Home Blog Page 4803

વિશેષ આર્થિક પેકેજમાં કૃષિ ઇન્ફ્રાને 1 લાખ કરોડની ફાળવણી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઈરસ સામેના જંગમાં લોકડાઉનને કારણે અસ્તવ્યસ્ત થઈ ગયેલા દેશના અર્થતંત્રને ફરી બેઠું કરવા માટે ઘોષિત કરેલા રૂ. 20 લાખ કરોડના રાહત પેકેજની વિવિધ ક્ષેત્રોને વહેંચણી વિશે નાણાપ્રધાન નિર્મલા સીતારામને આજે એમના ત્રીજા તબક્કામાં પત્રકારોને જાણકારી આપી હતી. નાણાપ્રધાને કૃષિ અને તેને સંલગ્ન ક્ષેત્રો માટે 11 મહત્ત્વની જાહેરાત કરી હતી, એમાં આઠ જાહેરાત કૃષિ અને કૃષિ સંલગ્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્ષમતા અને લોજિસ્ટિકના નિર્માણ સંબંધિત હતી જ્યારે ત્રણ જાહેરાત વહીવટી સુધારા સાથે સંકળાયેલી હતી. કૃષિ ઇન્ફ્રા માટે નાણાપ્રધાને રૂ. એક લાખ કરોડની જાહેરાત કરી હતી. સરકારે સૌથી મોટું પગલું વહીવટી સુધારા માટે લીધું હતું, જેમાં આવશ્યક ચીજવસ્તુમાં સંશોધન કરવાનું એલાન કર્યું હતું. સરકારે આના હેઠળ કૃષિ ઉત્પાદનોમાં અનાજ, ખાદ્ય તેલ, ડુંગળી અને બટાટાને ડિરેગ્યુલેટ કર્યા હતા.

ભારત ખેતીપ્રધાન દેશ

નાણાપ્રધાને કહ્યું હતું કે ભારત ખેતીપ્રધાન દેશ છે અને મોટા ભાગની વસતિ કૃષિ પર નિર્ભર છે. જે લોકો કૃષિ કામગીરીઓ પર નિર્ભર છે, એમાં 85 ટકા સીમાંત ખેડૂતોની હિસ્સેદારી છે. આ ભારત સરકારના 2020ના આર્થિક સર્વે પર આધારિત આંકડા છે. તમામ વિપરીત પરિસ્થિતિ છતાં ખેડૂતો પોતાનાં કામકાજમાં કોઈ કસર નથી છોડતા.

કૃષિ અને સંબંધિત ક્ષેત્રો માટે 11 પગલાંની જાહેરાત

નાણાપ્રધાને કૃષિ અને સંબંધિત ક્ષેત્રો માટે 11 પગલાંની જાહેરાત કરી હતી, જેમાં આઠ સ્ટોરેજ ક્ષમતા અને વેરહાઉસ વગેરે સંબંધિત હતી. ગઈ કાલે કેન્દ્ર સરકાર રૂ. 30,000 કરોડની ફાળવણી નાબાર્ડના માધ્યમથી ખેડૂતોને કરી હતી. કિસાન ક્રેડિટ કાર્ડ બનાવીને તેમને રૂ. બે લાખ કરોડનો લાભ પહોંચાડવાના પ્રયાસો થયા હતા.

રૂ. 74,300 કરોડની કૃષિ ઊપજ ખરીદી કરવામાં આવી

છેલ્લા બે મહિનામાં કૃષિ અને ખેડૂતોને સપોર્ટ કરવા માટે અનેક પગલાં લેવામાં આવ્યાં છે. લોકકડાઉન દરમ્યાન લઘુતમ ટેકાના ભાવના રૂપમાં રૂ. 74,300 કરોડની કૃષિ ઊપજ ખરીદી કરવામાં આવી હતી. PM કિસાન ફંડમાં માધ્યમથી રૂ. 18,700 કરોડ ખેડૂતોને આપવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાના દાવા રૂપે રૂ. 6400 કરોડની ચુકવણી કરવામાં આવી છે.

લોકડાઉન દરમ્યાન કો-ઓપરેટિવ દૂધની પ્રોસેસિંગ વધારવા માટે દૈનિક 560 લાખ લિટર રોજ દૂધની પ્રોસેસિંગ કરવામાં આવી, જ્યારે આ દરમ્યાન સરેરાશ ખપત પ્રતિ દિન 360 લાખ લિટરની રહી. આ સમયગાળામાં કોઓપરેટિવને રૂ. 4100 કરોડ આપવામાં આવ્યા, જેનાથી 111 કરોડ લિટર એક્સ્ટ્રા પ્રોક્યોર્ડ મિલ્ક માટે પણ પેમેન્ટ કરવામાં આવે.

આ સમયગાળામાં પશુપાલનવાળાઓને રૂ. 5000 કરોડની તરલતા ઉપલબ્ધ કરાવવાના સરકારે પ્રયાસ કર્યા છે. આમાં બે ટકા ઇન્ટરેસ્ટ સવવેન્શન પણ સામેલ છે. મત્સ્યપાલન માટે સરકારે આ સમયગાળામાં અનેક નવા-નવા પ્રયાસ કર્યા છે, જેનાથી મત્સ્યપાલન કરતા ખેડૂતોને ઘણો લાભ મળ્યો છે.

એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ માટે રૂ. 1,00,000 કરોડની ફાળવણી

એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ માટે મોદી સરકારે રૂ. 1,00,000 કરોડની ફાળવણી કરી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર  બનાવીને આમાં ખેડૂતોને ઊપજ સંરક્ષિત કરવામાં મદદ મળશે. કૃષિ ઊપજ પછી ભારતમાં કોલ્ડ ચેઇનની કમી અને હાર્વેસ્ટ મેનેજમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કમીને કારણે ઘણી ઊપજ બરબાદ થાય છે. એના માટે સરકારે રૂ. 1,00,000 કરોડની ફાળવણી કરી છે.

માઇક્રોફૂડ એન્ટપ્રાઇઝને પ્રોત્સાહન આપવા માટે રૂ. 10,000 કરોડની સ્કીમ

મોદી સરકાર માઇક્રોફૂડ એન્ટપ્રાઇઝને પ્રોત્સાહન આપવા માટે રૂ. 10,000 કરોડની સ્કીમ લાવી છે. માઇક્રોફૂડ એન્ટરપ્રાઇઝીસના રૂપમાં સરકાર ખેડૂતોને મોટી મદદ કરશે. બિહારમાં મખાના હોય છે. આ જ રીતે તામિલનાડુમાં હળદર હોય છે. યુપીમાં કેરી હોય છે. જમ્મુ-કાશ્મીરમાં કેસર હોય છે. જ્યારે નોર્થ ઇસ્ટમાં વાંસથી જોડાયેલાં ઉત્પાદન બનાવી શકાય છે. આંધ્ર પ્રદેશમાં મરચાં સાથે જોડાયેલી ચીજવસ્તુઓ બનાવી શકાય છે. તામિલનાડુમાં ત્યાંના સ્થાનિક ઉત્પાદનોથી ચીજવસ્તુઓ બનાવી શકાય છે. આના માટે સરકારે રૂ. 10,000 કરોડની ફાળવણી કરી છે.

દેશના માછીમારોને રૂ. 20,000ની મદદ

કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાના માધ્યમથી દેશના માછીમારોને રૂ. 20,000ની મદદ આપશે. ફિશની વેલ્યુ ચેઇનમાં બહુ મહત્ત્વપૂર્ણ ગેપ છે, જેને પૂરવો જરૂરી છે. સરકાર આ યોજના દ્વારા ઇન્ટિગ્રેટેડસ સસ્ટેનેબલ, ઇન્કલુઝિવ ડેવલપમેન્ટ ઓફ મરીન એન્ડ આઇલેન્ડ ફિશરીઝની સ્થાપના કરવામાં આવશે. આમાં રૂ. 11,000 કરોડની ફાળવણી મરીન ઇનલેન્ડ ફિશરીઝ અને એક્વાકલ્ચર માટે કરવામાં આવશે, જ્યારે રૂ. 9000 કરોડની ફાળવણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કરવામાં આવશે. આમાં ફિશિંગ હાર્બર, કોલ્ડ ચેઇન, માર્કેટ વગેરે સામેલ છે. આનાથી ભારતમાં આગામી પાંચ વર્ષમાં 70 લાખ ટન ફિશ પ્રોડક્ટસનું ઉત્પાદન થઈ શકશે. આમાં 55 લાખ લોકોને રોજગાર મળશે, જ્યારે ભારતની નિકાસ બે ગણી થઈને રૂ. 1,00,000 કરોડ થશે.

મધુમાખી ઉછેર માટે રૂ. 500 કરોડની યોજના

સરકાર મધુમાખી ઉછેરને પ્રોત્સાહન આપવા માટે રૂ. 500 કરોડની યોજના લાવી છે, જેથી બે લાખ મધુમાખીપાલકોને આનો લાભ મળશે.  લોકલથી ગ્લોબલ માટે આ એક મોટું પગલું છે.

હર્બલ અને ઔષધીય ખેતી માટે રૂ. 4000 કરોડની ફાળવણી

હર્બલ ખેતી માટે રૂ. 4000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. 10 લાખ હેક્ટરમાં આની ખેતી કરવામાં આવશે. આનાથી ખેડૂતોની રૂ. 5000 કરોડની વધારાની આવક થશે. ગંગા કિનારે હજ્જારો એકરમાં છોડવા રોપવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે.

પશુ રસીકરણ માટે રૂ. 13,343 કરોડ

કેન્દ્ર સરકાર નેશનલ એનિમલ ડિસિઝ કન્ટ્રોલ પ્રોગ્રામ લાવી રહી છે. દેશમાં સૌથી વધુ પશુધનવાળા દેશોમાંનો એક છે, ગાય, ભેંસ અને બળદ, બકરી સહિત પશુઓના રસીકરણ માટે રૂ. 13,343 કરોડની યોજના. 53 કરોડ પશુઓને રસી આપવામાં આવશે. અત્યાર સુધી દોઢ કરોડ ગાય અને ભેંસને ટેગ કરવામાં આવ્યા છે અને  એમને બીમારીના ટીકા લગાવવામાં આવ્યા છે.

પશુપાલન ઇન્ફ્રા માટે રૂ. 15,000 કરોડનું ફંડ

કેન્દ્ર સરકારે એનિમલ હસબેન્ડરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડના રૂપમાં રૂ. 15,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેથી પશુપાલન સેકટરમાં દૂધ ઉત્પાદનમાં અનેક સંભાવના છે.

ટોપ ટુ ટોટલ યોજના માટે રૂ. 500 કરોડની ફાળવણી

ટોપ ટુ ટોટલ યોજના માટે રૂ. 500 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ટામેટા, ડુંગળી અને બટાટા સિવાયની શાકભાજીઓને આ યોજના હેઠળ લાવવામાં આવી છે. આ યોજનામાં કૃષિ ઊપજવાળા સામાનને ઓછી ઊપજવાળા વિસ્તારોમાં પહોંચાડવા માટે 50 ટકા સબસિડી આપવામાં આવશે અને 50 ટકા સબસિડી કોલ્ડ સ્ટોરેજ માટે આપવામાં આવશે. આ યોજનાને પાઇલટ પ્રોજેક્ટ રૂપે ચલાવવામાં આવશે. આનાથી ખેડૂતોને બહુ મદદ મળશે.

એસેન્શિયલ કોમોડિટી એક્ટમાં સુધારાનો પ્રસ્તાવ

કેન્દ્ર સરકારે ખેડૂતોને તેમની ઊપજના સારા મૂલ્ય માટે મળે એ માટે એસેન્શિયલ કોમોડિટી એક્ટમાં સુધારો કરવાનો પ્રસ્તાવ કર્યો છે. એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ 1955 કોરોના સંક્રમણના પ્રારંભથી લાગુ છે.

એસેન્શિયલ માર્કેટિંગ રિફોર્મ

ખેડૂતોને ઊપજના વાજબી ભાવ મળે, આંતરરાષ્ટ્રીય  વેપારમાં મુશ્કેલી ના પડે એટલા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

કૃષિ ઊપજને ડિરેગ્યુલેટ કરવામાં આવી

એગ્રિકલ્ચરલ ફૂડમાં અનાજ, ખાદ્ય તેલ, તેલીબિયાં, ગાળો, ડુંગળી અને બટાટા જેવી કૃષિ ઊપજને ડિરેગ્યુલેટ કરવામાં આવી રહી છે. બજારમાં આ ચીજવસ્તુઓના ભાવમાં અચાનક ઉછાળો આવશે તો સ્ટોક લિમિટ લાગુ કરવામાં આવશે.

કોવિડ19: દેશમાં રિકવરી રેટમાં થઈ રહ્યો છે ઝડપી સુધારો

નવી દિલ્હી: દેશમાં કોરોના સંકટ વચ્ચે એક સારા સમાચાર મળી રહ્યા છે. કોરોના દર્દીઓના રિકવરી રેટમાં સતત સુધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના 3967 કેસો સામે આવ્યા છે અને 1685 લોકો સારવાદ પછી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને જણાવ્યું કે, અત્યાર સુધીમાં 27,919 લોકો કોરોના બીમારીમાંથી સાજા થયા છે. એ હિસાબે દેશમાં રિકવરી રેટ 34 ટકાનો છે.

રાહતની વાત એ છે કે, રિકવરી રેટ સતત વધી રહ્યો છે. બુધવાર સુધીના આંકડાઓ અનુસાર માત્ર 3 ટકા દર્દીઓ આઈસીયુ, 2.7 ટકા ઓક્સીજન સપોર્ટ પર અને 0.39 ટકા દર્દીઓ વેન્ટિલેટર પર હતા. તો દેશમાં હવે કેસ ડબલ થવાનો સમય 13.9 દિવસનો થઈ ગયો છે.

ભારતમાં ત્રણ રાજ્યો આંદામાન નિકોબાર ટાપુ, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમમાં કોરોના વાઈરસનો રિકવરી રેટ 100 ટકા છે. આ ઉપરાંત દમણ અને દીવ, સિક્કીમ, નાગાલેન્ડ અને લક્ષદ્વીપમાં અત્યાર સુધી કોરોનાનો એકપણ કેસ નથી નોંધાયો. આંધ્ર પ્રદેશ, ચંડીગઢ, દાદરા અને નગર હવેલી, ગોવા, છત્તીસગઢ, ગુજરાત, ઝારખંડ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, પુડુચેરી અને તેલંગાણામાં રિકવરી રેટમાં સતત વધારો થઈ રહ્યો છે.

આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, કોરોનાને કારણે મહારાષ્ટ્રમાં સૌથી વધુ 1019 લોકોના મોત થયા છે. ત્યાર પછી ગુજરાતમાં 586, મધ્યપ્રદેશમાં 237, પશ્ચિમ બંગાળમાં 215, રાજસ્થાનમાં 125, દિલ્હીમાં 115, ઉત્તર પ્રદેશમાં 88, આંધ્ર પ્રદેશમાં 48, તમિલનાડુમાં 66, તેંલગાણામાં 34, કર્ણાટક 35, પંજાબ 32, જમ્મુ કશ્મીર 11, હરિયાણા 11, બિહાર 7, કેરળ 4 ઝારખંડ 3, ઓડિસા 3, ચંદીગઢ 3, હિમાચલ પ્રદેશ 2, અસમ 2 અને મેઘાલયમાં 1 વ્યક્તિનું મોત થયું છે.

પ્રત્યાર્પણથી બચવા ભાગેડુ નીરવ મોદીના અવનવા દાવપેચ

લંડનઃ બેન્કોની સાથે છેતરપીંડીના કેસમાં ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીના પ્રત્યાર્પણ મામલે બ્રિટનના લંડનની કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. નીરવ મોદીના વકીલે પહેલાં તેમના અસીલના માનસિક સ્વાસ્થ્યનું બહાનું બતાવ્યું હતું અને મુંબઈની આર્થર રોડ જેલમાં માનસિક રોગોના ડોક્ટર ન હોવાની દલીલ કરી હતી. જોકે હવે નવો દાવ અપનાવતાં નીરવના વકીલે આર્થર રોડ જેલમાં વધુપડતા ઊંદરો હોવાની દલીલ કરી હતી.  

નીરવ મોદીના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે મુંબઈની આર્થર રોડ જેલમાં ઊંદરો અને કીડાઓ વધુ પ્રમાણમાં છે. કેદીઓને જરાય અંગતપણું મળતું નથી. નીરવના વકીલે એવી પણ દલીલ કરી હતી કે જો તેને આર્થર રોડ જેલમાં રાખવામાં આવશે તો એ તેના માનવાધિકારોનું ઉલ્લંઘન ગણાશે. જેલ પ્રાંગણમાંથી ગંદા પાણીનું નાળું વહે છે અને બાજુમાં ઝૂંપડપટ્ટી પણ છે, જ્યાંથી બહુ ઘોંઘાટ થાય છે.  

ભારતીય એજન્સીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે નીરવ મોદીના પ્રત્યાર્પણ પછી આર્થર રોડ જેલની બેરેક નંબર 12માં રાખવામાં આવશે. એને વિશેષ રૂપે આર્થિક અપરાધથી જોડાયેલા અપરાધીઓ માટે બનાવવામાં આવી છે. ભારતીય એજન્સીઓ દ્વારા આર્થર રોડ જેલનો એક વિડિયો પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં ઊંદરો જોવા નહોતા મળ્યા.

બેરેક પાસે કોઈ ઉઘાડું નાળું પણ નથી. બેરકમાં પ્રત્યેક કેદી માટે ભરપૂર મોકળી જગ્યા છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી કોર્ટે ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસને આર્થર રોડ જેલને લઈને તાજો રિપોર્ટ આપવા કહ્યું હતું. આર્થર રોડ જેલના આ રિપોર્ટેને સપ્ટેમ્બરમાં સુનાવણી માટે લઈ જવામાં આવશે. આ પહેલાં વકીલે કહ્યું હતું કે નીરવ મોદીનું માનસિક સ્વાસ્થ્ય સારું નથી.

નીરવ મોદીના વકીલે પ્રત્યાર્પણનો વિરોધ કરતાં કહ્યું હતું કે મુંબઈની આર્થર રોડ જેલમાં માનસિક રોગોના ડોક્ટર નથી. નીરવ મોદીએ બેન્કોથી હજ્જારો કરોડોની છેતરપીંડીના મામલે વોન્ટેડ છે. તેનું બ્રિટનથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવવાના મામલે લંડનની કોર્ટ સુનાવણી કરી રહી છે.

ભારતીય ગ્રાહકો પોતાને ‘વફાદાર’ રહેશે એવો વૈશ્વિક બ્રાન્ડ્સને વિશ્વાસ

નવી દિલ્હીઃ અમેરિકા, જાપાન અને યુરોપ સહિતના અનેક દેશોએ ચીન પરનું આયાતી અવલંબન ઘટાડવાનું શરૂ કર્યુ છે, કેમ કે કોરોના વાઇરસે વિશ્વનાં અર્થતંત્રોને હચમચાવી કાઢ્યાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાષ્ટ્રવ્યાપી સંબોધનમાં આત્મનિર્ભર ભારત અભિયાનની શરૂઆત કરી હતી, પણ વૈશ્વિક બ્રાન્ડોને ‘ભારતીય ગ્રાહકો’ પર સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ તેમને ‘વફાદાર’ રહેશે. વૈશ્વિક સ્માર્ટફોન, FMCG, ઇલેકટ્રોનિક્સ અને એપરલ કંપનીઓને ભારતમાંના તેમના ગ્રાહકો પર વિશ્વાસ છે કે તેઓ તેમની સાથે જ રહેશે અને તેમના બિઝનેસને ઊની આંચ નહીં આવે. પછી ભલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સ્થાનિક બિઝનેસને પ્રોત્સાહન આપવાની હાકલ કરી હોય.

લોકલ બ્રાન્ડ્સ માટે વોકલ

વડા પ્રધાન મોદીએ મંગળવારે રાત્રે રાષ્ટ્રને સંબોધિત કરતાં દેશવાસીઓને આત્મનિર્ભર બનવાની સાથે  સ્વદેશી અપનાવવાની હાકલ કરી હતી. તેમણે કહ્યું હતું કે આ સંકટ સમયે સ્થાનિક બ્રાન્ડ જ મદદગાર સાબિત થઈ રહી છે. તેમણે લોકલ બ્રાન્ડ માટે વોકલ પર ભાર મૂક્યો હતો. તેમણે સ્થાનિક ઉત્પાદનો ખરીદવા માટે આહવાન કર્યું હતું.આ ઉપરાંત તેમણે ટ્વીટ કર્યું કે આગળનો રસ્તો સ્થાનિકમાં રહેલો છે. સ્થાનિક ઉત્પાદન, સ્થાનિક બજારો, સ્થાનિક સપ્લાય ચેઇન, સ્થાનિક એ ફક્ત જરૂરિયાત જ નથી, પરંતુ એક જવાબદારી પણ છે, એમ તેમણે કહ્યું હતું. વૈશ્વિક કંપનીઓના એક્ઝિક્યુટિવ્ઝે વડા પ્રધાનના ભાષણને ‘મેકિંગ ઇન ઇન્ડિયા સમર્થન’ તરીકે અર્થઘટન કર્યું હતું.

અનેક કંપનીઓના ભારતમાં ઉત્પાદન એકમ

દેશમાં અનેક મલ્ટિનેશનલ કંપનીઓ ભારતમાં ઉત્પાદન યુનિટ સ્થાપિત કરી ચૂકી છે અને સ્થાનિક રીતે કાચો માલસામાન પણ ખરીદે છે. જોકે આ કંપનીઓ મોબાઇલ ફોન, ટેલિવિઝન સેટ, ટૂથપેસ્ટ અને સાબુ અને એપરલ (રેડીમેડ ગારમેન્ટ) ઉપભોક્તા અભિયાન અને સંદેશવ્યવહારમાં વૈશ્વિક બ્રાન્ડ નીતિ જાળવી રાખશે.

‘PMનો ઉદ્દેશ ફક્ત આયાત ઘટાડવાનો

આઇફોન અને મેક કોમ્પયુટર્સ બનાવનાર કંપની એપલ ભારતમાં ઓલરેડી આઇફોન અને XRને એસેમ્બલ દેશમાં કરે છ આ ઉપરાંત કંપનીના કુલ વેચાણમાં આનો હિસ્સો 30 ટકા જેટલો છે. એપલ આગામી કેટલાંક વર્ષોમાં સ્થાનિક યુનિટમાં ઉત્પાદન વધારવાની યોજના ધરાવે છે અને અને એના કોમ્પોનન્ટ (પુરજા)ના વિકે વિક્રેતાઓને પણ ભારતમાં એકમ સ્થાપવા માટે લાવવાની યોજના ધરાવે છે, એમ એક ઉદ્યોગના એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું.

અનેક મલ્ટિનેશનલ કંપનીઓનુ દેશમાં ઉત્પાદન

યુનિલિવર, કોલગેટ, પ્રોકક્ટર એન્ડ ગેમ્બલ, નેસ્લે, મોન્ડેલ્ઝ, સોની, LG, સેમસંગ અને ઝાઓમી સહિતની MNCsઓ તેમનાં પ્રોડક્ટોના 90-100 ટકા ઉત્પાદનો દેશમાં કરે છે. આ ઉપરાંત ઇલેક્ટોનિક્સ કંપનીઓ પણ R&D સુવિધા અને કોમ્પોનન્ટ માટે દેશમાં તપાસ કરી રહી છે.

વૈશ્વિક બ્રાન્ડોનો ભારતીય બજારમાં મોટો હિસ્સો

ગ્લોબલ બ્રાન્ડ્સનો જોકે સ્માર્ટફોન અને ટેલિવિઝન કેટેગરીમાં ભારતીય બજારોમાં 90 ટકાથી વધુ હિસ્સો છે, જ્યારે રેફ્રિજરેટર્સ અને વોશિંગ મશીન્સમાં 80 ટકા હિસ્સો છે. ટૂથપેસ્ટ, સ્કિન ક્રીમ્સ, સોપ્સ, શેમ્પુ અને લોન્ડ્રીમાં આ બ્રાન્ડોનો 50-65 ટકા હિસ્સો છે. આ ઉપરાંત અન્ય ચીજવસ્તુઓ જેવી કે ઠંડાં પીણાં, ચોક્લેટ્સ અને કોફી, બિયરમાં વૈશ્વિક બ્રાન્ડનો ઓવરઓલ માર્કેટમાં આશરે 90 ટકા હિસ્સો છે.

કોરોના-યોદ્ધા ભારતને WB તરફથી રૂ. 7500 કરોડની સહાય

નવી દિલ્હીઃ વર્લ્ડ બેન્કે ભારત માટે એક અબજ ડોલર (રૂ. 7500 કરોડ)ના સામાજિક સુરક્ષા પેકેજની જાહેરાત કરી હતી.આ માહિતી વર્લ્ડ બેન્કે ભારત માટેના કન્ટ્રી ડિરેક્ટર જુનૈદ અહમદે શુક્રવારે આપી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે અર્થતંત્રમાં મંદી છવાયેલી છે. ભારત સરકારે ગરીબ કલ્યાણ યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેથી ગરીબ અને નબળા લોકોની સુરક્ષામાં મદદ મળી શકે.

કોવિડ-19 મહામારી વૈશ્વિક સંકટ

વર્લ્ડ બેન્કે ગુરુવારે કહ્યું હતું કે કોવિડ-19 મહામારી વૈશ્વિક સંકટ છે, જેનાથી દરેક દેશ પ્રભાવિત છે. બેન્કે કહ્યું છે કે દેશોને આ સંકટમાં સાથ આપવા માટે અમે કામ કરી રહ્યા છે, જેથી જેટલી શક્ય એટલા વધુ દેશોને અમારી મદદ પહોંચી શકે.

વિશ્વભરના વિકાસશીલ દેશો માટે સહાયતા અભિયાન માટે પહેલું પગલું હતું. આના હેઠળ 25 વિકાસશીલ દેશોને સહાયતા કરવામાં આવી હતી. વર્લ્ડ બેન્કના જણાવ્યા મુજબ નવું પેકેજ ભારતને બે તબક્કામાં આપવામાં આવશે. 75 કરોડ ડોલર નાણાકીય વર્ષ 2020માં આપવામાં આવશે અને બાકીના 25 કરોડ ડોલર 2021માં આપવામાં આવશે.

ભારતને 1.5 અબજ ડોલરનું પેકેજ

આ પહેલાં એશિયન ડેવલપમેન્ટ બેન્કે કોરોના સંકટમાં મદદ માટે ભારતને 1.5 અબજ ડોલરનું પેકેજ આપવાની જાહેરાત કરી હતી. ન્યુ ડેવલપમેન્ટ બેન્ક પણ ભારતને એક અબજ ડોલરની ઇમર્જન્સી મદદ ભંડોળ આપવાની જાહેરાત કરી ચૂકી છે.

સરકારના પ્રયાસો અર્થતંત્રને વેગ આપવાના

ભારત સરકાર કોરોના પર નિયંત્રણની સાથે-સાથે લોકડાઉનને તબક્કાવાર હઠાવવા માટે પ્રયાસ કરી રહી છે. સરકારના પ્રયાસો અર્થતંત્રને વેગ આપવાના છે. વર્લ્ડ બેન્ક દ્વારા આ ફંડ આ દિશામાં મદદ કરશે. સરકારે 1.70 લાખ કરોડનું પેકેજ ગરીબ કલ્યાણ પેકેજની જાહેરાત કરી હતી.

20 લાખ કરોડના પેકેજની જાહેરાત
ત્યાર બાદ 12 મેએ રાષ્ટ્રને સંબોધન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. 20 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી હતી. એ પેકેજની વહેંચણી વિશેની માહિતી નાણાપ્રધાન નિર્મલા સીતારામન ત્રણ તબક્કામાં કરી રહ્યાં છે.

મુંબઈમાં કોરોના લોકડાઉન 31 મે સુધી લંબાવાયું

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે મુંબઈ મેટ્રોપોલિટન રીજન (MMR), પુણેમાં કોરોના વાઈરસ વિરોધી લોકડાઉનની મુદતને 31 મે સુધી લંબાવી દીધી છે.

MMRમાં સમગ્ર મુંબઈ શહેર (ઉપનગરો સહિત) તેમજ પડોશના થાણે, નવી મુંબઈ અને મીરા રોડ તથા વિરારની વચ્ચે આવતા વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. આ બધે જ 31 મે સુધી લોકડાઉન લાગુ રહેશે.

મહારાષ્ટ્રમાં કુલ 36 જિલ્લા છે. એમાંના 13 જિલ્લાનો સમાવેશ રેડ ઝોનમાં કરાયો છે.

આ જિલ્લાઓ છેઃ મુંબઈ, મુંબઈ સબર્બન, પુણે, થાણે, નાશિક, પાલઘર, સોલાપુર, યવતમાલ, ઔરંગાબાદ, સતારા, ધૂળે, અકોલા અને જળગાંવ.

16 જિલ્લાઓનો સમાવેશ ઓરેન્જ ઝોનમાં કરાયો છે. આ જિલ્લાઓ છેઃ રાયગડ, અહમદનગર, અમરાવતી, બુલઢાણા, નાંદુરબાર, કોલ્હાપુર, હિંગોલી, રત્નાગિરી, જાલના, નાંદેડ, ચંદ્રાપુર, પરભણી, સાંગલી, લાતુર, ભંડારા, બીડ.

ગ્રીન ઝોનવાળા જિલ્લાઓ છેઃ ઉસ્માનાબાદ, વાશિમ, વર્ધા, ગડચિરોલી, સિંધુદૂર્ગ, ગોંદિયા.

મુંબઈમાં 24 વોર્ડમાં 2,651 કન્ટેનમેન્ટ વિસ્તારો (ઝોન) છે. આ ઝોનને પણ ચાર ભાગમાં વહેંચી દેવામાં આવ્યા છે – બ્લુ, ઓરેન્જ, રેડ અને રેડ પ્લસ. બ્લુ રંગ કેટેગરી સૂચવે છે કે આ કન્ટેનમેન્ટ ઝોનની સંભાળ લઈ શકાય એમ છે. ઓરેન્જ ઝોનનો અર્થ એ કે ત્યાં ઓછામાં ઓછો એક કોરોના વાઈરસ દર્દી છે. રેડ ઝોનમાં કોરોનાના 2-7 દર્દીઓ હોય જ્યારે રેડ પ્લસ ઝોનમાં સાતથી વધારે દર્દી હોય.

મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કહ્યું છે કે કન્ટેનમેન્ટ ઝોનમાં 1,153 મકાન બ્લુ કેટેગરીમાં છે, ઓરેન્જ કેટેગરીમાં 1,035 મકાનો છે, રેડ કન્ટેનમેન્ટમાં 373 મકાનો છે અને રેડ પ્લસ કન્ટેનમેન્ટ ઝોનમાં 90 મકાનો છે.

કોરોના વાઈરસ બીમારીને ફેલાતી રોકવા માટે દેશભરમાં ગઈ 25 માર્ચથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. એને બે વાર લંબાવવામાં આવ્યું છે – પહેલાં 14 એપ્રિલે અને ત્યારબાદ 4 મેએ. લોકડાઉનનો ત્રીજો તબક્કો 17 મેએ પૂરો થાય છે, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં જણાવ્યું હતું કે કોરોના-લોકડાઉન 18 મેથી ચોથા તબક્કામાં જશે તેમજ એ તબક્કો પાછલા ત્રણેય તબક્કા કરતાં નવા જ પ્રકારનો હશે.

ભૂપેન્દ્રસિંહને રાહતઃ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદા સામે સ્ટે આપ્યો

અમદાવાદઃ ગુજરાતના કાયદા અને શિક્ષણ પ્રધાન તથા ભાજપના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને સુપ્રીમ કોર્ટેમાંથી મોટી રાહત મળી છે. 2017ની ધોળકા વિધાનસભાની ચૂંટણીમાં ચુડાસમાની જીતને રદ કરતો અગાઉ ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો. ચુડાસમાએ એ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. આજે સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના તે ચુકાદા પર સ્ટે ઓર્ડર મૂકી દીધો છે. સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળતા હવે ભૂપેન્દ્રસિંહનું ધારાસભ્યપદ પણ હાલપૂરતું બચી ગયું છે અને અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી તેઓ ધારાસભ્ય પદે રહી શકશે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ધોળકા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા.

સુપ્રીમ કોર્ટના આ નિર્ણય અંગે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ પણ કર્યું છે. ભૂપેન્દ્ર સિંહે ટ્વિટમાં લખ્યું કે સત્યમેવ જયતે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે આ ભૂપેન્દ્ર સિંહની જીતને પડકારતી અરજી કરી હતી. ગુજરાત હાઈકોર્ટે આ ચૂંટણીને રદ કરવાનો આદેશ આપતા ચૂડાસમાને મોટો ફટકો પડ્યો હતો. જોકે, હવે સુપ્રીમ કોર્ટે સ્ટે આપી દેતા ભુપેન્દ્રસિંહ અને ભાજપ માટે મોટી રાહત થઈ ગઈ છે. આ કેસમાં કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે કરેલી અરજી પર બે વર્ષ ઉપરાંત ચાલેલી સુનાવણી બાદ હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો હતો.

પરિવર્તન સરળ રીતે: સામાન્ય માનવીનો અસામાન્ય સંકલ્પ…

મુકેશ કિશોરભાઈ ગાંધી

બીજા ઘણાની જેમ જ મુકેશભાઈ સામાન્ય મુંબઈગરા. ઈન્વેસ્ટમેન્ટ વિષયના અચ્છા જાણકાર. પોતે મુંબઈ શેરબજારમાં ઈન્વેસ્ટમેન્ટ કરે. તમને એમ થશે કે આમાં નવું શું? તો નવીનતા એ છે કે મુકેશભાઈ નિમ્નસ્તરના લોકોને પણ ઈન્વેસ્ટમેન્ટ કરવામાં પ્રોત્સાહિત કરે છે, મદદ કરે છે – કોઈ ચાર્જિસ લીધા વગર.

સમાજમાં સેલિબ્રિટી વ્યક્તિઓ તો ઘણું દાન કરે, ઘણી સેવા કરે. મુકેશભાઈ ગરીબ લોકોને એમના પરસેવાના પૈસાની બચત કરતા અને બચાવેલા એ નાણાંમાંથી જ વધુ કમાણી કેમ કરવી, અણધારી સંપત્તિ કેમ મેળવવી એ શીખવે છે. જેથી એવી રકમ જિંદગીમાં મહત્ત્વના સમયે કામ લાગે. લોકોની આર્થિક ઉન્નતિ થાય, નવું જ્ઞાન મળે, લઘુતાગ્રંથિ ન રહે.

મુકેશભાઈની સેવાના લાભાર્થીઓમાં રહેણાક સોસાયટીઓના વોચમેન, કારડ્રાઈવર, ઘરકામ કરનારી સ્ત્રીઓ, મજૂર, નર્સ, વોર્ડબોય, માલિશ કરનાર, જિમ્નેશિયમ ઈન્સ્ટ્રક્ટર, જેવા લોકોનો સમાવેશ થાય છે. મુકેશભાઈ આવા લોકોને બેન્ક એકાઉન્ટ ખોલાવી આપે છે, પોતે એમના ગેરન્ટર પણ બને, એમને PAN કાર્ડ કઢાવી આપે, ત્યારબાદ જરૂરી ફોર્મ્સ પર સહી-સિક્કા કરાવી એમને શેરબજારની સ્ક્રિપ્સમાં કે નવી સરકારી યોજનાઓમાં મૂડીરોકાણ કરાવી આપે. અત્યાર સુધીમાં આવા ૭૫ જણના બેન્ક એકાઉન્ટ મુકેશભાઈએ ખોલાવી આપ્યા છે.

આવા મુકેશભાઈના શેરબજારના ગુરુ કોણ છે એ પણ જાણી લો. એમને આવી નિ:સ્વાર્થભાવે સેવા બજાવવાની પ્રેરણા આપી છે ઈનામ સિક્યૂરિટીઝના સ્થાપક-ચેરમેન, ઈન્વેસ્ટમેન્ટ બેન્કર, વેન્ચર કેપિટાલિસ્ટ વલ્લભભાઈ ભણસાલીએ.

વલ્લભભાઈ ભણસાલી સાથે મુકેશ ગાંધી

વલ્લભભાઈ કહે છે, મુકેશને હું ૨૫ વર્ષોથી ઓળખું છું. આજના જમાનામાં તે શુદ્ધ આદર્શવાદી વ્યક્તિ છે. એ સંતોષી છે. એને નવું શીખવાની હોંશ રહે છે. એ ગુણી જીવ છે. જે વ્યક્તિ અંતરથી તૃપ્ત હોય છે એના જીવમાં સેવા કરવાનો ભાવ હોય છે.

વલ્લભભાઈ વધુમાં કહે છે, નાના માણસોને ઈન્વેસ્ટમેન્ટની સમજણ જ નથી હોતી તો એમને માટે કંઈક કરીએ એ વિશે અમારી વચ્ચે ચર્ચા થઈ હતી. એ પછી અમે થોડાક અખતરા કર્યા હતા. મુકેશનું કહેવું હતું કે ૫૦ નહીં તો પાંચના કામ તો હું કરી આપું. આમ સેવા કરવાથી ગુણની વૃદ્ધિ થાય છે. એ પોતાની મહેનત અને પરસેવાથી કામ કરે છે. એ ક્યારેય નહીં થાકે. આવી વ્યક્તિ આશાવાદી અને ઈશ્વરમાં વિશ્વાસ રાખવાવાળી હોય છે. એટલે એ કંટાળે નહીં, હારે નહીં.

મુકેશભાઈ આ ઉપરાંત સંગીતનું દાન પણ કરે છે, એમના ઘરમાં, વિનામૂલ્યે. તેઓ દિવ્યાંગ બાળકો, વરિષ્ઠ, નિવૃત્ત નાગરિકોને મેન્ડોલીન, વાયોલીન, કીબોર્ડ પિયાનો વગાડતા શીખવે છે. કોઈકને ગીત ગાતા પણ શીખવે છે. આ કળા શીખવાથી એવા લોકોની જિંદગીમાં રસ જળવાઈ રહે છે, કંઈક શીખ્યાનો એમને ગર્વ થાય છે. એમના તાલીમાર્થીઓમાં પાંચથી લઈને 75 વર્ષની વ્યક્તિઓનો સમાવેશ થાય છે.

જુઓને, એમની પાસે સંગીત શીખનાર શિષ્યો શું કહે છે તેઃ

ટાટા હોસ્પિટલનાં નિવૃત્ત ઈન્ચાર્જ અને 75 વર્ષનાં ડો. શકુબેન બારભાયાએ મુકેશભાઈની સરાહના કરતી આ કવિતા લખી છેઃ

જમનાબાઈ નરસી સ્કૂલનો છઠ્ઠા ધોરણનો વિદ્યાર્થી હૃદય કલાતી કહે છે, મને તો ગાવાનો, ડાન્સનો શોખ હતો. પણ મુકેશસરે મને સંગીત શિખડાવ્યું અને એ મારું અતિ પ્રિય થઈ ગયું. મને એમના સંગીત ક્લાસમાં જવાનું બહુ જ ગમે છે.

ઘરકામ કરનાર મહિલાનો 9મા ધોરણમાં ભણતો લવ પણ મુકેશભાઈનો આભાર માને છે. એણે નોટબુકના કાગળ પર એ શબ્દો લખી આપ્યા છેઃ

દિવ્યાંગ વિદ્યાર્થીઓને સંગીત શિખડાવવામાં ખૂબ ધીરજ જોઈએ એટલે ઘણા લોકોને એવું શીખડાવવું ગમતું નથી હોતું, પણ મુકેશજીએ બહુ ઉત્સાહપૂર્વક આ પડકારને ઝીલી લીધો છે. અમે તો બહુ ભાગ્યશાળી છીએ કે અમને તમારા જેવા સંગીત સર મળ્યા.
– ઉર્વીબેન (દિવ્યાંગો માટેની સેવાભાવી સંસ્થા ARTISTIC HANDSનાં સંચાલિકા)

અમેરિકામાંથી 8મા ધોરણનો વિદ્યાર્થી ઓમ જણાવે છે, હું મુકેશસર પાસે બે વર્ષથી ઈન્ટરનેટ મારફત પિયાનો સંગીત શીખું છું. એ ખૂબ જ લાગણીથી શિખડાવે છે.

રોજિંદા વ્યસ્ત જીવનને કારણે સંગીત શિખવાનો સમય ન મળે. મારા ગુરુ મુકેશભાઈએ મને સંગીતને સમજવામાં અને એનો આનંદ માણતા શિખડાવ્યું.
– ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રજ્ઞાબેન કહે છે,

મુકેશસર અમને સંગીતની તાલીમ આપે છે એટલું જ નહીં, એમની પાસેથી અમને વિવેકવિચાર પણ શીખવા મળ્યા છે. એનાથી અમારું જીવન સમૃદ્ધ બન્યું છે. અમને આ તક આપવા બદલ સર તમારો ખૂબ ખૂબ આભાર.
– જીનલ (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ)/ જિશા (પાંચમા ધોરણમાં ભણતી એમની પુત્રી)

મુકેશસર મળ્યા એ અમારા માટે આશીર્વાદ કહેવાય. સંગીત કે શેરબજાર વિશેના પોતાના જ્ઞાનની એ નિઃસ્વાર્થભાવે વહેંચણી કરે છે. હું અને મારી બહેન, બંને જણ એમની પાસે સંગીત શીખીએ છીએ. અમારા બંનેમાં આત્મવિશ્વાસ આવ્યો છે.
– ભાવના (બેન્ક કર્મચારી) અને નૂતન (LIC કર્મચારી) કહે છેઃ

નિવૃત્ત જીવન ગાળતા ગૌતમભાઈ પણ કહે છે કે મુકેશભાઈ સર પાસેથી અમને ઘણું જ સરસ શીખવા મળે છે.

મુકેશભાઈ પાસે પિયાનો વગાડતા શીખવાનું શરૂ કર્યાને મને હજી માત્ર છ મહિના જ થયા છે, પણ મને ખૂબ જ આત્મવિશ્વાસ આવી ગયો છે. અઠવાડિયામાં માત્ર અડધો કલાક જ શીખવાનું હોય તે છતાં મને ઘણા ગીતો વગાડતા આવડી ગયા છે. મુકેશભાઈની શીખવવાની પદ્ધતિ ખૂબ જ નિરાળી, રસપ્રદ, ઉત્સાહપ્રેરક છે.
– કોસ્ટ કન્સલ્ટન્ટ મીનુ મંગલા કહે છે,

અમે નસીબદાર છીએ કે અમને મુકેશભાઈ જેવા ગુરુ મળ્યા, જે કળા, કૌશલ્ય કે વિષય પ્રત્યે જ્ઞાન, લગાવ અને સમજદારીના જુસ્સાને બળ આપે છે. અમને પોતાના પરિવાર જેવા સમજીને તાલીમ આપવા બદલ અમે મુકેશભાઈ તથા એમના પરિવારના આભારી છીએ.
– શિવાની (ગૃહિણી) અને ઈશાન (પાંચમા ધોરણનો વિદ્યાર્થી)

હું યોગવિદ્યામાં રસ ધરાવનારી છું. પિયાનો વગાડતાં તો મને જરાય નહોતું આવડતું, પણ મુકેશભાઈએ કંઈક અલગ શીખવાનું પ્રોત્સાહન આપ્યું. મુકેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર.
– (હર્ષાબેન – યોગશિક્ષિકા)

સંયુક્ત પરિવારમાં રહેતા મુકેશભાઈ છ વર્ષથી આ પ્રકારની સેવા આપી શકે છે એ માટેનો શ્રેય પિતા કિશોરભાઈ, પત્ની બીના, નાના ભાઈ-ભાભી હિરેન-પ્રીતિના સહકારને આપે છે. આ સેવા આપવા પાછળ મુકેશ ગાંધીનો એક જ ઉદ્દેશ્ય છેઃ

‘જો હું કંઈક કરી શકું છું તો બીજાઓને એ શીખવામાં મદદ કેમ ન કરું… માટે જ મારા અનુભવનો ઉપયોગ કરીને એમને પ્રેાત્સાહન અને તાલીમ આપું છું. જિંદગી જીવવાનો નૈતિક ટેકો પૂરો પાડું છું.’

(તસવીરોઃ દીપક ધુરી)


મુકેશભાઈ એક પ્રેરકબળઃ જુઓ વિડિયોઃ

કોરોના સંક્રમિતોની સંખ્યા 82,000ની નજીક, 2649 લોકોનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 82,000ની નજીક પહોંચી છે. અત્યાર સુધી 20 લાખથી વધુ લોકોના ટેસ્ટ થઈ ચૂક્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી થયેલા આંકડા મુજબ કોરોના સંક્રમિતોની સંખ્યા 81,970એ પહોંચી છે. અત્યાર સુધીમાં કુલ 2649 લોકોનાં મોત થયા છે. પાછલા 24 કલાકમાં 3967 નવા કેસ નોંધાયા છે, જ્યારે 100 લોકોનાં મોત થયાં છે. જોકે આ બીમારીમાંથી અત્યાર સુધી 27,920 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. રિકવરી રેટ 34.06 ટકા થયો છે. જોકે પાછલા બે-ત્રણ દિવસોમાં આશરે 10,000થી વધુ લોકો સંક્રમિત થયા છે. વડા પ્રધાને લોકડાઉન વધારવાની વાત પહેલાં જ કરી છે.

કોરોના સંક્રમિતોની સંખ્યા ચીનની નજીક

ભારતના કોરોના વાઇરસના કુલ કેસ ચીનમાં નોંધાયેલા કેસોની સમકક્ષ થઈ છે. ચીનમાં હાલ આ કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા 82,933 થઈ છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 80,000ને પાર થઈ છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ કેસ

આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના અત્યાર સુધી 27,524 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં 1019 લોકોનાં મોત થયાં છે. અહીં 6059 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે. દેશમાં રાજ્યવાર કોરોના કેસોની સ્થિતિ નીચે મુજબ રહી હતી.

 

 

 

કપરાકાળમાં આ ફાઉન્ડેશન બાળકોને ચોકલેટ અને વેફર્સનું કરે છે વિતરણ

અમદાવાદ: કોરોના વાઈરસનો ફેલાવો અને તેને કારણે લાગુ કરાયેલા લોકડાઉનના મુશ્કેલીના સમયમાં અનેક સેવાભાવી સંસ્થાઓ જરૂરીયાતમંદોની મદદે આવી રહી છે. ઘણી સંસ્થાઓ ભોજન તેમજ અન્ય સામગ્રીઓનું વિતરણ કરી રહી છે તો અહીં એક એવી સંસ્થા છે જે જરૂરિયાતમંદ લોકો અને બાળકોને ચોકલેટ અને વેફર પેકેટ્સનું વિતરણ કરી રહી છે.

મહિલાઓ અને બાળકોના આરોગ્ય અને શિક્ષણ માટે કામ કરતી સંસ્થા ઉત્કર્ષ હેલ્થકેર ફાઉન્ડેશન, ઈન્ડિયાએ લોકડાઉન શરું થયું ત્યારથી જરૂરીયાતમંદ લોકો અને બાળકોને 5 લાખ ચોકલેટ અને 10 લાખ વેફર પેકેટ્સનું વિતરણ કર્યું છે.

ફાઉન્ડેશનના કુસુમ વ્યાસ કૌલ જણાવે છે કે, હાલમાં ચાલી રહેલા લોકડાઉનના કપરા સમયમાં બાળકોને સૌથી વધુ મુશ્કેલીઓ પડતી હોય છે. બાળકોના ચહેરા પર સ્મિત લાવવાના ઉદેશ્યથી લોકડાઉમાં અમે બાળકોને ચોકલેટ તેમજ ચીઝ વેફર્સના પેકેટનું વિતરણ શરુ કર્યું. અમે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, અને છત્તિસગઢમાં અત્યાર સુધીમાં 5 લાખ ચોકલેટ અને 10 લાખ વેફર પેકેટનું વિતરણ કર્યું છે.

ઈન્ડિયા ફૂડ બેંકિંગ નેટવર્ટ આ જંગી પ્રોજેક્ટની કરોડરજ્જુ છે, જેને બ્રિટાનીયા અને મોન્ડલેઝ જેવી એફએમસીજી કંપનીઓનો સહયોગ હાંસલ થયો છે. કોરોના કાળમાં રાતદિવસ કામગીરી કરી રહેલા ડોક્ટર્સ અને હેલ્થવર્કર્સને પ્રોત્સાહિત કરવા માટે ફાઉન્ડેશન દ્વારા પ્રોટીન મિલ્કશેક અને પ્રોટીન કૂકીઝનું અમદાવાદની વિવિધ હોસ્પિટલોમાં ડોક્ટરો અને મેડિકલ સ્ટાફને વિતરણ કરવામાં આવ્યું. આ ફાઉન્ડેશન સમાજમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોના ઉત્કર્ષ માટે સખત પરિશ્રમ કરી રહ્યું છે.