Home Blog Page 4834

BSE ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટનો નવો વિક્રમ, ટર્નઓવર વધીને રૂ. 3,153 કરોડ

મુંબઈ – બોમ્બે સ્ટોક એક્સચેન્જના ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં આજે ટર્નઓવર 3,153 કરોડ રૂપિયાની સપાટી વટાવી ગયું હતું. આજે બીએસઈના ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં રૂ.3,153.47 કરોડનું રેકોર્ડ ટર્નઓવર થયું હતું. ઈન્ટરઓપરેબિલિટીના અમલ બાદ બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં કામકાજ નવી સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે.

આ સિદ્ધિ બદલ બીએસઈના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું, ”મેમ્બર્સના સતત સમર્થન અને સક્રિય સામેલગીરીને લીધે બીએસઈ પર ટર્નઓવર વધ્યું છે. અમને આનંદ છે કે આજે એક નાની પણ મહત્ત્વની સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. હું આશા રાખું છું કે મેમ્બર્સ બીએસઈને ટેકો આપવાનું ચાલુ રાખશે અને બીએસઈ આગળ જતાં ઇક્વિટી ડેરિવેટિવ્ઝમાં વધુ વેપાર કરવા માટે તેની શ્રેષ્ઠ ટેકનોલોજીનો વિનિયોગ કરશે.” 

માણસા કોર્ટમાંથી જામિન મળતા જ સિદ્ધપુર પોલીસે હાર્દિક પટેલની ધરપકડ કરી

માણસાઃ હાર્દિક પટેલની ધરપકડનો દોર યથાવત છે. હાર્દિકને માણસા કોર્ટમાંથી જામિન મળતા જ સિદ્ધપુર પોલીસે તેની ધરપકડ કરી છે. વર્ષ-2017માં મંજૂરી વગર જાહેરસભા યોજવા બદલ માણસા પોલીસે ગુરુવારે સાંજે હાર્દિક પટેલની ધરપકડ કરી હતી. અહીંથી તેને મુક્ત કરાતા જ પાટણ જિલ્લાની સિધ્ધપુર પોલીસે ધરપકડ કરી હતી. તેની સામે સિધ્ધપુરમાં ચૂંટણીમાં મંજૂરી વગર સભા કરવા બદલ ધરપકડ કરાઈ છે. માણસા કોર્ટમાંથી જામીન પર છૂટકારો થતાં કોર્ટ પટ્ટાગણમાં જ સિધ્ધપુર પોલીસે હાર્દિક પટેલની ધરપકડ કરી છે.

ગત વિધાનસભાની ચૂંટણી પહેલા માણસાના ચક્કર વિસ્તારમાં મંજુરી લીધા વિના જ જાહેરસભા યોજવામાં આવી હતી. જેથી મામલતદાર પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. હાર્દિક પટેલ હાજર રહ્યો નહીં હોવાથી ગુરુવારે સાંજે માણસા પોલીસે તેની ધરપકડ કરી હતી. ધરપકડની જાણ થતાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખ સહિત રાજકીય આગેવાનો પોલીસ સ્ટેશનની સામે ઉમટી પડ્યા હતા.

વર્ષ 2016માં પાટીદાર અનામત આંદોલન સમયના રાજદ્રોહ કેસમાં કોર્ટમાં ગેરહાજર રહી કાનૂની કાર્યવાહીને જાણી જોઇને વિલંબમાં નાખી મુદતમાં હાજર ન રહેતા હાર્દિક પટેલ સામે એડિ.સેશન્સ જજ બી.જે.ગણાત્રાએ પકડ વોરંટ કાઢ્યું હતું. સાઇબર ક્રાઈમની ટીમે ગણતરીના કલાકોમાં વિરમગામ પાસેથી હાર્દિકની ધરપકડ કરી હતી. હાર્દિકને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 24મી સુધી જ્યુડિશિયલ કસ્ટડીનો આદેશ કર્યો હતો. જો કે, તેણે કોર્ટમાં હાજર રહેવાની બાંહેધરી આપતા અને ભૂલ ન કરવાની શરતે જામીન આપતા એક રાત જેલમાં વીતાવીને બીજા દિવસે એટલે કે ગુરુવારે મુક્ત થતાં મોડાસા પોલીસે ધરપકડ કરી હતી.

જાણો રાષ્ટ્રીય બાલિકા દિવસનો ઈતિહાસ અને મહત્વ

નવી દિલ્હી: દર વર્ષે 24 જાન્યુઆરીના દિવસને નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે એટલે કે રાષ્ટ્રીય બાળકી દિવસ તરકી ઉજવાઈ છે. જેની પાછળનો ઉદ્દેશ્ય દેશની બાળકીઓને દરેક મામલે વધુને વધુ સહયોગ અને સુવિધા પૂરી પાડવાનો છે. આ સાથે સદીઓથી છોકરા-છોકરીઓ વચ્ચે રાખવામાં આવતા ભેદભાવને લઈને લઈને જાગૃતિ ફેલાવવાનો પણ ઉદેશ્ય છે. આપણા સમાજમાં છોકરીઓ આજથી નહીં પણ હંમેશાથી જીવના દરેક તબક્કે પક્ષપાતનો સામનો કરતી આવી છે, પછી તે શિક્ષણ હોય કાયદાકીય અધિકાર હોય, સ્વાસ્થ્ય સુવિધાઓ હોય કે પછી સુરક્ષા અને સન્માન આપવાની વાત હોય. નાની ઉંમરમાં છોકરીઓના લગ્ન કરવાની પ્રથાથી તેમનું બાળપણ છીનવાવાની સાથે એક રીતે તેમના સમગ્ર જીવનને હાસિયામાં ધકેલી દેવામાં આવે છે.

નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે નો ઈતિહાસ

આ પહેલની શરુઆત 2008માં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સ્તર પર બાળકીઓના વિકાસને એક અભિયાનના રૂપમાં માનીને ભારત સરકારે નેશનલ ગર્લ ચાઈલ્ડ ડેની શરુઆત કરી છે. આ અભિયાનનો ઉદેશ્ય દેશભરના લોકોને છોકરીઓ પ્રત્યે જાગૃત કરવાનો છે. સાથે લોકોને એ અંગે પણ જાગૃત કરવાના કે, સમાજના નિર્માણમાં મહિલાઓનું પુરુષો જેટલું જ યોગદાન છે. આ અભિયાન હેઠળ માતા-પિતાની સાથે જ સમાજના તમામ તબક્કાના લોકોને સામેલ કરીને તેમને આ વાત માટે જાગૃત કરવામાં આવે છે કે, છોકરીઓ પાસે પણ નિર્ણય લેવાનો અધિકાર હોવો જોઈએ.

નેશનલ ગર્લ ચાઈલ્ડ હેઠળ દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં બેટી બચાવો ઝૂંબેશ, યોગ્ય જાતિ ગુણોત્તર અને છોકરીઓ માટે સ્વસ્થ્ય તેમજ સુરક્ષિત માહોલ ઉભો કરવા જેવા કાર્યક્રમો સામેલ છે.

નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે એટલા માટે ઉજવવામાં આવે છે જેથી સમાજમાં છોકરીઓની સ્થિતિ સુધરે અને તેમને એ દરેક તક અને સુવિધા મળે જે છોકરાઓને વગર કહ્યે મળતી હોય છે. સાથે જ તેમને નિર્ણય લેવાનો અધિકાર મળે. આ નિર્ણય ઘરના હોય કે પછી અંગત કેમ ન હોય. આ પ્રકારના કાર્યક્રમો થકી લોકોની એ વિચારસરણી બદલી શકાય જ્યાં છોકરી પહેલા અને છોકરાઓ પછી આવે છે. સશક્ત સમાજના નિર્માણ માટે છોકરીઓની બરાબર ભાગીદારી ખૂબ જ જરૂરી છે.

મહારાષ્ટ્રઃ ફોન ટેપ થતો હોવાનો સંજય રાઉતનો આક્ષેપ

મુંબઈઃ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ બાદ હવે શિવસેનાના નેતા સંજય રાઉતે આરોપ લગાવ્યો છે કે દેવેન્દ્ર ફડણવીસની પૂર્વ સરકાર વિપક્ષના નેતાઓના ફોન ટેપ કરાવતી હતી. દેશમુખે આરોપ લગાવ્યો હતો કે, ભાજપ સરકારમાં વિપક્ષી નેતાઓના ફેન ટેપ કરવા માટે સરકારી મશીનરીનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. હવે રાઉતે ટ્વીટ કરીને આ દાવાનું સમર્થન કર્યું છે.

રાઉતે લખ્યું કે, આપના ફોન ટેપ થઈ રહ્યા છે. આ જાણકારી મને ભાજપના એક વરિષ્ઠ મંત્રીએ પણ આપી હતી. મેં કહ્યું હતું કે, ભાઈ મારી વાત જો કોઈ સાંભળવા માંગે છે તો, તેમનું સ્વાગત છે. હું બાલાસાહેબ ઠાકરેજીનો ચેલો છું. કોઈ વાત અથવા કામ હું છુપાવીને કરતો નથી. કોઈ મારી વાત સાંભળે તો કોઈ વાંધો નહી. તો, દેશમુખે જાણકારી આપી હતી કે મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

દેશમુખે જણાવ્યું હતું કે, રાજ્ય પોલીસ વિભાગના સાઈબર સેલને વિપક્ષી નેતાઓના ફોન ટેપની ફરિયાદોની તપાસ કરવા મામલે આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, સરકાર એ અધિકારીઓને પણ શોધવાનો પ્રયત્ન કરી રહી છે કે જેમને કથિત રીતે સ્નૂપિંગ સોફ્ટવેરનું અધ્યયન કરવા માટે ઈઝરાયલ મોકલવામાં આવ્યા હતા.

રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે વડાપ્રધાને કરી મુલાકાત

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય બાળ પુરસ્કાર પ્રાપ્ત કરનારા બાળકો સાથે આજે મુલાકાત કરી. આ દરમિયાન પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે આ તમામ એવોર્ડ્સ એક પ્રકારે જીવનની શરુઆત છે. આ પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ બાળકોને વિભિન્ન ક્ષેત્રોમાં પુરસ્કાર આપી ચૂક્યા છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપ તમામનો પરિચય જ્યારે થઈ રહ્યો હતો હું ખરેખર અચંબિત હતો. આટલી ઓછી ઉંમરમાં જે પ્રકારે આપ તમામે અલગ-અલગ ક્ષેત્રોમાં જે પ્રયત્નો કર્યા છે, જે કામ કર્યું છે તે ખૂબ અદભૂત છે. આટલી ઓછી ઉંમરમાં જે પ્રકારે આપ તમામે અલગ-અલગ ક્ષેત્રોમાં જે કંઈ કરી બતાવ્યું છે, ત્યારબાદ આપને હવે કંઈક સારુ કરવાની ઈચ્છા થશે. એક પ્રકારે આ જીવનની એક શરુઆત છે. તમે મુશ્કેલીથી ભરપૂર પરિસ્થિતિઓમાં સાહસ બતાવ્યું, અને કોઈએ અલગ-અલગ ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરી છે.

વડાપ્રધાને વિદ્યાર્થીઓને જણાવ્યું કે, આઝાદી બાદ આ દેશમાં 33 હજાર પોલીસ જવાન આપણા લોકોની સુરક્ષા માટે શહીદ થયા છે. તે પોલીસ પ્રત્યે આદર ભાવ રાખવો જોઈએ. આ સમાજમાં એક બદલાવ શરુ થઈ ગયો છે. આપ બધાએ પોલીસ મેમોરિયલ જોવા માટે જરુર જવું જોઈએ.

વડાપ્રધાને કહ્યું કે, આમતો તમે ખૂબ નાની વયના બાળકો છો પરંતુ આપે જે કામ કર્યું છે તેને કરવાની વાત તો દૂર પરંતુ તે કામ વિશે વિચારવામાં પણ મોટા-મોટા લોકોના પરસેવા છૂટી જાય છે. આપના સાહસિક કાર્યો વિશે જ્યારે હું સાંભળું છું ત્યારે મને પ્રેરણા મળે છે. તમારા જેવા બાળકોની અંદર છુપાયેલી પ્રતિભાને પ્રોત્સાહિત કરવા માટે જ આ રાષ્ટ્રીય પુરસ્કારોનો વ્યાપ વધારવામાં આવ્યો છે.

વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરતા પહેલા પશ્ચિમ બંગાળની રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતા સુક્રિતીએ કહ્યું કે, આ પુરસ્કારોના માધ્યમથી ભારતના વડાપ્રધાન દેશના યુવાનોને સશક્ત બનાવી રહ્યા છે. મને આ પુરસ્કાર સામાજિક સેવાઓ માટે આપવામાં આવ્યો છે. તો પુરસ્કાર મેળવનારા એક અન્ય બાળક હ્યદયેશ્વર સિંહે કહ્યું કે, મેં વડાપ્રધાન પાસેથી એ વાત શીખી છે કે, દેશ આપણને કંઈક આપી રહ્યો છે તો દેશને આપણે પણ કંઈક આપવું જોઈએ.

દર વર્ષે ગણતંત્ર દિવસ, 26 જાન્યુઆરી પહેલા વીર બાળકોને સન્માનિત કરવામાં આવે છે. આની શરુઆત વર્ષ 1957 માં ભારતીય બાળ કલ્યાણ પરિષદે કરી હતી. આ સન્માન તરીકે એક પદક, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. આ પુરસ્કાર અંતર્ગત સામાન્ય સન્માન પણ આપવામાં આવે છે. આ અંતર્ગત પ્રત્યેકને 20-20 હજાર રુપિયાની રકમ આપવામાં આવે છે.

 ‘અસહિષ્ણુ ભારત’: ધ ઇકોનોમિસ્ટના કવર પેજે છેડ્યો વિવાદ

નવી દિલ્હી: જાણીતા મેગેઝિન ધ ઇકોનોમિસ્ટના નવા કવર પેજને લઈને વિવાદ શરુ થઈ ગયો છે. મેગેઝિને નાગરિકતા કાયદો અને એનઆરસીને લઈને ભારતમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો મુદ્દે મોદી સરકાર પર પ્રહારો કર્યા છે. કવર પેજ પર કાંટાળા તારની વચ્ચે ભારતીય જનતા પાર્ટીનું ચૂંટણી ચિન્હ કમળનું ફુલ દેખાઈ રહ્યું છે. જેના પર લખ્યું છે કે, ‘અસહિષ્ણુ ભારત(Intolerant India), કેવી રીતે મોદી વિશ્વના સૌથી મોટા લોકતંત્રને જોખમમાં નાંખી રહ્યા છે’.

ધ ઇકોનોમિસ્ટ મેગેઝિનના કવર પેજને ટ્વીટ કર્યું હતું. આર્ટિકલના ટાઈટલમાં પીએમ મોદી પર વિશ્વના સૌથી મોટા લોકતંત્રના ભાગલા પાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જેમાં આગળ લખવામાં આવ્યું છે કે, ભારતના 20 કરોડ મુસલમાન ડરમાં જીવી રહ્યા છે કારણ કે પ્રધાનમંત્રી હિન્દુ રાષ્ટ્રના નિર્માણમાં વ્યસ્ત છે. 80ના દાયકામાં રામ મંદિર માટે આંદોલનની સાથે ભાજપની શરુઆત પર ચર્ચા કરતા લેખમાં આગળ તર્ક તર્ક આપવામાં આવ્યો છે કે, સંભવિત રીત નરેન્દ્ર મોદી અને ભાજપને ધર્મ અને રાષ્ટ્રીય ઓળખના આધાર પર કથિત વિભાજનથી ફાયદો થયો છે.

એનઆરસી મુદ્દે મેગેઝિન લેખમાં લખવામાં આવ્યું છે કે, ગેરકાયદે શરણાર્થિઓની ઓળખ કરવામાં કાયદેસર ભારતીયો માટે રજિસ્ટર તૈયાર કરવાની પ્રક્રિયાથી 130 કરોડ ભારતીય પ્રભાવિત થશે. આ અનેક વર્ષો સુધી ચાલશે. લિસ્ટ તૈયાર થયા પછી તેમા રહેલા પડકારો અને ફરીથી સુધારા કરવાની કામગીરી લાંબા સમય સુધી ચાલશે. આર્ટિકલમાં લખવામાં આવ્યું છે કે, આ પ્રકારના મુદ્દાઓને લોકો સામે ધરીને અન્ય મુદ્દાઓ જેવા કે અર્થવ્યવસ્થા, બેરોજગારી વગેરે પરથી લોકોનું ધ્યાન ભટકાવવામાં આવી રહ્યું છે. ભાજપે સત્તા મેળવ્યા પછીથી જ દેશની અર્થવ્યવસ્થા પડકારોનો સામનો કરી રહી છે.

મેગેઝિનના કવરને લઈને ભાજપના અનેક નેતાઓએ તેની ટીકા કરી છે. ભાજપના નેતા વિજય ચોથાઈવાલેએ મેગેઝિનને અંહકારી અને તુચ્છ માનસિકતા વાળુ ગણાવ્યું છે. મહત્વનું છે કે, ધ ઈકોનોમિસ્ટ ગ્રુપના ઈકોનોમિક ઈન્ટેલિજન્સ યૂનિટે ચાલુ સપ્તાહે જ ગ્લોબલ ડેમોક્રેસી ઈન્ડેક્સનું લિસ્ટ જાહેર કર્યુ હતું, જેમાં ભારત 10 સ્થાન પાછળ ધકેલાઈને 51માં સ્થાન પર પહોંચ્યું હતું. આ લિસ્ટ અનુસાર 2018માં ભારતનો અંક 7.23 હતો, જે 2019માં ઘટીને 6.90 રહી ગયો.

પ્રણવદા સૂચક બોલ્યાઃ આંદોલનથી જ લોકશાહી મજબૂત બને

નવી દિલ્હીઃ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ વિભિન્ન મહત્વપૂર્ણ મુદ્દાઓ પર દેશમાં ઉઠેલા યુવાનોના અવાજની વાત કરતા કહ્યું કે, સહમતી અને અસહમતિ લોકતંત્રનું મૂળ તત્વ છે. પ્રણવ મુખર્જીએ ચૂંટણી આયોગ દ્વારા આયોજિત પહેલા સુકુમાર સેન સ્મૃતિ વ્યાખ્યાનને સંબોધિત કરતા કહ્યું કે, ભારતીય લોકતંત્ર સમયની કસોટી પર દરેક વખતે ખરું ઉતર્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં વિભિન્ન મુદ્દાઓ પર લોકોએ પ્રદર્શનો કર્યા, ખાસ કરીને યુવાનોએ આ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પોતાનો અવાજ બુલંદ કર્યો. સંવિધાનમાં તેમની આસ્થા હ્યદય સ્પર્શનારી છે.

પૂર્વ રાષ્ટ્રપતિને દેશમાં જાહેર આંદોલનો સાથે જોડાયેલા કોઈ મુદ્દાનું નામ લીધા વગર કહ્યું કે, સામાન્ય મત લોકતંત્રની જીવન રેખા છે. લોકતંત્રમાં તમામની વાત સાંભળવા, વિચાર વ્યક્ત કરવા, વિમર્શ કરવા, તર્ક-વિતર્ક કરવા અને ત્યાં સુધી કે અસહમતિનું મહત્વપૂર્ણ સ્થાન છે. તેઓએ કહ્યું કે, મારું માનવું છે કે દેશમાં શાંતિપૂર્ણ આંદોલનોની હાલની લહેર ફરી એકવાર આપણા લોકતંત્રના મૂળિયાઓને ઊંડા અને મજબૂત બનાવશે.

મુખર્જીએ દેશમાં લોકતંત્રના મજબૂત આધારનો શ્રેય ભારતમાં ચૂંટણીની સર્વોચ્ચ માન્યતાને આપતાં કહ્યું કે, મારો વિશ્વાસ છે કે દેશમાં ચૂંટણી અને ચૂંટણી પ્રક્રિયાને પવિત્ર અને સર્વોચ્ચ કાયમ રાખવાના કારણે જે લોકતંત્રના મૂળીયા મજબૂત થયા છે. આ બધું ભારતના ચૂંટણી પંચની સંસ્થાગત કાર્યયોજના વિના શક્ય ન થાત.

આયોગે દેશના પહેલા મુખ્ય ચૂંટણી કમિશ્નર સુકુમાર સેનની સ્મૃતિમાં પહેલું વ્યાખ્યાન આયોજિત કર્યું છે. દેશમાં પહેલી અને બીજી લોકસભાની ચૂંટણી સેનની આગેવાનીમાં જ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. આ અવસરે મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરા, ચૂંટણી કમિશ્નર અશોક લવાસા, સુનીલ ચંદ્રા ઉપરાંત તમામ પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશ્નર, ચૂંટણી કમિશ્નર અને અન્ય દેશોના ચૂંટણી અધિકારી ઉપસ્થિત હતા.વ્યાખ્યાનને સંબોધિત કરતાં મુખર્જીએ ચૂંટણી આચાર સંહિતાના મહત્વને બરકરાર રાખવાની જરૂરિયાત ઉપર પણ ભાર મૂકતાં કહ્યું કે, સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી માટે સંહિતાનું નિષ્ઠાપૂર્વક પાલન થવું જોઈએ. તેઓએ કહ્યું કે આઝાદી બાદથી જ ચૂંટણી પ્રક્રિયાને સુદૃઢ કરવા માટે પંચ દ્વારા કરવામાં આવેલા કારગર ઉપાયોએ ભારતની ચૂંટણી પ્રણાલીને વિશ્વસનીય તો બનાવી છે ઉપરાંત તેની પ્રતિષ્ઠા સમગ્ર દુનિયામાં સ્થાપિત થઈ છે.

બ્રાઝિલના રાષ્ટ્રપતિ ભારતના પ્રવાસેઃ ગણતંત્ર દિવસ સમારોહમાં ઉપસ્થિત રહેશે

નવી દિલ્હી: બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર મેસિયાસ બોલસોનારો ગણતંત્ર દિવસ સમારોહમાં વિશેષ અતિથિ તરીકે ભાગ લેવા અને મંદીથી પ્રભાવિત બંને મોટી અર્થવ્યવસ્થા વચ્ચે વેપારિક સંબંધોને વધારવા આજે ચાર દિવસીય યાત્રા પર ભારત આવશે. રાષ્ટ્રપતિ પદનો કાર્યભાર સંભાળ્યા પછી બોલસોનારોની આ પ્રથમ ભારત યાત્રા રહેશે. તેમની સાથે સાત મંત્રી, ટોચના અધિકારીઓ અને એક મોટું વેપારિક પ્રતિનિધિમંડળ પણ આવશે.

વિદેશ મંત્રાલયે ટ્વિટ કર્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિમંત્રણ પર બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર મેસિયાસ બોલસોનારો 24 થી 27 જાન્યુઆરી સુધી ભારતના પ્રવાસે રહેશે. તે 26 જાન્યુઆરીએ ભારતના 71માં ગણતંત્ર દિવસ પરેડમાં વિશેષ અતિથિ રહેશે. મંત્રાલયે કહ્યું છે કે આ યાત્રાથી ભારત-બ્રાઝિલના સંબંધો વધારે ગાઢ અને મજબૂત થવાની આશા છે. પૂર્વ સેના પ્રમુખ બોલસોનારોએ ઓક્ટોબર 2018માં ચૂંટણીમાં મોટી જીત મેળવી ગત વર્ષે જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યું હતું.

ગિફ્ટ આઈટમ્સની આયાત પર પ્રતિબંધ નથી, ડ્યૂટી ચૂકવવી પડશે

નવી દિલ્હી – દેશમાં ઈ-કોમર્સ મારફત ડ્યૂટી-ફ્રી ગિફ્ટ વસ્તુઓની આયાત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ આ પ્રતિબંધ એ વેપારીઓનાં કન્સાઈનમેન્ટ પર લાગુ નહીં થાય, જેઓ તમામ જરૂરી ડ્યૂટી ચૂકવીને વિદેશમાંથી માલ મગાવે છે.

કેન્દ્ર સરકારની ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એજન્સીએ આ પ્રતિબંધો અંગે એક માર્ગદર્શિકા બહાર પાડી છે અને સ્પષ્ટતા કરી છે કે પ્રતિબંધોનો ઉદ્દેશ્ય માત્ર એવા કન્સાઈનમેન્ટ્સને રોકવાનો છે જેઓ પર્સનલ ગિફ્ટ વસ્તુઓ માટે આપવામાં આવેલી છૂટનો લાભ લઈને એ ચીજવસ્તુઓને બાદમાં ભારતની બજારોમાં વેચવા ઉતારે છે.

કસ્ટમ્સ એક્ટ, 1962 અને સુધારિત ટેરિફ રુલ્સ અંતર્ગત 5000 રૂપિયાની કિંમત સુધીની પર્સનલ ગિફ્ટ વસ્તુઓની આયાતને કસ્ટમ ડ્યૂટીમાંથી બાકાત રાખવામાં આવી છે, પરંતુ છેલ્લા અમુક વર્ષોમાં જોવા મળ્યું હતું કે અનેક ચાઈનીઝ ગિફ્ટ કંપનીઓ અને ક્લબ ફેક્ટરી તથા અલી એક્સપ્રેસ જેવી ઈ-રીટેલર કંપનીઓએ સરકારે આપેલી છૂટની આડમાં ડ્યૂટી-ફ્રી કસ્ટમ ક્લીયરન્સ ક્લેમ કરીને મોટા પાયે ભારતમાં ગ્રાહકોને સીધા જ માલ મોકલવાનું/વેચવાનું શરૂ કરી દીધું હતું.

કૂરિયર અને ટપાલ માર્ગે વધી રહેલા વ્યાપાર વિશે દેશમાંના વ્યાપાર સંગઠનોએ ફરિયાદ કર્યા બાદ ગયા ડિસેંબરમાં કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયે રાખડી તથા જીવનરક્ષક દવાઓને બાદ કરતાં ઈ-કોમર્સ મારફત કૂરિયર અને ટપાલ મારફત ગિફ્ટ વસ્તુઓની કરાતી આયાત પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

પરંત, અનેક દેશી ગિફ્ટ આયાતકારો તથા વેપારીઓએ એવી ફરિયાદ કરી હતી કે નિયમોમાં સ્પષ્ટતાના અભાવને કારણે શિપમેન્ટમાં ક્લીયન્સમાં વિલંબ થાય છે અને એમનો માલ ફસાઈ જાય છે.

સ્થાનિક કસ્ટમ્સ અધિકારીઓ પણ ડ્યૂટી-ફ્રી તથા ડ્યૂટી-પેઈડ ગિફ્ટ્સ અંગે નિર્ણય લેવામાં ભૂલ કરતા હતા.

તેથી DGFT એજન્સીએ એક સર્ક્યૂલર બહાર પાડીને સ્પષ્ટતા કરી છે કે જે ગિફ્ટ આઈટમ્સ નિર્ધારિત ડ્યૂટીઓ ચૂકવીને આયાત કરાય એની પર પ્રતિબંધ લાગુ નહીં કરાય, પછી ભલે એ ઈ-કોમર્સ મારફત ભારતમાં લાવવામાં આવી હોય. એવી ચીજવસ્તુઓ પર કસ્ટમ્સ ટેરિફ કાયદા અનુસાર બેઝિક કસ્ટમ ડ્યૂટી ચૂકવવાની રહેશે, જે હાલ 35 ટકાના દરે ચાર્જ કરાય છે. સાથોસાથ, જીએસટીના રેટ શેડ્યૂલ-4ના હેડિંગ 9804 અંતર્ગત નિર્ધારિત 28 ટકાના દરે આઈજીએસટી પણ ચૂકવવાનો રહેશે. તે ઉપરાંત એની ખાતરી આપવી પડશે કે આ પ્રકારની આયાતમાં કોઈ અન્ડરવેલ્યૂએશન થયું નથી એટલે કે ડ્યૂટી વાસ્તવિક મૂલ્ય ઉપર જ ચાર્જ થયેલી હોવી જોઈએ.

રાખડી તથા જીવનરક્ષક દવાઓની ઈ-કોમર્સ મારફત અથવા કૂરિયર કે ટપાલ મારફત ડ્યૂટી-ફ્રી આયાત પરની છૂટ લાગુ રહેશે. જોકે આમાં રાખડીની સાથે ગિફ્ટને સામેલ કરવામાં આવી નથી.

ગિફ્ટના વેપારીઓનું કહેવું છે કે તેઓ એવી જ કંપનીઓ પાસેથી માલ ખરીદે છે જેઓ ભારતમાં ઈ-કોમર્સ મારફત ગ્રાહકોને જ સીધો માલ મોકલતી હતી.