લગેજ કંપની સેમસોનાઈટ કદાચ 100થી વધુ સ્ટોર્સ બંધ કરશે

નવી દિલ્હીઃ લગેજ જાયન્ટ સેમસોનાઇટ ભારતમાં આશરે એક ચતુર્થાંશ ભાગની અથવા 100થી વધુ આઉટલેટ્સને બંધ કરે એવી સંભાવના છે, કારણ કે કોવિડ-19 રોગચાળાની અસરથી કંપની ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે, એમ કંપની સાથે સંકળાયેલા લોકોએ માહિતી આપી હતી.  

475 ફ્રેન્ચાઇઝી સંચાલિત આઉટલેટ્સ

દેશમાં સેમસોનાઇટ, અમેરિકન ટુરિસ્ટર અને હાઉસ ઓફ સેમસોનાઈટના લગભગ 475 ફ્રેન્ચાઇઝી સંચાલિત આઉટલેટ્સ છે. સેમસોનાઇટના ભૂતપૂર્વ વૈશ્વિક CEO રમેશ ટૈનવાલાના ફેમિલી દ્વારા ચલાવાતી એક સૌથી મોટી ફ્રેન્ચાઇઝી ભાગીદાર બેગઝોન લાઇફસ્ટાઇલ એના 100થી વધુ સ્ટોર્સ બંધ કરી રહી છે, એમ સૂત્રોએ કહ્યું હતું.

કેટલાક મોલ્સ અને એરપોર્ટ પર સ્ટોર ચાલુ રાખવાની યોજના

કંપનીની આ સ્ટોર બંધ કરવાની યોજનાની માહિતી ધરાવતી વ્યક્તિએ કહ્યું હતું કે કંપની ફક્ત કેટલાક મોલ્સમાંના ફ્લેગશિપ સ્ટોર્સ અને કેટલાક એરપોર્ટ્સ પર ચાલુ રાખવાની યોજના ધરાવે છે અને બાકીના સ્ટોર્સ બંધ કરવાની યોજના ધરાવે છે.

 ટિપ્પણીનો ઇનકાર

બેગઝોન કે જે આશરે 130 શોપ્સની કામગીરી સંભાળે છે, એણે આ વિશે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. આ ઉપરાંત સેમસોનાઇટ ઇન્ડિયાના પ્રવક્તાએ પણ  આ વિશે વોટ્સએપ પર કરવામા આવેલા મેસજ પર કોઈ પ્રતિક્રિયા નહોતી આપી.

વિવિધ મોલ અને દુકાનમાલિકોને બંધ કરવાની માહિતી આપી

બેગઝોને દેશભરમાં વિવિધ મોલ અને શોપમાલિકોને તેના સ્ટોર્સ બંધ કરવાની માહિતી આપી હતી- આ સંદર્ભે બે મોલ્સના એક્ઝિક્યુટિવ્સે નોટિસ મળી હોવાનું જણાવ્યું હતું. કંપનીના આ સ્ટોર્સ બંધ કરવાથી સેંકડો લોકો તેમની નોકરીઓ ગુમાવશે, એમ તેમણે જણાવ્યું હતું.

દેશભરમાં લોકડાઉન અને ઉદ્યોગ તથા અવરજવરના નિયંત્રણોને પગલે વિશ્વભરમાં એવિએશન, હોસ્પિટાલિટી અને રિટેલ સેક્ટર્સને ગંભીર ફટકો પડ્યો છે. વળી, લગેજ કંપનીઓના વેપાર પર પણ કોવિડ-19 રોગચાળાએ ભારે પ્રતિકૂળ અસર પહોંચાડી છે.

લગેજ ઉદ્યોગ સંપૂર્ણપણે ટ્રાવેલરો પર આધારિત

લગેજ ઉદ્યોગ સંપૂર્ણપણે પર્યટકો પર આધારિત છે અને કોવિડ-19 રોગચાળાને કારણે આગામી એક-બે વર્ષ ઉદ્યોગ મોટા ભાગે ઠપ રહેશે અથવા ભારે મંદીનો માર સહન કરશે, જેથી સેમસોનાઇટે એનાં કામકાજમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે, એમ ઉદ્યોગ સાથે સંકળાયેલી વ્યક્તિએ કહ્યું છે.