‘ચીન જતી વખતે ફોન મૂકી દઉં છું, પણ ભારત સાથે લઈ જાઉં છું’, યુએસ સીનેટરે સમજાવ્યો ભરોસાનો તફાવત

અમેરિકી સીનેટર સ્ટીવ ડેન્સે ચીન અને ભારતની મુલાકાતો દરમિયાન સુરક્ષા અને વિશ્વાસ સાથે જોડાયેલા એક રસપ્રદ તફાવતનો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, ચીન જતી વખતે તેઓ સુરક્ષા અને અવિશ્વાસના કારણોસર પોતાનો સ્માર્ટફોન વોશિંગ્ટનમાં જ છોડી દે છે, પરંતુ જ્યારે તેઓ દિલ્હી કે ભારતના અન્ય કોઈ શહેરમાં જાય છે, ત્યારે ફોન હંમેશા તેમની સાથે જ હોય છે. વોશિંગ્ટનમાં આયોજિત ‘યુએસ-ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ લીડરશિપ સમિટ’ માં બોલતા મોન્ટાનાના આ રિપબ્લિકન સીનેટરે આ ઉદાહરણ આપ્યું હતું. તેમણે ઉમેર્યું કે, ચીન તરફથી મળી રહેલા વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે અમેરિકાએ ભારત સાથેની પોતાની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવી જ પડશે.

‘જ્યારે હું દિલ્હી કે ભારત જાઉં છું…’

ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, સીનેટર ડેન્સે જણાવ્યું કે, “જ્યારે હું ચીન જાઉં છું, ત્યારે મારો આ ફોન મારી સાથે બીજિંગ નથી જતો. તે વોશિંગ્ટન ડીસીમાં મારી ડેસ્ક પર જ પડ્યો રહે છે. પરંતુ જ્યારે હું દિલ્હી કે ભારતમાં ગમે ત્યાં જાઉં છું, ત્યારે તે મારી સાથે હોય છે.” તેમણે સ્પષ્ટ કર્યું કે આ નાનું ઉદાહરણ ભારત અને અમેરિકા વચ્ચેના ઊંડા ભરોસાને દર્શાવે છે. ચીન સાથેની વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓને જોતા અમેરિકાને એક વિશ્વાસપાત્ર ભાગીદારની જરૂર છે અને તે ભારત છે. ચીન પ્રત્યેનો આ અવિશ્વાસ તાજેતરમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચીન મુલાકાત વખતે પણ જોવા મળ્યો હતો. ત્યારે ટ્રમ્પ અને તેમની ટીમે વોશિંગ્ટન પરત ફરતી ફ્લાઇટમાં બેસતા પહેલા ચીન તરફથી મળેલી તમામ ભેટ-સોગાદો અને યાદગાર વસ્તુઓ ત્યાં જ છોડી દીધી હતી. અગાઉ પણ અમેરિકી પ્રતિનિધિમંડળો આવું જ કરતા આવ્યા છે.

ચીનથી સંપૂર્ણ અલગ થવું અશક્ય, રિસ્ક ઓછું કરવું જરૂરી

સીનેટરે વધુમાં જણાવ્યું કે, વોશિંગ્ટને ચીનના મામલે ખૂબ જ સ્પષ્ટ વિચારવું પડશે. અમેરિકા ચીનથી આર્થિક કે વ્યાપારિક રીતે સંપૂર્ણપણે અલગ (De-couple) થઈ શકે નહીં. આપણે તેમની સાથે જોડાવું પડશે પરંતુ વ્યૂહાત્મક જોખમો (Risks) ને ઓછા કરવા પડશે. મજબૂત વ્યૂહાત્મક ભાગીદારી બનાવવા માટે અમેરિકાએ કયા સક્રિય પગલાં લેવા જોઈએ, તેનો એકમાત્ર જવાબ ભારત છે.

ભારત જ એકમાત્ર એવો દેશ જે ચીનનો મુકાબલો કરી શકે

ડેન્સે ભારપૂર્વક જણાવ્યું કે, ટેક્નોલોજી અને ઇનોવેશનના ક્ષેત્રે ચીનનો સમાન સ્તરે મુકાબલો કરવાની તાકાત માત્ર ભારત પાસે જ છે. તેમણે કહ્યું, દુનિયામાં માત્ર એક જ દેશ છે, જે ચીનની ઇનોવેશન ઇકોસિસ્ટમના કદ અને સ્તરની બરાબરી કરી શકે છે અને તે છે અમેરિકા સાથે મળીને કામ કરતું ભારત.

ફેડએક્સ (FedEx) ના પ્રેસિડેન્ટ અને સીઈઓ રાજ સુબ્રમણ્યમ (Raj Subramaniam) સાથેની વાતચીત દરમિયાન ડેન્સે સ્વીકાર્યું કે વોશિંગ્ટન ઘણીવાર ચીન તરફથી મળતા પડકારો વિશે વાતો તો બહુ કરે છે, પરંતુ વૈશ્વિક સંતુલન બનાવવા માટે કયા સંબંધોને મજબૂત કરવા જોઈએ તેની કોઈ નક્કર વ્યુહરચના બનાવતું નથી. ભારત અને અમેરિકા વચ્ચેનો આ સંબંધ માત્ર બે દેશો પૂરતો સીમિત નથી, પરંતુ તે સમગ્ર વિશ્વના હિત માટે અનિવાર્ય છે.

નોંધનીય છે કે, ભારત-અમેરિકાના સંબંધોને મજબૂત કરવાના પ્રયાસો બદલ સીનેટર ડેન્સને આ કાર્યક્રમમાં ‘USISPF પબ્લિક સર્વિસ એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ માટે પસંદ કરાયેલા અન્ય એક અમેરિકી સીનેટર માર્ક વોર્નર આ કાર્યક્રમમાં હાજર રહી શક્યા નહોતા.