Home Blog Page 4805

કોરોના સંક્રમિતોના 3722 નવા કેસ અને 134 લોકોનાં મોત

નવી દિલ્હીઃ કોરોના વાઇરસના કેસમાં સતત વધારો ચાલુ છે. કોરોના કેસના વધારાને લીધે દેશમાં લોકડાડાઉન 4.0 જારી રહેશે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 78,003 થઈ ગઈ છે. આમાં 49,219 સક્રિય કેસો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 2549 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. પાછલા 24 કલાકમાં કોરોનાના અત્યાર સુધી 3722 નવા દર્દીઓ સામે આવ્યા છે અને 134 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જોકે રાહતની વાત એ છે કે કોરોનાને હવે 26,235 લોકો માત આપી ચૂક્યા છે. રિકવરી રેટ સુધરીને 33.63 ટકા થયો છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો વધીને 25,000ને પાર

મબારાષ્ટ્રમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા વધીને 25,000ને પાર થઈ છે. એમાં પણ  મુંબઈમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 15,000ને પાર થઈ છે. મહારાષ્ટ્રમાં 1495 નવા કેસો સામે આવ્યા છે અને 54 લોકોનાં મોત થયાં છે. અત્યાર સુધી રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 25,922 થઈ છે અને અત્યાર સુધી આ વાઇરસથી 975 લોકોનાં મોત થયાં છે. જ્યારે મુંબઈમાં 595 કેસ સામે આવ્યા છે અને 40 લોકોનાં મોત થયાં છે. દેશમાં રાજ્યવાર કોરોના સંક્રમિતોની સ્થિતિ નીચે મુજબ છે.

 

 

તમાકુ, માવો, બીડી, સિગારેટ કોરોનાને મારી નાખે કે નહીં?

ભાજપના નેતા અરવિંદ રૈયાણી માવો ખાઈને થૂંકતા હતા તે વીડિયો તમે જોયો હશે. સામાન્ય સંજોગોમાં કેન્સરનો ડર હોય અને અત્યારે તો કેન્સરનો ય બાપ કોરોના ફેલાયો છે ત્યારે વ્યસનીઓ ડરતા હશે એવી આપણા સોજ્જા લોકોની ધારણા કેટલી ખોટી હોય છે તે રૈયાણીએ દેખાડ્યું. કેન્સર થાય કે કોરોના થાય માવો ખાવા જોઈએ. તમાકુ ને બીડી-સિગારેટ વિના ના ચાલે. આ તમે જોયું નહિ, દારૂની દુકાન ખૂલી ત્યાં લોકો ધક્કામુક્કી કરી રહ્યા હતા. પીવા જોઈએ બસ, પી ગયા પછી અંતર જાળવવાનું ભાન ના રહે તે પછીની વાત છે, પહેલાં પેગ મારી લેવા દો.

પીનારા કરતાંય પીવડાવનારાઓનો વાંક વધારે છે. રાજ્ય સરકારો જ આતુર છે કે શરાબની દુકાનો ખૂલે.

મેઘાલય અને આસામમાં દારૂની દુકાનો ખૂલવાની વાત પ્રથમ લૉકડાઉનના મધ્યમાં જ આવી હતી. કેરળ સરકારે પણ દારૂની દુકાનો ખોલી ને વળી હાઈ કોર્ટે કહ્યું એટલે બંધ કરવી પડી. પંજાબના મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહ પણ ક્યારનાય ખોલું ખોલું કરતા હતા. કેજરીવાલે જોયું કે દારૂની લાઈન તો લાંબી થઈ એટલે વળી પાછી બંધ કરાવવી પડી. કારણ એ કે રાજ્ય સરકારો માટે કમાણીનું આ એક જ મોટું સાધન છે. દારૂ પર ઊંચો ટેક્સ લેવાય છે. દારૂની આવક લેવા જતા મુશ્કેલી થશે એમ સમજીને કેજરીવાલ સરકારે હવે પેટ્રોલ અને ડિઝલના ભાવ વધાર્યા.

દુનિયા થંભી ગઈ છે એટલે ક્રૂડના ભાવ તળિયે ગયા છે, તેનો લાભ ગ્રાહકોને ના અપાય તે વાત સમજી શકાય. અત્યારે ભાવ ઘટાડો થાય તો સરકારની આવક વધારે ઘટે. પણ ભાવવધારો? જોજો હવે બીજા રાજ્યો પણ પેટ્રોલિયમ પરનો વેટ વધારશે. રાજ્યોમાં બૂમ પડી ગઈ છે, કેમ કે વેરાની આવકો બંધ થઈ ગઈ છે અને કેન્દ્ર સરકાર તરફથી ધારી નાણાકીય મદદ મળી રહી નથી. જીએસટીના હિસ્સાના નાણાં પણ રાજ્યોને મળી રહ્યા નથી.
ને પાના-માવા-ગુટકાની દુકાનો ખોલવા માટે દબાણ તો થઈ જ રહ્યું છે. અહીં તો ખાનારા અને ખવરાવનારા બંનેનું દબાણ છે.

સુરતમાં માવો ના આપ્યો એટલે એક જણનું ખૂન પણ થઈ ગયું! ગુટકા અને તમાકુ લોબી બહુ તગડી છે અને રાજકારણીઓ તેમના ખિસ્સામાં છે. સામે મોટો ગ્રાહક વર્ગ એ મતદાર વર્ગ છે એટલે માવા ખાવાની વ્યવસ્થા સરકાર કરી આપેને તો આ આપણી પ્રજા વળી તેનેય સંવેદનશીલ ગણે તેવી છે! વાત મજાકની નથી, કેમ કે તમાકુ અને નિકોટીન કોરોનાને અવરોધે છે તેવી ગંભીર ચર્ચાઓ પણ થયેલી. સિગારેટ પીનારા લોકોના ગળામાં ઇન્ફેક્શન જલદી ચોંટતું નથી, તે કેમ અને કેટલા પ્રમાણમાં તેના ગંભીર પ્રયોગો પણ થયા છે. એટલે બીડી અને માવા અને ગુટકા અને સીધી જ તમાકુ ગલોફામાં ભરાવનારા કહેવાના કે તો પછી ખાવા દ્યોને – ઇ બહાને ચેપ ફેલાતો અટકશે ને અમને મોજ આવશે.

સેનિટાઇઝર્સ પણ આલ્કોહોલ બેઝ હોય છે. એટલે દોઢ ડાહ્યાઓએ કહેલું પણ ખરું કે દારૂ પીવા દોને, જંતુઓને ગળામાં જ આલ્કોહોલ મારી નાખશે. એટલે તમે પણ ‘માળી હાળી વાત તો હાચી હો… એમ કહીને દારૂ, માવા, ગુટકા, તમાકુ, બીડી, સીગરેટની છૂટ મેલી દ્યોને બાપલા’… એવી વાતો ના કરતા. તમને મૂળ પ્રયોગની વાત જણાવીએ તે પહેલાં બીજા નકાર કરનારા પ્રયોગની વાત કરી દઈએ, તો તમેય જરાક હેઠા બેહો.

વાત એમ છે કે નિકોટીન કોરોના વાઇરસને અવરોધે છે તેવા દાવામાં દમ નથી તેવું સંશોધન ભારતની જોધપુરની આઈઆઈટીએ કર્યું છે. નિકોટીન વિશેનું સંશોધન ફ્રાન્સમાં થયેલું તેનો નકાર જોધપુરના નિષ્ણાતોએ કર્યો છે. સિગારેટ પીનારા લોકોમાં ચેપનું પ્રમાણ થોડું ઓછું જોવા મળ્યું હતું તેવું ફ્રાન્સના એક અભ્યાસમાં કહેવાયું. જોધપુરના સંશોધકોએ અભ્યાસ પેપર તૈયાર કરીને આંતરરાષ્ટ્રીય જર્નલ અમેરિકન કેમિકલ સોસાયટીમાં ફ્રેન્ચોના દાવાને ખોટો ઠરાવ્યો છે. ઉલટાનું ધૂમ્રપાન કરનારા ચેપનો ભોગ બને તેવી શક્યતા વધુ હોવાનું તારણ જોધપુર-આઈઆઈટીના સંશોધકોએ કહ્યું છે.

એટલે કે સીધી રીતે નહિ, પરંતુ બીડી સિગારેટ પીનારા લોકોની રોગ પ્રતિકારશક્તિ નબળી હોય છે તે એક કારણ. બીજું કારણ મનુષ્યના રિસેપ્ટરમાં કોરોના વાઇરસ ઘૂસી જાય છે. એ જ રીતે નિકોટિન રિસેપ્ટર પણ હોય છે એટલે તેના માધ્યમથી પણ નોવેલ કોરોના વાઇરસ ઘૂસી શકે છે. સિગારેટ પીવાથી ગળામાં નાના મોટા જંતુઓ મરી જાય તેવું બિલકુલ ના માનશો, ઉલટું ધૂમાડા સાથે અત્યંત સુક્ષ્મ જંતુઓ ફેફસા સુધી પહોંચી જશે.

ફ્રેન્ચ અભ્યાસ અને ભારતના રિસર્ચરોનો અભ્યાસ બંને સ્વતંત્ર રીતે થયેલા છે અને તેના પિયર-રિવ્યૂ થયા નથી. એટલે કે વિજ્ઞાનીઓ એક સંશોધન કરે ત્યારે સાથી વિજ્ઞાનીઓ તેને ચકાસતા હોય છે. પોતાની રીતે પણ પ્રયોગો કરતાં હોય છે અને ખરાઇ કરતા હોય છે. બંને પ્રયોગોની ખરાઈ થઈ નથી, એટલે બેમાંથી એકેય માનવાની જરૂર નથી. આમ પણ માવા અને ગુટકા, બીડી અને સિગારેટ સારા નથી એ વાત યથાસ્થાને ઊભી જ રહે છે.

હવે ફ્રેન્ચ સંશોધન શું હતું તે જોઈ લઈએ. ફ્રાન્સની પાશ્ચર ઇન્સિટ્યૂટના ન્યુરોસાયન્સના પ્રોફેસર જ્યાં-પિયરે શેન્યૂ અને પારીસની પિટિ-સેલ્પેટિયર યુનિવર્સિટી હોસ્પિટલના ઝહિર અમોરાએ આંકડાઓ તપાસીને તારણ કાઢ્યું કે સમાન ઉંમર અને લિંગની વ્યક્તિઓમાં ધૂમ્રપાન કરનારી વ્યક્તિમાં કોરોના ચેપ લાગવાની શક્યતા 80 ટકા ઓછી હોય છે. ચીનના તથા અન્ય દેશોના આંકડાંમાંથી પણ આવું તારણ કાઢવામાં આવ્યું હતું. જેમ કે દેશમાં કુલ કેટલા ટકા લોકો ધૂમ્રપાન કરે છે – તેની સામે કોરોના ચેપના કુલ કિસ્સામાંથી કેટલા ટકા ધૂમ્રપાન કરનારા છે. દેશની કુલ ટકાવારી વધુ હોય અને દર્દીઓની ટકાવારી નીચે હોય એટલે તારણ નીકળે કે કોઈક કારણસર સિગારેટ પીનારા દર્દી તરીકે ઓછા આવ્યા.

આ સંશોધકે આ રીતે આંકડા તપાસ્યા હતાઃ “ફ્રેન્ચના નાગરિકોમાં જેટલા પ્રમાણમાં ધૂમ્રપાન કરનારા છે તેના કરતાં આઉટપેશન્ટના કુલ દર્દીઓમાં 80.3 ટકા ઓછા દર્દી ધૂમ્રપાન કરનારા છે, જ્યારે દાખલ થયેલા દર્દીઓમાં તેનું પ્રમાણ 75.4 ટકા છે.” 28 ફેબ્રુઆરીથી 9 એપ્રિલ સુધીમાં Covid-19ના 482 દર્દીઓ આવ્યા તેની તપાસ કરાઈ. તેમાંથી ફક્ત 5 ટકા એવા હતા જે રોજ સિગારેટ પીતા હતા. 95 ટકા દર્દીઓ સિગારેટ ના પીનારા હતા. ફ્રેન્ચના નાગરિકોમાં સરેરાશ 25 ટકા સિગારેટના વ્યસની છે.

આવું આંકડાકિય તારણ કાઢ્યા પછી નિકોટીનની શી અસર કોરોના પર થાય છે તેની હ્મુમન ટ્રાયલ બંને સંશોધકોએ શરૂ કરી છે. નિકોટીન આડકતરી રીતે અસર કરતું હોવાનું અનુમાન કરાયું છે. ACE2 નામનું કોષનું એક મેમ્બ્રેન હોય છે, જેની અંદર વાઇરસ ઘૂસે છે. સિગારેટ પીતી વખતે નિકોટીનનો અંશ પણ ACE2 મેમ્બ્રેનને જ ચોંટી જાય છે. એટલે ધારણા એવી છે કે તેના પર નિકોટીન ચોંટેલું જ હોય એટલે કોરોના નોવેલ-ર વાઇરસને ચોંટવા માટેનો ચાન્સ મળે નહિ. આવું ખરેખર થાય છે કે કેમ તે જોવા માટે 1500 આરોગ્ય કર્મચારીઓ અને 400 દર્દીઓ પર પ્રયોગો થવાના છે. આ લોકોને નિકોટીન આપવામાં આવશે અને પછી ચકાસણી કરાશે કે તેમને ચેપ લાગવાની શક્યતા કેટલી ઘટી.

નિકોટીનના પેચ લીધા હોય તેને નિકોટીનના પેચ લીધા વિનાના સાથી આરોગ્ય કર્મચારીઓ કરતાં વધારે ચેપ લાગ્યો કે કેમ તેના આંકડાં તપાસવામાં આવશે. જોકે આ સંશોધકો પણ કંઈ સિગારેટ કંપનીના એજન્ટ નથી એટલે સ્પષ્ટ ચેતવણી આપી છે કે સિગારેટ ફૂંકવાનું પ્રમાણે વધારી ના દેશો. બીડી સિગારેટને કારણે જ નુકસાન થાય છે તે થવાનું જ છે, માટે તેને ભૂલવાનું નથી. સંશોધકોએ કહ્યું કે “નિકોટીન એવું ડ્રગ છે, જે ધૂમ્રપાનની લત લગાવે છે અને તે મોટો ખરતો છે. માત્ર નિયંત્રિત સ્થિતિમાં કદાચ નિકોટીન વાઇરસના ચેપ સામે અસરકારક થાય પણ ખરું.”
સંશોધકોએ ભલે ચેતવણી આપી, ફણ ફ્રાન્સની સરકાર જાણે છે કે વ્યસનીઓને કોઈ ચેતવણીની અસર થતી નથી. સિગારેટ અને ગુટકાના પેકેટ પર વિકૃત્ત કેન્સર થયાની તસવીરો છાપો તોય પીનારા પીવે છે. ભારત હોય કે ફ્રાન્સ મારા ભાઈ, પીનારા બધે સરખા… એટલે ફ્રેન્ચ સરકારે નિકોટીન એટલે કે તમાકુનું વેચાણ મર્યાદિત કરી દીધું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ નવેસરથી ધૂમ્રપાન સામે ચેતવણી ઉચ્ચારી.

ભારતના જોધપુરના નિષ્ણાતોએ કહ્યું હતું તેવું જ WHOની ચેતવણીમાં કહેવાયું છે, “સ્મોકર્સને ઉલટાનો વધારે ચેપ લાગશે, કેમ કે તેઓ સિગાટેપ પીતી વખતે વારંવાર પોતાની આંગળીઓ હોઠને અડાડશે. સ્મોકર્સના ફેફસા આમ પણ નબળા થઈ ગયા હોય એટલે તેમને ચેપ લાગવાનું જોખમ વધારે છે.”

તો સંશોધકોની પોતાની, ફ્રાન્સ સરકારે ગભરાઈને નિકોટીનનું વેચાણ ઘટાડ્યું તેનો ઈશારો સમજી અને વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણી અને અમારી ચેતવણી તો ખરી જ વળી… તમે ગાંડી સોશ્યલ મીડિયાની દુનિયાના વાહિયાત વાતોમાં પડતા નહિ. તમાકુ, માવા, ગુટકા ને બીડી-સિગારેટની કોઈ અસર કાળઝાળ કોરોના વાઇરસને થતી નથી. અમસ્થા પણ પીતા હો ને અત્યારે પરાણે તેના વિના ચલાવવું પડ્યું હોય (જો વ્યસન વિના ચલાવી લીધું હોય તો, બાકી તો ભાઈડાઓએ મેળ પાડી જ દીધો હશે) તો કાયમ માટે આ લત છોડી દોને બાપા, કાકા, ભઈલા…

રાશિ ભવિષ્ય 14/05/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજે તમને કોઈ સારી આશા જન્માવે, તમે પસંદગીના કામમાં સારો સમય પસાર કરો, તમારા પરિચિત સાથે કોઈ લાભની વાત થાય, મુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી અનુભવો, વેપારના કામકાજમાં નવીનતક દેખાઈ શકે છે, યુવાવર્ગને ઉત્સાહ સારો રહે.


તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની શકે છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, મુસાફરી થવાના યોગ છે.


આજે મુસાફરી દરમિયાન તમને ઉત્સાહ જોવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકકે અધ્યાત્મિકવાતમાં રૂચી વધુલો અને કોઈજગ્યાએ ધાર્મિકબાબત પર નાણાનું દાનકે સદ્કાર્ય માટેનું આયોજન પણ કરો, વેપારના કામકાજમાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો હિતાવહ છે, પ્રિયજન સાથે ફરવા જવાના યોગ પણ છે.


આજે વ્યવસાયમાં થોડી વ્યસ્તતા જોવા મળે, સહકર્મચારીનો સહયોગ તમને મળી રહે અને કામપૂરું થયાનો સંતોષ પણ મળે, તમારા કોઈ જુનાઅટકેલા કામકાજમાં સમય ફાળવોતો તેમાં પણ કામ આગળ ચાલવાની શક્યતા રહે, બજારના કામમાં આકસ્મિકલાભ થઈ શકે છે, યુવાવર્ગ માટે ઉત્સાહજનક કોઈ વાત બની શકે.


આજે અચાનક તમને કોઈ સારી તક દેખાય અને તમે ખુશી અનુભવો, આજના દિવસમાં તમારામાં ધીરજનો થોડો અભાવ દેખાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે આજે કોઈ અઘરો વિષય શીખવામાં વધુ સમય ફાળવાયતો તે વિષયમાં આવડત વધી શકે છે, વેપારમાં નવું જાણવાનું મળવાથી ખુશી અનુભવાય.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે કેમકે તમને નાનીનાની વાતમાં ગુસ્સો આવે અને તેની અસર તમારી સાથેના અન્ય લોકો પર પડે જેથી ક્યાંક મનદુઃખના થાય તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં કોઈપણ પ્રકારનું મોટું જોખમના કરવું, પ્રિયજન સાથે ગેરસમજના થાય માટે શાંતિથી વાર્તાલાપ કરવી.


આજે તમને કોઈપણ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેની અસર તમારા કામ અને અન્ય લોકો સાથેના વ્યવહાર પર પડે, તમે આજે ઉદાર અને સહયોગી વૃત્તિવાળા બનો. વેપારના કામકાજમાં તમને આત્મવિશ્વાસ સારો દેખાય. યુવાવર્ગ માટે પસંદગીના કામ થાય તેવા સંજોગો પણ બની શકે છે.


તમારી વાણીનો પ્રભાવ અન્ય પર સારો પડે અને તમે તમારા શબ્દો વડે તમારી વાતને કોઈની આગળ સારી રીતે રજુ કરી શકો, કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય તેવું પણ બની શકે છે, પરિચિત સાથેની મિલનમુલાકાત તમને યાદગાર બની શકે છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે સગાસ્નેહી સાથે ક્યાંક લાભની વાત આપલે થઇ શકે તેમજ કોઈની સાથે જુના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક પણ મળી શકે છે, વેપારના કામકાજમાં થોડી હિંમત અને અનુભવના ઉપયોગથી સારું કામ થઈ શકે છે, વ્યસ્તતા વચ્ચે પણ કામમાં ઉત્સાહ રહે અને અન્યનો સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે.


આજે કોઈ જૂનીવાતને યાદ આવવાથી મન થોડું અશાંત રહે, ખટપટકરનાર વ્યક્તિથી દુર રહેવું યોગ્ય છે, નજીકના સગાસંબંધી સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ નાપસંદ વાત સાંભળવાથી માનસિક અશાંતિની લાગણી અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનુજ કામ કરવું સલાહ ભર્યું છે.


આજે તમારી લાગણી અને તમારા ભૂતકાળમાં કરેલા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થઇ શકે છે, તમારા અનુભવ અને માર્ગદર્શનનો લાભ અન્યના સારા હિતમાં આપો તેવું પણ બની શકે છે, વેપારના કામકાજમાં લાભની વાત બની શકે છે, પ્રિયજન તરફથી સારો પ્રતિસાદ મળવાથી સારી ખુશી અનુભવાય.


જાહેરજીવનના કાર્યમાં તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામમાં અન્યનો સાથ સહકાર મળતા તમે કામ બાબતે સારા ઉત્સાહી બનો, ભાગીદાર,પત્ની સાથે કોઈ અગત્યની વાર્તાલાપમાં પણ તમને સારો પ્રતિભાવ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગ માટે ઉત્સાહજનક પ્રસંગના એંધાણ મળે.

પંચાંગ 14/05/2020

લોકડાઉન હટશે તો પણ 20% રીટેલ દુકાનો બંધ થશે

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં લોકડાઉનને કારણે આવશ્યક ચીજવસ્તુઓ જ મળવાની છૂટ હોવાને કારણે અન્ય વેપાર-ધંધા ઠપ થયા છે. જેથી જ્યારે પણ લોકડાઉન ઉઠાવી લેવામાં આવશે ત્યારે પણ દુકાનોનાં ઊંચાં ભાડાં અને વેચાણમાં આવેલા ધરખમ ઘટાડા (બંધ)ને કારણે દરેક પાંચમી રિટેલ શોપ એનો વેપાર સમેટી લે એવી શક્યતા છે, એવું વેપારી સંગઠનોનું કહેવું છે. દેશના શહેરી વિસ્તારો – ગીચ વિસ્તારોમાં જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું અશક્ય છે, ત્યાં પણ વેપારીઓએ પ્રતિબંધો હળવા થયા પછી પણ તેમણે દુકાનો (ખાસ કરીને ભાડાની) બંધ રાખવાનું નક્કી કર્યું છે અથવા હજી આગામી સમયમાં કોરોના વાઇરસને પગલે માહોલ અનિશ્ચિત રહેવાને લીધે વેપારીઓ વધુ નુકસાન ઉઠાવી શકે એમ નથી.

મુંબઈના કોલાબા, નરીમાન પોઇન્ટ, અંધેરી-મુંબઈ, ખાન માર્કેટ અને નવી દિલ્હીમાં કોનોટ પ્લેસ અને સદર બજાર સહિતનાં મુખ્ય બજારોમાં 60 ટકા વધુ રિટેલ આઉટલેટ્સ ભાડૂતોના કબજામાં છે, એમ વેપારીઓએ જણાવ્યું હતું. આ વેપારીઓમાં ઘણા લોકોએ ભાડાં ભર્યાં નથી અથવા ડિફોલ્ટ થયા છે, એમ તેમણે કહ્યું હતું.

મસમોટાં ભાડા સહિત અન્ય સ્થિર ખર્ચા

ખાન માર્કેટમાં 1000 સ્ક્વેર ફૂટની શોપનું ભાડું રૂ. પાંચ લાખ છે અને બ્રીચ કેન્ડી જેવા વિસ્તારમાં રૂ. ત્રણ લાખ ભાડું છે. આ જ પરિસ્થિતિ મોટા ભાગનાં શહેરોમાં પ્રવર્તે છે. હવે આ ભાડાં ઉપરાંત કર્મચારીઓનો પગાર સહિત અન્ય સ્થિર ખર્ચા હોવાને કારણે વેપારીઓની નાણાકીય સ્થિતિ કફોડી બની ગઈ છે, જેથી આવા વેપારીઓ વધુ નુકસાન કરવાની ક્ષમતા ના હોવાને કારણે બિઝનેસને બંધ કરશે. આમ દેશમાં આશરે 20 ટકા રિટેલ આઉટલેટ્સ બંધ થવાની ધારણા છે, એમ તેમણે કહ્યું હતું. આ ઉપરાંત અન્ય 10 ટકા વેપારીઓ જે 20 ટકા આ વેપારીઓ પર નિર્ભર હતા, એ પણ તૂટી જશે અને ધંધો બંધ કરશે, એમ તેમણે કહ્યું હતું.

વધુ ભાડાં ચૂકવનારા દુકાનદારો ભયભીત

દિલ્હીના જૂના માર્કેટમાં ચારથી પાંચ લાખ રૂપિયાનાં ભાડાં ચૂકવનારા દુકાનદારો ભયભીત છે, કેમ કે મોટા ભાગના ભાડા કરારોમાં જો ધંધો બંધ કરવામાં આવે તો કરાર મુજબ બાકીના સમયનું ભાડું ચૂકવવાની જોગવાઈ હોય છે. વેપારીઓ આમાંથી વચલો રસ્તો કાઢવાના પ્રયાસ કરી રહ્યા છે, એમ ચાંદની ચોક સર્વ વેપાર મંડળના પ્રમુખ સંજય ભાર્ગવે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે વેપારમાં નુકસાન હોવા છતાં અમે સરકારને રાહત આપવાની માગ નહીં કરીએ.

ભાડામાં 50 ટકા સુધીનો ઘટાડો થવાની સંભાવના

લોકડાઉને વેપાર-ધંધાની કમર તોડી નાખી છે. ખાસ કરીને ભાડેથી દુકાન લઈને ધંધો કરતા વેપારઓની તો માઠી દશા બેઠી છે. દિલ્હીના સદર બજારના ટ્રેડર્સ એસોસિયેશનના વરિષ્ઠ સલાહકાર અજય બજાજે કહ્યું હતું કે લોકડાઉન પછી દુકાનોનાં ભાડામાં 50 ટકા ઘટાડો થવાની શક્યતા છે.

રેલવે હવે વિશેષ મેલ-એક્સપ્રેસ ટ્રેનો પણ શરૂ કરશે

નવી દિલ્હીઃ 12 મેથી 15 રાજધાની વિશેષ ટ્રેનો શરૂ કર્યા બાદ ભારતીય રેલવે હવે મેલ અને એક્સપ્રેસ ટ્રેનો પણ દોડાવવાની છે. રેલવે દ્વારા જારી કરવામાં આવેલા એક પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે 22 મેથી શરૂ થનારી બધી સર્વિસિસ માટે 15 મેથી ટિકિટની બુકિંગ પણ શરૂ કરશે. આ બુકિંગ 22 મેથી શરૂ થતી યાત્રા માટે હશે.

કન્ફર્મ ટિકિટવાળા મુસાફરોને જ યાત્રાની મંજૂરી

રેલવેએ યાત્રીઓની સંખ્યા પણ નિર્ધારિત કરી દીધી છે. સ્લીપરમાં 200, એસી ચેરકાર અને થર્ડ એસીમાં 100, જ્યારે સેકન્ડ એસીમાં 50 લોકો યાત્રા કરી શકશે. રેલવે મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે ચાર્ટ મુજબ કન્ફર્મ ટિકિટવાળા મુસાફરોને જ યાત્રાની મંજૂરી આપવામાં આવશે.

કોરોનાના લક્ષણવાળા યાત્રીને મંજૂરી નહીં

કોરોના વાઇરસના લક્ષણવાળા કોઈ પણ યાત્રીને યાત્રાની મંજૂરી નહીં આપવામાં આવે. એની સાથે એ યાત્રીને ટિકિટનું પૂરેપૂરું રિફન્ડ પણ આપવામાં આવશે, જેનામાં કોરોનાનાં લક્ષણ નહીં દેખાય એ લોકોને યાત્રાની પરવાનગી મળશે. આ સિવાય યાત્રાથી પહેલાં યાત્રીઓની સ્ક્રીનિંગ કરવામાં આવશે. જો સ્ક્રીનિંગ દરમ્યાન કોઈને પણ તાવ અથવા કોરોના વાઇરસના લક્ષણ જોવા મળ્યાં તો તેને ટિકિટના પૂરા પૈસા પરત કરવામાં આવશે.

રેલ ભવનને સંપૂર્ણ સીલ કરવામાં આવ્યું છે. આ ભવનમાં એક કલાર્કને કોરોના વાઇરસ પોઝિટિવ આવ્યો હતો. આ પહેલાં રેલવે દ્વારા શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી હતી, જેના દ્વારા મજૂરોને તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા હતા.

Chitralekha Gujarati – May 25, 2020

PDF Version

સ્પેશિયલ ટ્રેનો દ્વારા વધુ દોઢ લાખ લોકો પહોંચશે ઘેર

નવી દિલ્હી: લોકડાઉનમાં ભારતીય રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. 12મેથી 8 પેસેન્જર ટ્રનો શરુ કરવામાં આવી છે. હવે આગામી સાત દિવસ દરમિયાન દોઢ લાખથી વધુ લોકો આ સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરી કરશે. મંગળવારે દિલ્હીથી ત્રણ ટ્રેનો રવાના થઈ હતી જ્યારે પાંચ અન્ય ટ્રેનોએ દિલ્હી જવા માટે પ્રસ્થાન કર્યું હતું. અંદાજે 8 હજાર યાત્રીઓ આ આઠ ટ્રેનોમાં મુસાફરી કરી રહ્યા છે. આ ટ્રેનોમાં મુસાફરી માટે ગત 11 મેના રોજ સાંજે 6 વાગ્યાથી આઈઆરસીટીસીની વેબસાઈટ પરથી બુકિંગ શરુ કરવામાં આવ્યું હતું.  ભારતીય રેલવેએ આપેલી માહિતી મુજબ અત્યાર સુધીમાં આગામી સાત દિવસ માટે 90,331 (પીએનઆર) ટિકિટનું  બુકિંગ થઈ ગયું છે. આ ટિકિટ પર અંદાજે 169039 લોકો મુસાફરી કરશે.

લોકડાઉન વચ્ચે શરુ કરવામાં આવેલી આ સ્પેશિયલ ટ્રેનોમાં એસી કોચ (એસી-1, એસી-2, એસી-3) જ જોડવામાં આવ્યા છે. જ્યારે તેનું ભાડું સામાન્ય રાજધાની ટ્રેન જેટલું રાખવામાં આવ્યું છે.  રેલવેના જણાવ્યા અનુસાર આ ટ્રેનોમાં એડવાન્સ બુકિંગ વધુમાં વધુ સાત દિવસ માટે જ કરી શકાશે હાલમાં આરએસી અને વેઈટિંગ ટિકિટ આપવામાં નથી આવી રહી.

ટ્રેનમાં ટીટીને કોઈપણ નવી ટિકિટ બનાવવાની મંજૂરી નહીં હોય. આ ઉપરાંત ટિકિટ કેન્સલ કરવાનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે. કોઈપણ મુસાફર ટ્રેન ઉપડવાના 24 કલાક પહેલા ટિકિટ કેન્સલ કરાવી શકે છે, પણ આ સ્થિતિમાં તેને ટિકિટની 50 ટકા રકમ જ પરત મળશે.

લોકસંદેશ માટે ઢોલ વગાડવાની જૂની પ્રથાને વળગી રહેતું ખડીયા ગામ

ગાંધીનગર: “કોરોના વાઈરસનો વધુ પગપેસારો થતો અટકાવવા માટે લોકોએ પોતપોતાના ઘરમાં જ રહેવાનું છે. ઘરમાં રહેવાથી આપણે સુરક્ષિત છીએ. એ સામાન્ય સમજ એકમાત્ર ઉપાય છે, કોરોનાથી બચવાનો”. સામાન્ય લોકો સુધી આ સંદેશા પહોંચે એ ખૂબ જરૂરી છે. જનજાગૃતિ વગર સરકાર દ્વારા કરવામાં આવેલ તમામ પ્રયાસ કે કામગીરી પર પાણી ફરી વળે છે, આ વાતને ખૂબ સારી રીતે ખડીયા ગામના સરપંચ કાળુભાઈ ભાદરકા જાણે છે.

જૂનાગઢથી ખડીયા ગામ અંદાજે ૧૦ કિલોમીટર દૂર આવેલું છે. ગામની વસતિ ૫૦૦૦ જેટલી છે. ખડીયાના સરપંચની લોકડાઉનમાં કોરોના સંદર્ભે જનજાગૃતિ લાવવામાં મહત્વની ભૂમિકા રહી છે. સરકારે કોરોના સંદર્ભે બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા અને સૂચનાઓ લોકો સુધી પહોંચે અને તેની અમલવારી કરે એ માટે પરંપરાગત માધ્યમથી લઈ ફેસબુકની મદદ લીધી છે.

કાળુભાઈ ભાદરકા જણાવે છે કે, લોકડાઉનમાં લોકોએ શું કરવું અને શું ન કરવું એ જાણકારી અને જાગૃતિ આવે એ ખૂબ જરૂરી છે. લોકો ઘરમાં જ રહે, કામ વગર બહાર ન નીકળે, ઘરમાં સુરક્ષિત છે, આ સંદેશ ગામમાં ઢોલ વગાડીને, તેમજ ફેસબુક,વોટસએપના માધ્યમથી સતત પ્રચાર કરવામાં આવ્યો હતો.  લોકજાગૃતિ માટે આપણા પરંપરાગત માધ્યમ હોય કે પછી આજે સૌથી વધુ વપરાતા સોશીયલ મીડિયાના પ્લેટફોર્મ ફેસબુક, વોટસએપ વગેરે ખૂબ જ જરૂરી છે. આ પ્રયાસોના કારણે અમારું ગામ કોરોનામુકત રહ્યું છે.

આ ગામની ખાસ વાત એ છે કે અહીં જિલ્લા વહીવટીતંત્ર કે એનજીઓની મદદ લીધા વગર લોકોએ જ જરૂરિયાત મંદોને કીટ, ભોજનની વ્યવસ્થા કરી છે. આપત્તિના સમયમાં ગામના જરૂરિયાતમંદ લોકોની ઓળખ કરવામાં આવી હતી. જરૂરિયાત મુજબ લોકોને કીટ અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા મુજબ અન્ય જિલ્લામાંથી ગામમાં કોઈ વ્યક્તિ આવે તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર નોંધણી કરાવવી, મેડિકલ ચેકઅપ અને ૧૪ દિવસ સુધી હોમ કોરોન્ટાઈન ફરજિયાત કરવામાં આવે છે.

APM ટર્મિનલ્સ પીપાવાવે સલામતી પર નવી સફળતા હાંસલ કરી…

પીપાવાવ (ગુજરાત): ભારત–એપીએમ ટર્મિનલ્સ પીપાવાવે સલામતી પર નવી સફળતા હાંસલ કરી છે. 8 મેના રોજ પોર્ટે સંપૂર્ણ સલામતી સાથે 500 દિવસ પૂર્ણ કર્યા હતા, જેમાં ઝીરો મૃત્યુ અને લોસ્ટ ટાઇમ ઇન્સિડેન્ટ (એલટીઆઈ) જોવા મળ્યો હતો. આ મલ્ટિપર્પઝ પોર્ટ માટે બહુ મોટી સફળતા છે, જે વિવિધ પ્રકારનાં કાર્ગોનું સંચાલન કરે છે.

મેનેજમેન્ટર દ્વારા તમામ સ્તરે સતત કાળજી, તાલીમ, નિરીક્ષણ અને સુપરવિઝન રાખવાથી આ સફળતા હાંસલ થઈ છે. આ સફળતા પોતાની રોજિંદી કામગીરીમાં સલામતીને અપનાવતા પ્રતિબદ્ધ કર્મચારીઓને કારણે પણ શક્ય બની છે. લોકડાઉનના ગાળા દરમિયાન સ્ટાફને વ્યવહારિક તાલીમ આપવામાં આવી હતી અને પોર્ટે 24×7 સલામત અને સરળ કામગીરી સુનિશ્ચિત કરવાનું જાળવી રાખ્યું હતું.

એપીએમ ટર્મિનલ્સ પિપાવાવના મેનેજિંગ ડાયરેક્ટર જેકોબ ફ્રિસ સોરેન્સે જણાવ્યું હતું કે, “આ એપીએમ ટર્મિનલ્સ માટે ગર્વ કરવા જેવી સફળતા છે. આ સીમાચિહ્નરૂપ સફળતા સલામતીના કલ્ચરનો પુરાવો છે, જે અમે એપીએમ ટર્મિનલ પર સ્થાપિત કર્યું છે. મેનેજમેન્ટ અને કર્મચારીઓ દ્રઢપણે સલામત કામગીરીમાં માને છે.”