પ્રત્યાર્પણથી બચવા ભાગેડુ નીરવ મોદીના અવનવા દાવપેચ

લંડનઃ બેન્કોની સાથે છેતરપીંડીના કેસમાં ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીના પ્રત્યાર્પણ મામલે બ્રિટનના લંડનની કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. નીરવ મોદીના વકીલે પહેલાં તેમના અસીલના માનસિક સ્વાસ્થ્યનું બહાનું બતાવ્યું હતું અને મુંબઈની આર્થર રોડ જેલમાં માનસિક રોગોના ડોક્ટર ન હોવાની દલીલ કરી હતી. જોકે હવે નવો દાવ અપનાવતાં નીરવના વકીલે આર્થર રોડ જેલમાં વધુપડતા ઊંદરો હોવાની દલીલ કરી હતી.  

નીરવ મોદીના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે મુંબઈની આર્થર રોડ જેલમાં ઊંદરો અને કીડાઓ વધુ પ્રમાણમાં છે. કેદીઓને જરાય અંગતપણું મળતું નથી. નીરવના વકીલે એવી પણ દલીલ કરી હતી કે જો તેને આર્થર રોડ જેલમાં રાખવામાં આવશે તો એ તેના માનવાધિકારોનું ઉલ્લંઘન ગણાશે. જેલ પ્રાંગણમાંથી ગંદા પાણીનું નાળું વહે છે અને બાજુમાં ઝૂંપડપટ્ટી પણ છે, જ્યાંથી બહુ ઘોંઘાટ થાય છે.  

ભારતીય એજન્સીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે નીરવ મોદીના પ્રત્યાર્પણ પછી આર્થર રોડ જેલની બેરેક નંબર 12માં રાખવામાં આવશે. એને વિશેષ રૂપે આર્થિક અપરાધથી જોડાયેલા અપરાધીઓ માટે બનાવવામાં આવી છે. ભારતીય એજન્સીઓ દ્વારા આર્થર રોડ જેલનો એક વિડિયો પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં ઊંદરો જોવા નહોતા મળ્યા.

બેરેક પાસે કોઈ ઉઘાડું નાળું પણ નથી. બેરકમાં પ્રત્યેક કેદી માટે ભરપૂર મોકળી જગ્યા છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી કોર્ટે ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસને આર્થર રોડ જેલને લઈને તાજો રિપોર્ટ આપવા કહ્યું હતું. આર્થર રોડ જેલના આ રિપોર્ટેને સપ્ટેમ્બરમાં સુનાવણી માટે લઈ જવામાં આવશે. આ પહેલાં વકીલે કહ્યું હતું કે નીરવ મોદીનું માનસિક સ્વાસ્થ્ય સારું નથી.

નીરવ મોદીના વકીલે પ્રત્યાર્પણનો વિરોધ કરતાં કહ્યું હતું કે મુંબઈની આર્થર રોડ જેલમાં માનસિક રોગોના ડોક્ટર નથી. નીરવ મોદીએ બેન્કોથી હજ્જારો કરોડોની છેતરપીંડીના મામલે વોન્ટેડ છે. તેનું બ્રિટનથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવવાના મામલે લંડનની કોર્ટ સુનાવણી કરી રહી છે.