કોરોનાથી મહિલાઓ કરતા પુરૂષોના મોત વધુ કેમ?

લંડન: શું તમને કયારેય વિચાર આવ્યો છે કે, કોરોના વાઈરસ બીમારીને કારણે મહિલાઓ કરતા પુરૂષોના મોતા શા માટે વધારે થયા છે? આ વાતને લઈને ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સાપ્તાહિક પ્રકાશનમાં એક રિસર્ચ રિપોર્ટ છપાયો છે. રિપોર્ટમાં એ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે, કોરોનામાં પુરૂષોના શા માટે વધારે મોત થઈ રહ્યા છે?. રિસર્ચમાં જે સામે આવ્યું છે તેનાથી આ સવાલનો જવાબ મળી ગયો છે.

હકીકતમાં આનો જવાબ માણસના શરીરમાં મળી આવતું એક એન્ઝાઇમ ACE2 છે. આ એન્ઝાઇમ કોરોનાને શરીરમાં ઝડપથી ફેલાવવામાં મદદ કરે છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સાપ્તાહિક પ્રકાશન European Heart Journal આ દાવો કરવામાં આવ્યો છે.

શું હોય છે એન્ઝાઇમ ACE2

ACE2નું આખુ નામ એન્જીયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ 2 છે. ACE2 હાર્ટ, કિડની, ધમનીઓ, આંતરડા અને શરીરના અન્ય ભાગોમાં હોય છે. ACE2 એક પ્રકારનું સિગ્નલ આપતું એન્ઝાઇમ છે જે કોશિકાઓની સપાટી પર જોવા મળે છે.

પુરુષોમાં ACE2નું પ્રમાણ મહિલાઓની સરખામણીએ વધારે હોય છે. કોરોના વાઈરસથી ACE2 જોડાઈ જાય છે અને કોરોનાને સ્વસ્થ કોશિકાઓ સુધી પહોંચાડી દે છે. કોવિડ19 દર્દીઓને ACE ઈનહિબિટર્સ અને ARB દવાઓ આપી શકાય છે. ACE ઈનહિબિટર્સ અને ARB દવા હાર્ટ એટેક, ડાયાબિટીસ કે કિડનીની બિમારીથી પીડિત દર્દીઓને આપવામાં આવે છે.

આ રિસર્ચમાં 11 યુરોપીયન દેશોના 3500 હાર્ટના દર્દીઓના બ્લડના સેમ્પલ લેવામાં આવ્યા હતા. કોરોના મહામારી પહેલા આ રિસર્ચ શરુ થયું હતુ એટલા માટે આમાં કોરોના દર્દીઓને સામેલ કરવામાં આવ્યા નહતા.

શોધકર્તાઓની ટીમે કોરોનાને લઈને પહેલાથી ઉપલબ્ધ માહિતી પરથી જાણવા મળ્યું કે, આ વાઈરસથી સૌથી વધુ મોત પુરુષોના થઈ રહ્યા છે. આ અભ્યાસમાં મહિલાઓની સરખામણીએ પુરૂષોમાં ACE2નું પ્રમાણ વધારે હોવાનું સામે આવ્યું છે. આ આધારે જ ACE2ને કોરોનાને ફેલાવનાર એન્ઝાઇમ કહેવામાં આવી રહ્યું છે.