લોકસંદેશ માટે ઢોલ વગાડવાની જૂની પ્રથાને વળગી રહેતું ખડીયા ગામ

ગાંધીનગર: “કોરોના વાઈરસનો વધુ પગપેસારો થતો અટકાવવા માટે લોકોએ પોતપોતાના ઘરમાં જ રહેવાનું છે. ઘરમાં રહેવાથી આપણે સુરક્ષિત છીએ. એ સામાન્ય સમજ એકમાત્ર ઉપાય છે, કોરોનાથી બચવાનો”. સામાન્ય લોકો સુધી આ સંદેશા પહોંચે એ ખૂબ જરૂરી છે. જનજાગૃતિ વગર સરકાર દ્વારા કરવામાં આવેલ તમામ પ્રયાસ કે કામગીરી પર પાણી ફરી વળે છે, આ વાતને ખૂબ સારી રીતે ખડીયા ગામના સરપંચ કાળુભાઈ ભાદરકા જાણે છે.

જૂનાગઢથી ખડીયા ગામ અંદાજે ૧૦ કિલોમીટર દૂર આવેલું છે. ગામની વસતિ ૫૦૦૦ જેટલી છે. ખડીયાના સરપંચની લોકડાઉનમાં કોરોના સંદર્ભે જનજાગૃતિ લાવવામાં મહત્વની ભૂમિકા રહી છે. સરકારે કોરોના સંદર્ભે બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા અને સૂચનાઓ લોકો સુધી પહોંચે અને તેની અમલવારી કરે એ માટે પરંપરાગત માધ્યમથી લઈ ફેસબુકની મદદ લીધી છે.

કાળુભાઈ ભાદરકા જણાવે છે કે, લોકડાઉનમાં લોકોએ શું કરવું અને શું ન કરવું એ જાણકારી અને જાગૃતિ આવે એ ખૂબ જરૂરી છે. લોકો ઘરમાં જ રહે, કામ વગર બહાર ન નીકળે, ઘરમાં સુરક્ષિત છે, આ સંદેશ ગામમાં ઢોલ વગાડીને, તેમજ ફેસબુક,વોટસએપના માધ્યમથી સતત પ્રચાર કરવામાં આવ્યો હતો.  લોકજાગૃતિ માટે આપણા પરંપરાગત માધ્યમ હોય કે પછી આજે સૌથી વધુ વપરાતા સોશીયલ મીડિયાના પ્લેટફોર્મ ફેસબુક, વોટસએપ વગેરે ખૂબ જ જરૂરી છે. આ પ્રયાસોના કારણે અમારું ગામ કોરોનામુકત રહ્યું છે.

આ ગામની ખાસ વાત એ છે કે અહીં જિલ્લા વહીવટીતંત્ર કે એનજીઓની મદદ લીધા વગર લોકોએ જ જરૂરિયાત મંદોને કીટ, ભોજનની વ્યવસ્થા કરી છે. આપત્તિના સમયમાં ગામના જરૂરિયાતમંદ લોકોની ઓળખ કરવામાં આવી હતી. જરૂરિયાત મુજબ લોકોને કીટ અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા મુજબ અન્ય જિલ્લામાંથી ગામમાં કોઈ વ્યક્તિ આવે તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર નોંધણી કરાવવી, મેડિકલ ચેકઅપ અને ૧૪ દિવસ સુધી હોમ કોરોન્ટાઈન ફરજિયાત કરવામાં આવે છે.