દરેક પરિવારને ઓછામાં ઓછા 7500 રૂપિયા આપોઃ સોનિયા

નવી દિલ્હી: કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ એક વાર ફરી PPEની અછત અને ખરાબ ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યો છે. કોંગ્રેસ વર્કિગ કમિટી (સીડબ્લ્યૂસી)ની બેઠકમાં સોનિયા ગાંધીએ PPE કિટની ખરાબ ક્વોલીટી પર ચિંતા વ્યક્ત કરી છે. સાથે સાથે દેશમાં કોરોના ટેસ્ટ બહુ ઓછા થઈ રહ્યા છે તે બહું ગંભીર બાબત છે એમ પણ જણાવ્યું હતુ.

બેઠકમા સોનિયા ગાંધીએ માંગણી કરી હતી કે ગરીબો અને મજૂરો તેમજ ખેડૂતોના ખાતામાં 7500 રુપિયા ટ્રાન્સફર કરવામાં આવે. મજૂરોને અનાજ પુરુ પાડવા તાત્કાલીક પગલા ભરવામાં આવે. આપણે કોરોના વોરિયર્સનો આભાર માનવો જોઈએ કેમ કે તેઓ મેડિકલ ઈક્વિપમેન્ટ વગર લોકોની સેવા કરી રહ્યા છે.

સોનિયા ગાંધીએ લોકડાઉનના કારણે દેશના ખેડૂતો સૌથી વધારે ચિંતિત હોવાનું જણાવી તેમની સમસ્યાઓના સમાધાન અને ખરીફ પાક માટે સુવિધા આપવાની માંગ કરી હતી. તેમના મતે અસ્પષ્ટ તથા નબળી ખરીદ નીતિઓ અને સપ્લાય ચેનની મુશ્કેલીઓના કારણે ખેડૂતો દુખી છે. હાલ બેરોજગાર બની ગયેલા પરપ્રાંતીય મજૂરોનો મુદ્દો ઉઠાવીને તેમણે મજૂરોને ખાદ્ય સુરક્ષા અને નાણાંકીય સુરક્ષા ઉપલબ્ધ કરાવવાની માંગ કરી હતી.

મોદી સરકાર પર આરોપ મુકતા સોનિયા ગાંધીએ કહ્યું કે, તેઓ વારંવાર ટેસ્ટિંગનો કોઈ વિકલ્પ ન હોવાનું કહી રહ્યા છે પરંતુ છતા ખૂબ ઓછા ટેસ્ટિંગ થઈ રહ્યા છે અને પીપીઈ પણ સારી ગુણવત્તાના નથી. સોનિયા ગાંધીના કહેવા પ્રમાણે તેમણે અનેક સૂચનો આપ્યા પરંતુ સરકાર તેને અમલમાં મુકવા કોઈ સક્રિયતા નથી દેખાડી રહી.