સ્પેશિયલ ટ્રેનો દ્વારા વધુ દોઢ લાખ લોકો પહોંચશે ઘેર

નવી દિલ્હી: લોકડાઉનમાં ભારતીય રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. 12મેથી 8 પેસેન્જર ટ્રનો શરુ કરવામાં આવી છે. હવે આગામી સાત દિવસ દરમિયાન દોઢ લાખથી વધુ લોકો આ સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરી કરશે. મંગળવારે દિલ્હીથી ત્રણ ટ્રેનો રવાના થઈ હતી જ્યારે પાંચ અન્ય ટ્રેનોએ દિલ્હી જવા માટે પ્રસ્થાન કર્યું હતું. અંદાજે 8 હજાર યાત્રીઓ આ આઠ ટ્રેનોમાં મુસાફરી કરી રહ્યા છે. આ ટ્રેનોમાં મુસાફરી માટે ગત 11 મેના રોજ સાંજે 6 વાગ્યાથી આઈઆરસીટીસીની વેબસાઈટ પરથી બુકિંગ શરુ કરવામાં આવ્યું હતું.  ભારતીય રેલવેએ આપેલી માહિતી મુજબ અત્યાર સુધીમાં આગામી સાત દિવસ માટે 90,331 (પીએનઆર) ટિકિટનું  બુકિંગ થઈ ગયું છે. આ ટિકિટ પર અંદાજે 169039 લોકો મુસાફરી કરશે.

લોકડાઉન વચ્ચે શરુ કરવામાં આવેલી આ સ્પેશિયલ ટ્રેનોમાં એસી કોચ (એસી-1, એસી-2, એસી-3) જ જોડવામાં આવ્યા છે. જ્યારે તેનું ભાડું સામાન્ય રાજધાની ટ્રેન જેટલું રાખવામાં આવ્યું છે.  રેલવેના જણાવ્યા અનુસાર આ ટ્રેનોમાં એડવાન્સ બુકિંગ વધુમાં વધુ સાત દિવસ માટે જ કરી શકાશે હાલમાં આરએસી અને વેઈટિંગ ટિકિટ આપવામાં નથી આવી રહી.

ટ્રેનમાં ટીટીને કોઈપણ નવી ટિકિટ બનાવવાની મંજૂરી નહીં હોય. આ ઉપરાંત ટિકિટ કેન્સલ કરવાનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે. કોઈપણ મુસાફર ટ્રેન ઉપડવાના 24 કલાક પહેલા ટિકિટ કેન્સલ કરાવી શકે છે, પણ આ સ્થિતિમાં તેને ટિકિટની 50 ટકા રકમ જ પરત મળશે.