Home Blog Page 4835

અજય દેવગન અભિનીત ‘રેડ’ની સિક્વલ બનાવવાનું નક્કી થયું

મુંબઈઃ 2018માં આવેલી ‘રેડ’ ફિલ્મની સિક્વલ બનાવવાનું નિર્માતાઓએ નક્કી કર્યું છે. અજય દેવગન અભિનીત ‘રેડ’ ફિલ્મની સિક્વલની હાલ સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી રહી છે.

2018ની ‘રેડ’નું દિગ્દર્શન રાજકુમાર ગુપ્તાએ કર્યું હતું. તે ફિલ્મ એક શક્તિશાળી નેતાના નિવાસસ્થાન પર આવકવેરા વિભાગે પાડેલા દરોડાની સત્યઘટના પર આધારિત હતી. તે દરોડા ઈતિહાસમાં સૌથી લાંબો સમય સુધી ચાલ્યા હતા – 18 કલાક સુધી. અજય દેવગને ‘રેડ’ ફિલ્મમાં અમય પટનાયક નામના ઈન્કમ ટેક્સ ઓફિસરનો રોલ કર્યો હતો.

”રેડ’ ફિલ્મને દર્શકોએ ખૂબ જ વખાણી હતી. ત્યારે જ અમને થયું હતું કે દર્શકોને આવા સ્માર્ટ વિષય બહુ જ ગમે છે. હવે હું, અજય દેવગન અને નિર્માતા કુમાર મંગત ‘રેડ’ની સિક્વલ બનાવવા વિશે ચર્ચા કરી રહ્યા છીએ. ફિલ્મનો બીજો ભાગ હાલ સ્ક્રિપ્ટના તબક્કામાં છે,’ એમ ટી-સિરીઝના માલિક અને નિર્માતા ભૂષણ કુમારે કહ્યું છે.

ટી-સિરીઝની લેટેસ્ટ ફિલ્મ હતી ‘તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર’. આ ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર તરખાટ મચાવ્યો હતો. આ ફિલ્મમાં પણ અજય દેવગન મુખ્ય ભૂમિકામાં હતો.

‘રેડ’ની સિક્વલનું શૂટિંગ આવતા વર્ષના આરંભ પહેલા શરૂ થવાની ધારણા નથી.

અમેરિકાની આ યુનિવર્સિટીઓએ ફંડ પરત આપશે

ન્યૂયોર્કઃ કોરોના વાઈરસ સામેની લડાઈ વચ્ચે હાર્વર્ડ યુનિવર્સિટીએ જાહેરાત કરી છે કે, તે કોરોના વાઈરસ સંઘીય રાહત કોષ (Federal Coronavirus Relief)ને 87 લાખ ડોલરનું ફંડ પરત કરશે. મહત્વનું છે કે, એક દિવસ પહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વની સૌથી ધનિક યુનિવર્સિટીઓને કરદાતાઓ તરફથી મળતા ફંડને પરત કરવા અપીલ કરી હતું.

તો હાર્વર્ડને પગલે સ્ટેનફોર્ડ, પ્રિન્સટન અને યેલ યુનિવર્સિટીએ પણ તેમને મળતા ફંડને પરત કરવાનો નિર્ણય કર્યો છે. હાર્વર્ડના અધિકારીઓના જણાવ્યા અનુસાર મહામારીને કારણે સ્કુલને અનેક મહત્વપૂર્ણ નાણાકીય પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે છતા અમે ફંડ પરત કરીશું.

હાર્વર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે સમજીએ છીએ કે આ સંસાધનોનો પુન: નિર્ધારણ શિક્ષણ વિભાગ માટે વિચારણાની બાબત છે, છતા પણ આશા રાખીએ છીએ કે મેસેચ્યુસેટ્સની સંસ્થાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે જે આ મુશ્કેલ અને પડકારરૂપ સમયમાં વિદ્યાર્થીઓની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સંઘર્ષ કરી રહી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સમાં હાર્વર્ડ અને સ્ટેનફોર્ડનો આભાર માનતા કહ્યું કે યુનિવર્સિટીઓના ભંડોળ પરત કરવાના નિર્ણયથી તે ખુશ છે. આ અગાઉ મંગળવારે ટ્રમ્પે કહ્યું હતું કે હાર્વર્ડ તેના હિસ્સાનું ફંડ ન લેવું જોઈએ કારણ કે તેમની પાસે અનેક નાણાકીય અનામત છે.

 

કેન્દ્રીય કર્મચારીઓનો મોંઘવારી વધારો અટકાવાયો

નવી દિલ્હીઃ કેન્દ્રીય કર્મચારીઓને વધેલા મોંઘવારી ભથ્થાં (DA)ની ચુકવણીને નાણાં મંત્રાલયે હાલ પૂરતું અટકાવી દીધી છે. 13 માર્ચે સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘાવારી ભથ્થામાં ચાર ટકા વધારાનું એલાન કર્યું હતું કે જેથી કર્મચારીઓને એપ્રિલ મહિનાની સેલરીમાં જાન્યુઆરીથી માર્ચ સુધીનું એરિયર્સની સાથે વધેલા DA મળવાની આશા હતી, પણ હવે આ નિર્ણયની સાથે 1.4 કરોડ કર્મચારીઓ અને પેન્શનરોની આશા પર પાણી ફરી ગયું છે. આમ કોરોના વાઇરસ પર કાબૂ મેળવવાના પ્રયાસોમાં કેન્દ્ર સરકારે વધતા આર્થિક બોજને જોતાં ખર્ચોમાં કાપ મૂકવાનું શરૂ કર્યું છે.

નાણા મંત્રાલય દ્વારા જારી કરવામાં નિવેદનમાં કહ્યું હતું કે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને એક જાન્યુઆરી, 2020થી બાકીનું મોંઘવારી ભથ્થું નહીં ચૂકવવામાં આવે. આ સિવાય એક જુલાઈ, 2020થી ડિસેમ્બર, 2020 સુધી લાગુ થનારું મોંઘવારી ભથ્થું પણ નહીં મળે. આટલું જ નહીં આગામી વર્ષે જાન્યુઆરીમાં પણ મોંઘવારી ભથ્થામાં વધારો નહીં થાય. નાણાં મંત્રાલયના આ આદેશનો સીધો અર્થ એ છે કે કેન્દ્રીય કર્મચારીઓએ હવે વધેલા મોંઘવારી ભથ્થા માટે જુલાઈ, 2021 સુધી રાહ જોવી પડશે. જોકે હાલના દરે પર મોંઘવારી ભથ્થાની ચુકવણી થતી રહેશે. હાલ 17 ટકાના દરે કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થું મળશે. જો સરકાર દ્વારા આ વધેલા મોંઘવારી ભથ્થાની ચુકવણી કરવામાં આવત તો સરકાર પર રૂ. 14,500 કરોડ કરોડનો બોજ પડત.

રાજ્યોમાં પણ કર્મચારીના પગાર અને ભથ્થામાં કાપ

કેન્દ્ર સરકાર સિવાય રાજ્યોએ પણ સરકારી કર્મચારીઓના પગાલ અનમે ભથ્થામાં કાપ મૂકવાનો નિર્ણય કર્યો છે. કેરળ સરકારે મેથી લઈને સપ્ટેમ્બર સુધી કર્મચારીઓની સેલરીમાંથી દર મહિને છ દિવસનો પગાર કાપવાનો નિર્ણય કર્યો છે. આ જ રીતે સરકાર પાંચ મહિનામાં હપતા દ્વારા કુલ એક મહિનામાં સેલરી કાપવાની યોજના બનાવી છે. આ જ રીતે તેલંગાણા સરકારે પણ સેલરી કાપ મૂકવાનો  કાપ મૂક્યો છે. મધ્ય પ્રદેશ સરકારે પણ કર્મચારીઓના વધેલા મોંઘવારી ભથ્થાની ચુકવણીને અટકાવી દીધી છે.

લોકડાઉનઃ મહિલા ક્રિકેટ કેપ્ટન હરમનપ્રીત કૌરે બતાવ્યો જાદૂ

મુંબઈઃ કોરોના વાઈરસ રોગચાળાને કારણે હાલ આખા ભારતમાં તાળાબંધી લાગેલી છે. લગભગ એક મહિનાથી લાગુ થયેલા આ લોકડાઉનમાં તમામ લોકો – સામાન્ય જનતાથી લઈને સેલિબ્રિટી વ્યક્તિઓ, ઘરની ચાર દીવાલ વચ્ચે કેદ થયેલા છે. ઘણી સેલિબ્રિટી વ્યક્તિઓ આ સમયગાળા દરમિયાન એમનો જુસ્સો ટકાવી રાખવા અને ટાઈમ પાસ કરવા માટે એમના જુદા જુદા પ્રકારના શોખને કેળવે છે અથવા કંઈક નવી પ્રવૃત્તિ કરે છે.

દેશની મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન અને ઓલરાઉન્ડર હરમનપ્રીત કૌર એક જાદૂ શીખી છે.

એણે આ જાદૂ બતાવતો એક વિડિયો એનાં ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. એમાં તે અરીસા સાથે નાનકડા પિંગ-પોંગ બોલથી રમી રહી છે. તે એક કાચના ગ્લાસમાં રાખેલો બોલ જેવો અરીસા પર ફેંકે છે ત્યારે એવું દેખાય છે કે અરીસામાંના તેના પ્રતિબિંબે બોલને કલેક્ટ કર્યો છે. બોલ જાણે અરીસાની આરપાર જતો રહે છે. આશ્ચર્ય ઉપજાવનારી વાત એ છે કે બોલ સામેની બાજુએ જઈને પાછો આવી જાય છે.

આ ટ્રિકે ઈન્ટરનેટ યુઝર્સને ઘેલાં કરી મૂક્યાં છે. તમે પણ આ વિડિયો જુઓ તો જ ખ્યાલ આવશે.

View this post on Instagram

Mirror, mirror on the wall, who the realest of them all.

A post shared by Harmanpreet Kaur (@imharmanpreet_kaur) on

31 વર્ષીય હરમનપ્રીત કૌરે આ વિડિયોની કેપ્શનમાં લખ્યું છેઃ ‘મિરર, મિરર ઓન ધ વોલ. આમાં અસલી કોણ?’

અનેક જણે હરમનપ્રીતની પોસ્ટ વિશે કમેન્ટ આપી છે. એક જણે હરમનના સવાલના જવાબમાં આમ લખ્યું છેઃ અરીસો ક્યારેય જુઠું ન બોલે, અસલી તો તું જ છો.

આ વિડિયોને ઈન્સ્ટાગ્રામ પર બે લાખથી પણ વધારે વખત જોવામાં આવ્યો છે.

હાલ લોકડાઉનને કારણે ક્રિકેટની રમત રમવાનું પ્રતિબંધિત છે ત્યારે ભારતની ટ્વેન્ટી-20 મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર ઘરમાં અનેક કામ કરે છે. એની તસવીરો એણે સોશિયલ મિડિયા પર પોસ્ટ કરી છે, જેમ કે એ રસોઈ બનાવે છે, માસ્ક સીવે છે, શાંતિથી ચા પીવે છે.

પુરુષ ક્રિકેટ ટીમનો ખેલાડી શ્રેયસ ઐયર પણ એના ઘરમાં રહીને મેજિક ટ્રિક્સ બતાવતો હોય છે.

હરમનપ્રીત કૌરે આ બોલ-ટ્રિક બતાવીને જાણે ઐયરને ચેલેન્જ ફેંકી છે.

હરમનપ્રીત કૌરનાં નેતૃત્ત્વમાં ભારતીય ટીમ ટ્વેન્ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી હતી, પણ ત્યાં ઓસ્ટ્રેલિયા સામે એનો પરાજય થયો હતો. જોકે આખી ટુર્નામેન્ટમાં ભારતીય ટીમના દેખાવે સૌ કોઈનું દિલ જીતી લીધું હતું.

નવી મુંબઈની ફળ-શાકભાજીની હોલસેલ માર્કેટમાં લોકડાઉન…

મુંબઈની પડોશના નવી મુંબઈ શહેરના વાશી ઉપનગરમાં ફળ અને શાકભાજીની હોલસેલ માર્કેટ આવેલી છે. મુંબઈ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ (એગ્રીકલ્ચરલ પ્રોડ્યૂસ માર્કેટ કમિટી – APMC) માર્કેટમાં કોરોના વાઈરસને કારણે લોકડાઉન છે. જૂજ પ્રવૃત્તિઓ જ ચાલુ છે. એ માટે સોશિયલ ડિસ્ટન્સિંગ, સ્વચ્છતાના નિયમોનું કડક રીતે પાલન કરવામાં આવી રહ્યું છે.

APMC એ મહારાષ્ટ્ર સરકારે રચેલું માર્કેટિંગ બોર્ડ છે, જેનો ઉદ્દેશ્ય ખેડૂતોને મોટા રીટેલરો દ્વારા શોષણનો ભોગ બનતા અટકાવવાનો તેમજ કૃષિ ઉત્પાદનોની કિંમતને વધારે પડતા ઊંચા સ્તરે જતી રોકવાનો છે.

(તસવીરોઃ દીપક ધુરી)

દરેક પરિવારને ઓછામાં ઓછા 7500 રૂપિયા આપોઃ સોનિયા

નવી દિલ્હી: કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ એક વાર ફરી PPEની અછત અને ખરાબ ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યો છે. કોંગ્રેસ વર્કિગ કમિટી (સીડબ્લ્યૂસી)ની બેઠકમાં સોનિયા ગાંધીએ PPE કિટની ખરાબ ક્વોલીટી પર ચિંતા વ્યક્ત કરી છે. સાથે સાથે દેશમાં કોરોના ટેસ્ટ બહુ ઓછા થઈ રહ્યા છે તે બહું ગંભીર બાબત છે એમ પણ જણાવ્યું હતુ.

બેઠકમા સોનિયા ગાંધીએ માંગણી કરી હતી કે ગરીબો અને મજૂરો તેમજ ખેડૂતોના ખાતામાં 7500 રુપિયા ટ્રાન્સફર કરવામાં આવે. મજૂરોને અનાજ પુરુ પાડવા તાત્કાલીક પગલા ભરવામાં આવે. આપણે કોરોના વોરિયર્સનો આભાર માનવો જોઈએ કેમ કે તેઓ મેડિકલ ઈક્વિપમેન્ટ વગર લોકોની સેવા કરી રહ્યા છે.

સોનિયા ગાંધીએ લોકડાઉનના કારણે દેશના ખેડૂતો સૌથી વધારે ચિંતિત હોવાનું જણાવી તેમની સમસ્યાઓના સમાધાન અને ખરીફ પાક માટે સુવિધા આપવાની માંગ કરી હતી. તેમના મતે અસ્પષ્ટ તથા નબળી ખરીદ નીતિઓ અને સપ્લાય ચેનની મુશ્કેલીઓના કારણે ખેડૂતો દુખી છે. હાલ બેરોજગાર બની ગયેલા પરપ્રાંતીય મજૂરોનો મુદ્દો ઉઠાવીને તેમણે મજૂરોને ખાદ્ય સુરક્ષા અને નાણાંકીય સુરક્ષા ઉપલબ્ધ કરાવવાની માંગ કરી હતી.

મોદી સરકાર પર આરોપ મુકતા સોનિયા ગાંધીએ કહ્યું કે, તેઓ વારંવાર ટેસ્ટિંગનો કોઈ વિકલ્પ ન હોવાનું કહી રહ્યા છે પરંતુ છતા ખૂબ ઓછા ટેસ્ટિંગ થઈ રહ્યા છે અને પીપીઈ પણ સારી ગુણવત્તાના નથી. સોનિયા ગાંધીના કહેવા પ્રમાણે તેમણે અનેક સૂચનો આપ્યા પરંતુ સરકાર તેને અમલમાં મુકવા કોઈ સક્રિયતા નથી દેખાડી રહી.

લોકડાઉન પછી મજૂરો માટે મુંબઈ, પુણેથી સ્પેશિયલ ટ્રેનો શરૂ કરજોઃ અજિત પવાર

મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કેન્દ્ર સરકારને આજે વિનંતી કરી છે કે કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે લાગુ કરવામાં આવેલું દેશવ્યાપી લોકડાઉન હટાવી લેવાય તે પછી પરપ્રાંતીય મજૂરો માટે મુંબઈ, પુણેથી વિશેષ ટ્રેનો શરૂ કરજો જેથી તેઓ એમના વતન પાછા જઈ શકે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે લાગુ કરેલા દેશવ્યાપી લોકડાઉનની લંબાવેલી મુદત 3 મેએ પૂરી થાય છે.

3 મેએ લોકડાઉન સમાપ્ત થશે એ પછી જો લાંબા અંતરની ટ્રેનો શરૂ થશે તો મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં અટવાઈ ગયેલા પરપ્રાંતીય મજૂરો એમના વતન જવા માટે મોટી સંખ્યામાં બહાર પડશે, ધસારો કરશે અને રેલવે સ્ટેશનો પર, પરિસરમાં જબ્બર ગીરદી થવાની શક્યતા છે.

એને કારણે કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ઊભી થવાનો સંભવ પણ રહેશે. એ માટે મુંબઈ અને પુણેમાંથી સ્પેશિયલ ટ્રેનો દોડાવવી જોઈએ જેથી સ્થળાંતરિત મજૂરો એમના વતન જઈ શકે. આ માગણી અજિત પવારે કેન્દ્રીય રેલવે પ્રધાન પીયૂષ ગોયલને કરી છે.

આ પહેલાં, રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પણ આવી માગણી કરી હતી, પરંતુ કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરીએ એવી વિશેષ ટ્રેનો દોડાવવાનો ઈનકાર કરી દીધો હતો.

તેથી આજે નાયબ મુખ્ય પ્રધાન પવારે રેલવે પ્રધાન પીયૂષ ગોયલને પત્ર લખીને વિનંતી કરી છે.

કેન્દ્ર સરકારે ગઈ 24 માર્ચથી દેશભરમાં તાળાબંધી જાહેર કરી છે અને એ જ દિવસથી ટ્રેનસેવા પણ બંધ કરી દીધી છે. એને કારણે ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાંથી મહારાષ્ટ્રમાં જુદા જુદા ભાગોમાં કમાવા માટે આવેલા મજૂરો, કામદારો અટવાઈ ગયા છે.

મહારાષ્ટ્ર સરકાર જોકે આ મજૂરો માટે ઠેરઠેર રાહત શિબિરો શરૂ કરીને એમને નિવાસ, ભોજન અને આરોગ્યની સુવિધા પૂરી પાડી રહી છે.

મહારાષ્ટ્ર સરકાર સંચાલિત આવી શિબિરોમાં આશરે સાડા છ લાખ જેટલા મજૂરો રહે છે.

કેટલીક સ્વયંસેવી સંસ્થાઓએ પણ ઘણા મજૂરોને સંભાળવા માટે પોતાની રીતે વ્યવસ્થા કરી છે.

આ આખું ગામ કોરોના સામે જંગે ચડ્યું છે…

વડોદરા: કોરોના સંક્રમણને અટકાવવા લોકડાઉનના ચુસ્ત અમલ સાથે સાવલી તાલુકાના મંજુસર ગામે કોરોના સામે યુદ્ધે ચડી રાજ્યના અન્ય ગામોને નવી રાહ ચીંધી છે.  ગામના મહિલા સરપંચ ગીતાબેન વાઘેલા જણાવે છે કે કોરોના કહેર વચ્ચે ગામની આજુબાજુના 750 જેટલા શ્રમજીવીઓને દરરોજ બે ટકનું ભોજન ગ્રામપંચાયત તેમજ સેવાભાવી સંસ્થાઓના સહયોગથી પૂરી પાડવામાં આવી રહ્યું છે.

મંજુસર ગામના દિવ્યાંગ અસહાય તેમજ વયોવૃદ્ધ નાગરિકોને દૂધ,શાકભાજી તેમજ આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો ઘરે બેઠા પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગામમાં ગંદકી ફેલાવનારને દંડ કરવામાં આવે છે. આવી બે વ્યક્તિ પાસેથી પંચાયત દ્વારા રૂપિયા બે હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. લોકડાઉનના ચુસ્ત અમલ સાથે જાણે આખું ગામ કોરોના સામે જંગે ચડ્યું છે.

સરપંચ ગીતાબેન ઉમેર્યું કે,કોરોના સંક્રમણને અટકાવવા આખા ગામને સેનેટાઇઝ કરવા સાથે ગામમાં રોજ જાહેર રસ્તા તેમજ ગલીઓની સફાઈ કરવામાં આવે છે.

ડેરીમાં દૂધ ભરવા આવતા સભાસદો સામાજિક અંતર જાળવી દૂધ ભરે છે. એટલું જ નહિ શાકભાજી,અનાજ કરિયાણું વેચતા દુકાનદારો ફરજિયાત માસ્ક અને હેન્ડ ગ્લોજ પહેરે છે. ગામમાં જાહેર સ્થળોએ લોકોને હાથ ધોવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

 

શા માટે 23 એપ્રિલે વિશ્વ પુસ્તક દિવસ ઉજવાય છે?

નવી દિલ્હી:  23 એપ્રિલે વિશ્વવ્યાપી યુનેસ્કો અને અન્ય સંબંધિત સંગઠનો દ્વારા લેખકો, પુસ્તકોનું વિશ્વભરમાં સન્માન, વાંચનની કળાને પ્રોત્સાહન આપવા માટે વિશ્વ બુક અને કોપિરાઇટ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ બુક કેપિટલ 2020 કુઆલાલંપુર છે જે મેલેશિયાની રાજધાની છે.

વર્લ્ડ બુક અને કોપિરાઇટ ડેને વર્લ્ડ બુક ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. વિલિયમ શેક્સપીયર, મિગ્યુઅલ સર્વેન્ટસ અને આ દિવસે મૃત્યુ પામેલા ઈન્કા ગાર્સિલાસો ડે લા વેગા સહિતના મહાન સાહિત્યિક વ્યકિતઓને શ્રદ્ધાંજલિ આપવા યુનેસ્કોએ 23મી એપ્રિલને વિશ્વ બુક ડે તરીકે પસંદ કર્યો છે. 23 એપ્રિલ 1995 ના રોજ પ્રથમ વખત વર્લ્ડ બુક ડેની ઉજવણી કરવામાં આવી હતી.

વર્લ્ડ બુક ડે 2020ની થીમ

દર વર્ષે વર્લ્ડ બુક ડેની ખાસ થીમ રાખવામાં આવે છે. આ વર્ષે થીમ છે પુસ્તકોમાં જ્ઞાન આપવાની સાથે જ મનોરંજન કરવાની પણ અનોખી ક્ષમતા હોય છે. વિશ્વના અલગ અલગ દેશોમાં જૂદી જૂદી રીતે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. કોઈ જગ્યાએ ફ્રીમાં પુસ્તકો વેંચવામાં આવે છે તો ક્યાક સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. સ્પેનમાં બે દિવસ સુધી રીડિંગ મેરાથનનું આયોજન થાય છે. અંતમાં એક લેખકને પ્રતિષ્ઠિત મિગેલ ડે સરવાન્ટીસ એવોર્ડ આપવામાં આવે છે. તો સ્વીડનમાં શાળા અને કોલેજોમાં લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.

લોકડાઉનથી પર્યાવરણનું તાળું ખૂલી ગયું!

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસને લીધે 40 દિવસો સુધી લોકડાઉન લગાડવામાં આવ્યું છે.  આ દરમ્યાન દેશના મોટા ભાગના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણમાં જબરદસ્ત ઘટાડો નોંધાયો હતો. દેશમાં 25 માર્ચથી 15 એપ્રિલ દરમ્યાન લોકડાઉનના પહેલા તબક્કામાં 78 ભારતીય શહેરોના લોકોએ સ્વચ્છ શ્વાસ લીધા હતા. આ પછી પણ બીજા તબક્કાના લોકડાઉન દરમિયાન દેશનાં વધુ શહેરોમાં હવાની ગુણવત્તામાં નોંધાપાત્ર સુધારો થયો હતો અને હજી તેમાં સતત સુધારો થઈ રહ્યો છે.  

20 વર્ષોમાં પહેલી વાર વાયુ પ્રદૂષણમાં ઘટાડો

અમેરિકન સ્પેસ એજન્સી નાસાના જણાવ્યાનુસાર ઉત્તર ભારતમાં પાછલાં 20 વર્ષોમાં આવો ઘટાડો પહેલી વાર થયો છે. એજન્સીના સેટેલાઇટ સેન્સર દ્વારા જણાયું હતું કે ઉત્તર ભારતમાં એરોસોલ સ્તર પાછલા 20 વર્ષોમાં સૌથી ઓછું નોંધાયું છે.  

પ્રકૃતિમાં આવેલા ફેરફારને ના ભૂલો

યુનિવર્સિટી સ્પેસ રિસર્ચ એસોસિયેશનના પવન ગુપ્તા કહે છે્ કે અમને માલૂમ હતું કે લોકડાઉન દરમ્યાન અમને કેટલાંય સ્થળોએ પર્યાવરણમાં પરિવર્તન જોવા મળશે, પરંતુ મેં આટલું ઓછું એરોસોલ ક્યારેય નથી જોયું. સાઉધ એન્ડ સેન્ટ્રલ એશિયાના મદદનીશ સચિવ એલિસ જી. વેલ્સે કહ્યું હતું કે નાસાએ આ તસવીરો 2016માં શરૂ થતી પ્રત્યેક વસંતમાં લીધી હતી અને એ બતાવે છે કે દેશમાં પાછલા 20 વર્ષોમાં સૌથી ઓછું વાયુ પ્રદૂષણ છે. દેશ અને વિશ્વના અન્ય દેશો ફરી એક વાર કામ અને પ્રવાસની તૈયારી કરી રહ્યા છે, ત્યારે આપણે પ્રકૃતિમાં આવેલા ફેરફારને ભૂલવો ના જોઈએ.

દેશમાં લોકડાઉનના પ્રારંભના કેટલાક દિવસોમાં વાયુ પ્રદૂષણમાં બદલાવને માલૂમ કરવો મુશ્કેલ હતો, પણ પ્રદૂષણના સ્તરમાં આવેલો આ ઘટાડાનું મુખ્ય કારણ લોકડાઉન તો હતું જ, સાથે ઉત્તર ભારતના કેટલાંક રાજ્યોમાં વરસાદ પણ થયો હતો. વરસાદ પછી એરોસોલ સ્તર નથી વધ્યો, જેને કારણે વાયુ પ્રદૂષણ 20 વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયું છે. દેશવ્યાપી લોકડાઉનને પરિણામે દેશભરનાં ઘણાં શહેરો અને શહેરોમાં હવાની ગુણવત્તામાં સુધારો નોંધવામાં આવ્યો છે.