Home Blog Page 4833

આંતરરાષ્ટ્રીય પ્રવાસ હાલ જોખમીઃ WHO

વોશિંગ્ટનઃ આશરે ચાર મહિના પછી વિશ્વના લોકોની અપેક્ષા હતી કે કોવિડ-19 કેસોમાં ઘટાડો નોંધાવવાનું શરૂ થશે, ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના વડા ટેર્ડોસ એધનોમ ઘેબ્રેયિસિસે નિવેદન કર્યું હતું કે કોરોના વાઇરસ ઘણો લાંબો સમય રહેશે. કોરોના વાઇરસ જે રીતે અનેક દેશોમાં પ્રસર્યો છે, એને જોતાં અસંખ્ય દેશો ચિંતામાં મુકાઈ ગયા છે. જેથી WHOના વડાએ આ દેશોને કહ્યું છે કે આ રોગને હળવાશથી લેવાની ભૂલ ના કરતા. અહેવાલ મુજબ WHOના વડાએ ઉમેર્યું હતું કે હજી ઘણા દેશોમાં આ રોગચાળો પ્રારંભિક તબક્કામાં છે.  વળી, તેમણે કહ્યું હતું કે જે કોરોનાગ્રસ્ત દેશોમાં એ ફરી ઊથલો મારે એવી સંભાવના છે. જોકે તેમણે ઉમેર્યું હતું કે આ વાઇરસનો ચેપ પશ્ચિમી યુરોપના કેટલાક વિસ્તારોમાં ઘટી રહ્યો છે અથવા પ્રમાણમાં ઓછા કેસો સામે આવી રહ્યા છે, એમ અહેવાલ કહે છે.

WHOના ઘેબ્રેયિસિસે વધુમાં કહ્યું હતું કે WHO આશા રાખે છે કે સંસ્થાના જીવન બચાવવાના કાર્યમાં અમેરિકા મદદ કરશે. અત્રે એ નોંધવું જોઈએ કે કે ડોનાલ્ડ ટ્રમ્પે WHOને ચીનનો પક્ષપાત લેવા બદલ ફંડ 60થી 90 દિવસ સુધી અટકાવવાનો નિર્ણય લીધો હતો.  જોકે તેમ છતાં WHOના વડાને આશા છે કે અમેરિકા સંસ્થાને ફંડ આપશે કેમ કે એનાથી અન્યને નહીં પણ અમેરિકાને પણ મદદ મળી રહેશે.જોકે અમેરિકી વિદેશ સચિવ માઇક પોમ્પિયોએ કહ્યું હતું કે અમેરિકા માને છે કે ચીનની સરકારે WHOને કોરોના વાઇરસની ગંભીરતાની જાણ કરવામાં નિષ્ફળ ગઈ હતી. જેને કારણે સ્થિતિ વધુ બગડી ગઈ.

વિશ્વ પ્રવાસ ખોલવો એ અત્યારે જોખમ

WHOના કટોકટી પરિસ્થિતિના નિષ્ણાત ડો. માઇક રાયને જણાવ્યું હતું કે આ સમયે વૈશ્વિક મુસાફરી શરૂ કરવી એ એક જોખમી પગલું છે, જેથી મુસાફરી કરવા માટે જોખમને ધ્યાનમાં રાખતાં પૂરતી સાવચેતી સાથે એનું મેનેજમેન્ટ કરવાની જરૂર છે.  આફ્રિકામાં હતી હમણાં કોવિડ-19એ પગપેસારો કર્યો છે સોમાલિયામાં પણ આ વાઇરસનમા ચેપમાં 300 ગણો વધારો થયો છે. અધિકારીઓએ તમામ દેશોને આ રોગચાળા સામે તૈયાર રહેવાની વિનંતી કરી છે અને ઉમેર્યું છે કે એક પણ એવો દેશ નથી કે જે આ રોગચાળા સામે સંપૂર્ણ રીતે લડવા માટે તૈયાર હોય. WHOના વડાએ કહ્યું હતું કે સંસ્થાએ સમયસર આ રોગ સામે કટોકટી જાહેર કરી હતી અને આ રોગથી બચવા અગમચેતાનાં પગલાં લીધાં હતાં.  અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે દરેક જણે નવા કોરોના વાઇરસના રોગ સાતે જીવવાનું શીખવું પડશે અને આ રોગની અત્યાર સુધી કોઈ દવા અને વેક્સિન ના હોવાથી દરેક દેશોએ પોતપોતાની રીતે સ્થિતિ સંભાળવી પડશે.

 

મોદીએ જેની જાહેરાત કરી એ સ્વામિત્વ યોજના શું છે?

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ પ્રસંગે દેશના સરપંચોની સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લગભગ લગભગ દોઢ કલાક ચર્ચા કરી હતી. મોદીએ કહ્યું કે કોરોનાવાઈરસે આપણી સમક્ષ ઘણી મુશ્કેલીઓ સર્જી છે. મહામારીએ એ બોધ આપ્યો છે કે દેશને હવે આત્મનિર્ભર બનવું જ પડશે. બે ફુટનું અંતર રાખીને તમે લોકોએ વિશ્વને આ બીમારી સામે લડવાનો મંત્ર આપ્યો છે. વડાપ્રધાને ઈ-સ્વરાજ અને ઈ-ગ્રામ સ્વરાજ એપ પણ આજે લોન્ચ કરી હતી. તેમાં પંચાયત સાથે જોડાયેલી તમામ માહિતીઓ ઉપલબ્ધ હશે. આ ઉપરાંત ગામડાંની મિલ્કતના લેખાજોખા માટે સ્વામિત્વ યોજનાની પણ જાહેરાત કરી છે. આવો, જાણીએ શું છે સ્વામિત્વ યોજના?

પીએમ મોદીએ કહ્યું કે, ગામડાઓમાં સંપત્તિને લઈને ઝઘડા થતા રહે છે એનું સૌથી મોટું કારણ એ હોય છે કે, તેનું કોઈ લખાણ નથી હોતું. હવે આ યોજના હેઠળ ડ્રોન મારફતે દરેક ગામની જમીનની માપણી કરવામાં આવશે ત્યારપછી જમીન માલિકીનું પ્રમાણપત્ર આપવામાં આવશે. આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ હશે કે પહેલા ગામડાંની જમીન પર બેંકમાંથી લોન મળતી ન હતી પણ હવે જમીનનું પ્રમાણપત્ર ઈશ્યુ થયા બાદ એ સંપત્તિ પર લોન મળી શકશે.

સ્વામિત્વ યોજના

  • સ્વામિત્વ યોજના ગામડાઓમાં સંપત્તિ વિવાદ ખતમ કરવા માટેનો એક પ્રયત્ન છે.
  • આ યોજના હેઠળ દેશના તમામ ગામડાં ડ્રોનના માધ્યમથી ગામની દરેક સંપત્તિનું મેપિંગ કરવામાં આવશે.
  • મેપિંગના આધારે તે સંપત્તિના માલિકી હકનું પ્રમાણપત્ર આપવામાં આવશે.
  • જેના દ્વારા નાગરિકો શહેરની જેમ જ ગામડામાં પણ લોન લઈ શકશે
  • હાલ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, હરિયાણા, મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડમાં આ યોજનાની પ્રાથમિક રીતે શરૂઆત કરવામાં આવી રહી છે.

 

આશા છે કે, આ યોજના મારફતે ગ્રામિણ વિસ્તારોના સામાજીક જીવન પર મોટી અસર પડશે. બેંકો પાસેથી લોન લઈને ગામડાંના લોકો પણ પોતાનું કામ શરું કરી શકશે.

ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ

  • ભારત સરકારના પંચાયત રાજ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલા ઈ-ગ્રામ સ્વરાજ વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશનમાં ભારતના ગ્રામીણ વિસ્તારો સંલગ્ન તમામ જાણકારીઓ એક સાથે મળશે.
  • અહીં ગ્રામ પંચાયતોની પ્રોફાઈલ, ગ્રામ પંચાયતોના વિકાસ માટે પ્લાનિંગ, બજેટ અને તેમના એકાઉન્ટિંગ સહિતનું આધુનિક ડેશબોર્ડ મળશે.
  • ગ્રામ પંચાયતની વિકાસ યોજના માટે આ એક સિંગલ પ્લેટફોર્મ હશે.
  • તેના દ્વારા ગામડાઓ માટે વિકાસ યોજના તૈયાર કરવી અને લાગુ કરવી સરળ રહેશે.

અનુષ્કાની પ્રથમ વેબસિરીઝ ‘પાતાલ લોક’નું ટીઝર રિલીઝ કરાયું

મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા નિર્માત્રી પણ છે. એની ‘ક્લીન સ્લેટ ફિલ્મ્સ’ પ્રોડક્શન કંપનીએ પહેલું વેબ પ્રોડક્શન તૈયાર કર્યું છે. આ વેબસિરીઝનું નામ છે ‘પાતાલ લોક’. તેનું ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. વેબસિરીઝ 15 મેએ લોન્ચ કરાશે. આ વેબસિરીઝ સુદિપ શર્મા લિખિત એક ક્રાઈમ થ્રિલર પુસ્તક પર આધારિત છે.

આ વેબસિરીઝ સાથે અનુષ્કાએ ડિજિટલ જગતમાં પદાર્પણ કર્યું છે.

થોડાક દિવસ અગાઉ જ એણે જાહેરાત કરી હતી કે પોતે એમેઝોન પ્રાઈમ વિડિયો પ્લેટફાર્મ પર વેબસિરીઝ લોન્ચ કરવાની છે અને આજે એણે તેના એ શોનું પહેલું ટીઝર રિલીઝ કર્યું છે.

‘પાતાલ લોક’ સિરીઝમાં સમાજમાં પ્રવર્તતા ભ્રષ્ટાચાર તથા અન્ય દુષ્ટ તત્ત્વોની વાત છે.

‘પાતાલ લોક’ ટીઝરનો વિડિયો શેર કરવા સાથે અનુષ્કાએ લખ્યું છે કે, ‘રૂંવાડા ખડાં કરી દેનારું એક ક્રાઈમ થ્રિલર, જે તમે જ્યાં રહો છો એ જગત પ્રતિ તમારો દ્રષ્ટિકોણ બદલી નાખશે.’

વિડિયોમાં અમુક દ્રશ્યો રોમાંચક છે. બધી બાજુએ લાલ રંગ જોવા મળે છે. વોઈસ-ઓવર કહે છે કે ‘આપણા શાસ્ત્રોમાં જણાવાયું છે કે આપણે જેમાં રહીએ છીએ તે જગત દુષ્ટ અને જુઠાણાથી ભરેલું છે. આ દુનિયામાં માત્ર લોહી વહેવડાવીને જ ન્યાય મળે છે. માનવતાના સ્વાંગમાં રાક્ષસ છુપાયેલો હોય છે. હેવાનિયત રાહતનો શ્વાસ લે છે, જેની સામે જિંદગી પણ ઘૂંટણ ટેકી દે છે. ધરતીની નીચે રહેલા નર્ક જેવી આ દુનિયાને પાતાલ લોક કહેવાય છે.’

વિડિયોમાં માનવતાની ખરાબ બાજુ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

અનુષ્કાએ વિડિયોની કેપ્શનમાં લખ્યું છેઃ ‘પાતાલ લોકના નિયમો અલગ હોય છે.’

આ વેબસિરીઝમાં લોકતંત્રના ચાર આધારસ્તંભ દ્વારા રમાતી રમતની વાર્તા છે.

આ ડ્રામા-થ્રિલર વેબસિરીઝ 15 મેથી એમેઝોન પ્રાઈમ વિડિયો પર જોવા મળશે.

સુવિચાર – ૨૪ એપ્રિલ, ૨૦૨૦

સુવિચાર – ૨૪ એપ્રિલ, ૨૦૨૦

ગુજરાતઃ કરફ્યુ હટાવાયો, પણ લોકડાઉન ચાલુ જ રહેશે

અમદાવાદ: રાજ્યમાં વધતા જતા કોરોનાના ફેલાવા વચ્ચે મુખ્ય ત્રણ શહેરો અમદાવાદ, સુરત અને રાજકોટમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો હતો જે આજે સવારે 6 વાગ્યેથી હટાવી લેવામાં આવ્યો છે. આ શહેરોમાંથી કર્ફ્યુ હટાવી દેવામાં આવ્યો છે પરંતુ લોકડાઉનનો અમલ તો ચાલુ રહેશે.

કર્ફ્યુ હટતા જરૂરી સામનની ખરીદી માટે લોકો ઘરની બહાર નીકળી શકશે. ડીજીપી શિવાનંદ ઝાએ કહ્યું કે, ત્રણેય શહેરોમાં લોકડાઉન પ્રભાવશાળીરૂપથી લાગુ રહ્યું છે. મહત્વનું છે કે, આ ત્રણેય શહેરોમાં કોરોના વાઈરસના કેસમાં ઝડપી વધારો જોવા મળી રહ્યો છે. જેને પગલે તંત્રએ આ વિસ્તારોમાં કડક પગલા લેવાનો નિર્ણય કર્યો હતો. માત્ર અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા 1500ને પાર પહોંચતા તંત્ર એલર્ટ થઈ ગયું છે.

તો બીજી તરફ આજે કર્ફ્યુ હટતાની સાથે અમદાવાદ શહેરના કોરટ વિસ્તારમાં લોકડાઉનના નિયમો નેવે મુકી લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળ્યો હતો. શહેરના દિલ્હી દરવાજા વિસ્તારમાં આજે સવારથી જ સામાન્ય દિવસની જેમ લોકની ભીડ જોવા મળી હતી.

‘ગોડ ઓફ ક્રિકેટ’ નો આજે 47મો જન્મ દિવસ

મુંબઈ: ક્રિકેટનો ભગવાન કહેવાતા સચિન તેંડુલકરનો આજે 47મો જન્મદિવસ છે. સચિનને ભગવાન માનતા કરોડો ક્રિકેટપ્રેમીઓ માટે 24 એપ્રિલનો દિવસ કોઈ ઉત્સવથી ઓછો નથી. વિશ્વના સર્વશ્રેષ્ઠ ક્રિકેટરોમાંના એક સચિને બે દાયકાથી વધુ સમય ક્રિકેટના મેદાન પર વિતાવ્યો છે. તેની લાંબી કારકિર્દીમાં તેણે ઘણાં ઉતાર ચઢાવ પણ જોયા અને ઘણાં એવા રેકોર્ડ્સ પણ પોતાના નામે કરી લીધા, જેને તોડવા લગભગ અશક્ય છે.

24 એપ્રિલ 1973માં મુંબઇમાં જન્મેલા સચિને 1989માં પાકિસ્તાન સામેની ટેસ્ટ મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેની ટેસ્ટ ડેબ્યૂના એક મહિના પછી તેણે વનડેમાં પણ ડેબ્યૂ કર્યું હતું. સચિને 2006માં તેની કારકિર્દીમાં દક્ષિણ આફ્રિકા સામે એકમાત્ર આંતરરાષ્ટ્રીય ટી 20 મેચ રમી હતી. સચિને 2013માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો, પરંતુ સંન્યાસ પહેલાં તેણે ઘણાં એવા રેકોર્ડ્સ બનાવી દીધા જેને તોડવા મુશ્કેલ છે. સચિને તેની કારકિર્દીમાં 10 એવા મોટા રેકોર્ડ્સ બનાવ્યા જેણે તેને ક્રિકેટનો ભગવાન બનાવી દીધો.

માસ્ટર બ્લાસ્ટરના નામે આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટમાં 18 હજાર 426 રન અને ટેસ્ટમાં 15 હજાર 921 રન છે. તે બંને ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેના નામે 34 હજાર 347 આંતરરાષ્ટ્રીય રન છે.

સચિન તેંડુલકરે ટેસ્ટ અને વનડે ક્રિકેટમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેણે ટેસ્ટમાં 51 સદી અને વનડેમાં 49 સદી ફટકારી છે. તે 100 આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી છે.

સચિન 200 આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ રમનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી છે. આ યાદીમાં સચિન પ્રથમ ક્રમે છે અને સ્ટીવ વો 168 ટેસ્ટ મેચ સાથે બીજા ક્રમે છે. માત્ર ટેસ્ટમાં જ નહીં, પરંતુ સચિન પાસે વિશ્વની સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વનડે મેચ રમવાનો રેકોર્ડ પણ છે, સચિને 463 વનડે મેચ રમી છે. તેના પછી સનથ જયસૂર્યાનો નંબર આવે છે, જેમણે 445 વનડે મેચ રમી છે.

સચિન તેંડુલકર ટેસ્ટ ક્રિકેટમાં 12 હજાર કે તેનાથી વધુ રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન છે. આ સાથે જ તે વનડે ક્રિકેટમાં 10 હજાર બનાવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી પણ છે.

તે વિશ્વનો ત્રીજો ખેલાડી અને ભારતનો પહેલો એવો ખેલાડી છે જેણે ટેસ્ટ રમનારા તમામ દેશો સામે સદી ફટકારી છે. તેના પહેલાં સ્ટીવ વો અને ગેરી કર્સ્ટન આવું કરી ચૂક્યા હતા.

સચિન તેંડુલકરના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 76 વખત મેન ઓફ ધ મેચ એવોર્ડ જીતવાનો રેકોર્ડ છે. તે ટેસ્ટમાં 14 વખત અને વનડેમાં 62 વખત મેન ઓફ ધ મેચ રહી ચૂક્યો છે.

સચિન તેંડુલકરના નામે સંયુક્ત રીતે સૌથી વધુ 6 વર્લ્ડ કપ રમવાનો રેકોર્ડ છે. પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી જાવેદ મિયાંદાદે પણ પાકિસ્તાન માટે 6 વર્લ્ડ કપ રમ્યા છે. વર્લ્ડ કપમાં સૌથી વધુ 2278 રન બનાવવાનો રેકોર્ડ સચિનના નામે છે. 1992 થી 2011 વર્લ્ડ કપ સુધી તેણે આ કમાલ કરી હતી. વર્લ્ડ કપમાં સૌથી વધુ 6 સદી ફટકારવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. જોકે, ગત વર્લ્ડ કપમાં રોહિત શર્માએ તેની બરાબરી કરી હતી. જ્યારે રિકી પોન્ટિંગ પછી વર્લ્ડ કપમાં તે સૌથી વધુ મેચ રમનારો ખેલાડી છે.

 

કોરોનાને કારણે ભારતીય એવિએશનમાં 29 લાખ નોકરીઓ કપાશે?

નવી દિલ્હીઃ કોરોના વાઈરસ મહામારીને કારણે ભારતના મુલ્કી ઉડ્ડયન તથા એને આધારિત અન્ય ક્ષેત્રોમાં આશરે 29 લાખ જેટલી નોકરીઓમાં કાપ મૂકાય એવી સંભાવના છે, એવું એરલાઈન્સના જાગતિક સમૂહ IATAનું કહેવું છે.

ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA)ના તાજા અનુમાન મુજબ, કોરોના વાઈરસના ફેલાવાને કારણે એશિયા-પેસિફિક વિસ્તારના દેશોમાં પરિસ્થિતિ વકરશે.

ભારત વિશે IATAનું કહેવું છે કે રોગોચાળાને કારણે ભારતના મુલ્કી ઉડ્ડયન અને તેને આધારિત ઉદ્યોગોમાં 29,32,900 નોકરીઓને માઠી અસર પડી શકે છે. ભારતમાં એર પેસેન્જર ટ્રાફિક 47 ટકા ઘટી ગયો છે.

IATA સંસ્થાએ બીજી એ વાતની નોંધ લીધી છે કે ભારતીય એવિએશન માર્કેટમાં સક્રિય રહેતી એરલાઈન્સની આવક પણ ઘણી ઘટી શકે છે. આ આંકડો 11.221 અબજ ડોલર (રૂ. 85,000 કરોડથી વધુ) હોઈ શકે છે.

આ આંકડા 2020ના વર્ષ માટે છે.

IATAના છત્ર હેઠળ 290 જેટલી એરલાઈન્સ આવે છે, જેમાં ભારતની એર ઈન્ડિયા, વિસ્તારા, ઈન્ડીગો અને સ્પાઈસજેટનો પણ સમાવેશ થાય છે.

2019ના વર્ષની સરખામણીમાં 2020માં એશિયા-પેસિફીક વિસ્તારમાં સક્રિય એરલાઈન્સ 113 અબજ યુએસ ડોલરની ખોટ કરે એવી ધારણા છે, જે એક વિક્રમ બનશે.

IATAના રીજનલ વાઈસ-પ્રેસિડન્ટ (એશિયા-પેસિફીક) કોનરાડ ક્લિફોર્ડનું કહેવું છે કે પરિસ્થિતિ વધારે બગડી રહી છે. એરલાઈન્સ માટે અસ્તિત્વનો સવાલ ઊભો થયો છે. ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં લિક્વિડીટીની કટોકટી 61 અબજ ડોલર સુધી વધી શકે છે.

ક્લિફોર્ડનું કહેવું છે કે ભારત, ઈન્ડોનેશિયા, જાપાન, મલેશિયા, ફિલિપીન્સ, દક્ષિણ કોરિયા, શ્રીલંકા અને થાઈલેન્ડે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.

ગામોએ ‘બે ગજના અંતર’નો સંદેશ આપ્યોઃ મોદી

નવી દિલ્હીઃ કોરોના વાઇરસના સંકટની વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પંચાયતી રાજ દિવસે દેશની ગ્રામ પંચાયતોના પ્રમુખોને વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કર્યું હતું. તેમણે 31 લાખ ગ્રામ પંચાયતી પ્રમુખો સાથે વિડિયો કોન્ફરન્સિંગથી વાતચીત કરી હતી. પંચાયતી રાજ દિવસના અવસરે વડા પ્રધાને નવી ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ અને એપની શરૂઆત કરી હતી. આ પોર્ટલ દ્વારા ગ્રામ પંચાયતોની સમસ્યા, એનાથી સંકળાયેલી માહિતી એક જગ્યાએ એકત્ર રહેશે. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે કોરોના સંકટથી આપણે બધાને એક બોધપાઠ મળે છે કે આપણે બધાએ હવે આત્મનિર્ભર બનવું ખૂબ જરૂરી છે. તેમણે દેશના વિકાસમાં પંચાયતોના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ગ્રામ પંચાયતોની તુલના કોરોના વોરિયર્સથી કરી હતી.

તેમણે પોતાના સંબોધનમાં વડા પ્રધાન કહ્યું હતું કે કોરોના સંકટની વચ્ચે ગ્રામવાસીઓએ વિશ્વને મોટો સંદેશ આપ્યો કે ગ્રામવાસીઓએ સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં બલકે બે ગજનું અંતરનો સંદેશ આપ્યો, જેણે કમાલ કર્યો.

સ્વામિત્વ યોજનાથી મળશે લાભ

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે પાંચ-છ વર્ષ પહેલાં દેશની માત્ર 100 પંચાયત બ્રોડબેન્ડથી જોડાયેલી હતી, પણ આજે સવા લાખ પંચાયતો સુધી આ સુવિધા પહોંચી ગઈ છે. વડા પ્રધાને જે વેબસાઇટને શરૂ કરી હતી, એના દ્વારા ગામ સુધીની માહિતી અને મદદ પહોંચવામાં ઝડપ આવશે.

 વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રામ પંચાયતોના પ્રમુખો સાથે વાતચીત કરી એના મુખ્ય અંશોં નીચે મુજબ છે.

  • કેન્દ્રીય પ્રધાન નરેન્દ્ર તોમર વડા પ્રધાન મોદીની સરપંચોની ચર્ચામાં હાજર રહ્યા હતા.
  • વડા પ્રધાન મોદીએ ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલનું ઉદઘાટન કર્યું
  • PMએ સન્માન અને અવોર્ડ મેળવનારા સરંપચોને અભિનંદન આપ્યાં હતાં
  • કોરોના રોગચાળાએ આપણું જીવન અને કામ કરવાની પદ્ધતિને બદલી નાખી છે
  • આ રોગચાળાએ વિવિધ મુશ્કેલીઓ સર્જી છે અને સાથે શિક્ષા પણ આપી છે.
  • આ રોગચાળાએ આપણને આત્મનિર્ભર બનવાનું શીખવ્યું છે, જિલ્લા સ્તરે, રાજ્ય સ્તરે આત્મનિર્ભર બનો.
  • ગામોમાં કોમન સર્વિસ સેન્ટરોની સંખ્યા પણ ત્રણ લાખને પાર થઈ ચૂકી છે.
  • શહેરમાં વસતા ગ્રામવાસીઓને બહુ મુશ્કેલીઓ આવી છે.
  • કોરોના એક વિચિત્ર વાઇરસ છે, પણ એ ખુદ કોઈના ઘરે નથી આવતો, એટલે બે ગજની દૂરીનું પાલન કરવું ખૂબ આવશ્યક છે.
  • પહેલાં દિલ્હીથી એક રૂપિયો મોકલાતાં ગામો સુધી 15 પૈસા પહોંચતા હતા, પણ હવે પૂરેપૂરા 100 પૈસા પહોંચી રહ્યા છે.
  • ગ્રામ પંચાયતો અમારી લોકતંત્રની શક્તિ એકજૂટ કેન્દ્ર છે.
  • દેશને આર્તમનિર્ભર બનાવવાની શરૂઆત, ગામની સામૂહિક શક્તિથી થશે. આ પ્રયાસોની વચ્ચે આપણે યાદ રાખવાનું છે કે એક જણની બેદરકારી પૂરા ગામને જોખમમાં મૂકી શકે છે એટલે આમાં ઢીલ આપવાની થોડી પણ ગુંજાશ નથી.
  • ગામોમાં સેનિટાઇઝેશન અભિયાન થાય, શહેરોથી આવનારા લોકો માટે ક્વોરોન્ટાઇન સેન્ટર બનાવવાનું કામ થાય. દરેક વ્યક્તિની ખાણીપીણી અને જરૂરિયાતોની ચિંતા હોય. આ કામ આપણે નિરંતર થયા કરે, વગર થાકે કરવાનું છે.
  • આપણે શારીરિક અંતર, મોઢા પર માસ્ક અને હાથોને વારંવાર સ્વચ્છ કરવાના છે, હાલ આ બીમારીથી બચવા માટે આ સૌથી મોટી દવા છે.
  • આપણે ગામેગામ ખેડૂતોને સમજાવવાના છે કે યુરિયાનો ઉપયોગ ઓછો કરે, કેમ કે એનાથી માટી અને પાણી પર વિપરીત અસર પડે છે.
  • આપણે બહુ ગંભીરતાથી પ્રયાસ કરવાના છે કે ગામના ગરીબને ઉત્તમ આરોગ્યની સેવા મળે. આના માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આયુષ્માન ભારત યોજના પણ ગામના ગરીબો માટે બહુ રાહત બનીને ઊભરી છે. આના હેઠળ અત્યાર સુધી એક કરોડ ગરીબ દર્દીઓ હોસ્પિટલોમાંથી મફત સારવાર કરાવી ચૂક્યા છે.

 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે આપણ બધાના સામૂહિક પ્રયાસોથી, એકજૂટતાથી આપણી સંકલ્પશક્તિથી કોરોનાને જરૂર હરાવી શકીશું.

કોરોના કેસોની સંખ્યા 23,000ને પાર,ત્રણ રાજ્યો પણ કોરોનામુક્ત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં લોકડાઉન છતાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા 23,000ને પાર થઈ છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર થયેલા તાજા આંકડા મુજબ કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા 23,077 થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 1,684 નવા કેસ નોંધાયા છે અને 37 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી કોરોનાથી અત્યાર સુધી 718 લોકોનાં મોત થયાં છે. જોકે રાહતના સમાચાર એ છે કે અત્યાર સુધી 4,749 દર્દીઓ આ બીમારીમાંથી મુક્ત થયા છે.

વિશ્વમાં કોરોના વાઇરસના કુલ 27 લાખને પાર

કોરોના વાઇરસ અત્યાર સુધી 185 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. વિશ્વભરમાં અત્યાર સુધી કોરોના વાઇરસના કુલ 27,08,508 કેસો નોંધાયા છે. અત્યાર સુધી આ વાઇરસથી 1,90,785 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. આ ઉપરાંત 7,37,994 લોકો આ બીમારીમાંથી મુક્ત પણ થઈ ચૂક્યા છે.

દેશમાં ત્રણ રાજ્યો કોરોનામુક્ત

દેશમાંમ કોરોના વાઇરસના સંક્રમણ ફેલાવવાનું જોખમ સતત વધી રહ્યું છે, પણ બીજી બાજુ કેટલાક સારા સામાચાર પણ સામે આવી રહ્યા છે. દેશનાં કુલ 32 રાજ્યોમાંથી ત્રણ રાજ્યો કોરોના વાઇરસમાંથી મુક્ત થયા છે. અરુણાચલ પ્રદેશ, મણિપુર અને ગોવા રાજ્ય કોરોના વાઇરસથી મુક્ત થયા છે. આ રાજ્યોમાં હવે એક પણ પોઝિટિવ કેસ નથી. વળી, આ રાજ્યોમાંજે કોરોના દર્દીઓ હતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ ઉપરાંત દેશમાં એવા પણ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, જેમાં કોરોનાનો એક પણ કેસ નથી થયો, જેમાં નાગાલેન્ડ, સિક્કિમ, દમણ, દીવ, દાદરા-નગરહવેલી અને લક્ષદ્વીપમાં કોરોના વાઇરસનો એક પણ કેસ નથી નોંધાયો. દેશમાં રાજ્યવાર કોરોના કેસની વિગતો નીચે પ્રમાણે છે.

 

 

વાહ ભાઈ વાહ! ૨૪ એપ્રિલ, ૨૦૨૦

વાહ ભાઈ વાહ! ૨૪ એપ્રિલ, ૨૦૨૦