કોરોના, મહામારીઓ અને ક્વોરેન્ટાઈન પ્રથા…

જ્યારથી આ કોરોનાએ દેખા દીધી છે ત્યારથી ચારેકોર ક્વોરન્ટાઇન… ક્વોરન્ટાઇન….ક્વોરન્ટાઇન શબ્દ સંભળાઇ રહયો છે. શું છે છેવટે આ ક્વોરન્ટાઇન પ્રથા? ક્યારથી થઇ એની શરૂઆત? કેવી મહામારીઓમાં એનો ઉપયોગ થતો હતો?

ચિત્રલેખા.કોમ માટે લખેલા આ વિશેષ લેખમાં વરિષ્ઠ રાજકીય વિશ્લેષક અને કટાર લેખક નગીનદાસ સંઘવી એ સમજાવે છે…

————————————————————-

કોરોના વાઈરસે આખી દુનિયાને થરથરાવી નાખી છે અને ક્વોરન્ટાઈન જેવા શબ્દોને લોકજીભે રમતા કર્યા છે. ચુલાની આગના કારણે લાકડાનાં મકાનોમાં આગ ન લાગે તે માટે લોકોએ કરફ્યુનો ઘંટ રાતે આઠ વાગે વગાડવામાં આવે ત્યારે આગ ઠારી દેવી અને ઘરની બહાર નીકળવું નહીં તેવો આદેશ નવસો વરસ અગાઉ ઈંગ્લેન્ડના વીતેલા રાજવીએ લાગુ પાડેલો. ઠરાવેલા સમયે ઘરમાં આવી જવું તેવો આદેશ સરકાર, સમાજ અને કુંટુબો પણ આપે છે. તોફાન કે હુલ્લડો ખાળવા માટે થોડા દિવસનો કરફ્યુ પણ નાખવામાં આવે છે.


છોકરીઓએ ઠરાવેલા સમયે ઘરમાં કે હોસ્ટેલમાં હાજર થઈ જવાનો આદેશ ઘણા કુટુંબોમાં અને સંસ્થાઓમાં આપવામાં આવે છે. આભડછેટ ન લાગે તે માટે અશ્પૃશ્યોને તેમના અલગ વિસ્તારમાં જ બંધિયાર જેવી સ્થિતિમાં રાખવામાં આવે છે. મધ્ય કાલીન યુરોપના દરેક શહેરમાં રહેનાર યહૂદીઓ માટે અલગ વિસ્તાર (ઘેટો-GHETTO) રાખવામાં આવતો. સવારે દરવાજા ખૂલે અને રાત્રે દરવાજો બંધ થાય એટલો વખત જ યહુદીઓ બહાર રહી શકે. રાત્રે દરવાજો બંધ થયા પછી બહાર રહી ગયેલા યહુદીઓની હત્યા કરવાનો રિવાજ હતો.

ચેપી રોગ થયો હોય અથવા થવાની શંકા હોય તેવા લોકોને ક્વોરેન્ટાઈનમાં અલગ રાખવાની રસમ મુસ્લીમ ખલીફાઓએ બાંધેલી ઈરમીતામોમાં લાગુ પાડવાની શરુઆત થઈ. ત્યારે મોટાભાગે રક્તપીતના દરદીઓને અલગ રાખવામાં આવતા. પ્લેગ, ન્યુમોનીયા, કોલેરા જેવી મહામારીઓ ફેલાય ત્યારે દરદીઓને એકલા છોડીને સાજા લોકો ઘરબાર છોડીને ઝુંપડીઓમાં રહેવા જતા. ક્ષય રોગના દરદીને સગાવહાલાઓ પણ ભાગ્યે જ મળવા જતા. સાજા થવાની આશા ન હોય તેવી, જુગુપ્સા-ચીતરી ચડે તેવી રક્તપીત જેવી બિમારીના દરદીઓને ઘરનાં લોકો દરિયામાં અથવા ડુંગરની ધાર પરથી નીચે ફેંકી દેતા. બહારથી આવનાર વહાણોને તેમાં સવાર મુસાફરો ચેપી રોગથી પીડાતા હોવાની આશંકાને કારણે બંદરમાં 40 દિવસ સુધી એકલા પાડી દેવામાં આવતા હતા એવી ઈટાલીના નગરરાજ્યોની રસમને ક્વોરન્ટાઈન(40 દિવસ) કહેવામાં આવે છે. આ મુદત ઘટાડીને હવે 14 દિવસની કરવામાં આવી છે.

બિમારને એકાંતવાસમાં રાખવાની રસમ કોરોનાએ પલટાવી કાઢી છે. આ રોગની કોઈ અકસીર દવા આપણી પાસે નથી અને આ રોગ માનવીય સંપર્કથી વધારે ફેલાય છે તેવું ધ્યાનમાં આવ્યા પછી આજે દુનિયાના દેશોએ એકબીજા જોડેના સંપર્ક પર પ્રતિબંધ મૂક્યો છે. એક દેશના વિવિધ વિસ્તારોને, રાજ્યોને, પ્રાંતોને અલગ પાડી નાંખવા માટે વાહનવ્યવહારના સાધનો બંધ કરી દેવામાં આવ્યા છે અને શહેરો-કસબાઓમાં પણ લોકો એકબીજા જોડે હળીભળી શકે નહીં તેથી દરેક નાગરિકને પોતપોતાના ઘરમાં સ્વૈચ્છિક રીતે ગોંઘાઈ રહેવાની સલાહ અને આદેશ બંને આપવામાં આવ્યા છે.

પણ આજનો સમાજ એકબીજા સાથે એવો ગૂંથાઈ ગયો છે કે તમામ સંપર્ક અટકાવી દેવાનું અશક્ય છે. દરદીઓની સારવાર માટે અને શંકા લાગે તેવી ચકાસણી કરવા માટે ઈસ્પિતાલો-દવાખાનાઓ, ડાક્ટરો, નર્સ અને ઈસ્પિતાલના કર્મચારીઓને ફરજ હાજર રહેવાની પરવાની આપવામાં આવી છે. વ્યવસ્થા અને શાંતિ જાળવવા માટે પોલીસ કર્મચારીઓ હરીફરી શકે છે. દૈનિક જીવન જરૂરીયાતની ચીજો અને સેવાઓ જોડે સંકળાયેલા કર્મચારીઓ ઘરમાં બેસી શકતા નથી, પણ જેમની હાજરી અતિશય જરૂરી નથી અને ઘરમાં રહેવાથી તેમનું પોતાનું કે સમાજનું કશું કામ અટકી પડવાનું નથી તેવા લોકો વચ્ચેનો સંપર્ક શક્ય તેટલો ઓછો કરવાની જહેમત ભારત સરકાર કરે છે અને દુનિયાના લગભગ તમામ દેશો ઓછા-વધતા અંશે આ રસમને અનુસરે છે. પરસ્પર સંબંધો વધારે ને વધારે ગાઢ થતાં જાય તે પરિસ્થિતિ કોરોનાએ પલટાવી નાખી છે.