લોકડાઉનથી પર્યાવરણનું તાળું ખૂલી ગયું!

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસને લીધે 40 દિવસો સુધી લોકડાઉન લગાડવામાં આવ્યું છે.  આ દરમ્યાન દેશના મોટા ભાગના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણમાં જબરદસ્ત ઘટાડો નોંધાયો હતો. દેશમાં 25 માર્ચથી 15 એપ્રિલ દરમ્યાન લોકડાઉનના પહેલા તબક્કામાં 78 ભારતીય શહેરોના લોકોએ સ્વચ્છ શ્વાસ લીધા હતા. આ પછી પણ બીજા તબક્કાના લોકડાઉન દરમિયાન દેશનાં વધુ શહેરોમાં હવાની ગુણવત્તામાં નોંધાપાત્ર સુધારો થયો હતો અને હજી તેમાં સતત સુધારો થઈ રહ્યો છે.  

20 વર્ષોમાં પહેલી વાર વાયુ પ્રદૂષણમાં ઘટાડો

અમેરિકન સ્પેસ એજન્સી નાસાના જણાવ્યાનુસાર ઉત્તર ભારતમાં પાછલાં 20 વર્ષોમાં આવો ઘટાડો પહેલી વાર થયો છે. એજન્સીના સેટેલાઇટ સેન્સર દ્વારા જણાયું હતું કે ઉત્તર ભારતમાં એરોસોલ સ્તર પાછલા 20 વર્ષોમાં સૌથી ઓછું નોંધાયું છે.  

પ્રકૃતિમાં આવેલા ફેરફારને ના ભૂલો

યુનિવર્સિટી સ્પેસ રિસર્ચ એસોસિયેશનના પવન ગુપ્તા કહે છે્ કે અમને માલૂમ હતું કે લોકડાઉન દરમ્યાન અમને કેટલાંય સ્થળોએ પર્યાવરણમાં પરિવર્તન જોવા મળશે, પરંતુ મેં આટલું ઓછું એરોસોલ ક્યારેય નથી જોયું. સાઉધ એન્ડ સેન્ટ્રલ એશિયાના મદદનીશ સચિવ એલિસ જી. વેલ્સે કહ્યું હતું કે નાસાએ આ તસવીરો 2016માં શરૂ થતી પ્રત્યેક વસંતમાં લીધી હતી અને એ બતાવે છે કે દેશમાં પાછલા 20 વર્ષોમાં સૌથી ઓછું વાયુ પ્રદૂષણ છે. દેશ અને વિશ્વના અન્ય દેશો ફરી એક વાર કામ અને પ્રવાસની તૈયારી કરી રહ્યા છે, ત્યારે આપણે પ્રકૃતિમાં આવેલા ફેરફારને ભૂલવો ના જોઈએ.

દેશમાં લોકડાઉનના પ્રારંભના કેટલાક દિવસોમાં વાયુ પ્રદૂષણમાં બદલાવને માલૂમ કરવો મુશ્કેલ હતો, પણ પ્રદૂષણના સ્તરમાં આવેલો આ ઘટાડાનું મુખ્ય કારણ લોકડાઉન તો હતું જ, સાથે ઉત્તર ભારતના કેટલાંક રાજ્યોમાં વરસાદ પણ થયો હતો. વરસાદ પછી એરોસોલ સ્તર નથી વધ્યો, જેને કારણે વાયુ પ્રદૂષણ 20 વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયું છે. દેશવ્યાપી લોકડાઉનને પરિણામે દેશભરનાં ઘણાં શહેરો અને શહેરોમાં હવાની ગુણવત્તામાં સુધારો નોંધવામાં આવ્યો છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]