WHOની ચેતવણીઃ કોરોના વાઈરસ કદાચ ક્યારેય નહીં જાય

નવી દિલ્હીઃ કોરોના વાયરસે માત્ર ભારત સહિત વિશ્વ આખાને ભરડો લીધો છે. ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના કાર્યકારી ડિરેક્ટર ડો. માઈકલ રાયને કહ્યું છે કે, એચઆઈવી સંક્રમણની જેમ જ કોરોના વાયરસ પણ વિશ્વમાં હંમેશા ચાલુ રહી શકે છે. આ વાયરસ ક્યારેય જશે નહી. એક હેલ્થ ઈમર્જન્સી મુદ્દા પરના કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે, આ વાયરસ આપણા સમુદાયોમાં માત્ર એક અન્ય સ્થિર વાયરસ બની શકે છે અને શક્ય છે કે, આ વાયરસ ક્યારેય ન જાય. જેવી રીતે એચઆઈવી પણ ખતમ થયો નથી તેવી રીતે. ડો. રાયને કહ્યું કે, પોતે અત્યારે બીમારીઓની તુલના નથી કરી રહ્યા પરંતુ તેમને લાગે છે કે, આપણે વ્યવહારિક બનવું જોઈએ. તેમણે કહ્યું કે, મને નથી લાગતું કે, કોઈપણ એ જણાવી શકે કે આ બીમારી ક્યારે ખતમ થશે. કોરોના વાયરસને રોકવા માટે લાગેલા પ્રતિબંધોને હટાવવા તે અત્યારે યોગ્ય નથી કારણકે કેસો હજીય વધારે સામે આવી રહ્યા છે. જો પ્રતિબંંધો હટ્યા તો વાયરસ મોટા પાયે ફેલાશે, એટલા માટે આગળ પણ લોકડાઉન વધારવાની શક્યતાઓ છે.

રાયને કહ્યું કે, રોજ કોરોના સંક્રમિતોના જે કેસ આવી રહ્યા છે તેની સંખ્યાને જો તમે ન્યૂનતમ સ્તર પર પહોંચાડી શકો અને વાયરસને દૂર કરી શકો તો જ તમારે લોકડાઉન ખોલવું જોઈએ. આનાથી વાયરસ ફેલાવાનું સંકટ ઓછું થશે. જો તમે હાલની પરિસ્થિતિમાં લોકડાઉનના પ્રતિબંધો હટાવી લો તો વાયરસ તેજીથી ફેલાય તેવી શક્યતાઓ છે.

કોવિડ-19 ની વેક્સિનને લઈને તેમણે કહ્યું કે, અમારું લક્ષ્ય આ વાયરસને ખતમ કરવાનું છે પરંતુ આના માટે વેક્સિન બનાવવી પડશે અને એવી વેક્સિન કે જે ખૂબ જ પ્રભાવશાળી હોય. આને આપણે બધા લોકોએ સાથે મળીને બનાવવાની છે અને આનો ઉપયોગ બધા જ લોકોએ કરવાનો છે.