જૂનાગઢના 4 તાલુકામાં 62 ઈંચ વરસાદ: માંગરોળમાં 23 ઈંચ, 22 ગામો સંપર્ક વિહોણા

જૂનાગઢ: સમગ્ર જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા સર્વત્ર જળબંબોળ અને કટોકટીની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને માંગરોળ પંથકમાં આભ ફાટ્યું હોય તેમ માત્ર 24 કલાકમાં 22 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. આ તોફાની વરસાદને કારણે માંગરોળ તાલુકાનો ચાલુ સીઝનનો કૂલ વરસાદ 37 ઈંચ પર પહોંચી ગયો છે.માંગરોળ ઉપરાંત માળિયા-હાટીના તાલુકામાં પણ મેઘરાજાએ ભારે કહેર વર્તાવ્યો છે. જ્યાં 14 ઈંચ વરસાદ ખબાક્યો છે. મેંદરડા અને કેશોદ તાલુકામાં પણ સ્થિતિ અત્યંત ગંભીર રહી છે, જ્યાં 13-13 ઈંચ જેટલો મૂસળધાર વરસાદ નોંધાયો છે. વંથલીમાં 4 ઈંચ, માણાવદરમાં 3 ઈંચ જેટલો સામાન્ય વરસાદ નોંધાયો છે. જૂનાગઢ ગ્રામ્ય અને શહેર અને ભેસાણમાં 1 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. ગિરનાર પર્વત વિસ્તારમાં 2 ઇંચ વરસાદ સાથે કૂલ 7 ઇંચ વરસાદ નોંધાયો છે.

માંગરોળ, માણાવદર અને કેશોદમાં પૂરની સ્થિતિ

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે કૂલ 22 ગામો સંપૂર્ણપણે સંપર્ક વિહોણા બન્યા છે, જેમાં માંગરોળના 9, માણાવદરના 3 અને કેશોદના 10 ગામોનો સમાવેશ થાય છે. માંગરોળ, કેશોદ અને માળિયા પંથકમાં દર વર્ષે વરસાદી તાંડવને લઈને પૂરની આવી જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને ઘેડ પંથકના ગામોના પાદરોમાં તેમજ હજારો એકર ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતો અને સ્થાનિકો ભારે હેરાન-પરેશાન થાય છે. સાબલી ડેમના દરવાજા ખોલવામાં આવતા જ મઘરવાડા ગામમાં પૂરના પાણી ધસી આવતા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું.

લોકોને સલામત સ્થળે ખસેડાયા

માંગરોળ શહેરમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જ્યાં બંદર સોસાયટી, વલ્લી વિસ્તાર બાસર રોડ, હુશેનાબાદ, કામનાથ રોડ અને ખુશ્બુ ચોકડી સહિતના વિસ્તારોના ઘરોમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા. નીચાણવાળા વિસ્તારની પરિસ્થિતિ અત્યંત દયનીય બનતાં લોકોને ઘરોમાંથી બહાર કાઢવા માટે અંતે બોટ એટલે કે હોડીઓની મદદ લેવી પડી છે અને બોટ મારફતે લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી હતી.

મેઘલ નદી પરનો ભાખરવડ ડેમ ઓવરફ્લો

માળિયા હાટીના તાલુકાનું ભાખરવડ જળાશય 90% ભરાઈ ગયું હતું. તેનું લેવલ 73.15 મીટર તથા કૂલ જથ્થો 6.64 MCFT પર પહોંચ્યો હતો, જે ચાલુ સીઝનના પ્રથમ વરસાદે જ મેઘલ નદી પર આવેલો આ ભાખરવડ ડેમ હવે સંપૂર્ણપણે ઓવરફ્લો થયો છે. માળિયા તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 29 ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ નોંધાઈ ચૂક્યો છે.