વોટ્સએપના નવા યુઝરનેમ ફીચરની તપાસ કરશે કેન્દ્ર સરકાર

નવી દિલ્હીઃ વોટ્સએપે તાજેતરમાં નવું યુઝરનેમ (Username) ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી હવે યુઝર્સ પોતાનો મોબાઇલ નંબર શેર કર્યા વગર પણ અન્ય વ્યક્તિ સાથે વાતચીત શરૂ કરી શકશે. કંપનીનું કહેવું છે કે આ ફીચરથી યુઝર્સની પ્રાઇવસી પહેલાં કરતાં વધુ મજબૂત બનશે. જોકે કેન્દ્ર સરકાર આ ફીચરને લઈને સાવચેત બની છે. સરકારને આશંકા છે કે જો તેનો દુરુપયોગ થશે તો ઓનલાઇન છેતરપિંડી અને ખોટી ઓળખના કેસોમાં વધારો થઈ શકે છે.

શું વોટ્સએપનું યુઝરનેમ ફીચર ઠગો માટે ફાયદાકારક બની શકે?

વોટ્સએપનું આ ફીચર ટેલિગ્રામની જેમ કાર્ય કરે છે. અગાઉ કોઈ નવી વ્યક્તિ સાથે વોટ્સએપ પર વાત કરવા માટે મોબાઇલ નંબર જરૂરી હતો. હવે યુઝર્સ માત્ર પોતાના યુઝરનેમ દ્વારા પણ વાતચીત શરૂ કરી શકશે. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારો મોબાઇલ નંબર સામેની વ્યક્તિને દેખાશે નહીં. કંપનીનું કહેવું છે કે આથી પ્રાઇવસી વધુ સુરક્ષિત બનશે અને અજાણ્યા લોકો સાથે મોબાઇલ નંબર શેર કરવાની જરૂર નહીં રહે.

અન્ય વ્યક્તિના નામ જેવું યુઝરનેમ બનાવી થઈ શકે છે છેતરપિંડી

જોકે સરકારની ચિંતા બીજી છે. અધિકારીઓનું માનવું છે કે જો કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિના નામ જેવું યુઝરનેમ બનાવી લે અથવા પોતાની અસલી ઓળખ છુપાવીને લોકોનો સંપર્ક કરે તો ઓનલાઇન છેતરપિંડીના નવા રસ્તા ખુલ્લા થઈ શકે છે. ટેલિગ્રામ પર અગાઉ પણ ખોટા યુઝરનેમ અને નકલી પ્રોફાઇલ દ્વારા લોકોને છેતરવાના અનેક કેસ સામે આવી ચૂક્યા છે. આ જ કારણસર સરકાર વોટ્સએપના નવા ફીચરને લઈને વધારાની સતર્કતા દાખવી રહી છે.

સોશિયલ મિડિયા પર પણ કેટલાક લોકોએ આ ફીચર અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે પ્રાઇવસી વધારવી સારી બાબત છે, પરંતુ જો પોતાની ઓળખ છુપાવવી સરળ બની જશે તો ઠગો તેનો લાભ લઈ શકે છે. ખાસ કરીને કોઈ કંપની, જાણીતી હસ્તી અથવા અન્ય વ્યક્તિ જેવા યુઝરનેમ બનાવી લોકોમાં ગેરસમજ ફેલાવીને છેતરપિંડી થઈ શકે છે.