Home Blog Page 4806

હોટ અંદાઝવાળા વિડિયોઃ શમીની પત્ની હસીન જહાં ટ્રોલ થઈ

નવી દિલ્હીઃ કોરોના વાઇરસને કારણે વિશ્વના મોટા ભાગના દેશોમાં લોકડાઉન લાગેલું છે, ત્યારે સેલિબ્રિટી વ્યક્તિઓ પણ લોકડાઉન દરમ્યાન ઘરમાં કેદ છે. આવા સમયમાં ક્રિકેટરો પણ સોશિયલ મિડિયા દ્વારા એમના ચાહકો સાથે જોડાયેલા છે. ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર મોહમ્મદ શમીની તેનાથી અલગ રહેતી પત્ની હસીન જહાં એક વિડિયોને કારણે સોશિયલ મિડિયા પર ટ્રોલ થઈ હતી. પરંતુ ટ્રોલ કરનારાઓને જડબાતોડ જવાબ આપતાં હસીન જહાંએ એક વધુ વિડિયો શેર કર્યો છે.  

હસીન જહાંએ વિડિયો શેર કર્યો

હસીન જહાંએ વિડિયો શેર કરતાં કહ્યું છે કે ‘તૈયાર થઈ જાઓ, ઈર્ષા કરવા માટે.’ આ પહેલાં હસીન જહાંએ બે વિડિયો શેર કર્યા હતા. એ વખતે પણ એણે લખ્યું હતું ‘મેં આગ લગાવી દીધી છે, હવે તમે જીવ બાળ્યા કરો.’

ટ્રોલ થયા બાદ ત્રણ વિડિયો શેર કર્યા

હસીન જહાં વારંવાર પોતાના વિડિયોને લીધે સોશિયલ મિડિયા પર ચર્ચામાં રહે છે. એ હાલમાં જ એક વિડિયોને કારણે ઘણી ટ્રોલ થઈ હતી. ટ્રોલ થયા પછી એ સોશિયલ મિડિયા પર વધારે સક્રિય થઈ ગઈ છે અને સતત ટ્રોલ કરનારાને જડબાતોડ જવાબ આપી રહી છે.

શમી પર ફિક્સિંગ અને ઘરેલુ હિંસાના આરોપ

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018માં હસીન જહાંએ મોહમ્મદ શમી પર ફિક્સિંગ અને ઘરેલુ હિંસાના આરોપ લગાવ્યા હતા. જોકે તપાસ પછી BCCIએ શમીને મેચ ફિક્સિંગને મામલે ક્લીન ચિટ આપી હતી. એ સમયે બંને વચ્ચેનો ઘરેલુ વિવાદ સમાચારોમાં રહ્યો હતો. વિવાદ થયો ત્યારથી હસીન જહાં અને મોહમ્મદ શમી અલગ-અલગ રહે છે.

ભારતમાં 24 કલાકમાં કોરોનાના 3525 નવા કેસ, 122નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસ મહાબીમારીના કેસની સંખ્યામાં સતત વધારો ચાલુ જ રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા વધીને 74,281 થઈ ગઈ છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધીમાં 2415 જણના મોત થયાં છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3525 નવા કેસ નોંધાયા હતા અને 122 જણના મોત થયાં છે. આ બીમારીમાંથી અત્યાર સુધી 24,386 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. જ્યારે રિકવરી રેટ સુધરીને 32.82 ટકા થયો છે.

કોરોના વાઇસર ગ્રામીણ વિસ્તારોમાં પ્રસર્યો

કોરોના વાઇરસ ધીમે-ધીમે ગ્રામીણ વિસ્તારોમાં પ્રસરી રહ્યો છે. જે જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાઇરસના કેસ નહોતા ત્યાં આ વાઇરસ પ્રસરી રહ્યો છે. પહેલી મે પછી મધ્ય પ્રદેશના આઠ નવા જિલ્લામાં કોરોના નવા કેસ નોંધાયા છે. આ જિલ્લામાં આશરે 50 નવા કેસ થયા છે. રાજસ્થાનના બે નવા ગ્રામીણ જિલ્લામાં તાજેતરના દિવસોમાં પહોચ્યો છે. રાજસ્થાનના કુલ કોરોના કેસમાં 10 ટકા ગ્રામીણ વિસ્તારોમાંથી કેસ નોંધાયા છે. છેલ્લા કેટલાક દિવસોમાં બિહારમાં કોરોનાના કુલ નવા કેસો નોંધાયા એમાં 65 ટકા કેસો તો ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોના છે.

દેશમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોવાર કોરોના કેસોની સંખ્યા નીચે મુજબ છે.

 

રાશિ ભવિષ્ય 13/05/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસમાં તમને થોડો વધુ ઉત્સાહ જોવા મળી શકે છે અને તેમાં પણ તમે વાર્તાલાપમાં સારો સમય પસાર કરીદો તો નવાઈ નહિ, તમારી કોઇ જૂની ઓળખાણ તાજી થાય અને તે મિલનમુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી તમારામાં વધુ જોવા મળે તેવું બની શકે છે.


તમારા સગાસ્નેહી, જુના પરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને કોઈ તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, યુવાવર્ગને પસંદગીના કામ થઈ શકે.


નાનીમોટી મુસાફરીના યોગ છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું, આકસ્મિકખર્ચા થવાથી તમને મનમાં ખર્ચ થયાનો રંજ રહ્યા કરે, કામકાજ દરમિયાન થોડી અશાંતિનો સામનો કરવો પડે.


લોકોમાં તમારો અલગ પ્રભાવ જોવા મળશે, તેમાંપણ તમારા કામકાજકે વાર્તાલાપ દરમિયાન તમારી વાતને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, કઈક લાભની વાત આપલે થઇ શકે છે, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છો અને કોઈની મદદ કરવાની તમારામાં થોડી વૃતિ પણ જાગી શકે છે.


મિત્રો સાથે સમય વધુ ફાળવાય અને કયાંક કોઈકારણસર મુસાફરીના યોગ બની શકે છે, કોઈની પાછળ કોઈ કારણસર  આકસ્મિકખર્ચકે ધાર્યા કરતા વધુ ખર્ચા થઇ શકે છે, કોઈ જગ્યાએથી મનને ગમતી વાત સંભાળવા મળે અને તેમાં તમારી ખુશીની કોઈ સીમાના રહે તેવું બની છે.


આજના દિવસે નાનીનાની વાતમાં ગુસ્સો આવી શકે છે માટે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી બને છે, કોઈ મશ્કરી કરેતો વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છાનીય છે, કામકાજમાં તેમજ અંગત વ્યવહારમાં કોઈની સાથે મતભેદના થાય તેની કાળજી રાખવી, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજના દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે અને તેના કારણે તમને કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, તમારા કોઈ કામકાજમાં અન્યનો સાથસહકાર અને માર્ગદર્શન પણ સારું મળી શકે છે, કોઈની સાથે થયેલ આકસ્મિક મિલનમુલાકાત આનંદદાયી અને યાદગાર બની રહે તેવું પણ બનવા જોગ છે.


આજે તમે મજાક કરવાની વૃતિમાં જોવા મળો અને તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું વડીલ કે પરિચિત સાથે ફરવાના યોગ પણ બને છે તેમાં તમારા માટે કોઈ લાભકારી વાતચિત થાય અને તેનો તમને ક્યાંક ફાયદો પણ થઈ શકે છે, તમારા અટકેલા કોઈકામ આગળ વધારવાની કોશિશ કરવી સારી.


મુસાફરી દરમિયાન બહુ જૂનીઓળખાણકે યાદતાજી થાય તેવું બને, નજીકના સગાકે પડોસી સાથે વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી જેથી કોઈ બાબતપર કોઈ ગેરસમજ ટાળી શકાય, મનમાંને મનમાં કોઈ વાત રહેલી હોય તેનો ક્યાયક ખુલાસો કરવાની તક મળી શકે છે, વેપારમાં ધીરજ રાખી કામકાજ કરવું યોગ્ય છે.


થોડી માનસિક અશાંતિ રહી શકે છે કારણકે તમને મનમાં કોઈક વાતનો અજંપો પરેશાન કરતો હોય, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, દિવસ દરમિયાન કામમાં એકાગ્રતા રાખવી, વેપારમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.


ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે, સંતાન સાથે વાર્તાલાપકે ખરીદી કરવાના યોગ બની શકે છે, આજે પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય અને તમને  કોઈ સારા કામમાટેની ઈચ્છા થાય અને તમારા મનના રહેલા દુખ ભુલાઈ જાય.


તમને કોઈનો સાથ સહકાર મળે જેણે કારણે તમે થોડા ઉત્સાહી બનો અને જુનાઅટકેલા કામ બાબત કોઈ વાત આગળ વધે તેવા સંજોગ બની શકે છે, તમારામાં રહેલી લાગણીની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમારામાં થોડી પરોપકારી વૃતિ પણ જાગે તેવા સંજોગો બની શકે છે, આનંદમય દિવસ બની શકે છે.

પંચાંગ 13/05/2020

મિશન સાગરઃ 580 ટન ખાદ્યસામગ્રી સાથે નેવી જહાજ માલદીવ પહોંચ્યું

નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળે જણાવ્યું છે એનું ‘INS કેસરી’ જહાજ ‘મિશન સાગર’ યોજના હેઠળ માલદીવ માટે 580 ટન ખાદ્યસામગ્રી લઈને ગઈ કાલે માલે પાટનગર શહેર પહોંચ્યું હતું. ભારત સરકાર દ્વારા આ મિશન કોરોના વાઇરસના રોગચાળા સામેના વૈશ્વિક જંગ અંતર્ગત શરૂ કરવામાં આવ્યું છે. નૌસેનાએ એક જાહેરાતમાં જણાવ્યું છે કે આ ક્ષેત્રમાં કોરોના વાઇરસની મહામારી અને સામાજિક અંતરના નિયમને ધ્યાનમાં રાખીને 12 મે, 2020એ ઓનલાઇન સમારોહમાં માલદીવના સત્તાવાળાઓને ખાદ્યસામગ્રી સોંપવામાં આવી હતી.

‘ઓપરેશન સમુદ્ર સેતુ’ની સાથે ‘મિશન સાગર’નો પણ પ્રારંભ

એ સમારોહમાં માલદીવના વિદેશપ્રધાન અબદુલ્લા શાહિદ, સંરક્ષણપ્રધાન મારિયા અહમદ દીદી અને માલદીવમાં ભારતીય ઉચ્ચાયુક્ત સંજય સુધીર હાજર હતા. વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ‘ઓપરેશન સમુદ્ર સેતુ’ની સાથે ‘મિશન સાગર’ પણ શરૂ કરવામાં આવ્યું છે.

નૌકાદળે જણાવ્યું છે કે ભારત સરકાર કોરોના સંકટમાં મિત્ર દેશોને મદદ પહોંચાડી રહ્યું છે અને એ મિશન હેઠળ માલદીવના લોકો માટે 580 ટન ખાદ્યસામગ્રી લઈને ‘INS કેસરી’ પહોંચ્યું છે.

18 મેથી લોકડાઉન-4 લાગુ થશે; 20 લાખ કરોડનું પેકેજ જાહેર

નવી દિલ્હીઃ કોરોના વાઈરસના ફેલાવાને રોકવા દેશભરમાં લાગુ કરાયેલા લોકડાઉનને લંબાવવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જાહેરાત કરી છે. આ લોકડાઉન હાલ અમલમાં રહેલા લોકડાઉનની મુદત 17 મેએ પૂરી થયા બાદ 18મીથી લંબાશે, જે ચોથું લોકડાઉન હશે.

વડા પ્રધાન મોદીએ સમગ્ર દુનિયાની સાથે ભારત દેશમાં પણ વ્યાપેલા કોરોના સંકટના સંદર્ભમાં આજે પાંચમી વાર રાષ્ટ્રને ટીવી માધ્યમથી સંબોધિત કર્યું હતું. એમણે આ સંબોધનમાં આત્મનિર્ભર ભારતનો સંકલ્પ ઘોષિત કર્યો હતો અને એ સાથે 20 લાખ કરોડના આર્થિક પેકેજની પણ જાહેરાત કરી છે.

કોરોના-લોકડાઉનને કારણે હાલ દેશનું અર્થતંત્ર ગંભીર મંદીની અવસ્થામાં આવી પડ્યું છે ત્યારે વડા પ્રધાને કહ્યું કે, કોરોના વાઈરસ સામેની લડાઈમાં નવા સંકલ્પ સાથે હું આજે એક વિશેષ આર્થિક પેકેજની ઘોષણા કરું છું – ‘આત્મનિર્ભર ભારત અભિયાન’, જે દેશના વિકાસ માટે એક મહત્ત્વની કડી તરીકે કામ કરશે. આ આર્થિક પેકેજ લઘુ ઉદ્યોગ માટે છે, કુટીર ઉદ્યોગ માટે છે, શ્રમિકો, ખેડૂતો, મધ્યમ વર્ગ અને ઉદ્યોગો માટે છે.

વડા પ્રધાને કહ્યું કે આ આર્થિક પેકેજ વર્ષ 2020માં દેશની વિકાસ યાત્રાને આત્મનિર્ભર બનાવશે. એને નવી ગતિ આપશે. આ આર્થિક રાહત પેકેજ દેશના જીડીપી આંકના 10 ટકા જેટલું છે.

આ આર્થિક પેકેજ દેશના શ્રમિકો, એ કિસાનોને મદદરૂપ થવા માટે છે જે દરેક સંજોગો, દિવસ-રાત પરિશ્રમ કરે છે.
આ આર્થિક પેકેજ મધ્યમ વર્ગ માટે છે, જે ઈમાનદારીથી ટેક્સ આપે છે, દેશના વિકાસ માટે યોગદાન આપે છે.
આ પેકેજ ઉદ્યોગજગત માટે છે જે ભારતના આર્થિક સામર્થ્યને ટકાવી રાખે છે. આવનારા દિવસોમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામન આ ‘અભિયાન’ વિશે વિસ્તારપૂર્વક જાણકારી આપશે, એમ મોદીએ વધુમાં કહ્યું.

વડા પ્રધાને કહ્યું કે, લોકડાઉનનું ચોથું ચરણ નવા રંગ-રૂપવાળું, નવા નિયમોવાળું હશે. આપણે માસ્ક પહેરીશું, ‘દો-ગજ-દૂરી’ નિયમનું પાલન કરીશું, પણ આપણા લક્ષ્યને આપણી નજરમાંથી હટવા નહીં દઈએ. લોકડાઉન-4 વિશેના નિયમોની જાણકારી 18 મે પહેલા આપવામાં આવશે.

વડા પ્રધાને લોકલ – સ્થાનિકના મહત્ત્વ પર ખાસ ભાર મૂક્યો હતો અને કહ્યું કે, આપણે હવેથી માત્ર લોકલ ઉત્પાદનો જ ખરીદવાના છે એટલું જ નહીં, પણ એનો પ્રચાર પણ કરવાનો છે. કોરોના સંકટે આપણને લોકલ મેન્યુફેક્ચરિંગ, લોકલ માર્કેટ, લોકલ સપ્લાય ચેનનું મહત્ત્વ બરાબર રીતે સમજાવી દીધું છે.

આપણે ભારતને આત્મનિર્ભર બનાવીને જ રહીશું. આપ સહુને સુસ્વાસ્થ્યની શુભેચ્છા આપું છું, એમ કહીને વડા પ્રધાન મોદીએ પોતાનું સંબોધન સમાપ્ત કર્યું હતું.

અમદાવાદમાં 15 મેથી શરતોને આધીન શાકભાજી, કરિયાણાની દુકાનો ખુલશે

અમદાવાદ- લોકડાઉનને 50 દિવસ થઈ ગયા હોવા છતાં શહેરમાં કોરોના વાઈરસ બીમારી કાબૂમાં આવતી નથી. શહેરમાં 10મેની સાંજથી 11મેની સાંજ સુધીમાં કોરોનાના 268 નવા કેસ સામે આવ્યા હતા. દરમિયાન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શાકભાજી અને કરિયાણાની દુકાનો ખોલવા મામલે સૌથી મોટો નિર્ણય લીધો છે.

તે અનુસાર, 15મેથી શાકભાજી, કરિયાણાની દુકાનો અને અનાજ દળવાની ઘંટી શરતોને આધીન ખોલવા દેવાનો નિર્ણય લીધો છે.આ દુકાનો સવારે 8 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી ખોલી શકાશે.

શહેરમાં 15 મેથી ઓનલાઈન ફૂડ અને હોમ ડિલિવરી શરૂ કરવામાં આવનાર છે. ડી-માર્ટ, ઓશિયા હાઇપરમાર્ટ, બિગ બાસ્કેટ, બિગ બજાર, ઝોમેટો, સ્વિગી વગેરે જેવી તમામ મુખ્ય રિટેલ અને હોમ ડિલિવરી એજન્સીઓના 500થી વધારે ડિલિવરી સ્ટાફનું આજથી સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવ્યું છે. તમામ લોકોમાં સોશિયલ ડીસ્ટન્સિંગ જળવાય તે રીતે તેઓને સ્ક્રિનિંગ કરી હેલ્થ કાર્ડ આપવામાં આવશે. આ કાર્ડની વેલિડિટી 7 દિવસ સુધી રહેશે.

મુંબઈમાં ચોમાસા પૂર્વે નાળાસફાઈનું કામ ધીમું પડી ગયું

મુંબઈઃ સમગ્ર મહાનગરમાં કોરોના વાઈરસના ફેલાવાને કારણે લાગુ થયેલા લોકડાઉનને લીધે જનજીવન ઠપ થઈ ગયું છે. નાગરિકો અને તમામ સરકારી તંત્રો કોરોના સંકટ સામે જ ઝઝૂમી રહ્યા છે ત્યારે બસ હવે સંભવિતપણે એક મહિનામાં જ બેસી જનાર ચોમાસાની ઋતુ પૂર્વે મહત્ત્વનાં પગલાં લેવામાં ઉદાસીનતા જોવા મળી રહી છે.

સામાન્ય રીતે, દર વર્ષે ચોમાસાની ઋતુ જૂનની 10મીએ બેસે એના દોઢ બે મહિના પૂર્વે જ મુંબઈમાં નાળા અને ગટરોનું સફાઈકામ શરૂ થઈ જાય જેથી ધોધમાર વરસાદમાં શહેરમાં પાણી ભરાય નહીં. પરંતુ આ વખતે આ સફાઈકામમાં ઘણી ઢીલાશ જોવા મળી રહી છે. આ કામ અત્યંત મંદગતિએ ચાલી રહ્યું છે.

શહેરના પૂર્વ ભાગમાં આવેલી મીઠી નદીને સ્વચ્છ કરવાનું કામ અધૂરું છે. આનું મુખ્ય કારણ એ છે કે ઘણા સફાઈ કામદારોએ લોકોડાઉનમાં ભૂખમરાથી બચવા માટે એમના વતનની વાટ પકડી લીધી છે. તેથી હવે નાળાઓ સાફ કરવા માટે કામદારો ક્યાંથી લાવવા એ સવાલ મુંબઈ મહાનગરપાલિકાના સત્તાવાળાઓને સતાવે છે.

વર્ષ દરમિયાન મીઠી નદીમાં જમા થયેલો કચરો સાફ કરવાનું કામ અત્યાર સુધીમાં માત્ર 29 ટકા જેટલું જ થયું છે. અત્યાર સુધીમાં આ કામ 70 ટકા જેટલું પૂરું થઈ જવું જોઈતું હતું. બાકી રહેતું કામ ચોમાસું બેસી જાય ત્યારબાદ કરાતું હોય છે.

હવે ચોમાસાને આડે એક મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે.

શહેરભરના નાળાઓની સફાઈ માટેનું ટેન્ડર ગયા માર્ચ મહિનાના આખરી સપ્તાહમાં બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ કોન્ટ્રાક્ટરોને સફાઈ કામદારો ન મળવાને કારણે નાળાસફાઈનું કામ રખડી પડ્યું છે.

મુંબઈ મહાનગરપાલિકા હદમાં જૂનું શહેર (દક્ષિણ), પૂર્વ તથા પશ્ચિમના ઉપનગરો આવે છે. પૂર્વ ભાગમાં, બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સની અંદરથી વહેતી અને કુલ 21.50 કિલોમીટર લાંબી મીઠી નદી છેવટે માહિમ (પૂર્વ)માં ખાડીમાં મળી જાય છે, જે પાણી ત્યાંથી આગળ પશ્ચિમ તરફ વળીને અરબી સમુદ્રમાં ભળી જાય છે.

મીઠી નદીમાંથી દર વર્ષે ચોમાસા પૂર્વે 1 લાખ 38 હજાર 830 મેટ્રિક ટન જેટલો કચરો કાઢવામાં આવતો હોય છે. આમાંનો 70 ટકા જેટલો કચરો, એટલે કે 98,500 મેટ્રિક ટન કચરો ચોમાસા પૂર્વેની નાળાસફાઈ દરમિયાન કાઢવામાં આવે છે. આ વખતે આમાંથી માત્ર 26,118 મેટ્રિક ટન કચરો જ કાઢી શકાયો છે.

મુંબઈના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમાયેલા ઈકબાલ સિંહ ચહલે ગઈ કાલે નાળાસફાઈ અને મીઠી નદીમાંથી કચરો કાઢવાની કામગીરીનું સ્થળ પર જઈને પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું.

ચહલે સંબંધિત અધિકારીઓને કહ્યું છે કે ચોમાસાપૂર્વે જ સફાઈકામ પૂરું થઈ જવું જોઈએ. લોકડાઉનના અવરોધને બાજુએ કરીને આપણે આ કામોને ગતિ આપવી જરૂરી છે. એ માટે જરૂર પડે તો વધારે સાધનસામગ્રી અને કામદારો-મજૂરોને કામે લગાડો. જરૂર પડે તો બે શિફ્ટમાં કામ કરાવો અને સફાઈનું આ કામ પૂરું થઈ જવું જોઈએ.

લોકડાઉનમાં ઢીલ આપતાં દેશોને WHOની ચેતવણી

ન્યુયોર્કઃ વિશ્વભરમાં કોરોના વાઇરસની વચ્ચે વિવિધ દેશોમાં લાગુ થયેલા લોકકડાઉનમાં હવે રાહતો આપવામાં આવી રહી છે. આને ધ્યાનમાં રાખતાં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ચેતવણી આપી છે. ફ્રાન્સ અને બેલ્જિયમને લોકડાઉનમાં આપેલી રાહત, નેધરલેન્ડ્સમાં બાળકોને ફરી શાળાઓમાં મોકલવાના લેવાયેલા નિર્ણય અને કેટલાંક અમેરિકી રાજ્યો દ્વારા વેપાર-વ્યવસાયો પર લગાવવામાં આવેલા પ્રતિબંધોને દૂર કરાયા તે સામે WHOએ ચેતવણી આપી હતી.

લોકડાઉન એકસાથે ખોલવું ઘાતક

WHOના અધિકારીઓએ સાવધ કરતાં કહ્યું હતું કે વ્યાપક પરીક્ષણ ના કરવાના અને સંક્રમિત લોકોને ટ્રેસિંગ કર્યા વિના ફરી એક વાર બધું જ એકસાથે શરૂ કરી દેવું એ ઘાતક થઈ શકે. જર્મનીમાં રાહત આપ્યા પછી ત્રણ કતલખાનામાં કોરોનાના કેસો નોંધાયા હતા. બીજી બાજુ ચીની શહેર વુહાન અને દક્ષિણ કોરિયાની નાઇટ ક્લબને સાંકળતા 85 કેસ મળ્યા હતા.

વિશ્વ આરોગ્ય સંસ્થાના ઇમર્જન્સી ચીફ ડો. માઇકલ રાયને કહ્યું છે કે જર્મની અને દક્ષિણ કોરિયા દ્વારા કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવા માટે કરવામાં આવેલા ઉપાયોથી આશા છે કે તેઓ સ્થિતિ નિયંત્રણથી બહાર કાઢતાં પહેલાં ક્લસ્ટરથી માલૂમ કરી શકશે અને અટકાવી શકે છે. WHOએ કહ્યું હતું કે જે દેશ લોકડાઉનથી બહાર નીકળી રહ્યા છે અને એમણે નિયમો અનુસાર કોન્ટેક્ટ ટ્રેસિંગ ન કરી અને તેમને વધુ લોકોના સંપર્કમાં આવતાં પહેલાં ક્વોરોન્ટાઇન ન કર્યા –આવામાં જલદીમાં જલદી કાર્યવાહી કરવામાં આવવી જોઈએ. જોકે રાયને કોઈ પણ દેશનું નામ નથી લીધું.

વિશ્વભરમાં કોરોનાની સ્થિતિ

મંગળવાર સુધી વિશ્વભરમાં કોરોનાના 4,177,687 કેસ નોંધાયા છે, જેમાં 2,86,336 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.

આર્થિક રાહત નવા વેરાના બોજ સ્વરૂપે પ્રજાના માથે આવશે?

વર્તમાન સમયમાં કોરોના વાઈરસને લીધે સર્જાયેલી આર્થિક કટોકટીમાં સરકાર આર્થિક રાહત આપી રહી છે અને  હજી પણ વધુ  આપવી પડશે. કિંતુ હાલમાં આર્થિક ભીંસનો પોતે પણ સામનો કરી રહેલી સરકાર  ભવિષ્યમાં નાણાં કયાંથી ઊભા કરશે? શું બોજ નવા વેરાસેસ સ્વરૂપે પ્રજા પર તો નહીં આવે ને? સવાલ ગંભીર છે.


સાઉદી અરેબિયાએ તાજેતરમાં કરેલી કેટલીક જાહેરાત ચર્ચાનો વિષય બની છે. ક્રુડ ઓઈલના ભાવ ઘટાડાની સૌથી મોટી અને આકરી અસર રૂપે સાઉદી અરેબિયાએ વેલ્યૂ એડેડ ટેક્સ (વેટ) પાંચ ટકાથી વધારીને 15 ટકા કરવાનો નિર્ણય લીધો છે. આ નવા દરનો અમલ જુલાઈથી શરૂ થશે. જેનો આંચકો અત્યારથી ત્યાંના બિઝનેસ વર્ગ સહિત જનતાને પણ લાગ્યો છે.  સાઉદી અરેબિયાએ  તેના ચોક્કસ ભાવિ ખર્ચ રદ કરવાનું કે તેને મુલતવી રાખવાનું નકકી કર્યુ છે  અથવા  વિઝન 2030 માટેની તેની ફાળવણી પર કાપ મૂકવાનું વિચાર્યુ છે. આમ કરીને તે જંગી રકમની બચત કરવા ધારે છે. કોરોનાની મહામારી અને તેને કારણે ઈકોનોમીને થયેલી ગંભીર અસરને પહોંચી વળવા સાઉદી સરકારે કોસ્ટ ઓફ લિવિંગ એલાવન્સ પર પણ તાત્પુરતી બંધી મૂકવાનું નકકી કર્યુ છે અને સરકારી કર્મચારીઓના કયા અન્ય લાભ પર કાપ મૂકી શકાય  તેનો અભ્યાસ કરવા એક સમિતિની રચના કરી છે. તમને થઈ શકે કે આ બધું તો સાઉદી અરેબિયામાં થઈ રહ્યું છે, આપણે શું ?

ભારતમાં  નવા બોજ આવશે?

આ સવાલ મહત્ત્વનો એ માટે છે કે આપણા દેશમાં પણ આગામી એકાદ વરસમાં નવા વેરાનું આગમન કે પછી વેરાદરના વધારા નક્કી માનીને ચાલવું પડશે. સરકાર હાલ કોવિડ-19ના કપરા સંજોગોને કારણે જે રાહત આપી રહી છે અને હજી આપવાની છે તેના નાણાં કયાંથી ઊભા કરશે? આખરે તો જનતાના માથે બોજ આવવાનો જ છે. આમ પણ અત્યારની આર્થિક મહામંદીને કારણે સરકારની ઈન્કમ ટેક્સ તેમ જ એક્સાઈઝ ડ્યુટી,કસ્ટમ્સ ડ્યુટી, જીએસટીની આવકને મોટો માર પડી જ રહ્યો છે. ઉપરથી સરકારે ટેકસ ભરવા માટે ત્રણ મહિનાનો વધારાના સમયની રાહત પણ આપી છે. અર્થાત હાલ તો સરકારને આ માર્ગે થતી આવકમાં પણ માર પડવાનો નકકી છે. એક માર સમયનો પડશે, બીજો માર બિઝનેસ બંધ હોવાથી ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલના જીએસટીની આવકનો પડશે. દર મહિને સરકારને આ માર્ગે 90000 કરોડથી લઈ એક લાખ કરોડ રૂપિયા ઉપરની આવક થતી હોય છે, જેની સામે હવે કેટલાં ટકા આવક થશે એ સવાલ છે.

બીજું  રાહત પેકેજ કયારે ?

કેન્દ્ર સરકારે પ્રથમ રાહત  પેકેજમાં 1.70 લાખ કરોડ રૂપિયાની રાહત આપી હતી, એ પછી બીજી રાહત મોટી આવવાની આશા જોવાઈ રહી છે. આ બીજું રાહત પેકેજ વધુ જંગી અને વ્યાપક હશે એમ કહેવાય છે. નાણાં પ્રધાનની આ વિષયમાં  વડાપ્રધાન સાથે વાતચીત ચાલી રહી છે અને તે  ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા છે. રાધર એમ પણ કહી શકાય કે આ રાહત જાહેર કરવામાં સરકાર તરફથી નોંધપાત્ર વિલંબ પણ થઈ રહયો છે. સંભવત સરકાર લોક ડાઉન બાદ નાના-મધ્યમ એકમો ચાલુ થશે એવી ધારણા સાથે એ નાના-મધ્યમ એકમે  કાર્યરત થયા બાદ રાહતની ખાસ જરૂર પડશે એવું માનીને ખરા સમયે સરકાર એ રાહત ત્યારે જ અથવા એ સમયની આસપાસ જાહેર કરશે એવી આશા છે.

બેંકોની રાહત અને મજૂરોની હાલત

અગાઉ  રિઝર્વ બેંકે  લોન ચૂકવણી બાબતે બેંકોને  ત્રણ મહિનાની રાહત આપવા સૂચના આપી  હતી,  આ સમયગાળો  પણ લંબાવવાની વાત ચાલી રહી છે, કારણ કે હજી બિઝનેસ ચાલુ થયા નથી તો બોરોઅર્સ લોનની ચૂકવણી કઈ રીતે કરી શકશે? સરકારે તાજેતરમાં 12 લાખ કરોડ રૂપિયાનું કરજ લીધું છે, જેથી તે તેની ડેફિસિટને અંકુશમાં રાખી શકે, કિંતુ આમ કયાંસુધી અને કેટલે સુધી સંભવ છે? દેશનો જીડીપી (વિકાસ દર) દર તળિયે અથવા એક-દોઢ  ટકા કે પછી વધુ વિપરિત સંજોગોમાં ઝીરો પણ થઈ શકે છે એવી શંકા વ્યક્ત થઈ રહી છે. નોકરી અને પગાર કાપનો દોર તો શરૂ થઈ જ ગયો છે. કરોડો કામદારો-મજૂરો બેકાર થઈ ગયા છે. રોજેરોજનું કમાઈને જીવનારાની દશા તો શું છે એ આપણી કલ્પના શકિતની બહારની વાત થઈ ગઈ છે, આપણે હજારો મજૂરો પોતાના ગામ તરફ કઈ રીતે ગયા અને જઈ રહ્યા છે તેના દ્રશ્યો જોયા છે, જે કાળજુ કંપાવી નાંખે એવા છે. માણસની સંવદેનશીલતા હચમચી જાય એવા આ દ્રશ્યો અને અહેવાલ છે. આ મજૂરો હવે આ શહેરોમાં પાછા આવશે કે કેમ એ મસમોટો સવાલ છે. વાત માત્ર મુંબઈની જ નથી, અનેક મહાનગરોની છે. જેમાં કોલકાતા, અમદાવાદ, સુરત વગેરે પણ આવી જાય.

કોવિડ-19 નામે સેસ આવી શકે

કોરોનાને કારણે સર્જાયેલી મહામંદીનો ભોગ અર્થતંત્ર ઉપરાંત  અર્થતંત્રના  ભાગ સમાન એકેક જણ  બન્યા છે. કિંતુ જ્યારે અર્થંતંત્રની બેહાલીના  આ બોજનો ભાર ઊંચકવાનો આવશે ત્યારે શું આ બોજથી સામાન્ય પ્રજાને  મુક્ત રાખી  શકાશે? સરકારે  ટેકસ વધારવા પડશે તો તેનો અંતિમ બોજ  જનતા પર જ આવશે. સંભવ છે કે સરકાર કોવિડ-19ના નામે નવો સેસ પણ લાદી શકે, જે ઘણાં વરસ સુધી ચાલુ રહે એવું બની શકે. સાઉદી અરેબિયાએ જે કર્યું છે તે અન્ય દેશોએ પણ કરવું પડશે, જો કે અન્યની વાત બાજુએ મૂકીએ તો પણ ભારતે આમ કરવાની ફરજ પડવાની શક્યતા વધુ છે.  આગામી બજેટમાં શું હશે તેના પર લોકો અત્યારથી વિચારતા થઈ ગયા છે, હાલ તો એક મિનિ બજેટ આવવાની રાહ છે. બીજા દેશોએ તો પોતાની પ્રજાને અને અર્થતંત્રને રાહત પણ ખૂબ આપી છે, જ્યારે તેની સામે ભારતે અત્યારસુધી તો રાહતના નામે બહુ ઓછું આપ્યું છે. ભારતની લોકશાહી અને રાજકારણ પણ તેમાં બાધારૂપ બને છે. ભારત માટે તો એક સાંધે ને તેર તૂટે જેવા હાલ છે. ભારત સામે સૌથી વિકટ સવાલ અને સમસ્યા બેરોજગારીની ઊભી જ છે, જે હવે પછી વધુ વકરવાના એંધાણ છે.

દિશાહિન દેશ અને અર્થતંત્ર

જો કે  ભારત સરકાર નવા ટેક્સ નાંખશે યા વધારશે કે સેસ લાગુ કરશે તો તેનો ભાર ઊંચકવા માટે પણ કેટલા ટકા લોકો તૈયાર અને સક્ષમ હશે? અગાઉ ડિમોનેટાઈઝેશન કરનાર ભારત સરકાર  પાસે હવે એક વિકલ્પ મોનેટાઈઝેશનનો હોવાનું ચર્ચાય છે. કિંતુ સરકાર આમ કરશે? અને કરશે તો મોંઘવારીને કઈ રીતે અંકુશમાં રાખી શકશે? બાકી હાલ તો અમુક અપવાદરૂપ સેક્ટર સિવાય બધાં જ મંદીની આગમાં હોમાઈ રહયા છે. તેમનો બોજ કોઈ ઉપાડે યા સરકાર ઉપાડે એવી તેમની અપેક્ષા છે એની સામે જો તેમના પર નવા બોજ આવશે તો શું દશા થશે એની કલ્પના પણ ભયાનક લાગે એવી હશે. જો સરકાર આમ નહી કરે તો શું ઉપાય કરશે તેનો જવાબ પણ કયાં છે? દેશ, અર્થતંત્ર, વેપાર-ઉધોગ અને પ્રજા પણ  દિશાહિન  છે. વાઈરસ સ્વરૂપે કોરોના જાય કે ન જાય, ઈકોનોમી સ્વરૂપે ઈકોરોના  દેશમાં ઘૂસી ગયો છે અને ફેલાઈ રહયો છે. તેણે માંદગીનો ફેલાવો શરૂ કરી દીધો છે, આમાંથી  કેટલાં અને કઈ રીતે સાજા થશે એનો ઉપાય-ઈલાજ કે વેક્સીન કોઈની પાસે નથી.

  • જયેશ ચિતલિયા (આર્થિક પત્રકાર)