણ સારી કક્ષાની લેબોરેટરી ના હોવા છતાં માત્ર અનુમાન અને તર્ક અને થોડા પ્રયોગથી એક સાદી વાત, પણ બહુ ઉપયોગી વાત શોધી કાઢકારા ડૉક્ટરને જીવતેજીવત જશ મળ્યો નહોતો. ઉલટાનું તેમને પાગલ અને ધૂની ગણીને ધુત્કારી કાઢવામાં આવતા હતા.

પ્રાચીન ઘણી શોધ બાદમાં જ સાબિત થઈ છે. લિયોનાર્દોએ પણ અનૅટમિનો બહુ અભ્યાસ કરીને અનેક વાતો શોધી કાઢી હતી, પણ તેમણે ક્યારેય તેને ગ્રંથમાં પ્રગટ કરી નહોતી. દાખલા તરીકે હૃદયના વાલ્વ કઈ રીતે ખોલબંધ થાય છે તેની અદભૂત શોધ લિયોનાર્દોએ પોતાની રીતે કરી હતી. તેના અનોખા ચિત્રો પણ દોર્યા હતા. તે વાત પાંચ સદી પછી આધુનિક સાયન્સે પ્રયોગો કરીને સ્વીકારી હતી. આજે કોરોનાના સમયમાં તો સામાન્ય નાગરિકો પણ ડૉ. સેમલવાઇઝની વાતને સ્વીકારીને હાથ ધોઈ રહ્યા છે. તમે સરખી રીતે હાથ ધોયા કે નહિ?