Home Blog Page 4807

લગેજ કંપની સેમસોનાઈટ કદાચ 100થી વધુ સ્ટોર્સ બંધ કરશે

નવી દિલ્હીઃ લગેજ જાયન્ટ સેમસોનાઇટ ભારતમાં આશરે એક ચતુર્થાંશ ભાગની અથવા 100થી વધુ આઉટલેટ્સને બંધ કરે એવી સંભાવના છે, કારણ કે કોવિડ-19 રોગચાળાની અસરથી કંપની ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે, એમ કંપની સાથે સંકળાયેલા લોકોએ માહિતી આપી હતી.  

475 ફ્રેન્ચાઇઝી સંચાલિત આઉટલેટ્સ

દેશમાં સેમસોનાઇટ, અમેરિકન ટુરિસ્ટર અને હાઉસ ઓફ સેમસોનાઈટના લગભગ 475 ફ્રેન્ચાઇઝી સંચાલિત આઉટલેટ્સ છે. સેમસોનાઇટના ભૂતપૂર્વ વૈશ્વિક CEO રમેશ ટૈનવાલાના ફેમિલી દ્વારા ચલાવાતી એક સૌથી મોટી ફ્રેન્ચાઇઝી ભાગીદાર બેગઝોન લાઇફસ્ટાઇલ એના 100થી વધુ સ્ટોર્સ બંધ કરી રહી છે, એમ સૂત્રોએ કહ્યું હતું.

કેટલાક મોલ્સ અને એરપોર્ટ પર સ્ટોર ચાલુ રાખવાની યોજના

કંપનીની આ સ્ટોર બંધ કરવાની યોજનાની માહિતી ધરાવતી વ્યક્તિએ કહ્યું હતું કે કંપની ફક્ત કેટલાક મોલ્સમાંના ફ્લેગશિપ સ્ટોર્સ અને કેટલાક એરપોર્ટ્સ પર ચાલુ રાખવાની યોજના ધરાવે છે અને બાકીના સ્ટોર્સ બંધ કરવાની યોજના ધરાવે છે.

 ટિપ્પણીનો ઇનકાર

બેગઝોન કે જે આશરે 130 શોપ્સની કામગીરી સંભાળે છે, એણે આ વિશે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. આ ઉપરાંત સેમસોનાઇટ ઇન્ડિયાના પ્રવક્તાએ પણ  આ વિશે વોટ્સએપ પર કરવામા આવેલા મેસજ પર કોઈ પ્રતિક્રિયા નહોતી આપી.

વિવિધ મોલ અને દુકાનમાલિકોને બંધ કરવાની માહિતી આપી

બેગઝોને દેશભરમાં વિવિધ મોલ અને શોપમાલિકોને તેના સ્ટોર્સ બંધ કરવાની માહિતી આપી હતી- આ સંદર્ભે બે મોલ્સના એક્ઝિક્યુટિવ્સે નોટિસ મળી હોવાનું જણાવ્યું હતું. કંપનીના આ સ્ટોર્સ બંધ કરવાથી સેંકડો લોકો તેમની નોકરીઓ ગુમાવશે, એમ તેમણે જણાવ્યું હતું.

દેશભરમાં લોકડાઉન અને ઉદ્યોગ તથા અવરજવરના નિયંત્રણોને પગલે વિશ્વભરમાં એવિએશન, હોસ્પિટાલિટી અને રિટેલ સેક્ટર્સને ગંભીર ફટકો પડ્યો છે. વળી, લગેજ કંપનીઓના વેપાર પર પણ કોવિડ-19 રોગચાળાએ ભારે પ્રતિકૂળ અસર પહોંચાડી છે.

લગેજ ઉદ્યોગ સંપૂર્ણપણે ટ્રાવેલરો પર આધારિત

લગેજ ઉદ્યોગ સંપૂર્ણપણે પર્યટકો પર આધારિત છે અને કોવિડ-19 રોગચાળાને કારણે આગામી એક-બે વર્ષ ઉદ્યોગ મોટા ભાગે ઠપ રહેશે અથવા ભારે મંદીનો માર સહન કરશે, જેથી સેમસોનાઇટે એનાં કામકાજમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે, એમ ઉદ્યોગ સાથે સંકળાયેલી વ્યક્તિએ કહ્યું છે.

આ વાહન પોલીસકર્મીઓને સુરક્ષિત રાખશે

રાજકોટ: કોરોના વાયરસ સામે લોકોને સુરક્ષિત રાખવા માટે આરોગ્ય અને પોલીસકર્મી સતત પોતાની ફરજ બજાવી રહયા છે. ત્યારે ઘણી જગ્યાએ આ કોરોના વોરીયર્સ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ત્યારે મોરબી જિલ્લામાં જીવના જોખમે લોકડાઉનની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા પોલીસ અને જીઆરડી તથા હોમગાર્ડના જવાનોને કોરોના સામે સુરક્ષિત રાખવા માટે મોરબી જિલ્લા પોલીસ દ્વારા હેન્ડ વોશ વાહન બનાવવામાં આવ્યું છે. દરરોજ હેન્ડ વોશ વાહન 40 પોઇન્ટ ઉપર પહોંચીને ફરજ પર તૈનાત પોલીસ -જીઆરડી અને હોમગાર્ડના હેન્ડ વોશ કરી સાવચેતી રાખવામાં આવશે.

મોરબી જિલ્લા પોલીસ દ્વારા પોલીસ સહિતના સુરક્ષકર્મીઓને કારોનાથી રક્ષણ આપવા માટે હેડ વોશ વાહન બનાવવામાં આવ્યું છે. જેમાં 40 જેટલા પોઈન્ટ ઉપર જીવના જોખમે લોકડાઉનની ફરજ નિભવતા પોલીસ, જીઆરડી તેમજ હોમગાર્ડના જવાનોને કોરોના સામે રક્ષણ મળી રહે તે માટે આ વાહન મારફત દરરોજ દર બે કલાકે હેન્ડ વોશ કરાવવામાં આવશે.

ગુજરાતનું પ્રથમ એવું હેન્ડ વોશ વાહન છે કે જેનાથી પોલીસ સહિતના સુરક્ષાકર્મીઓને સુરક્ષિત રાખી શકાય છે. આ વાહન મોરબીના એ ડિવિજનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી ચકુંભાઈ ક્લોતરાએ માત્ર રૂ 20 હજારના ખર્ચે બનાવ્યું છે. અને આજથી આ વાહનનું જિલ્લાના પોઇન્ટ ઉપર ફરવાનું શરૂ થઈ ગયું છે અને પોલીસ સહિતના સુરક્ષકર્મીઓના દર બે કલાકે હેન્ડ વોશ કરવામાં આવી રહ્યા છે.

  1. જીતેન્દ્ર રાદડિયા(રાજકોટ)

લોકડાઉન પત્યા પછી ટ્રાન્સપોર્ટરો હડતાળ પર ઊતરશે

મુંબઈઃ દેશમાં કોરોના વાઈરસ લોકડાઉનમાં એક બાજુ પરપ્રાંતિય કામદારો પારાવાર મુશ્કેલીઓ વેઠીને એમના વતન ઘેર પહોંચી રહ્યા છે, ત્યારે બીજી બાજુ મુંબઈ સહિત અનેક બંદરગાહો પરથી માલસામાન પહોંચાડવાની કામગીરી ધીમી પડી છે. હવે ટ્રાન્સપોર્ટર્સ અને ટ્રેડર્સ તેમને થઈ રહેલા નુકસાનથી ચિંતિત છે અને કહે છે કે તેમની આર્થિક રાહત પેકેજની માગનો સરકાર દ્વારા સ્વીકાર કરવામાં નથી આવ્યો. તેથી અમે નક્કી કર્યું છે કે જેવું લોકડાઉન ખૂલે એ પછી તેઓ હડતાળ પર જશે.

પોતાની પ્રવૃત્તિઓને આવશ્યક સેવા ગણવાની ટ્રાન્સપોર્ટરોની માગ

ટ્રાન્સપોર્ટરોએ કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યો છે કે ટ્રાન્પોર્ટ સેક્ટરને કોઈ નાણાકીય પેકેજ આપવામાં નથી આવ્યું. ટ્રાન્સપોર્ટરોએ તેમના કામને આવશ્યક સર્વિસ ગણવાની પણ માગ કરી છે. તેમણે આ સિવાય કોરોના કાળમાં ટોલમાં કન્સેશન સહિત ઉદ્યોગ માટે વિવિધ માગ સાથે નાણાકીય પેકેજની પણ માગ કરી છે. આ ઉપરાંત તેમણે મોટર ઇન્શ્યોરન્સ અને લાઇસન્સની મુદતમાં પણ ફરજિયાત વધારો માગ્યો છે.

ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે 20 કરોડ લોકોની રોજીરોટી

દેશમાં ટ્રાન્સપોર્ટ ક્ષેત્ર સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે 20 કરોડ લોકો જોડાયેલા છે અને દેશભરમાં લોકડાઉનને પગલે આ ક્ષેત્ર છેલ્લા બે મહિનાથી વેન્ટિલેટર પર છે. ઉદ્યોગના લોકો ટકી રહે એ માટે તાત્કાલિક નાણાકીય પેકેજની જરૂર છે. આ ઉદ્યોગમાં હાલ કોઈ આવક નથી અને ઉદ્યોગ ઠપ હોવાથી અનેક વેપારીઓના પેમેન્ટ્સ અટકી ગયા છે અથવા અટવાઈ ગયા છે. વળી આમાં 85 ટકા ઓપરેટરો નાની કંપનીઓ ચલાવે છે, જે કામકાજ બંધ હોવાથી તેમનો ધંધો લાંબા સમય સુધી ચલાવી શકે એમ નથી, એમ વડા પ્રધાન, કેન્દ્રીય ગૃહપ્રધાન, નાણાપ્રધાન અને ટ્રાન્સપોર્ટ પ્રધાનને લખેલા પત્રમાં ટ્રાન્સપોર્ટ ઓપરેટરોની સંસ્થા ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે જણાવ્યું છે.

સરકારે અમારી મુશ્કેલીઓ સામે આંખ આડા કાન કર્યા

દેશમાં સંપૂર્ણ લોકડાઉન દરમ્યાન અમે સરકારને અમારી મુશ્કેલીઓ જણાવી હતી, પણ એણે અમારી સમસ્યાઓ ઉકેલવાને બદલે આંખ આડ કાન કર્યા અને અમને ગણકાર્યા પણ નહીં. સરકારે અમારી માગણીઓની અવગણના કરી હતી, એમ મુંબઈના એસોસિયેશન ઓફ મહારાષ્ટ્ર હેવી વેહિકલ્સ અને કન્ટેઇનર ઓપરેટર્સના એક સભ્યએ કહ્યું હતું.

 અનેક ટ્રાન્સપોર્ટ સંસ્થાઓએ અમારી માગને ટેકો

દેશની અનેક ટ્રાન્સપોર્ટ સંસ્થાઓએ અમારી માગને ટેકો પૂરો પાડ્યો છે, એમ મુંબઈ લોકલ ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ ભરત ધાનાણાએ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે તેઓ હેવી વેહિકલ ઓપરેટર્સને ટેકો આપશે. જો જરૂર પડશે તો અને પહેલાં એક દિવસની હડતાળ કરીશું.

ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ધોળકા વિધાનસભા બેઠકની ચૂંટણી રદ

અમદાવાદ:  ગુજરાતમાં કોરોના વાઈરસના સંકટ વચ્ચે રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની વિધાનસભાની ચૂંટણીમાં જીત મામલે ગુજરાત હાઇકોર્ટમાં આજે મહત્વનો ચુકાદો આપ્યો છે. ધોળકા બેઠક પર એમની થયેલી ચૂંટણીને હાઈકોર્ટે રદ્દ કરી દીધી છે.

ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે આજે વીડિયો કોન્ફરન્સિંગથી ચૂકાદો આપ્યો, જે ચુડાસમાની વિરૂધ્ધમાં આવ્યો છે. હાઈકોર્ટે ધોળકા બેઠકની ચૂંટણી રદ્દ કરવાનો ફેંસલો સંભળાવ્યો છે.

ગુજરાત હાઇકોર્ટે આપેલા ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું છે કે અમે કાયદાકીય અપીલ કરીશું. અભ્યાસ કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. પ્રદેશ અધ્યક્ષ, મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય નેતાગીરી સાથે ચર્ચા અને માર્ગદર્શન લઈ નક્કી કરવામાં આવશે.

મહત્વનું છે કે 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધોળકા બેઠક પરથી માત્ર 327 મતે જીત્યા હતા. તે મતગણતરીમાં બેલેટ પેપરની ગણતરી કરવામાં ના આવતા સમગ્ર વિવાદ શરુ થયો હતો. આ મામલે કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે ફરિયાદ કરી હતી કે બેલેટ પેપરના 429 જેટલા મત તેમના તરફી હતા જેને ધ્યાનમાં લેવામાં આવ્યા ન હતા. ચુડાસમાની આ જીતને પડકારતી અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી હતી.

પરિવર્તન સરળ રીતે: સામાન્ય માનવીનો અસામાન્ય સંકલ્પ…

મુકેશ કિશોરભાઈ ગાંધી – બીજા ઘણાની જેમ જ સામાન્ય મુંબઈગરા. ઈન્વેસ્ટમેન્ટ વિષયના અચ્છા જાણકાર. પોતે તો ઈન્વેસ્ટમેન્ટ કરે છે, પણ સમાજના નિમ્નસ્તરના લોકોને પણ ઈન્વેસ્ટમેન્ટ કરવામાં પ્રોત્સાહિત કરે છે, મદદ કરે છે – કોઈ પણ ચાર્જિસ લીધા વગર.

કોરોના વાઇરસના કેસોની સંખ્યા 70,000ને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના કેસમાં વધારો સતત ચાલુ છે. દેશમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા વધીને 70,756 થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં આ વાઇરસને લીધે 2293 લોકોનાં મોત થયાં છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 3604 નવા કેસ નોંધાયા છે અને આ વાઇરસને લીધે 87 લોકોનાં મોત થયાં છે. રિકવરી રેટ વધીને 31.73 ટકા થયો છે. જોકે થોડા રાહતના સમાચાર એ છે કે અત્યાર સુધી આ બીમારીમાંથી 22,455 લોકો સ્વસ્થ પણ થઈ ચૂક્યા છે. જોકે હાલ કોવિડ-19થી સંક્રમિત 44,029 લોકોની સારવાર ચાલી રહી છે.

લોકડાઉનમાંથી ધીમે-ધીમે બહાર આવવું

વડા પ્રધાન મોદીએ રાજ્યોને ધીમે-ધીમે લોકડાઉનમાંથી બહાર આવવાની સલાહ આપતાં કહ્યું છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ કોવિડ-19 સામે લડવા માટે સૌથી મોટું હથિયાર છે. તેમણે રાજ્યોના મુખ્ય પ્રધાનોને કોરોના વાઇરસ ગ્રામીણ વિસ્તારોમાં ના ફેલાય એની તાકીદ કરી હતી. આ ઉપરાંત તેમણે આરોગ્ય સેતુ એપ વધુ ને વધુ લોકો ડાઉનલોડ કરે એની હિમાયત કરી હતી.

વિશ્વમા કોરોના કેસોની સંખ્યા 42 લાખને પાર

વિશ્વભરમાં કોરોના કેસોની સંખ્યા 42,55,942 થઈ ગઈ છે અને આ વાઇરસથી અત્યાર સુધી 2,87,332 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.

દેશમાં કોરોના કેસોની સંખ્યા રાજ્યવાર આ મુજબ હતી.

 

 

 

મોદી સરકારે રાજ્યો માટે ખજાનો ખોલ્યોઃ 6195 કરોડની ફાળવણી

નવી દિલ્હીઃ કોરોના વાઇરસ સામેની લડાઈમાં કેન્દ્ર સરકારે રાજ્યોને ફરી એક વાર આર્થિક મદદ કરી છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ગઈ કાલે 14 રાજ્યોને આવકમાં થતા નુકસાન સામે રૂ. 6195 કરોડ જારી કર્યા છે. નાણાં મંત્રાલય દ્વારા કોરોના સંકટ કાળમાં સંસાધન વધારવા માટે આ આર્થિક મદદ કરવામાં આવી છે.  

નાણાં પ્રધાનના કાર્યાલય દ્વારા કરાયેલા ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે 11 મે, 2020એ 14 રાજ્યોને આવકના નુકસાનની ભરપાઈ કરવા માટે અનુદાન સ્વરૂપે રૂ. 6195 કરોડનું ફંડ જારી કરવામાં આવ્યું છે. આ 15મા નાણાં પંચની ભલામણોને અનુરૂપ છે.

અનેક રાજ્યોને મોટાં ફંડ ફાળવાયાં

આવકમાં નુકસાનની ભરપાઈ કરવા માટે અનુદાન આપવામાં આવે છે. જે રાજ્યોને કેન્દ્રીય કરોમાં હિસ્સેદારી પછી આવકમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થાય ત્યારે આવકમાં થતા નુકસાન સામે અનુદાન આપવામાં આવે છે, જેમાં કેરળને રૂ. 1276.91 કરોડ, પંજાબને રૂ. 638 કરોડ અને પશ્ચિમ બંગાળનો રૂ. 417.75 કરોડ આપવામાં આવ્યા છે.

આ પહેલાં પણ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને આર્થિક પેકેજ

આ પહેલાં પણ કેન્દ્ર સરકાર તરફથી રાજ્યોને કોરોના-લોકડાઉન મુસીબતનો સામનો કરવા માટે આર્થિક પેકેજ આપવામાં આવી ચૂક્યા છે. ત્રીજી એપ્રિલે મંત્રાલયે 14 રાજ્યોને કેન્દ્રીય કરોમાં હિસ્સેદારીની આવકમાં નુકસાનના અનુદાન સ્વરૂપે રૂ. 6195 કરોડ આપવામાં આવ્યા હતા, જેમાં આંધ્ર પ્રદેશ, આસામ, હિમાચલ પ્રદેશ, કેરળ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, પંજાબ, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, તામિલનાડુ અને ત્રિપુરા સામેલ છે.

રાશિ ભવિષ્ય 12/05/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસે શાંતિ જાળવવી , ખોટાવિચારો પર કાબુ રાખવો, પાડવા,વાગવાથી સાચવવું, બ્લડપ્રેશરની તકલીફ વાળાએ સાચવવું, કામકાજ અર્થે સહકર્મચારી સાથે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, આકસ્મિક ખર્ચ થઈ શકે છે,  વેપારમાં નાનું કામજ કરવુ યોગ્ય છે, યુવાવર્ગ માટે ગેરસમજથી બચવું યોગ્ય છે.


આજનો દિવસ સારો છે, તમારા કામમાં સારીપ્રતિભા બતાવી શકો અને તેથી તમને કામ કરવાનોનો સંતોષ પણ થાય નવીનકામનું આયોજન થઇ શકે છે, કોઈ સારાસમાચાર સંભાળવા પણ મળી જાય તેવું બની શકે છે, વેપારના કામકાજમાં સારોપ્રતિસાદ મળે અને તેમાં તમે સારી લાગણી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, માનસિકઅશાંતિ જેવું રહે, નાનીનાની વાતમાં ગુસ્સો આવી જાય તેવું બની શકે છે માટે ધીરજ અને શાંતિ રાખવી, ક્યાંક પરાણે કામકરતા હોવ તેવી લાગણી જોવા મળે, વેપારના કામમાં ધીરજ રાખવી સારી, કોઈની દોરવણીથી દોરવાઈને ઉતાવળિયોકે ખોટો નિર્ણયના લેવાય તેવું ધ્યાન રાખવું.


આજના દિવસે કામકાજમાં ઉતાવળ જોવા મળી શકે તેના કારણે તમને કામકાજમાં થોડી અકળામણની લાગણી અનુભવો, મિત્રો,પરિચિતો સાથેના વ્યવહાર તમને થોડા રોમાંચિત અને ઉત્સાહિત રાખે.વેપારના કામકાજમાં થોડી શાંતિ જાળવવી, વડીલવર્ગે આજે કોઈને વણમાંગી સલાહના આપવી ઇચ્છનીય છે.


આજના દિવસે થોડી શાંતિ અને ધીરજનો અભાવ દેખાય, બેદરકારી તમને તકલીફ આપી શકે છે, કોઈની સાથે કામની બાબતે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, વાણીસયમ રાખવો અગત્યનો બને છે, કામસિવાય કોઈની સાથે વધુ વાર્તાલાપના કરવો, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવાની સલાહ છે.


આજનો દિવસ સારો છે, તમને કામબાબત ઉત્સાહ સારો જોવા મળે તેના કારણે કઈક વધુ શીખવાની જીજ્ઞાસા પણ વધે, કામની કદર થાયની લાગણી પણ અનુભવો, તમને ક્યાંક નસીબસાથ આપતું હોય તેવું જણાય વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય,પ્રિયજન સાથે સારો સમય પસાર થાય.


આજનો દિવસ કામકાજમાં આકસ્મિક વ્યસ્તતા અપાવે તેવો છે, અણધાર્યા કોઈકામ આવી પડે તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, કામની બાબતમાં ક્યાય વાણીવિલાસના થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે, પસંગીની કોઈવાત સંભળાવ પણ મળી જાય, વેપારના કામકાજ નાનુંજ કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, પરિચિતોને મળવાથી તમારો ઉત્સાહ વધે,  મુસાફરીના યોગ ઉભા થઇ શકે છે, સ્પર્ત્ધાત્મકપરીક્ષા આપનાર માટે પોતાના વિષયમાં રૂચી ઓછી અને ઈતરપ્રવૃત્તિમાં  ધ્યાન વધુ રહે તેવું પણ બની શકે છે, વેપારના કામકાજ ઉતાવળિયો નિર્ણયકે જોખમના લેવાઈ જાય તેનું ધ્યાન રાખવું.


આજના દિવસે કામ ટાળવાની અને ઈતરપ્રવૃત્તિ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે છે, તમારી લાગણી કોઈ સમજે નહિ તેવી મનમાં ફરિયાદ રહે અને ક્યાંક તમે કોઈ ગ્યાએ અતિ ગણીશીલ પણ બની જાવ. કોઈ વિચારોની દ્વિધા તમને થોડા નરમ પણ બનાવી શકે છે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહભર્યું છે.


આજનો દિવસ જૂનીયાદોથી ભરપુર બની શકે છે, તમારા મનનું કોઈ કામ પણ થઇ શકે, કોઈ ધાર્મિક પ્રસગમાં જવાના પણ યોગ છે તેમાં તમને ઉત્સાહ અને મનની શાંતિ પણ મળે, તમે કોઈને તેના કામમાં સાથસહકાર પણ આપો અને તેમ કરવાનો સંતોષ પણ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ શાંતિથી પસાર કરવો, બિનજરૂરી કામકાજમાં સમયનો વ્યય થાય, કોઈની દોરવાણીથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું, મુસાફરી કંટાળાજનક અને માનસિકથાક અપાવે, મજાકમસ્તીથી તમે થોડા ઉશ્કેરાઈના જાવ તેનું ધ્યાન રાખવું, વેપારમાં શાંતિથી નિર્ણય લઈ કામ કરવું જરૂરી છે.


આજનો દિવસ સારો છે, તમારું વર્તન અને વ્યવહાર લોકો આગળ સારું જોવા મળે અને તેના દ્વારા તમને ક્યાંક લાભ પણ અપાવી શકે છે. તમે કોઈને તેના કામમાં સહભાગી પણ બનો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ વિષય શીખવામાં સમય વધુ ફાળવવો યોગ્ય છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.

પંચાંગ 12/05/2020

લોકડાઉનમાં આજથી પેસેન્જર ટ્રેન સેવા શરૂ; જુઓ ટાઈમ ટેબલ

નવી દિલ્હી:  દેશભરમાં ચાલી રહેલા કોરોના વાઈરસ લોકડાઉન વચ્ચે ભારતીય રેલવેએ 15 જેટલા રૂટ પર 30 ટ્રેનો શરુ કરવાની જાહેરાત કરી છે. જોકે, આ 30 ટ્રેનોને તબક્કાવાર શરુ કરવામાં આવશે જે હેઠળ આજે 12મેના રોજ 8 ટ્રેનો શરુ કરવામાં આવશે. તેના માટે ઓનલાઈન ટિકિટ બુકિંગ IRCTCની વેબસાઈટ પર શરૂ થઈ ગયું છે. રેલવેએ આ સ્પેશિયલ ટ્રેનોનું ટાઈમ ટેબલ જાહેર કરી દીધું છે. રેલવેના ટાઈમ ટેબલ અનુસાર 15 ટ્રેન નવી દિલ્હી રેલવે સ્ટેશનથી શરૂ થશે જ્યારે 15 અન્ય શહેરોએથી નવી દિલ્હી માટે રવાના થશે.

મહત્ત્વનું છે કે, રેલવે ટિકિટોનું બુકિંગ IRCTC ની વેબસાઈટ પર આજે સાંજે ચાર વાગ્યાથી શરુ થવાનું હતું પરંતુ વેબસાઈટ ઠપ થઈ ગઈ હતી. બાદમાં 6 વાગ્યાથી શરૂ કરવામાં આવ્યું હતું.

માત્ર આઇઆરસીટીસીની સાઇટ પરથી જ આ ટ્રેનો માટેની ટિકિટ બુક કરાવી શકાશે. કાઉન્ટર પરથી ટિકિટ મળશે નહીં. ટિકિટ કાઉન્ટર્સ બંધ જ રહેશે. જેમની પાસે કન્ફર્મ ટિકિટ હશે તેમને જ સ્ટેશનમાં એન્ટ્રી મળશે અને એ પૅસેન્જરોએ પણ માસ્ક પહેરવા ફરજિયાત રહેશે. દરેક પૅસેન્જરનું સ્ક્રીનિંગ થશે અને જે સ્વસ્થ જણાશે તેમને જ પ્રવાસની પરવાનગી અપાશે.

12 મેથી શરુ થનારી ટ્રેનનું લિસ્ટ

  • હાવડા (1650)         – નવી દિલ્હી (1000)
  • રાજેન્દ્ર નગર (1900) – નવી દિલ્હી (0740)
  • નવી દિલ્હી (1610)   – દિબ્રુગઢ (0700)
  • નવી દિલ્હી (2040)   – જમ્મુ તાવી (0545)
  • બેંગલુરુ (2000)       – નવી દિલ્હી (0555)
  • નવી દિલ્હી (1545)   – બિલાસપુર (1200) 
  • મુંબઈ સેન્ટ્રલ (1700) – નવી દિલ્હી (0835)
  • અમદાવાદ (1740)    – નવી દિલ્હી (0730)

આ વિશેષ ટ્રેન દિલ્હીથી અગરતલા, હાવડા, પટના, દિબ્રુગઢ, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગલુરુ, ચેન્નઈ, તુરુવનંતપુરમ, મડગાંવ, મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ તાવી માટે દોડાવાશે. અમુક ટ્રેનોને બાદ કરતા લગભગ દરેક ટ્રેન દરરોજ દોડશે.

આજે પહેલા જ દિવસે મુંબઈ સેન્ટ્રલથી નવી દિલ્હી માટે ટ્રેન દોડાવાશે અને 13મીએ નવી દિલ્હીથી ટ્રેન ઉપડીને મુંબઈ સેન્ટ્રલ આવશે. આ ટ્રેન સેવા દૈનિક છે. આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી ઉપડી બોરીવલી સુરત, વડોદરા, રતલામ, નાગદા અને કોટા સ્ટેશને ઊભી રહેશે. વળતી સફરમાં પણ આ જ સ્ટેશનો પર ટ્રેન ઊભી રહેશે.

એવી જ રીતે, આજે જ અમદાવાદથી ટ્રેન ઉપડશે અને 13મીએ નવી દિલ્હીથી ઉપડીને અમદાવાદ પહોંચશે. આ ટ્રેન સેવા પણ દૈનિક છે. ટ્રેન સાબરમતી, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, અજમેર, જયપુર, ગુડગાંવ, દિલ્હી કેન્ટોનમેન્ટ સ્ટેશનો પર ઊભી રહેશે.