આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કરશે ઈલાજ કોરોનાનો

મુંબઈઃ ઍપોલો હૉસ્પિટલે આજે (26 માર્ચે) કોરોના વાઈરસ સામે બાથ ભીડવા કેટલાંક પગલાં લેવા વિશે અગત્યની જાહેરાત કરવા એક વર્ચ્યુઅલ અથવા વિડિયો પ્રેસ કૉન્ફરન્સ બોલાવી. બપોરે 12.45 વાગ્યે અમે પત્રકારો પોતપોતાના સ્માર્ટ ફોન, લેપટોપ કમ્પ્યૂટર સામે ગોઠવાઈ ગયા. સામે હતાં ઍપોલો હૉસ્પિટલનાં ગ્રુપ ચૅરમૅન ડૉ. પ્રતાપ સી. રેડ્ડી, વાઈસ ચૅરપર્સન ડૉ. પ્રીતા રેડ્ડી, એક્ઝિક્યુટિવ વાઈસ ચૅરપર્સન શોભના કામીનેની તથા ગ્રુપના નામાંકિત ડૉક્ટર્સ તથા વહીવટકારો.

પત્રકારપરિષદનો સાર એ કે હૉસ્પિટલને કોવિડ-19નાં પરીક્ષણ કરવા આઈસીએમઆર (ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રીસર્ચ)ની મંજૂરી મળી ગઈ છે અને આ શનિવારથી (28 માર્ચથી) દેશનાં પાંચ શહેરમાં આઈસોલેશન રૂમ્સ શરૂ કરી દેશે. રસપ્રદ વાત એ છે કે આ માટે સૌપ્રથમ વાર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદ લેવામાં આવી રહી છે. મતલબ તમે તમારું જાતપરીક્ષણ કરી શકશોઃ કોવિડ-19નું જોખમ તમને કેટલું છે અને એ નિવારવા શું કરવું, વગેરે તમે જાતે જાણી શકશો.

આ માટે તમારે આટલું કરવાનું છેઃ https://covid.apollo247.com/ આ વેબસાઈટની વિઝિટ લેવાની છે. વેબસાઈટ ઊઘડતાં તમને તમારી વય, સ્ત્રી છો કે પુરુષ, તમારા શરીરનું અત્યારનું તાપમાન, વગેરે માહિતી આપવાનું કહેવામાં આવશે… બસ, થોડી વારમાં તમને તમારું રિઝલ્ટ મળી જશે. યાદ રહે- હૉસ્પિટલે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન તથા ભારત સરકારની મિનિસ્ટરી ઑફ હેલ્થ ઍન્ડ ફૅમિલી વેલફૅરની માર્ગદર્શિકાને અનુસરીને આ ઑનલાઈન સ્કેન વિકસાવ્યું છે. એવું નહીં સમજતા કે તમે કોઈ એક્સ્પર્ટ મેડિકલ ઍડવાઈસ મેળવી રહ્યા છો.

(કેતન મિસ્ત્રી)