કોવિડ19: દેશમાં રિકવરી રેટમાં થઈ રહ્યો છે ઝડપી સુધારો

નવી દિલ્હી: દેશમાં કોરોના સંકટ વચ્ચે એક સારા સમાચાર મળી રહ્યા છે. કોરોના દર્દીઓના રિકવરી રેટમાં સતત સુધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના 3967 કેસો સામે આવ્યા છે અને 1685 લોકો સારવાદ પછી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને જણાવ્યું કે, અત્યાર સુધીમાં 27,919 લોકો કોરોના બીમારીમાંથી સાજા થયા છે. એ હિસાબે દેશમાં રિકવરી રેટ 34 ટકાનો છે.

રાહતની વાત એ છે કે, રિકવરી રેટ સતત વધી રહ્યો છે. બુધવાર સુધીના આંકડાઓ અનુસાર માત્ર 3 ટકા દર્દીઓ આઈસીયુ, 2.7 ટકા ઓક્સીજન સપોર્ટ પર અને 0.39 ટકા દર્દીઓ વેન્ટિલેટર પર હતા. તો દેશમાં હવે કેસ ડબલ થવાનો સમય 13.9 દિવસનો થઈ ગયો છે.

ભારતમાં ત્રણ રાજ્યો આંદામાન નિકોબાર ટાપુ, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમમાં કોરોના વાઈરસનો રિકવરી રેટ 100 ટકા છે. આ ઉપરાંત દમણ અને દીવ, સિક્કીમ, નાગાલેન્ડ અને લક્ષદ્વીપમાં અત્યાર સુધી કોરોનાનો એકપણ કેસ નથી નોંધાયો. આંધ્ર પ્રદેશ, ચંડીગઢ, દાદરા અને નગર હવેલી, ગોવા, છત્તીસગઢ, ગુજરાત, ઝારખંડ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, પુડુચેરી અને તેલંગાણામાં રિકવરી રેટમાં સતત વધારો થઈ રહ્યો છે.

આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, કોરોનાને કારણે મહારાષ્ટ્રમાં સૌથી વધુ 1019 લોકોના મોત થયા છે. ત્યાર પછી ગુજરાતમાં 586, મધ્યપ્રદેશમાં 237, પશ્ચિમ બંગાળમાં 215, રાજસ્થાનમાં 125, દિલ્હીમાં 115, ઉત્તર પ્રદેશમાં 88, આંધ્ર પ્રદેશમાં 48, તમિલનાડુમાં 66, તેંલગાણામાં 34, કર્ણાટક 35, પંજાબ 32, જમ્મુ કશ્મીર 11, હરિયાણા 11, બિહાર 7, કેરળ 4 ઝારખંડ 3, ઓડિસા 3, ચંદીગઢ 3, હિમાચલ પ્રદેશ 2, અસમ 2 અને મેઘાલયમાં 1 વ્યક્તિનું મોત થયું છે.