રેલવે હવે વિશેષ મેલ-એક્સપ્રેસ ટ્રેનો પણ શરૂ કરશે

નવી દિલ્હીઃ 12 મેથી 15 રાજધાની વિશેષ ટ્રેનો શરૂ કર્યા બાદ ભારતીય રેલવે હવે મેલ અને એક્સપ્રેસ ટ્રેનો પણ દોડાવવાની છે. રેલવે દ્વારા જારી કરવામાં આવેલા એક પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે 22 મેથી શરૂ થનારી બધી સર્વિસિસ માટે 15 મેથી ટિકિટની બુકિંગ પણ શરૂ કરશે. આ બુકિંગ 22 મેથી શરૂ થતી યાત્રા માટે હશે.

કન્ફર્મ ટિકિટવાળા મુસાફરોને જ યાત્રાની મંજૂરી

રેલવેએ યાત્રીઓની સંખ્યા પણ નિર્ધારિત કરી દીધી છે. સ્લીપરમાં 200, એસી ચેરકાર અને થર્ડ એસીમાં 100, જ્યારે સેકન્ડ એસીમાં 50 લોકો યાત્રા કરી શકશે. રેલવે મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે ચાર્ટ મુજબ કન્ફર્મ ટિકિટવાળા મુસાફરોને જ યાત્રાની મંજૂરી આપવામાં આવશે.

કોરોનાના લક્ષણવાળા યાત્રીને મંજૂરી નહીં

કોરોના વાઇરસના લક્ષણવાળા કોઈ પણ યાત્રીને યાત્રાની મંજૂરી નહીં આપવામાં આવે. એની સાથે એ યાત્રીને ટિકિટનું પૂરેપૂરું રિફન્ડ પણ આપવામાં આવશે, જેનામાં કોરોનાનાં લક્ષણ નહીં દેખાય એ લોકોને યાત્રાની પરવાનગી મળશે. આ સિવાય યાત્રાથી પહેલાં યાત્રીઓની સ્ક્રીનિંગ કરવામાં આવશે. જો સ્ક્રીનિંગ દરમ્યાન કોઈને પણ તાવ અથવા કોરોના વાઇરસના લક્ષણ જોવા મળ્યાં તો તેને ટિકિટના પૂરા પૈસા પરત કરવામાં આવશે.

રેલ ભવનને સંપૂર્ણ સીલ કરવામાં આવ્યું છે. આ ભવનમાં એક કલાર્કને કોરોના વાઇરસ પોઝિટિવ આવ્યો હતો. આ પહેલાં રેલવે દ્વારા શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી હતી, જેના દ્વારા મજૂરોને તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા હતા.