UKની સુપ્રીમમાં જવાની માલ્યાની અરજીને હાઈકોર્ટે નકારી

લંડનઃ ભારતે કરેલા પ્રત્યાર્પણના કેસમાં બ્રિટનની હાઈકોર્ટના ચુકાદા સામે બ્રિટનની સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાના પ્રયાસોને ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને આજે મોટો ફટકો પડ્યો છે. અપીલમાં જવાની એની વિનંતીને હાઇકોર્ટે નકારી કાઢી છે. આમ, પ્રત્યાર્પણથી બચવાના માલ્યા માટે બધા રસ્તા બંધ થઈ ગયા છે.

હવે વિજય માલ્યાના પ્રત્યાપર્ણનો માર્ગ મોકળો થયો છે. બ્રિટિશ સરકારે પણ હવે વિજય માલ્યાના પ્રત્યાર્પણનો નિર્ણય લીધો છે. બિઝનેસ ટાયકૂન વિજય માલ્યાએ એની નાદાર કિંગફિશર એરલાઇન્સને પરિણામે છેતરપિંડીના આરોપોનો સામનો કરવા માટે પ્રત્યાર્પણના 2018ના ચુકાદા સામે સુપ્રીમમાં જવાની અરજી કરી હતી, જેને નામંજૂર કરવામાં આવી છે.

હવે 28 દિવસમાં માલ્યા ભારતમાં?

ભારત-યુકે પ્રત્યાર્પણ સંધિ હેઠળ યુકેનાં પ્રધાન પ્રીતિ પટેલ હવે વિજય માલ્યાને 28 દિવસની અંદર ભારતને પ્રત્યાર્પણ કરવામાં આવે એવા કોર્ટના આદેશની રાહ જોઈ રહ્યાં છે. ભારત 64 વર્ષીય ઉદ્યોગપતિ વિજય માલ્યાને પાછો લાવવા ધારે છે, કેમ કે એવિયેશનથી લિકર સુધીનો બિઝનેસ કરનાર આ વેપારીની કંપની કિંગફિશરે રૂ. 9000 કરોડની લોન ભારતની બેન્કો પાસેથી લીધી હતી. આ લોનો બેન્કોને ચૂકવવી ન પડે માટે માલ્યાએ બ્રિટનનું શરણું લીધું છે. લોનો ચૂકવવાનો એનો ઇરાદો નથી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. માલ્યા હાલ બ્રિટનમાં જામીન પર છે અને ભારતમાં વોન્ટેડ છે.

વિજય માલ્યાએ  કેસોને બંધ કરવા માટે વિનંતી કરી

દેશની કેટલીય બેન્કો પાસેથી આશરે રૂ. 9000 કરોડની લોનો લઈને બ્રિટન ભાગી ગયેલા લિકર કિંગ વિજય માલ્યાએ ટ્વીટ કરીને કેન્દ્ર સરકારને 100 ટકાનાં દેવાં ચૂકવવાના પ્રસ્તાવનો સ્વીકાર કરવા અને તેની સામે ચાલી રહેલા કેસોને બંધ કરવા માટે ફરી વિનંતી કરી છે. ભાગેડુ વિજય માલ્યાએ એક ટ્વીટમાં કોવિડ-19 રાહત પેકેજ માટે સરકારને અભિનંદન પણ આપ્યાં છે. ‘તમે જેટલી ઇચ્છો એટલી કરન્સી પ્રિન્ટ કરી શકો છે, પણ મારા જેવા એક નાના કોન્ટ્રિબ્યુટરની રજૂઆતનો સ્વીકાર કરવો જોઈએ, જે સરકારી બેન્કોની લોન 100 ટકા પરત કરવા ઇચ્છી રહ્યો છે. મને કેમ ઇગ્નોર કરવામાં આવે છે? કૃપા કરીને  મારા પૈસા વગર શરતે લઈ લો અને મારી સામેના કેસ બંધ કરી દો,’ એમ માલ્યાએ કાલાવાલા કરતાં કહ્યું છે.
માલ્યા ભાગેડુ જાહેર

વિજય માલ્યાને દેશમાં ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે. તે માર્ચ, 2016થી બ્રિટનમાં છે. તેને બ્રિટનમાં સ્કોટલેન્ડ યાર્ડે 18 એપ્રિલ, 2017માં અટકમાં લીધો હતો. ત્યારથી તે જામીન પર છે. બ્રિટનના ગૃહ વિભાગે ભારતીય તપાસ એજન્સીઓની માગ પર તેના પ્રત્યાર્પણની મંજૂરી આપી દીધી છે.

આ છે, માલ્યા ટ્વીટ

વિજય માલ્યા હવે સજાથી બચવા માટે સરકાર સામે લટુડોપટુડો થઈ રહ્યો છે. મોદી સરકારે જાહેર કરેલા આર્થિક પેકેજની પ્રશંસા કરી છે અને સાથે કહ્યું છે કે હું તમામ દેવું ચૂકતે કરવા તૈયાર છું, પણ મારી સામેના કેસ બંધ કરી દો.

હાઈ કોર્ટના ચુકાદાથી વિજય માલ્યાને આંચકો

ગયા મહિને એપ્રિલમાં લંડનની રોયલ કોર્ટ ઓફ જસ્ટિસમાં લોર્ડ જસ્ટિસ સ્ટીફન ઇરવિન અને જસ્ટિસ એલિઝાબેથ લાઇંગના બે સભ્યની બેન્ચે ભારત પ્રત્યાર્પણની સામે દાખલ અરજીને ફગાવી દીધી હતી. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 64 વર્ષીય વિજય માલ્યાએ ભારત પ્રત્યાર્પણની સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. ભારતમાં કેટલીય બેન્કોથી માલ્યાની કંપની કિંગફિશર એરલાઇન્સ દ્વારા લોનસ્વરૂપે રૂ. 9000 કરોડના નાણાકીય કૌભાંડ માટે વિજય માલ્યા વોન્ટેડ છે.

આ પહેલાં માલ્યાએ 31 માર્ચે ટ્વીટમાં કહ્યું છે કે હું બેન્કોને તેમના પૂરા પૈસા ચૂકવવા માટે સતત ઓફર કરું છું. ન તો બેન્કો પૈસા લેવા તૈયાર છે અને ન તો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ મારી સંપત્તિ છૂટી કરવા માટે તૈયાર છે. કાશ! આ સમયે નાણાં પ્રધાન મારી વાત સાંભળે.

વિજય માલ્યાની જેમ મેહુલ ચોકસી અને નીરવ મોદી જેવા હીરાના વેપારીઓ પણ છેતરપીંડીપૂર્વક કરોડો રૂપિયાની લોન લઈને દેશમાંથી ભાગી ગયા છે. તેમના પ્રત્યાપર્ણ માટે પણ ભારત સરકાર પ્રયાસ કરી રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]