નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કે રેપો રેટમાં 0.75 ટકાનો મોટો ઘટાડો કર્યો છે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે કોરોના વાઇરસના પ્રકોપને જોતાં ધિરાણ નીતિની MPCની સમીક્ષા બેઠક 25થી 27 માર્ચ દરમ્યાન મળી હતી, જેમાં રેપો રેટ 0.75 ટકા ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે રેપો રેટ 4.40 ટકાએ આવી ગયો છે. આ પહેલાં રેપો રેટ 5.15 ટકાએ હતો. આ પહેલાં રિઝર્વ બેન્કે ફેબ્રુઆરી, 2020 અને ડિસેમ્બર, 2019માં રિઝર્વ બેન્કે ધિરાણ નીતિની સમીક્ષા કરતી વખતે રેપો રેટમાં કોઈ બદલાવ કર્યો નહોતો. રિઝર્વ બેન્કે વર્ષ 2019માં રેપો રેટમાં 135 બેઝિસ પોઇન્ટનો કાપ મૂક્યો હતો. રિઝર્વ બેન્કે રિવર્સ રેપો રેટમાં પણ 0.90 ટકાનો કાપ મૂક્યો હતો. જેથી રિવર્સ રેપો રેટ ઘટીને ચાર ટકા થયો હતો. રિઝર્વ બેન્કના શક્તિકાંત દાસે કહ્યું હતું કે રિવર્સ રેપો રેટમાં એટલા માટે કાપ મૂકવામાં આવ્યો હતો, કેમ કે RBI પાસે પૈસા જમા થવાને બદલે બેન્કો લોન આપવામાં ઉદાર વલણ અપનાવી શકે.
કોરોના વાઇરસને લીધે રેપો રેટમાં ધરખમ ઘટાડો
રિઝર્વ બેન્કે કોરોના વાઇરસને કારણે દેશમાં થયેલા લોકડાઉનને કારણે અસામાન્ય સંજોગો ઊભા થતાં રેપો રેટમાં ભારે ઘટાડો કર્યો છે. રેપો રેટમાં ઘટાડો થવાને પગલે હોમ લોન અને કાર લોનના માસિક હપતામાં ભારે ઘટાડો આવશે. જેથી લોનધારકો પર વ્યાજ બોજ ઘટશે.
રિઝર્વ બેન્કે બધી બેન્કોને માટે CRR ( કેશ રિઝર્વ રેશિયો) ચાર ટકાથી ઘટાડીને ત્રણ ટકા કર્યો છે. બેન્કો પાસે રોકડ (લિક્વિડિટી) વધુ રહે એ માટે બેન્ક દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેન્કનો આ નિર્ણય 28 માર્ચથી શરૂ થનારા પખવાડિયાથી લાગુ પડશે. રિઝર્વ બેન્કે બધી બેન્કોને CRRનો ઘટાડાનો લાભ એક વર્ષ સુધી આપવાની જાહેરાત કરી છે.
આ કોરોના આવ્યો ત્યારથી ક્વોરન્ટાઇન અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા શબ્દો ય સાથે લઇને આવ્યો છે. આજકાલ જેની બહુ ચર્ચા છે અને જેના માટે તબીબોથી માંડીને ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અપીલ કરી રહયા છે એ સોશિયલ ડિસ્ટન્સિંગ એટલે શું?
ચિત્રલેખાના વરિષ્ઠ પત્રકાર હીરેન મહેતા મુંબઇના જાણીતા તબીબો સાથે વાત કરે છે આ મુદ્દે અને કહે છે કે…
——————————————————-
કોરોના વાઈરસ ડિસીઝથી બચવા ઘરમાં પણ બધાથી સલામત અંતર રાખવાની સલાહ તબીબો કેમ આપે છે? આપણા દેશમાં એનો અમલ શક્ય છે? અને લાંબે ગાળે એની શું અસર થઈ શકે?
ડચ ભાષામાં એક શબ્દ છે “નિકેસન”. એનો અર્થ થાય કંઈ (કામ) ન કરવું અથવા તો એમને એમ બેઠા કે પડયા રહેવું.
નેધરલેન્ડ્સ (હોલેન્ડ)ની ડચ પ્રજા આમ તો બહુ કામઢી છે, પણ કામનો બોજ કે સ્ટ્રેસ વધી જાય તો આપણે અગાઉ જેમને વલંદા તરીકે ઓળખતા હતા એ ડચ પ્રજા થોડો સમય “નિકેસન” અપનાવી લે. મતલબ કે કઈ કામ ન કરે. પછી એટલો સમય એમના માટે બારી બહાર જોતાં બેસી રહેવું કે નિરુદ્દેશ્ય ચાલતાં રહેવું એ પણ પ્રવૃત્તિનો જ એક ભાગ.
કોરોના વાઈરસ ડિસીઝ એટલે કે “કોવિડ”ના કારણે દેશ આખામાં લાગુ થયેલા “લોક ડાઉન”થી મોટા લોકોએ અત્યારે ફરજિયાત ઘરમાં ભરાઈ રહેવાનો વારો આવ્યો છે. વાઈરસનો પ્રકોપ વકરે નહીં એ માટે લોકોને ઘર બહાર ન નીકળવાની સ્પષ્ટ સૂચના છે. મતલબ સાફ છે: માણસો એકમેકના સંપર્કમાં જેટલા ઓછા આવે એટલી વાઈરસ ફેલાવાની શક્યતા ઓછી. આવા કોઈ કારણસર માણસ ઓછું મળે, શક્ય એટલો અલિપ્ત રહે, સંપર્ક ઘટાડી નાખે કે સદંતર બંધ કરી દે એને સાઈકોલોજીની ભાષામાં “સોશિયલ ડિસ્ટન્સિંગ” તરીકે ઓળખવામાં આવે છે. એક પ્રકારે આ એકાંતવાસ થયો.
ઘણા ઋષિ-મુનિઓ વર્ષો સુધી એકાંતવાસમાં રહેતા હોવાનું આપણે બધાએ સાંભળ્યું હશે. જો કે એમના એકાંતવાસનો ઉદેશ્ય અલગ રહેતો. અત્યારે આપણને “સોશિયલ ડિસ્ટન્સિંગ” માટે સૂચના આપવામાં આવે છે એની પાછળ તબીબી કારણ છે.
મુંબઈના સાઈકિયાટ્રિસ્ટ ડૉ. રાજેન્દ્ર બર્વેચિત્રલેખા.કૉમ સાથેની વાતચીતમાં કહે છે કે સોશિયલ સાઈકોલૉજીના વિષયમાં “સોશિયલ ડિસ્ટન્સિંગ”ને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે, ખાસ તો સ્ત્રીઓ માટે. સમાજમાં, ઘરમાં, દરેક સભ્યનું અલાયદું-એક ચોક્કસ સ્થાન હોવું જોઈએ અને દરેકને સરખું માન મળવું જોઈએ. સંબંધમાં આમન્યા રાખીને કુટુંબનો દરેક સભ્ય એકમેક સાથે “સલામત અંતર” જાળવી શકે.
અલબત્ત, અત્યારે જે “સોશિયલ ડિસ્ટન્સિંગ”ની વાત થઈ રહી છે એને તબીબો જરા જુદી રીતે જુએ-મૂલવે છે.
ડૉ. બર્વે કહે છે: “અત્યારે વાઈરસના ચેપથી બચવા લોકો એકમેકથી દૂર રહે એવી અપેક્ષા છે. અગાઉ વાહનવ્યવહારના વિકલ્પ ઓછા હતા એટલે આમ પણ લોકો એકમેકને બહુ મળી શકતા નહોતા. હવે ભૌગોલિક અંતર ઓછું કરવા માટે લોકો પાસે અનેક સાધન છે. બીજી એક વાત નોંધવી જોઈએ કે અગાઉ લોકો પરંપરાગત સંસ્કાર યા અન્ય કોઈ કારણસર એકમેકને બહુ શારીરિક સ્પર્શ કરતા નહોતા. સ્ત્રી અને પુરુષ તો નહીં જ. હવે યુવાન-યુવતીઓ જાહેરમાં એકમેકને ભેટે છે, નજીક-નજીક બેસે છે અને સામસામે ગાલ પર કિસ પણ કરે છે. એમની ઉંમરે રોગ-પ્રતિકારક શક્તિ સારી હોય એટલે બહુ વાંધો ન આવે, અન્યથા આવા નજદીકી સંપર્કથી કોરોના જેવા વાઈરસ બહુ ઝડપથી પ્રસરી શકે છે. આ હકીકત ધ્યાનમાં લઈએ તો અત્યારની પેઢીએ પણ “સોશિયલ ડિસ્ટન્સિંગ”ની વાત સ્વીકારવી પડશે.”
ટૂંકમાં, બધા એકબીજાથી સલામત અંતર રાખે. કેટલાક તબીબો આ સંજોગોમાં લોકોને ઘરની બહાર નીકળવાની જ ના પાડે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રવિવારે એમના રાષ્ટ્રજોગ પ્રવચનમાં લોકોને “ઘરની લક્ષ્મણરેખા” ન ઓળંગવાની સલાહ આપી.
– પરંતુ, સવાલ એ છે કે આપણે ત્યાં એનો અમલ શક્ય છે?
સૌથી પહેલાં, પરિવારનો દરેક સભ્ય એકબીજાથી સલામત અંતર રાખવા દૂર દૂર રહી શકે એટલાં મોટાં ઘર આપણા દેશમાં કેટલા કુટુંબ પાસે છે?
જવાબ છે: દસ કે પંદર ટકા પાસે પણ નહીં. દેશની ઘણીખરી પ્રજા હજી ઝૂંપડાં જેવા ઘરમાં રહેતી હોય ત્યાં પરિવારના કોઈ એક સભ્યને “આઈસોલેશન” માટે અલગ રાખવાની જરૂર પડી તો એ માટે અલાયદી ઓરડી ક્યાંથી કાઢવાની? મુંબઈ જેવા શહેરમાં તો ઘણા કુટુંબ પાસે એક કે બે રૂમ-રસોડાથી મોટી જગ્યા હોતી નથી. આ હાલતમાં ઘણા લોકો સૂચનાનો ભંગ કરીને પણ ઘર બહાર આવી શકે!
આ સમસ્યાનો ઉકેલ એક જ છે કે ઘર બહાર- મકાનના પ્રાંગણ જેવી જગ્યામાં પણ એકદમ ટોળે ન મળો. શક્ય એટલા છૂટા બેસો અને કયાંય ગિરદી ન કરો.
મુંબઈની “પરિવર્તન ક્લિનિક” સાથે માઈન્ડફુલનેસ ટીચર તરીકે સંકળાયેલા ડૉ. રાજેન્દ્ર બર્વે કહે છે કે આપણી પ્રજા પૂર અને ભૂકંપ જેવી કુદરતી આફતથી પરિચિત છે. હવે આપણને સુનામીની વિનાશકતાનો પણ ખ્યાલ આવી ગયો છે, પરંતુ કોઈ વાઈરલ બીમારી આવી રીતે કરોડો લોકોને ઘરે બેસાડી દે એવી તો કલ્પના પણ કોઈએ કરી નહીં હોય. એક રીતે જોઇએ તો આ કોઈ યુદ્ધ નથી કે રમખાણ નથી, પણ આપણે એક નજરે ન પડતા દુશ્મન સામે લડી રહ્યા છીએ. લાંબા ગાળે આવી હાલત માણસમાં અસહાયતાની લાગણી પેદા કરી શકે.
ડૉ. રાજેન્દ્ર બર્વે ઉમેરે છે કે હવે પછીના દિવસોમાં લાખો લોકોનું સ્થળાંતર, નોકરી ગુમાવી દેવાનો ડર, પગાર મળવાની અનિશ્ચિતતા, લાંબા સમયની મંદી, વગેરે પણ મોટી સમસ્યા ઊભી કરી શકે છે. કોરોના વાઈરસ ડિસીઝે લોકોને એક મોટો આંચકો આપ્યો છે. આ સ્થિતિ અનેક લોકોને ડીપ્રેશન તથા આપઘાતના વિચાર તરફ પણ ધકેલી શકે છે. એટલું સારું છે કે આપણો દેશ હજી ઘણે અંશે સામાજિક તાણાવાણાથી બંધાયેલો છે એટલે ઘર, પરિવાર અને મિત્રો વચ્ચે મોટા ભાગના લોકો સચવાઈ જશે.
આવા કપરા ટાણે આટલું કરી શકાય:
* ફોન જેવા માધ્યમથી ઓળખીતા લોકો સાથે સંપર્ક જાળવો.
* પારિવારિક ઘનિષ્ઠતા મજબૂત કરો.
* સમયના અભાવે ભૂલાઈ ગયેલા શોખ પૂરા કરો. સમજો કે કુદરતે સામે ચાલીને તમને એ માટે અવસર આપ્યો છે.
માઉન્ટ આબુઃ આધ્યાત્મિક સંસ્થા બ્રહ્માકુમારીઝનાં મુખ્ય પ્રશાસિકા રાજયોગિની દાદી જાનકીનું શુક્રવાર, 27 માર્ચે બહ્મમુહૂર્તમાં વહેલી સવારે સવા બે વાગ્યે નિધન થયું છે. તેઓ 104 વર્ષનાં હતાં. એમનાં ટ્વિટર હેન્ડલ પર આ સમાચારની જાણકારી આપવામાં આવી હતી.
આ સમાચારને પગલે દેશ-વિદેશમાં પ્રસરેલા બ્રહ્માકુમારી સંસ્થાનાં લાખો અનુયાયીઓમાં શોકની લાગણી ફરી વળી છે.
દાદી જાનકીએ માઉન્ટ આબુની ગ્લોબલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો હતો.
માઉન્ટ આબુમાં જ આવેલા સંસ્થાના મુખ્યાલય શાંતિવનમાં આજે બપોરે 3.30 વાગ્યે એમનાં અંતિમસંસ્કાર કરવામાં આવશે.
રાજયોગિની દાદી જાનકી કેન્દ્ર સરકારની સ્વચ્છ ભારત ઝુંબેશનાં બ્રાન્ડ એમ્બેસેડર હતાં.
Dear friends, With loving thoughts, we wish to inform you that our beloved Dadi Janki, Spiritual Head of the Brahma Kumaris, passed on from this physical life, at 2am, India time on Friday 27th March. pic.twitter.com/fag6ZyRCub
મુંબઈઃ યસ બેન્કના સ્થાપક રાણા કપૂરે એવી દલીલ સાથે પોતાને જામીન પર છોડવાની અરજી કરી છે કે જો પોતે જેલમાં રહેશે તો એને કદાચ નોવેલ કોરોના વાઈરસનો ચેપ લાગી જશે.
રાણા કપૂરને મની લોન્ડરિંગ કેસના સંબંધમાં નવી મુંબઈની તળોજા જેલમાં પૂરી દેવામાં આવ્યા છે. એમની સામેના કેસની તપાસ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ એજન્સી કરી રહી છે.
પોતાની જામીન અરજીમાં રાણા કપૂરે એવો દાવો કર્યો છે કે એમનું હાલનું સ્વાસ્થ્ય જોતાં એવું લાગે છે કે એમને જેલમાં કોરોના વાઈરસ લાગુ પડવાનું મોટું જોખમ છે.
કપૂરે એમના લોયર સુભાષ જાધવ મારફત જામીન અરજી નોંધાવી છે.
કપૂરે એવો દાવો કર્યો છે કે પોતાને ઘણા સમયથી શ્વાસની તકલીફ રહે છે જેને કારણે ફેફસાંમાં ચેપ લાગે છે, સાઈનસ થાય છે અને ચામડી પર ચેપની તકલીફ ઊભી થાય છે.
કપૂરે અરજી મારફત કોર્ટને એમ પણ જણાવ્યું છે કે પોતે છેલ્લા દોઢેક વર્ષથી તીવ્ર હાઈપરટેન્શન, ચિંતા અને ડીપ્રેશનથી પીડાય છે.
કપૂરે વધુમાં કહ્યું છે કે પોતાને નાનપણથી બ્રોન્કિઅલ અસ્થમા પણ છે, જેને કારણે એમને ફેફસાંમાં ચેપ લાગવાનું મોટું જોખમ રહે છે જેને કારણે એમનું મૃત્યુ પણ થઈ શકે.
હાલ જે કોરોના વાઈરસ ફેલાયો છે એને કારણે પોતાને ફેફસાંમાં ગંભીર ચેપ લાગી શકે છે અને એમનું આ ઉંમરે મૃત્યુ પણ થઈ શકે છે, એમ 62 વર્ષના કપૂરે વધુમાં જણાવ્યું છે.
કોર્ટ આ જામીન અરજી પર આવતા સોમવારે નિર્ણય લેશે. કોર્ટે જેલના સત્તાવાળાઓને આદેશ આપ્યો છે કે તેઓ કપૂરના આરોગ્યની કાળજી લે.
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એજન્સીએ પણ રાણા કપૂર સામે પ્રોડક્શન વોરંટ મેળવ્યું છે અને યસ બેન્ક દ્વારા ડીએચએફએલ કંપનીનને આપવામાં આવેલા રૂ. 3,700 કરોડના સંબંધમાં એમની ધરપકડ કરે એવી પણ શક્યતા છે.
સીબીઆઈએ પોતાની એફઆઈઆરમાં એવો આરોપ મૂક્યો છે કે રાણા કપૂરના પરિવારે ઈન્વેસ્ટમેન્ટ માટે રૂ. 600 કરોડની કટકી લીધી હતી.
કોરોના વાઈરસને કારણે 21-દિવસના કરાયેલા લોકડાઉનને પગલે મુંબઈમાં જનજીવન સંપૂર્ણપણે સ્થગિત થઈ ગયું છે. 26 માર્ચ, ગુરુવારના રોજ મધ્ય મુંબઈના જાણીતા વિસ્તારોની આ તસવીરો છે, જે સામાન્યપણે માનવીઓની અવરજવર અને વાહનવ્યવહારથી કાયમ ધમધમતા હોય. ઉપરની તસવીર પ્રભાદેવીના સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરની છે. જે હાલ બંધ કરી દેવાતાં એકેય ભક્ત નજરે પડતા નથી. (તસવીરોઃ દીપક ધુરી)
પડોશના થાણે જિલ્લાના મિરારોડ ઉપનગરની શાકભાજી માર્કેટ - લોકો ખરીદી માટે લાઈનમાં ઊભા છે
એ કહેવાની જરૂર નથી કે આજે કોરોના વાયરસને લઈને સમગ્ર વિશ્વમાં મૉલ, રસ્તાઓ અને ફ્લાઇટ તથા ટ્રેનો પણ સેનેટાઇઝ થઈ રહી છે. કોરોના વાયરસે માનવજાતને સંકટમાં મૂકી દીધી છે.
પણ આજે વાત એની નથી કરવી. બહારના આ વાઇરસના ખતરા સામે તો બધા લડીશું જ, પણ આજે વાત કરવી છે અંદરના વાઇરસની. આપણી સ્વાર્થી જીવનશૈલી જ રીતે આજે પ્રકૃતિ માટે, પર્યાવરણ માટે અને સમાજ માટે વાઇરસ બની ચૂકી છે એની. દેખીતી રીતે જ એ વાઇરસ સામે આ બહારી ચીજવસ્તુને સેનેટાઇઝ કરીને નહીં લડી શકાય. એના માટે તો આપણે આપણી જાતને અંદરથી સેનેટાઇઝ કરવી પડશે.
હા, આજે જ્યારે દેશમાં 21 દિવસ લોકડાઉનની સ્થિતિ જાહેર કરાઇ છે ત્યારે આપણને આત્માને સેનેટાઇઝ કરવાનો ઉત્તમ સમય મળ્યો છે. આમ પણ, આ 21 દિવસ શું કરવું એ સૌથી મોટો સવાલ છે!
ત્રણ કામ છે જે આપણે આ એકવીસ દિવસમાં કરી શકીએ. આપણે માનવજાત જ્યારે જ્યારે કુદરતી આફતો કે મુશ્કેલીમાં ફસાઈએ છીએ ત્યારે ઈશ્વરને યાદ કરી ભવિષ્યમાં તકેદારી લેવાનાં મનોમન સોગંદ પણ ખાઈએ છીએ. પણ પછી શું? કોઈ તકેદારી લઈએ છીએ ખરા?
૨૨ માર્ચે જ્યારે જનતા કરફ્યૂ જાહેર કરવામાં આવ્યો ત્યારે ફરજિયાત તમામ શહેરોમાં લોકો ઘરમાં ભરાઈ રહેલા. આ દિવસે અમદાવાદમાં હવાનું પ્રદુષણ માપવામાં આવેલું જે સામાન્ય દિવસો કરતાં ઘણું જ ઓછું બતાવતું હતું. અમદાવાદ જ નહીં, દેશના બધા જ શહેરોમાં આ સ્થિતિ હતી. આ એક દિવસના કરફ્યુથી વાતાવરણની શુદ્ધતામાં ખાસ્સો વધારો થયેલો નોંધાયો. એના પરથી આપણે વિચારવાનું છે કે આપણે પર્યાવરણને કેટલું નુકશાન પહોંચાડી રહ્યા છીએ. છેલ્લા થોડા સમયથી સ્વચ્છતા બાબતે સરકાર પણ કડક બની છે અને એ કારણથી લગભગ ભારતભરમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવી છે. ગીરનું જંગલ અને સોમનાથનો દરિયો એ ગુજરાતનું અત્યંત રમણીય સ્થળ ગણાતું. આ સ્થળો આપણી ધરોહર હતી. કુદરત સાથે જોડાવા માટે સૌરાષ્ટ્રના આ બન્ને સ્થળો પ્રકૃતિના ખોળા જેવા હતા. જેમજેમ પર્યટકો વધતા ગયા એમ એમ જંગલો કપાઈને હોટલો બનતી ગઈ અને દરિયો પણ ટૂંકાવીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાઈ રહ્યો છે ત્યારે કુદરતના પ્રકોપ સમો કોરોના જાણે કે પ્રલય બનીને આવ્યો છે. આવનારા 21 દિવસ આપણે પ્રતિજ્ઞા લઈએ કે કુદરતે આપેલા આ સંકેતને સમજીને કેટલાક અતિ મહત્વના કર્યો કરીને ઈશ્વરે આપેલા આ સુંદર જીવન બદલ એમનો આભાર માનીએ.
પર્યાવરણનું જતન કરીએ
પર્યાવરણને નુકશાન કરતું સૌથી મોટું પરિબળ હોય તો એ છે વાહનો. આજની પેઢી શારીરિક શ્રમ માટે જીમ પસંદ કરે છે. જીમમાં તગડી ફી ચૂકવીને એક કલાક સાઈકલિંગ કરવું છે, પણ જીવનશૈલીમાં થોડો બદલાવ લાવીને પેટ્રોલના ધુમાડા, અવાજનું પ્રદુષણ અને ટ્રાફિક સમસ્યાને નિવારવા રોજ-બ-રોજના કામમાં સાઈકલનો ઉપયોગ નથી કરવો. જો કે અમુક શહેરોમાં સાઈકલિંગને પ્રોત્સાહન આપવા માટે અને એ રીતે પર્યાવરણની જાળવણી માટે સાઇકલ સેન્ટર શરૂ થયા છે જે ખૂબ જ આવકાર્ય છે. બહુ જ આયોજનપૂર્વક દરેક બાબતના વિચાર પછી જે રીતે આ સેન્ટર શરૂ કરાયા છે એને ખૂબ સારો પ્રતિસાદ મળે તો પર્યાવરણને થતું નુકશાન કંઈક અંશે અટકાવી શકાય. લોકડાઉન દરમ્યાન આપણે જરૂર પૂરતું જ બહાર નીકળીએ, શુદ્ધ હવામાં ઘરની અગાસી પર વ્યાયામ કે યોગાસન કરને જાતને તંદુરસ્ત રાખીએ અને પ્રકૃતિને ભરપૂર માણીએ. સામાન્ય સંજોગોમાં ભાગ્યેજ ઘરના બગીચાના એકા’દ ફુલને ધ્યાનથી જોવાતું હશે તો, અત્યારે મળેલા સમયમાં ઘરના બગીચાને પણ જીવંત બનાવીએ. કલાકો સુધી બગીચામાં બેસીને હળવું સંગીત સાંભળવાનો આનંદ જ ઓર હોય છે. 21 દિવસ દરમ્યાન જો આવી પ્રવૃત્તિને દિનચર્યા બનાવી દેવામાં આવે તો 21 દિવસ પછી આપણને આપણે નવા રૂપમાં મળી શકીશું.
શોખને ફરી જીવંત કરીએ, નવા શોખ કેળવીએ
બાળક હોય કે વડીલ, દરેકને કોઈ શોખ હોય છે. દરેકમાં કોઈ ટેલેન્ટ રહેલી હોય છે. ભણતર, નોકરી, ઘરકામ અને પોતપોતાની જવાબદારીઓનાં બોજ તળે એ તમામ શોખ કે આવડત દબાઈને રહી જતી હોય છે. ક્યારેક કોઈ જૂના સંભારણામાં આવા શોખની એકા’દ ઝલક મળી આવે ત્યારે મન આનંદ અને વિષાદથી ભરાઈ જતું હોય છે. સમયની ખેંચતાણમાં આપણામાં રહેલી વાંચન, ડ્રોઈંગ, પેઇન્ટિંગ, સિગિંગ અને આવી કેટલીય કુશળતાને એક બોક્સમાં પૂરી દીધા હોય છે.
ચાલો, આજે એ બોક્સને ખોલીએ. સારા પુસ્તકો વાંચીએ, મોબાઇલ ફોનની સ્ક્રીન તો સતત વાંચીએ છીએ, પણ આ દિવસોમાં એકાદ પુસ્તક પણ બાથમાં ઝાલીએ અને હદયમાં ભરીએ. ખૂબ હોંશથી વસાવેલા પુસ્તકની ધૂળ ઉડાડી એને પણ પહેલા જેટલો પ્રેમ આપીએ. ગમતું બધું જ કરીએ. મનને ગમતી બધી જ પ્રવૃત્તિ જાતને રિજુવીનેટ કરવા માટે પર્યાપ્ત છે. આ પ્રવૃતિથી પ્રફુલ્લિત થઈ જતું મન છેક આત્માને સેનેટાઈઝ કરે છે.
પરિવાર સાથે યાદગાર સમય વીતાવીએ
છેલ્લે ક્યારે આખા પરિવારે સાથે બેસીને વાત કરી હશે? કોઈ આવું પૂછે તો માથું ખંજવાળવું પડે. આજની દોડધામ ભરી જિંદગી અને મહત્વાકાંક્ષાઓ તથા સપનાઓનો બોજ એટલો વધી રહ્યો છે કે એકજ ઘરમાં રહેતા દરેક સભ્યો અલગ અલગ જિંદગી જીવે છે. દરેકને પોતાનો રૂમ, પોતાનું ટીવી, પોતાના ફોન અને પોતાની વર્ચ્યુઅલ દુનિયા. આ બધામાં આપણે પરિવારની હસી-ખુશી કે હળવાશની પળોને ભૂલી જ ગયા છીએ. એક જ ઘરમાં, એક જ રૂમમાં બેઠેલી ઘરની ચાર વ્યક્તિ પોતપોતાના સેલફોનમાં મોં નાખીને બેઠી હોય એ દ્રશ્ય ઉછીનું લેવા જવું પડે એમ નથી. ક્યારેય એવો વિચાર આવ્યો છે કે જે રીતે કોરોના વાયરસ એકબીજાના સંપર્કમાં આવવાથી પણ ફેલાઈ રહ્યો છે એવી જ રીતે ક્યારેક કોઈ એવો જીવલેણ વાયરસ આવ્યો કે જે મોબાઇલ ફોનને અડકવાથી ફેલાશે તો શું થશે? આ કલ્પના માત્ર સમગ્ર માનવજાતને ધ્રુજાવી નાખનાર છે. Nothing is impossible કયારેય પણ કશું પણ બની શકે છે. માટે આવો, એ એકવીસ દિવ પરિવાર સાથે જીવીએ. સાથે મળીને ઘરના નાના-મોટા કામ કરવા, સાથે બેસીને વિસરાઈ ગયેલી રમતો રમવી, જૂના ફોટોગ્રાફ જોઈને વીતેલા સમયની એ પળોને યાદ કરવી, બાળકોને સાંભળવા અને જીવનના મૂલ્યો વિશે પોતાની જિંદગીમાંથી શીખ આપવી- આ સમય જિંદગીભરનું સંભારણું બની રહેશે. જીવનની જરૂરિયાતોને પૂરી કરવાની દોડધામમાં બાળકના બાળપણને નહિ માણી શકયાનો અફસોસ લગભગ દરેક માતા-પિતાને થતો હોય છે. આપણને આ સમયે એક તક મળી છે કે આપણે આ અફસોસને આનંદમાં ફેરવી શકીએ. આવો ક્વોલિટી ટાઈમ મન અને આત્માને સેનેટાઇઝ કરવા માટે પૂરતો છે.
માણસ માત્રને જીવનથી, અડોશપડોશથી, સ્નેહીજનોથી અને ખુદથી પણ અનેક ફરિયાદો છે. માન્યું કે લોકો ખરાબ છે, દુનિયા ખરાબ છે, સમય અને સંજોગ ખરાબ છે, કિસ્મત ખરાબ છે…
-પણ આ બધા વચ્ચે આ 21 દિવસ જાતને એનલાઈઝ કરીને આત્માને સેનેટાઇઝ કરવા માટે ખૂબ જ સારો સમય છે. તો ચાલો, રાહ કોની છે? જે મળ્યું છે એને મન ભરીને જીવી લઈએ. શાહરુખાનની ફિલ્મ ‘કલ હો ન હો’ ના ગીતની જેમ જ…
हर घड़ी बदल रही है रूप ज़िन्दगी, छाँव है कभी कभी है धूप ज़िन्दगी,
हर पल यहाँ जी भर जियो, जो है समाँ कल हो न हो।
આજના દિવસે સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકા ની તકલીફથી સાચવવું, વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, ખરીદી પાછળકે ફરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય અને તેનો થોડો અજંપો તમારી શાંતિને ખલેલ પોહ્ચાડી શકે છે
આજનો દિવસ સારી રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ રહે તેવા સંજોગો બને અને નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, ધાર્મિકકાર્ય હેતુ ક્યાક મુસાફરી થાય અને તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય, તમે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવું બની શકે
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સારી રીતે સમય પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, હરવાફરવામાં ઉત્સાહ સારો જોવા મળે, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિતકે જુનાસંપર્ક દ્વારા તમને તમારા કામમાં સારો પ્રતિસાદ જોવા મળી શકે છે
આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું, પાડવા,વાગવા,કફ,છાતી,પ્રેસરજેવી તકલીફથી સાચવવું, માર્કેટિંગક્ષેત્રમાં મહેનત કરતા ઓછું ફળ મળે તેવું બની શકે છે, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે
આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમાં થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ,યુનિફોર્મવાળી નોકરી,સોનાઝવેરાત,ફાર્મા જેવા ક્ષેત્રમાં કામકરનારને માનસિકથાકની લાગણી અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમાં તમને સમયનો વ્યય વધુ જોવા મળી શકે છે.
આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો જુના કામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ બની શકે છે, તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય કે તેમાં તમને કોઇ મદદ કરતા મળે તેવું પણ બની શકે છે, વેપારમાં યોગ્ય ગણતરીપૂર્વક કામકાજ કરવાથી લાભ થઈ શકે છે
આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટી લોકોથી દુર રહેવાની જરૂર છે , ક્યાય કોઇપણ બાબતની મિલનમુલાકાત કરવાની હોય તે દરમિયાન વાર્તાલાપમાં ધ્યાન આપવું કે જેથી કોઇપણ પ્રકારની ગેરસમજ ટાળી શકાય.
આજનો દિવસ સરસ છે અને તેમાં પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણીમાં ખુબજ વધારો થાય, તમારા કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય. વેપારમાં લાભની વાત સંભાળવા મળી શકે છે. પ્રિયજન તરફથી સારો આદરભાવ જોવા મળે અને ક્યાંક નાનાઅંતરની યાત્રા પણ થઈ શકે
આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, યુવાવર્ગ માટે મશ્કરીમજાક જેવી બાબતથી દુર રહેવાની સલાહ છે. વેપારમાં કોઈ મોટાનિર્ણય લેતા પહેલા વાતને ચકાસવી યોગ્ય કહી શકાય.
આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે, ક્યાંક મુસાફરી થઈ શકે છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવા યોગ પણ છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, પ્રિયજન સાથે કોઈ ખરીદીકે ફરવાના પ્રસંગ બને અને તેમાં તમને સારી લાગણીનો અનુભવ થાય.
આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમાં વ્યસ્ત વધુ રહેવાય તેવા સંજોગો બની શકે છે, જુના કોઈ કામમાં અટવાવતો તેમાં જલ્દીથી ઉકેલન આવે અને સમયનો વ્યય થાય તેવું બની શકે છે, માનસિક થાકની લાગણી તમે વધુ અનુભવો. વેપારમાં નાનું કામ કરવું યોગ્ય છે.
આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમાં તમારી ગણતરી મુજબ કામ થાય તેવું બની શકે છે, મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામાં ધાર્મિકભાવના સારી રહે અને કોઈક જાત્રા કરવા જવાના વિચાર વધુ જાગે.
સાહેબ. એક ખાનગી વાત કરવી છે. તમને નવાઈ લાગશે કે કોઈ પોતાની ખાનગી વાત જાહેરમાં થોડી કરે? તમે વાંચશો તો એનું કારણ સમજાઈ જશે. હું ભારતીય છુ પણ ભારતમાં નથી રહેતી. હું એક ભારતીયને ત્યાં નોકરી કરું છુ. એ લોકો મને ભારત થી લઈને આવ્યા. મારા પતિ પાસે કામ ન હતું એટલે મારે અહી આવવાનું થયું. હું જેમના ઘરે આવી એમના બાળકો યુવાન હતા. દરરોજ રાત્રે મિત્રોને મળવા જવાનું, પાર્ટી કરવાની આવી આદતો. મને ન ગમે પણ મારાથી બોલાય થોડું? એક દિવસ અચાનક એમના દીકરાને બહુજ ઉધરસ આવવા લાગી. મને ચિંતા થઇ એટલે હું મારી રૂમમાંથી જરૂર પુરતી બહાર નીકળતી. આમ પણ એ છોકરો મોડેથી આવતો. એની રૂમમાં મોટા ભાગે રહેતો અને મને એની રૂમમાં સફાઈ માટે પણ જવાની છુટ ન હતી. એક દિવસ અચાનક એ ગાયબ થઇ ગયો. ઘરમાં સોપો પડી ગયો. થોડા સમય પછી મારા બેન એટલેકે માલિક પણ ગાયબ થઇ ગયા. મેં પૂછ્યું તો એમની નાની દીકરીએ જણાવ્યું કે બંને ને દવાખાને લઇ ગયા છે. કોરોના નામની કોઈ બીમારી થઇ છે. હું બહુ ભણી નથી. મેં ઘરે ફોન કરીને વાત કરી તો ઘરે પણ કોઈને બહુ ખબર ન હતી. મારા બેન ગુજરી ગયા. અમને બધાને ઘરમાં અલગ અલગ રૂમમાં પૂરી દીધા અને બેનનું મો પણ જોવા ના દીધું. બાપ, આપણે આવા દેશમાં ન રહેવાય. પણ શું થાય? થોડા દિવસમાં એમનો દીકરો ગુજરી ગયાના સમાચાર આવ્યા. ધીમે ધીમે ઘરના લોકો ખાલી થઇ રહ્યા છે. હવે એક સોળ વરસની છોકરી અને હું બંને ઘરમાં છીએ. મને હજુ આ દેશ વિષે કાંઈજ ખબર નથી.
કાલે ઘરે ફોન કર્યો તો એમને પણ ચિંતા થાય છે. એમણે તપાસ કરી અને જેમના દ્વારા મને આ કુટુંબ સાથે ઓળખાણ કરાવી છે એમને પણ વાત કરી તો મારે ભારત આવવાના દરવાજા બંધ થઇ ગયા છે. હું જેમના ઘરમાં છુ એમાંથી મોટા ભાગના દવાખાને છે. મારો અને બેબીબેનનો રીપોર્ટ નોર્મલ આવ્યો છે. શું આ મકાન બધાનો ભોગ લે છે? મારે શું કરવું જોઈએ? મને ખુબ ડર લાગે છે. કોઈ વિધિ કરવાથી આ શ્રાપમાંથી મુકતી મળે ખરી?
બહેનશ્રી, તમારી વાત ખરેખર આઘાત જનક છે. અને અહી ભારતમાં ઘણાબધા લોકો માટે એ મદદગાર પણ થશે. સહુથી પહેલા તો તમે અંધશ્રદ્ધામાંથી બહાર આવી જાવ. કોરોના વાયરસ માત્ર એ એક પરિવારને અસર નથી કરી રહ્યો. એ વિશ્વના ઘણા બધા દેશમાં ફેલાયેલો છે. જ્યાં જ્યાં લોકો પોતાની જાતને અન્યથી અલગ કરી રહ્યા છે ત્યાં એ લોકો પોતાને બચાવી રહ્યા છે. આ વાયરસ વિષે સંપૂર્ણ માહિતી હજુ સુધી કોઈની પાસે નથી. તેથીજ સાવચેતી રાખવી ખુબજ જરૂરી છે. તમે અજાણતા એ સાવચેતી રાખી છે. તમારા માટે એક સારા સમાચાર એ છે કે તમારા રીપોર્ટ નોર્મલ આવ્યા છે અને તમને ચેપ નથી લાગ્યો. બીજી સારી વાત એ છે કે તમે એ દેશમાં નવા છો. તેથી તમે અન્ય કોઈના સંપર્કમાં આવ્યા નથી. તમે ઘરની બહાર ન નીકળશો. બની શકે ઘરના બાકીના લોકો સજા થઈને પાછા આવી જાય. પેલા છોકરાની એક બેદરકારી આખા પરિવારને ભારે પડી. એવું માની શકાય. સમય એનું કામ કરે જ છે. તમારા ભારતમાં રહેતા સંબંધીને પણ ઘરમાં રહેવા જણાવશો, કારણકે એ વાયરસ હવે ભારતમાં પણ આવી ગયો છે. તમે જે છોકરી સાથે ઘરમાં છો એને ત્યાંની સિસ્ટમ ખબર હશે. ચિંતા ન કરશો.
તમારા પોતાના ઘરમાં અગ્નિ અને ઉત્તરનો દોષ છે તેથી તમારા પતિને જોઈએ તેવું કામ ન મળ્યું. તમારા ઘરનું દ્વાર દક્ષીણ અગ્નિનું છે તેથી ઘર ચલાવવાની જવાબદારી તમારા માથે આવી. વળી એ જ દિશાની અસરના કારણે તમે વિદેશ પણ ગયા અને તમને ધાર્યા પરિણામો ન મળ્યા. શું તમે કોરોનાનું પ્લાનિંગ કર્યું હતું? માણસ પ્લાનીંગની વાતો કરી શકે છે. કુદરત આગળ એ નિસહાય છે. હવે વાત કરીએ તમારા વિદેશના ઘરની. એ ઘરમાં વાયવ્યનો દોષ છે અને પશ્ચિમનો અક્ષ નકારાત્મક છે. નૈઋત્ય દક્ષિણમાં જમીનમાં પાણી છે અને વાયવ્યમાં સ્વીમીંગ પુલ. આ બધાની અસર એમના જીવન પર આવી. તમારા કહેવા પ્રમાણે થોડા સમય પહેલાજ એ લોકો અહી આવ્યા. તમે નવરાત્રીનું ગાયત્રી અનુષ્ઠાન વિચારો છો તો એ કરવું જોઈએ. મહામૃત્યુંન્જયના મંત્ર તમારું આત્મબળ વધારશે. હિંમત રાખો. ઘરમાં રહો. સમય લાગશે, પણ ચોક્કસ બધું બરાબર થઇ જશે.
નવી દિલ્હીઃ મોદી સરકારે ગરીબ, મજૂરો, ખેડૂતો, વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ માટે આજે રાહત પેકેજની ઘોષણા કરી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકારના આ નિર્ણયની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે એકદમ યોગ્ય પગલું લીધું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે નાણાકીય સહાયતા પેકેજ એ સરકારનું યોગ્ય દિશામાં લેવાયેલું પહેલું પગલું છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ પેકેજથી દેશના ગરીબ, નબળા લોકોને, મજૂરોને આર્થિક મદદ મળશે.
કોરોના વાઇરસથી દેશભરમાં કરવામાં આવેલા લોકડાઉનથી દેશના ગરીબ લોકો, મજૂરોસ વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓને રાહત આપવા માટે નાણાપ્રધાન નિર્મલા સીતારામને રૂ. 1.70 લાખ કરોડ઼ના પેકેજની જાહેરાત કરી હતી. સરકારે ગરીબો માટે ખાદ્ય ખોરાકીની વ્યવસ્થા પણ કરી હતી. આ સિવાય તેમણે ખેડૂતો અને જનધન ખાતાઓમાં સીધા પૈસા જમા કરાવ્યા હતા. સરકારે જે મોટી જાહેરાત કરી છે, એમાં આગામી ત્રણ મહિના સુધી કર્મચારી અને કંપની વતી પ્રોવિડન્ટ ફંડમાં સરકાર યોગદાન પણ આપશે. આ 100થી ઓછા કર્મચારી ધરાવતી કંપનીમાં અને રૂ. 15,000થી ઓછા પગાર મેળવતા કર્મચારીઓને લાગુ પડશે.
ગાંધીનગરઃ વિશ્વભરમાં ફેલાયેલી કોરોના વાયરસની સ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના નાગરિકોને સુરક્ષિત રાખવા ર૧ દિવસનો લોકડાઉન જાહેર કર્યો છે. ગુજરાતમાં આ લોકડાઉનના દિવસો દરમિયાન રાજ્યના સહુ નાગરિકોને દૂધ, શાકભાજી, અનાજ, દાળ, કરિયાણું વગેરે કોઇ પણ જાતની મુશ્કેલી વિના સરળતાએ મળી રહે તેવું સુદ્રઢ આયોજન રાજ્ય સરકારે હાથ ધર્યુ છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના હરેક નાગરિકો-પરિવારોને આવી જીવનજરૂરી ચીજવસ્તુઓ બેરોકટોક મળતી રહે તે માટે જિલ્લાના પુરવઠા તંત્રને સતત મોનિટરીંગ કરવા પ્રેરિત કર્યુ છે.
મુખ્યમંત્રી રૂપાણીના આ દિશાનિર્દેશોને પગલે મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમાર, સહકાર સચિવ મનિષ ભારદ્વાજ અને અન્ન નાગરિક પુરવઠા સચિવ મોહમ્મદ શાહિદે રાજ્યના બધા જ જિલ્લાના પુરવઠા અધિકારીઓ, જિલ્લા સહકારી મંડળીઓના રજિસ્ટ્રારો સાથે ગાંધીનગરમાં વિડીયો કોન્ફરન્સ કરીને આવી સપ્લાય ચેઇન સુપેરે ચાલે તે માટે માઇક્રો પ્લાનીંગને આખરી ઓપ આપ્યો હતો.
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, રાજ્યમાં જીવન આવશ્યક ચીજવસ્તુઓ નાગરિકોને પર્યાપ્ત માત્રામાં અને સરળતાએ મળી રહે તે માટે સંપૂર્ણ તકેદારી અને મોનિટરીંગ માટે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર SOEC ખાતે એક 24×7 સેન્ટ્રલાઇઝડ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ કંટ્રોલરૂમની હેલ્પલાઇન નંબર-૧૦૭૦ તથા ૦૭૯-૨૩૨૫૧૯૦૦ પર સંપર્ક સાધીને નાગરિકો જરૂરી વિગતો મેળવી શકે છે, તેમ તેમણે ઉમેર્યુ હતું.
અશ્વિનીકુમારે રાજ્યમાં શાકભાજીની આવક અને ખપતની વિગતો આપતાં કહ્યું કે, ગુરૂવારે સવારે રાજ્યની શાકભાજી મંડળીઓ-માર્કેટમાં પ૯ હજાર કિવન્ટલ શાકભાજીની આવક રહી છે. ૧૩૬૫૫ કિવન્ટલ બટાટા, ૪૩પ૦ કિવન્ટલ ડુંગળી, ૬૯૦૦ કિવન્ટલ ટમેટા અને ૩૪૦૦૦ કિવન્ટલ લીલા શાકભાજી રાજ્યના નાગરિકોના વપરાશ માટે ઉપલબ્ધ થયેલા છે.
સમગ્ર રાજ્યમાં ૬૮ જેટલા શાકભાજી માર્કેટ કાર્યરત છે તેમજ ચૈત્રી નવરાત્રિના આ પર્વ દરમિયાન ઉપવાસ-વ્રત રાખનારા લોકોને અગવડતા ન પડે તે માટે પુરતા ફળફળાદિ પણ બજારમાં ઉપલબ્ધ છે તેની વિગતો મુખ્યમંત્રીના સચિવે આપી હતી.
તેમણે કહ્યું કે, રાજ્યમાં ૬૧૦ કિવન્ટલ કેળાં, ૯૭૦ કિવન્ટલ સફરજન અને ૧૧૦૦ કિવન્ટલ અન્ય ફળફળાદિ સહિત ર૬૮૦ કિવન્ટલ ફળોની આવક માર્કેટમાં થાય છે. અશ્વિનીકુમારે સ્પષ્ટપણે જણાવ્યું કે, મુખ્યમંત્રીએ કરેલા સંવેદનાસ્પર્શી નિર્ણયની ફલશ્રુતિ રૂપે ૬૦ લાખથી વધુ પરિવારોના ૩.રપ કરોડ જેટલા લોકોને એપ્રિલ-ર૦ર૦માં સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો દ્વારા વિનામૂલ્યે અપાનારા ઘઉં, ચોખા, ખાંડ, દાળ અને મીઠાની પણ સરળતાએ ઉપલબ્ધિનું માઇક્રો પ્લાનીંગ પુરવઠા વિભાગે કરી દીધું છે.
રાજ્યના નાગરિકો – જનતા જનાર્દનને દૂધ પણ પૂરતું અને સરળતાએ મળી રહે તેવા આયોજન સંદર્ભમાં મુખ્યમંત્રીના સચિવે કહ્યું કે રાજ્યમાં દૈનિક પપ લાખ લીટર પાઉચનું વિતરણ થઇ રહ્યું છે. તમામ જિલ્લામાં આ દુધ વિતરણ સુનિશ્ચિત કરવા તેમજ દૂધ વિતરણ કેન્દ્રો કાર્યરત રહે તે માટે જિલ્લા પુરવઠા તંત્રને તાકીદ કરવામાં આવી છે. આ દૂધ સપ્લાય ઉપરાંત જરૂર જણાયે દૂધના ટ્રેટા પેક પાઉચ અને સ્કીમ્ડ મિલ્ક પાવડર પણ મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.