કોરોના-યોદ્ધા ભારતને WB તરફથી રૂ. 7500 કરોડની સહાય

નવી દિલ્હીઃ વર્લ્ડ બેન્કે ભારત માટે એક અબજ ડોલર (રૂ. 7500 કરોડ)ના સામાજિક સુરક્ષા પેકેજની જાહેરાત કરી હતી.આ માહિતી વર્લ્ડ બેન્કે ભારત માટેના કન્ટ્રી ડિરેક્ટર જુનૈદ અહમદે શુક્રવારે આપી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે અર્થતંત્રમાં મંદી છવાયેલી છે. ભારત સરકારે ગરીબ કલ્યાણ યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેથી ગરીબ અને નબળા લોકોની સુરક્ષામાં મદદ મળી શકે.

કોવિડ-19 મહામારી વૈશ્વિક સંકટ

વર્લ્ડ બેન્કે ગુરુવારે કહ્યું હતું કે કોવિડ-19 મહામારી વૈશ્વિક સંકટ છે, જેનાથી દરેક દેશ પ્રભાવિત છે. બેન્કે કહ્યું છે કે દેશોને આ સંકટમાં સાથ આપવા માટે અમે કામ કરી રહ્યા છે, જેથી જેટલી શક્ય એટલા વધુ દેશોને અમારી મદદ પહોંચી શકે.

વિશ્વભરના વિકાસશીલ દેશો માટે સહાયતા અભિયાન માટે પહેલું પગલું હતું. આના હેઠળ 25 વિકાસશીલ દેશોને સહાયતા કરવામાં આવી હતી. વર્લ્ડ બેન્કના જણાવ્યા મુજબ નવું પેકેજ ભારતને બે તબક્કામાં આપવામાં આવશે. 75 કરોડ ડોલર નાણાકીય વર્ષ 2020માં આપવામાં આવશે અને બાકીના 25 કરોડ ડોલર 2021માં આપવામાં આવશે.

ભારતને 1.5 અબજ ડોલરનું પેકેજ

આ પહેલાં એશિયન ડેવલપમેન્ટ બેન્કે કોરોના સંકટમાં મદદ માટે ભારતને 1.5 અબજ ડોલરનું પેકેજ આપવાની જાહેરાત કરી હતી. ન્યુ ડેવલપમેન્ટ બેન્ક પણ ભારતને એક અબજ ડોલરની ઇમર્જન્સી મદદ ભંડોળ આપવાની જાહેરાત કરી ચૂકી છે.

સરકારના પ્રયાસો અર્થતંત્રને વેગ આપવાના

ભારત સરકાર કોરોના પર નિયંત્રણની સાથે-સાથે લોકડાઉનને તબક્કાવાર હઠાવવા માટે પ્રયાસ કરી રહી છે. સરકારના પ્રયાસો અર્થતંત્રને વેગ આપવાના છે. વર્લ્ડ બેન્ક દ્વારા આ ફંડ આ દિશામાં મદદ કરશે. સરકારે 1.70 લાખ કરોડનું પેકેજ ગરીબ કલ્યાણ પેકેજની જાહેરાત કરી હતી.

20 લાખ કરોડના પેકેજની જાહેરાત
ત્યાર બાદ 12 મેએ રાષ્ટ્રને સંબોધન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. 20 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી હતી. એ પેકેજની વહેંચણી વિશેની માહિતી નાણાપ્રધાન નિર્મલા સીતારામન ત્રણ તબક્કામાં કરી રહ્યાં છે.