એમ.એસ. યુનિવર્સિટીના ગ્રંથપાલની ‘બ્રિટિશ લાઈબ્રેરી’ના વૈશ્વિક પ્રોગ્રામ માટે પસંદગી

વડોદરા: ગુજરાત અને દેશના શૈક્ષણિક જગત માટે અત્યંત ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. વડોદરાની વિશ્વવિખ્યાત ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા (MSU)ના યુનિવર્સિટી ગ્રંથપાલ (લાઈબ્રેરીયન) ડૉ. મયંક જે. ત્રિવેદીની યુનાઈટેડ કિંગડમ (લંડન) સ્થિત વિશ્વપ્રસિદ્ધ ‘બ્રિટિશ લાઈબ્રેરી’ દ્વારા આયોજિત અત્યંત પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ લાઈબ્રેરી લીડર્સ પ્રોગ્રામ’ (ILLP) 2026 માટે પસંદગી કરવામાં આવી છે.

આગામી ૧ થી ૧૦ જુલાઈ ૨૦૨૬ દરમિયાન લંડન ખાતે યોજાનારા આ ખાસ લીડરશિપ પ્રોગ્રામમાં સમગ્ર વિશ્વમાંથી માત્ર ૨૨ વરિષ્ઠ લાઈબ્રેરી પ્રોફેશનલ્સની જ પસંદગી કરવામાં આવી છે. આ યાદીમાં ડૉ. મયંક ત્રિવેદી સમગ્ર ભારતમાંથી પસંદગી પામેલા એકમાત્ર સહભાગી છે, જે ગુજરાત અને દેશ માટે મોટી સિદ્ધિ સમાન છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને મોર્ડન લાઈબ્રેરી મેનેજમેન્ટ પર મંથન

બ્રિટિશ લાઈબ્રેરીનો આ પ્રોગ્રામ વૈશ્વિક સ્તરે લાઈબ્રેરી ક્ષેત્રના નેતૃત્વ વિકાસ માટે સર્વોચ્ચ માનવામાં આવે છે. ૧૦ દિવસ ચાલનારા આ કાર્યક્રમમાં નોલેજ મેનેજમેન્ટ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, રિસર્ચ સપોર્ટ, ઇનોવેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ઓપન સાયન્સ અને ભવિષ્યના સમાજમાં પુસ્તકાલયોની બદલાતી ભૂમિકા જેવા આધુનિક વિષયો પર વૈશ્વિક સ્તરે મંથન અને સંશોધન કરવામાં આવશે.

૨૦૧૦થી હંસા મહેતા લાઈબ્રેરીનું ગૌરવ વધાર્યું

પ્રો. ત્રિવેદી વર્ષ ૨૦૧૦થી એમ.એસ. યુનિવર્સિટીની જાણીતી ‘શ્રીમતી હંસા મહેતા લાઈબ્રેરી’માં યુનિવર્સિટી ગ્રંથપાલ તરીકે સેવા આપી રહ્યા છે. ૧૬ વર્ષથી વધુના કાર્યકાળ દરમિયાન તેમણે લાઈબ્રેરી સેવાઓનું આધુનિકીકરણ અને સંપૂર્ણ ડિજિટલાઈઝેશન કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તેમના નેતૃત્વ હેઠળ હંસા મહેતા લાઈબ્રેરી દેશની અગ્રણી શૈક્ષણિક લાઈબ્રેરી બની છે અને તેને અનેક રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યા છે. તેઓ એક પ્રતિષ્ઠિત શિક્ષણવિદ પણ છે, જેમણે અનેક પીએચ.ડી. સ્કોલર્સને માર્ગદર્શન આપ્યું છે અને વૈશ્વિક મંચો પર ભારતીય લાઈબ્રેરી સિસ્ટમનું પ્રતિનિધિત્વ કર્યું છે.

આ સિદ્ધિ પુસ્તકાલય વ્યવસાય અને મારી યુનિવર્સિટીને સમર્પિત: ડૉ. મયંક ત્રિવેદી

આ વૈશ્વિક સન્માન બદલ હર્ષની લાગણી વ્યક્ત કરતા ડૉ. મયંક ત્રિવેદીએ જણાવ્યું હતું કે, “બ્રિટિશ લાઈબ્રેરી જેવા વૈશ્વિક મંચ પર ભારત અને એમ.એસ. યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરવું એ મારા માટે ભારે સન્માનની વાત છે. આ તકથી મને વિશ્વની શ્રેષ્ઠ પદ્ધતિઓ શીખવા મળશે, જેનો ઉપયોગ હું ભારતના શૈક્ષણિક અને જાહેર પુસ્તકાલયના માળખાને વધુ મજબૂત કરવા માટે કરીશ. હું મારી આ સિદ્ધિ પુસ્તકાલય વ્યવસાય અને મારી યુનિવર્સિટીને સમર્પિત કરું છું.”સયાજીરાવ ગાયકવાડના વારસાને વૈશ્વિક સ્તરે નવી ઓળખ

વડોદરામાં જાહેર પુસ્તકાલય ચળવળના પ્રણેતા મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ શરૂ કરેલા જ્ઞાનના પાયાને આ સિદ્ધિથી વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળી છે. ડૉ. ત્રિવેદીની આ અસાધારણ સફળતા બદલ એમ.એસ. યુનિવર્સિટીના સત્તાધીશો, પ્રોફેસરો અને વિદ્યાર્થી આલમમાં ભારે આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે. આ પસંદગીથી વૈશ્વિક સ્તરે યુનિવર્સિટીની પ્રતિષ્ઠામાં મોટો વધારો થશે.