રાશિ ભવિષ્ય 15/05/2020
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજના દિવસે સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકા ની તકલીફથી સાચવવું, વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, ખરીદી પાછળ કે ફરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય અને તેનો થોડો અજંપો તમારી શાંતિને ખલેલ પોહ્ચાડી શકે છે.
આજનો દિવસ સારી રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ રહે તેવા સંજોગો બને અને નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, ધાર્મિકકાર્ય હેતુ ક્યાક મુસાફરી થાય અને તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય, તમે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવું બની શકે.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સારી રીતે સમય પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, હરવાફરવામાં ઉત્સાહ સારો જોવા મળે, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિતકે જુનાસંપર્ક દ્વારા તમને તમારા કામમાં સારો પ્રતિસાદ જોવા મળી શકે છે.
આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું, પાડવા, વાગવા, કફ, છાતી, પ્રેસરજેવી તકલીફથી સાચવવું, માર્કેટિંગક્ષેત્રમાં મહેનત કરતા ઓછું ફળ મળે તેવું બની શકે છે, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.
આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમાં થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ,યુનિફોર્મવાળી નોકરી,સોનાઝવેરાત,ફાર્મા જેવા ક્ષેત્રમાં કામકરનારને માનસિકથાકની લાગણી અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમાં તમને સમયનો વ્યય વધુ જોવા મળી શકે છે.
આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો જુના કામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ બની શકે છે, તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય કે તેમાં તમને કોઇ મદદ કરતા મળે તેવું પણ બની શકે છે, વેપારમાં યોગ્ય ગણતરીપૂર્વક કામકાજ કરવાથી લાભ થઈ શકે છે.
આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટી લોકોથી દુર રહેવાની જરૂર છે , ક્યાય કોઇપણ બાબતની મિલનમુલાકાત કરવાની હોય તે દરમિયાન વાર્તાલાપમાં ધ્યાન આપવું કે જેથી કોઇપણ પ્રકારની ગેરસમજ ટાળી શકાય.
આજનો દિવસ સરસ છે અને તેમાં પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણીમાં ખુબજ વધારો થાય, તમારા કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય. વેપારમાં લાભની વાત સંભાળવા મળી શકે છે. પ્રિયજન તરફથી સારો આદરભાવ જોવા મળે અને ક્યાંક નાનાઅંતરની યાત્રા પણ થઈ શકે.
આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, યુવાવર્ગ માટે મશ્કરીમજાક જેવી બાબતથી દુર રહેવાની સલાહ છે. વેપારમાં કોઈ મોટાનિર્ણય લેતા પહેલા વાતને ચકાસવી યોગ્ય કહી શકાય.
આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે, ક્યાંક મુસાફરી થઈ શકે છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવા યોગ પણ છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, પ્રિયજન સાથે કોઈ ખરીદીકે ફરવાના પ્રસંગ બને અને તેમાં તમને સારી લાગણીનો અનુભવ થાય.
આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમાં વ્યસ્ત વધુ રહેવાય તેવા સંજોગો બની શકે છે, જુના કોઈ કામમાં અટવાવતો તેમાં જલ્દીથી ઉકેલન આવે અને સમયનો વ્યય થાય તેવું બની શકે છે, માનસિક થાકની લાગણી તમે વધુ અનુભવો. વેપારમાં નાનું કામ કરવું યોગ્ય છે.
આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમાં તમારી ગણતરી મુજબ કામ થાય તેવું બની શકે છે, મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામાં ધાર્મિકભાવના સારી રહે અને કોઈક જાત્રા કરવા જવાના વિચાર વધુ જાગે.
લોકડાઉનમાં શાંતિ બિઝનેસ સ્કૂલનો ઓનલાઈન સમર ઇન્ટર્નશિપ પ્રોગ્રામ
અમદાવાદ: બિઝનેસ મેનેજમેન્ટ કોલેજ શાંતિ બિઝનેસ સ્કૂલ કોવિડ- 19 લોકડાઉન દરમ્યાન આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી પોતાના તમામ પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે સમર ઇન્ટર્નશિપ પ્રોગ્રામનું આયોજન કર્યું છે. હાલમાં ‘શાંતિ બિઝનેસ સ્કૂલ”ના વિદ્યાર્થીઓને દેશ અને વિદેશની જાણીતી કંપનીઓ તેમના મહત્વપૂર્ણ લાઈવ પ્રોજેક્ટ ઉપર કામ કરવાની તક આપી રહી છે, એટલું જ નહિ આ કંપનીઓના ટોપ મેનેજમેન્ટના હોદ્દેદારો વિદ્યાર્થીઓને કોવીડ-19 ની કટોકટી પછી માર્કેટમાં ઉદ્દભવતી પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો તે વિષય પર પણ ઓનલાઈન માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે.
આ અંગે “શાંતિ બિઝનેસ સ્કૂલ”ના ડિરેક્ટર ડૉ. નેહા શર્મા જણાવે છે કે “સંપૂર્ણ પ્રક્રિયાને ત્રણ તબક્કામાં વહેંચવામાં આવી છે, પ્રથમ તબક્કો ઓનલાઇન પ્રમાણપત્ર અભ્યાસક્રમો અને ઉદ્યોગના નિષ્ણાતોના ઓનલાઇન સત્રો દ્વારા શીખવાનો છે, બીજો તબક્કો કોર્પોરેટ દ્વારા ફાળવવામાં આવેલા પ્રોજેક્ટને ફેકલ્ટી મેન્ટર અને કોર્પોરેટ મેન્ટરના માર્ગદર્શન હેઠળ પૂરો કરવાનો છે, અને ત્રીજો તબક્કો પ્રોજેક્ટ્સમાં ઊંડાણ પૂર્વક કરવામાં આવેલા સંશોધનો અને પરિણામો અંગે કોર્પોરેટને સૂચનો આપવા, જે સૂચનો કોર્પોરેટ દ્વારા ભવિષ્યની વ્યૂહરચના બનાવવા માટે ઉપયોગમાં લઈ શકાય.
“શાંતિ બિઝનેસ સ્કૂલ”ના વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહ અને રસપૂર્વક આ નવીન મોડેલ અપનાવ્યું અને આ અનોખી પદ્ધતિ દ્વારા પોતાના જ્ઞાન-કૌશલ્યમાં વધારો કરી રહ્યા છે. વધુમાં પ્રોફેસર ડૉ. કિશોર બારડ ઉમેરે છે કે વિદ્યાર્થીઓ માટેના આ પ્રોજેક્ટ્સ આંતરશાખાકીય છે અને સંસ્થાના ફેકલ્ટી ઉદ્યોગોની જરૂરિયાત પ્રમાણે વિદ્યાર્થીઓને તૈયાર કરી રહ્યા છે, જેથી કોવિડ-19 સંકટ પછી જોબ માર્કેટની કઠિન સ્પર્ધા માટે તેઓ તૈયાર રહે. શાંતિ બિઝનેસ સ્કૂલની ફેકલ્ટી ટીમવર્ક દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન શીખવવા, માર્ગદર્શન અને સુવિધા આપવા માટે સતત કાર્યરત છે.
કોરોનાથી મહિલાઓ કરતા પુરૂષોના મોત વધુ કેમ?
લંડન: શું તમને કયારેય વિચાર આવ્યો છે કે, કોરોના વાઈરસ બીમારીને કારણે મહિલાઓ કરતા પુરૂષોના મોતા શા માટે વધારે થયા છે? આ વાતને લઈને ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સાપ્તાહિક પ્રકાશનમાં એક રિસર્ચ રિપોર્ટ છપાયો છે. રિપોર્ટમાં એ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે, કોરોનામાં પુરૂષોના શા માટે વધારે મોત થઈ રહ્યા છે?. રિસર્ચમાં જે સામે આવ્યું છે તેનાથી આ સવાલનો જવાબ મળી ગયો છે.

હકીકતમાં આનો જવાબ માણસના શરીરમાં મળી આવતું એક એન્ઝાઇમ ACE2 છે. આ એન્ઝાઇમ કોરોનાને શરીરમાં ઝડપથી ફેલાવવામાં મદદ કરે છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સાપ્તાહિક પ્રકાશન European Heart Journal આ દાવો કરવામાં આવ્યો છે.
શું હોય છે એન્ઝાઇમ ACE2
ACE2નું આખુ નામ એન્જીયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ 2 છે. ACE2 હાર્ટ, કિડની, ધમનીઓ, આંતરડા અને શરીરના અન્ય ભાગોમાં હોય છે. ACE2 એક પ્રકારનું સિગ્નલ આપતું એન્ઝાઇમ છે જે કોશિકાઓની સપાટી પર જોવા મળે છે.
પુરુષોમાં ACE2નું પ્રમાણ મહિલાઓની સરખામણીએ વધારે હોય છે. કોરોના વાઈરસથી ACE2 જોડાઈ જાય છે અને કોરોનાને સ્વસ્થ કોશિકાઓ સુધી પહોંચાડી દે છે. કોવિડ19 દર્દીઓને ACE ઈનહિબિટર્સ અને ARB દવાઓ આપી શકાય છે. ACE ઈનહિબિટર્સ અને ARB દવા હાર્ટ એટેક, ડાયાબિટીસ કે કિડનીની બિમારીથી પીડિત દર્દીઓને આપવામાં આવે છે.

આ રિસર્ચમાં 11 યુરોપીયન દેશોના 3500 હાર્ટના દર્દીઓના બ્લડના સેમ્પલ લેવામાં આવ્યા હતા. કોરોના મહામારી પહેલા આ રિસર્ચ શરુ થયું હતુ એટલા માટે આમાં કોરોના દર્દીઓને સામેલ કરવામાં આવ્યા નહતા.
શોધકર્તાઓની ટીમે કોરોનાને લઈને પહેલાથી ઉપલબ્ધ માહિતી પરથી જાણવા મળ્યું કે, આ વાઈરસથી સૌથી વધુ મોત પુરુષોના થઈ રહ્યા છે. આ અભ્યાસમાં મહિલાઓની સરખામણીએ પુરૂષોમાં ACE2નું પ્રમાણ વધારે હોવાનું સામે આવ્યું છે. આ આધારે જ ACE2ને કોરોનાને ફેલાવનાર એન્ઝાઇમ કહેવામાં આવી રહ્યું છે.
‘આત્મનિર્ભર ભારત’ પેકેજ 150 દેશોના GDP કરતા પણ વધારે
નવી દિલ્હી: કોરોના વાઈરસ મહાબીમારીને કારણે લાગુ કરાયેલા લોકડાઉનને કારણે સાવ ધીમી પડી ગયેલી દેશની અર્થવ્યવસ્થાને ફરી પાટે ચડાવવા માટે કેન્દ્ર સરકારે 20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી છે. ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ નામક આ યોજના હેઠળ 20 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ દેશના કુલ જીડીપીના લગભગ 10 ટકા જેટલું છે.

આ આર્થિક પેકેજને અલગ રીતે સમજીએ…આ રકમને ડોલરમાં ફેરવી દઈએ તો 266 અબજ ડોલર જેટલી થાય છે. પાકિસ્તાનનો જીડીપી 320 અબજ ડોલર છે. એ હિસાબે આપણું આર્થિક પેકેજ પાકિસ્તાનના વાર્ષિક કુલ જીડીપીના 83 ટકા જેટલું છે. જો કે માત્ર પાકિસ્તાન જ નહીં પણ વર્લ્ડ બેંકના જીડીપી ઈન્ડિકેટરના હિસાબે આ આંકડો અન્ય 149 દેશોના કુલ વાર્ષિક જીડીપી કરતા પણ વધારે છે. આ દેશોમાં પાકિસ્તાન, વિયેતનામ, પોર્ટુગલ, ગ્રીસ, રોમાનિયા અને ન્યુઝીલેન્ડ વગેરેનો સમાવેશ થાય છે.

મોદી સરકારે જાહેર કરેલા આર્થિક પેકેજની તુલના પાકિસ્તાનની અર્થવ્યવસ્થા સાથે કરીએ તો વર્ષ 2019માં પાક સરકારે 7022 અબજ પાકિસ્તાની રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતુ, ભારતીય રૂપિયામાં આ લગભગ 3.30 લાખ કરોડ આસપાસ થાય છે. ભારતનું રાહત પેકેજ પાકિસ્તાનના બજેટથી લગભગ 6 ગણું વધારે છે.
20 લાખ કરોડ રૂપિયાના આ પેકેજથી સુસ્ત અર્થવ્યવસ્થાને એક નવી ગતિ મળવાની આશા છે. વડાપ્રધાન મોદીએ આત્મનિર્ભર ભારતના નિર્માણ પર વધુ ભાર આપ્યો છે જેથી ભવિષ્યમાં કોવિડ19 જેવા સંકટોનો સરળતાથી સામનો કરી શકાય. વડાપ્રધાને એમ પણ કહ્યું કે, રોકાણકારોને આકર્ષિત કરવા અને ‘મેક ઈન ઈન્ડિયા’ને મજબૂત કરવાના ઉપાયો શોધવા જોઈએ.
રાહત પેકેજ વહેંચણીનો બીજો દિવસઃ શ્રમિકો, કિસાનોને લહાણી
નવી દિલ્હીઃ દેશમાં ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ વિશે નાણાપ્રધાન નિર્મલા સીતારામને ગઈ કાલે કોરોના રાહત પેકેજના પહેલા હિસ્સામાં આશરે રૂ. છ લાખ કરોડની યોજનાઓ વિશે માહિતી આપી હતી. આજે નાણાપ્રધાને કોરોના રાહત પેકેજના બીજા તબક્કા વિશે માહિતી આપી હતી. તેમણે નવ પગલાંની જાહેરાત કરી હતી. આજે એમણે ખેડૂતો, મજૂરો, રસ્તા પરના ફેરિયાઓ, આદિવાસીઓ અને મધ્યમ વર્ગના પરિવારો વગેરે માટે અનેક જાહેરાતો કરી હતી. નાણાપ્રધાને કહ્યું હતું કે ખેડૂતો અને ગ્રામીણ અર્થતંત્ર માટે બેન્ક દ્વારા રૂ. 86,600 કરોડની કુલ 63 લાખ લોન પાસ થઈ છે. નાબાર્ડ, ગ્રામીણ બેન્ક અને કો-ઓપરેટિવ્સ દ્વારા રૂ. 29,500 કરોડનું રિફાઇનાન્સિંગ થયું છે. માર્ચ, 2020ના સમયગાળા માટે રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ માટે રાજ્યોને રૂ. 4200 કરોડ આપવામાં આવ્યા છે. એની સાથે રાજ્ય સરકારોને કૃષિ ઊપજોની ખરીદી માટે માર્ચમાં રૂ. 6700 કરોડ આપવામાં આવ્યા છે.
ખેડૂતો માટે રૂ. 25,000 કરોડ લોનની ફાળવણી
નાણાપ્રધાને કહ્યું હતું કે અમે છેલ્લા કેટલાક સમયમાં ખેડૂતો માટે રૂ. 25,000 કરોડની લોનની જોગવાઈ કરી છે. તેમણે કહ્યું હતું કે ગત બે મહિનામાં રૂ. 25,000 કરોડની લોનની લિમિટની સાથે 25 લાખ નવા કિસાન કાર્ડને મંજૂરી આપવામાં આવી છે.
ખેડૂતો માટે લોનની વ્યવસ્થા
દેશના અઢી કરોડ ખેડૂતોને ઓછા વ્યાજે લોન આપવા માટે રૂ. બે લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કિસાન ક્રેડિટ કાર્ડના માધ્યમથી દેશના ખેડૂતો સસ્તા વ્યાજદરે લોન લઈ શકશે. આમાં ખેડૂતોની સાથે માછીમારો અને પશુપાલકોને પણ સામેલ કરવામાં આવ્યા છે. દેશના અઢી કરોડ ખેડૂતોને રૂ. બે લાખ કરોડની રોકડ ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે.
ખેડૂતોએ પણ EMI મોરેટોરિયમનો લાભ લીધો
4.22 લાખ કરોડ રૂપિયાની કૃષિ લોન માટે ત્રણ કરોડ ખેડૂતોને ત્રણ મહિના સુધી EMI મોરોટોરિયમ વિકલ્પનો લાભ અપાયો છે.
રાજ્યોને રૂ. 11,000 કરોડથી વધુની રકમ SDRF હેઠળ
નાણાપ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે પ્રવાસી મજૂરો અને શહેરી ગરીબી લોકો માસે કેન્દ્ર સરકારે પાછલા બે મહિનામાં રાજ્ય સરકારોને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના રૂપમાં મોટી મદદ કરી છે. આમાં પ્રવાસી મજૂરો અને શહેરી ગરીબો માટે ખાવા-પીવાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે રાજ્યોને રૂ. 11,000 કરોડથી વધુ રકમ આપવામાં આવી છે. જે હેઠળ શહેરી ગરીબ અથવા બેઘર લોકોને દિવસમાં ત્રણ વાર જમવાનું ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

ત્રણ કરોડ માસ્ક અને સવા લાખ લિટર સેનિટાઇઝર
તેમણે કહ્યું હતું કે 12,000 સેલ્ફ હેલ્પ ગ્રુપે ત્રણ કરોડ માસ્ક અને સવા લાખ લિટર સેનિટાઇઝર બનાવ્યાં છે. આનાથી અનેકને રોજગારી મળી છે. ત્યાર બાદ રિવોલ્વિંગ ફંડના સ્વરૂપે સેલ્ફ હેલ્પ ગ્રુપને ઘણી મદદ કરવામાં આવી છે. શહેરી ગરીબોના 7200 સેલ્ફ-હેલ્પ ગ્રુપ બનાવવામાં આવ્યા છે, જેનાથી તેમને રોજગાર ઉપલબ્ધ કરાવવામાં મદદ મળી શકે.
આઠ કરોડ પ્રવાસી મજૂરોને આગામી બે મહિના ફ્રી કરિયાણું
દેશમાં આઠ કરોડ એવા પ્રવાસી મજૂરો જે ન તો NFSAના લાભાર્થી છે અને ન તો સ્ટેટ કાર્ડના લાભાર્થી છે, તેમને આગામી બે મહિના સુધી પ્રતિ વ્યક્તિ પાંચ કિલો ચોખા અથવા ઘઉં, એક કિલો ચણા દાળ ફ્રી મળતી રહેશે. આને લાગુ કરવાની જવાબદારી રાજ્ય સરકારોની છે. એના માટે રૂ. 3500 કરોડની ફાળવણી સરકારે કરી છે.
‘વન નેશન, વન રેશનકાર્ડ’
‘વન નેશન, વન રેશનકાર્ડ’ યોજના લાગુ થવા પર કોઈ પણ વ્યક્તિ દેશના ગમે એ ખૂણામાંથી રેશન કાર્ડનો ઉપયોગ કરી શકશે અને રાશન PDS દુકાનોથી મેળવી શકશે.
મુદ્રા શિશુ લોન માટે રૂ. 1500 કરોડ
મુદ્રા શિશુ લોન લેવાવાળાઓને વ્યાજમાં રૂ. 1500 કરોડની વ્યાજરાહત સરકાર આપશે. આ લોનધારકોને વ્યાજ પર એક વર્ષ માટે બે ટકાની રાહત મળશે. આ યોજના દ્વારા ત્રણ કરોડ લોકોને લાભ મળશે.
સ્ટ્રીટ વેન્ડર્સ માટે રૂ. 5000 કરોડની સ્પેશિયલ ક્રેડિટ સુવિધા
રેંકડીવાળા, રેલવેના પાટા પાસે સામાન વેચતા, ઘરોમાં કામ કરતા લોકો સહિત બધા સ્ટ્રીટ વેન્ડર્સ માટે રૂ. 5000 કરોડની સ્પેશિયલ ક્રેડિટ સુવિધા લાવવામાં આવી છે. એને એક મહિનામાં લોન્ચ કરાશે. એના હેઠળ રૂ. 10,000 સુધી ઇનિશિયલ વર્કિંગ કેપિટલ લઈ શકશે. આનાથી 50 લાખ સ્ટ્રીટ વેન્ડર્સને લાભ મળશે.
અફોર્ડેબલ હાઉસિંગ માટેની જાહેરાત
6-18 લાખ સુધીની આવકવાળાઓ માટે હાઉસિંગ ક્ષેત્રનો લાભ મળી શકે, એના માટે રૂ. 70,000 કરોડનાં પ્રોત્સાહનો અપાશે. ક્રેડિટ લિન્ક્ડ સબસિડી સ્કીમને 31 માર્ચ, 2021 મસુધી વધારવામાં આવી છે. અઢી લાખથી વધુ મધ્યમ પરિવારોને લાભ મળશે
આદિવાસીઓ માટે રોજગાર અવસર
આદિવાસીઓ માટે રોજગાર તક ઊભી કરવા માટે રૂ. 6000 કરોડની યોજનાને કોમ્પેન્સેટરી મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગ ઓથોરિટી ફંડ્સ હેઠળ ટૂંક સમયમાં મંજૂરી આપવામાં આવશે.
મનરેગામાં રૂ. 10,000 કરોડનો ખર્ચ કરાયો
પ્રવાસી મજૂરો વિશે નાણાપ્રધાને કહ્યું છે કે સરકારે પ્રવાસી મજૂરો માટે અનેક વ્યવસ્થા કરી છે. પ્રવાસી મજૂરો માટે મનરેગાના માધ્યમથતી તેમને સપોર્ટ કરવાની કોશિશ કરી છે. 13 મે, 2020 સુધી રાજ્યોમાં રૂ. 14.62 કરોડના કામકાજના દિવસ બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધી પ્રવાસી મજૂરો માટે મનરેગામાં રૂ. 10,000 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. માત્ર આ સપ્તાહે બુધવાર સુધી 1.87 લાખ ગ્રામ પંચાયતમાં 2.33 કરોડ કામ શોધવાવાળા લોકોને કામ આપવામાં આવ્યાં છે.

ખેડૂતોને રૂ. 30,000 કરોડની લોનની ફાળવણી
કેન્દ્ર સરકાર નાબાર્ડના માધ્યમથી વધારાની ઇમર્જન્સી કામકાજ માટેની મૂડી ફન્ડિંગ ઉપલબ્ધ કરાવાશે. ખેડૂતોને આ જોગવાઈ હેઠળ રૂ. 30,000 કરોડની વધુ લોન મળી શકશે. નાના અને સીમાંત ખેડૂતોની પાસે નાણાકીય સંસાધન ના હોવાને કારણે તેમને આ મદદ આપવામાં આવી રહી છે. ક્ષેત્રીય ગ્રામીણ બેન્ક અને ગ્રામીણ સહકારી બેન્ક તેમના માટે ફંડનો સ્રોત છે. નાબાર્ડ રિફાઇનાન્સિંગ સપોર્ટને રૂરલ ઓ-ઓપરેટિવ બેન્ક અને ક્ષેત્રીય ગ્રામીણ બેન્ક સુધી પહોંચાડવામાં મદદ કરશે. એ નાબાર્ડ દ્વારા નોર્મલ રિફાઇનાન્સિંગ રૂટના રૂપમાં રૂ. 90,000 કરોડની મદદ સિવાયના છે.
મુંબઈઃ જોખમી ઈમારતોના સમારકામનો માર્ગ મોકળો થયો
મુંબઈઃ મહાનગરમાં જર્જરિત અને જોખમી બની ગયેલી ઈમારતોનું તત્કાળ સમારકામ કરવા માટેનો માર્ગ મોકળો બની ગયો છે. આવી ઈમારતોનું રીપેરિંગ કામ હાથ ધરવા માટે હવે પરવાનગીની જરૂર નહીં રહે, એવી સ્પષ્ટતા મહાનગરપાલિકાએ કરી છે.
હાલ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે લોકડાઉન ચાલુ છે ત્યારે બાંધકામની પ્રવૃત્તિઓ ઠપ છે. એને કારણે જોખમી અવસ્થામાં આવી ગયેલી ઈમારતોની મરમ્મત કરવામાં આવશે નહીં એવો સાધારણ ખ્યાલ પ્રવર્તે છે. પરંતુ મુંબઈ મહાનગરપાલિકાએ ગઈ 12 મેએ એક પરિપત્ર બહાર પાડીને સ્પષ્ટ કર્યું છે કે જોખમી બની ગયેલી ઈમારતોનું દુરસ્તીકામ કરવા માટે મહાપાલિકા પાસેથી કોઈ પણ પ્રકારની પરવાનગી લેવાની જરૂર નથી.
પરંતુ, આ રીપેરિંગ કામ કરતી કે કરાવતી વખતે સુરક્ષાને લગતા નિયમોનું કડક રીતે પાલન કરવાનું રહેશે. જે મકાનોનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે એનું ચોમાસા પૂર્વેનું કામ કરવાની મંજૂરી અગાઉ આપવામાં આવી જ હતી. પરંતુ એમાં રાજ્ય સરકારે અમુક જટિલ શરતો મૂકતાં તે વિશે ગૂંચવણ ઊભી થઈ હતી. એને લીધે મહાપાલિકાએ ઉપર જણાવેલો પરિપત્ર બહાર પાડીને સ્પષ્ટીકરણ કર્યું છે.
જે બાંધકામ સાઈટ પર મજૂર ઉપલબ્ધ હોય ત્યાં માર્ગદર્શિકા અનુસાર ચોમાસા પૂર્વેનું આવશ્યક કામકાજ અને દુરસ્તીકામ હાથ ધરવાની પરવાનગી આપવામાં આવી છે.
એવી કન્સ્ટ્રક્શન સાઈટ્સ પર અન્ય કર્મચારીઓ માટે પ્રવાસ-પાસની આવશ્યક્તા રહેશે. એમએમસી એક્ટની કલમ 342 અંતર્ગત ઈમારતોમાં સમારકામ, વોટર પ્રૂફિંગ, જોખમી બની ગયેલા ભાગને તોડી પાડવા જેવી કામગીરીઓ હાથ ધરવા માટે મહાપાલિકાની પરવાનગી લેવાની જરૂર નહીં રહે.
સાથોસાથ, અત્યંત જોખમી જાહેર કરાયેલી ઈમારતમાં રહેતા રહેવાસીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કાળજી પણ લેવાની રહેશે, એવું આ આદેશમાં જણાવવામાં આવ્યું છે.
હાલ લોકડાઉનને કારણે ઘણા પ્રોજેક્ટોમાં કોન્ટ્રાક્ટરની નિમણૂકમાં મુશ્કેલી પડી રહી છે તેમજ ઘણા પરપ્રાંતિય કામદારો પોતપોતાના વતન પાછા જતા રહ્યા છે એટલે મુંબઈમાં બાંધકામો અટકી ગયા છે.
બેરોજગાર યુવાનો માટે ભારતીય સેના લાવી છે ‘Tour of Duty’
નવી દિલ્હીઃ ભારતીય સેના દેશના યુવાનો માટે ત્રણ વર્ષનો એક ઇન્ટર્નશિપ પ્રોગ્રામ લઈને આવી છે, જેમાં ઓફિસર અને સોલ્જર બંનેની પોસ્ટ સામેલ છે. ‘રાષ્ટ્રવાદ અને દેશભક્તિ’નો યુવાનોમાં જુસ્સો ટકાવી રાખવાના ઉદ્દેશથી આ નવો પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. ભારતીય સેના માને છે કે દેશમાં બેરોજગારી એક વાસ્તવિકતા છે, જેથી સેનાએ યુવાનો માટે ત્રણ વર્ષનો ઇન્ટર્નશિપ પ્રોગ્રામ નક્કી કર્યો છે. આ પ્રસ્તાવ અનુસાર એ નાની અને સ્વૈચ્છિક ઇન્ટર્નશિપ ‘Tour of Duty’ એવા યુવકો માટે છે જે સુરક્ષા સર્વિસિસને પોતાનું પ્રોફેશન બનાવવા નથી ઇચ્છતા, પણ ફરીથી સેનાની સેવાઓનો રોમાંચ અનુભવવા ઇચ્છે છે.

એડમિશનના માપદંડોમાં ઢીલ નહીં
જોકે આવા ઉમેદવારો માટે એડમિશનના માપદંડોમાં ઢીલ નહીં મૂકવામાં આવે. સેનાના પ્રવક્તા કર્નલ અમન આનંદે પુષ્ટિ કરી હતી કે આ પ્રકારના પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી રહી છે અને એ વાત પર ભાર આપવામાં આવે છે કે જો એનો સ્વીકાર કરવામાં આવશે તો ‘Tour of Duty’ ફરજિયાત નહીં હોય.

સેના દ્વારા જારી કરવામાં આવેલી નોટ અનુસાર સૌથી જરૂરી વાત એ છે કે આ પ્રસ્તાવને સરકાર, આર્મ્ડ ફોર્સિસ, કોર્પોરેટ તથા સ્ટુડન્ટ્સ બધા માટે આકર્ષક બનાવાવાનો છે. સેનાનું કહેવું છે કે એ યુવાનો તેમની ઊર્જા અને તેમની ક્ષમતાનો સકારાત્મક ઉપયોગ લાવવામાં મદદ કરશે અને કઠોર સૈન્ય પ્રશિક્ષણ અને આદતોને તેમના જીવનનો હિસ્સો બનાવવા માટે પ્રેરિત કરશે.

પર્મનન્ટ રિક્રુટમેન્ટ નહીં
સેનાનું કહેવું છે કે પર્મનન્ટ રિક્રુટમેન્ટ ન હોવાને કારણે ઉમેદવારોના પગાર અને ગ્રેચ્યુઇટીમાં થનારી બચત સેના માટે એક મોટો નાણાકીય લાભ હશે. દરેક અધિકારીની ત્રણ વર્ષની સર્વિસનો ખર્ચ શોર્ટ સર્વિસ કમિશન (SSC)ના અધિકારીઓ પર થતા ખર્ચના એક હિસ્સાના બરાબર હશે. એક ઓફિસર જે 10થી 14 વર્ષની ડ્યુટી પછી સર્વિસ છોડે છે, એના પર થતો ખર્ચ રૂ. પાંચ કરોડથી રૂ. 6.8 કરોડ સુધી થાય છે, જેમાં પ્રી-કમિશન, પગાર, ભથ્થાં, ગ્રેચ્યુઇટી તથા લીવ એન્કેશમેન્ટ વગેરે સામેલ છે. સેનાનો અંદાજ છે કે ત્રણ વર્ષની સર્વિસ માટે પ્રતિ ઓફિસર ખર્ચ રૂ. 80-85 લાખ થશે.

કોર્પોરેટ ક્ષેત્ર માટે લાભકારક
એવું અનુમાન છે કે સમગ્ર દેશમાં ત્રણ વર્ષની ઇન્ટર્નશિપ કરેલી પ્રશિક્ષિત, અનુશાસિત, આત્મવિશ્વાસ, મહેનતુ અને પ્રતિબદ્ધ, યુવા પુરષો અને મહિલાઓને લાભ થશે અને એક શરૂઆતના સર્વેએ સંકેત આપ્યો હતો કે કોર્પોરેટ ક્ષેત્ર પણ ફ્રેશર્સને બદલે ઇન્ટર્નશિપ કરેલા ટ્રેન્ડ ગ્રેજ્યુએટ્સને નોકરીએ રાખવાનું વધુ પસંદ કરશે. આ બધું ધ્યાનમાં રાખતાં પ્રસ્તાવિત યોજના સીમિત જગ્યાઓની સાથે હાલમાં પરીક્ષણને આધારે થશે. સેનાએ કહ્યું છે કે જો એ સફળ થશે તો એનો મોટા પાયે વિસ્તાર કરવામાં આવશે.










