18 મેથી લોકડાઉન-4 લાગુ થશે; 20 લાખ કરોડનું પેકેજ જાહેર

નવી દિલ્હીઃ કોરોના વાઈરસના ફેલાવાને રોકવા દેશભરમાં લાગુ કરાયેલા લોકડાઉનને લંબાવવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જાહેરાત કરી છે. આ લોકડાઉન હાલ અમલમાં રહેલા લોકડાઉનની મુદત 17 મેએ પૂરી થયા બાદ 18મીથી લંબાશે, જે ચોથું લોકડાઉન હશે.

વડા પ્રધાન મોદીએ સમગ્ર દુનિયાની સાથે ભારત દેશમાં પણ વ્યાપેલા કોરોના સંકટના સંદર્ભમાં આજે પાંચમી વાર રાષ્ટ્રને ટીવી માધ્યમથી સંબોધિત કર્યું હતું. એમણે આ સંબોધનમાં આત્મનિર્ભર ભારતનો સંકલ્પ ઘોષિત કર્યો હતો અને એ સાથે 20 લાખ કરોડના આર્થિક પેકેજની પણ જાહેરાત કરી છે.

કોરોના-લોકડાઉનને કારણે હાલ દેશનું અર્થતંત્ર ગંભીર મંદીની અવસ્થામાં આવી પડ્યું છે ત્યારે વડા પ્રધાને કહ્યું કે, કોરોના વાઈરસ સામેની લડાઈમાં નવા સંકલ્પ સાથે હું આજે એક વિશેષ આર્થિક પેકેજની ઘોષણા કરું છું – ‘આત્મનિર્ભર ભારત અભિયાન’, જે દેશના વિકાસ માટે એક મહત્ત્વની કડી તરીકે કામ કરશે. આ આર્થિક પેકેજ લઘુ ઉદ્યોગ માટે છે, કુટીર ઉદ્યોગ માટે છે, શ્રમિકો, ખેડૂતો, મધ્યમ વર્ગ અને ઉદ્યોગો માટે છે.

વડા પ્રધાને કહ્યું કે આ આર્થિક પેકેજ વર્ષ 2020માં દેશની વિકાસ યાત્રાને આત્મનિર્ભર બનાવશે. એને નવી ગતિ આપશે. આ આર્થિક રાહત પેકેજ દેશના જીડીપી આંકના 10 ટકા જેટલું છે.

આ આર્થિક પેકેજ દેશના શ્રમિકો, એ કિસાનોને મદદરૂપ થવા માટે છે જે દરેક સંજોગો, દિવસ-રાત પરિશ્રમ કરે છે.
આ આર્થિક પેકેજ મધ્યમ વર્ગ માટે છે, જે ઈમાનદારીથી ટેક્સ આપે છે, દેશના વિકાસ માટે યોગદાન આપે છે.
આ પેકેજ ઉદ્યોગજગત માટે છે જે ભારતના આર્થિક સામર્થ્યને ટકાવી રાખે છે. આવનારા દિવસોમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામન આ ‘અભિયાન’ વિશે વિસ્તારપૂર્વક જાણકારી આપશે, એમ મોદીએ વધુમાં કહ્યું.

વડા પ્રધાને કહ્યું કે, લોકડાઉનનું ચોથું ચરણ નવા રંગ-રૂપવાળું, નવા નિયમોવાળું હશે. આપણે માસ્ક પહેરીશું, ‘દો-ગજ-દૂરી’ નિયમનું પાલન કરીશું, પણ આપણા લક્ષ્યને આપણી નજરમાંથી હટવા નહીં દઈએ. લોકડાઉન-4 વિશેના નિયમોની જાણકારી 18 મે પહેલા આપવામાં આવશે.

વડા પ્રધાને લોકલ – સ્થાનિકના મહત્ત્વ પર ખાસ ભાર મૂક્યો હતો અને કહ્યું કે, આપણે હવેથી માત્ર લોકલ ઉત્પાદનો જ ખરીદવાના છે એટલું જ નહીં, પણ એનો પ્રચાર પણ કરવાનો છે. કોરોના સંકટે આપણને લોકલ મેન્યુફેક્ચરિંગ, લોકલ માર્કેટ, લોકલ સપ્લાય ચેનનું મહત્ત્વ બરાબર રીતે સમજાવી દીધું છે.

આપણે ભારતને આત્મનિર્ભર બનાવીને જ રહીશું. આપ સહુને સુસ્વાસ્થ્યની શુભેચ્છા આપું છું, એમ કહીને વડા પ્રધાન મોદીએ પોતાનું સંબોધન સમાપ્ત કર્યું હતું.