મોદી સરકારે રાજ્યો માટે ખજાનો ખોલ્યોઃ 6195 કરોડની ફાળવણી

નવી દિલ્હીઃ કોરોના વાઇરસ સામેની લડાઈમાં કેન્દ્ર સરકારે રાજ્યોને ફરી એક વાર આર્થિક મદદ કરી છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ગઈ કાલે 14 રાજ્યોને આવકમાં થતા નુકસાન સામે રૂ. 6195 કરોડ જારી કર્યા છે. નાણાં મંત્રાલય દ્વારા કોરોના સંકટ કાળમાં સંસાધન વધારવા માટે આ આર્થિક મદદ કરવામાં આવી છે.  

નાણાં પ્રધાનના કાર્યાલય દ્વારા કરાયેલા ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે 11 મે, 2020એ 14 રાજ્યોને આવકના નુકસાનની ભરપાઈ કરવા માટે અનુદાન સ્વરૂપે રૂ. 6195 કરોડનું ફંડ જારી કરવામાં આવ્યું છે. આ 15મા નાણાં પંચની ભલામણોને અનુરૂપ છે.

અનેક રાજ્યોને મોટાં ફંડ ફાળવાયાં

આવકમાં નુકસાનની ભરપાઈ કરવા માટે અનુદાન આપવામાં આવે છે. જે રાજ્યોને કેન્દ્રીય કરોમાં હિસ્સેદારી પછી આવકમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થાય ત્યારે આવકમાં થતા નુકસાન સામે અનુદાન આપવામાં આવે છે, જેમાં કેરળને રૂ. 1276.91 કરોડ, પંજાબને રૂ. 638 કરોડ અને પશ્ચિમ બંગાળનો રૂ. 417.75 કરોડ આપવામાં આવ્યા છે.

આ પહેલાં પણ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને આર્થિક પેકેજ

આ પહેલાં પણ કેન્દ્ર સરકાર તરફથી રાજ્યોને કોરોના-લોકડાઉન મુસીબતનો સામનો કરવા માટે આર્થિક પેકેજ આપવામાં આવી ચૂક્યા છે. ત્રીજી એપ્રિલે મંત્રાલયે 14 રાજ્યોને કેન્દ્રીય કરોમાં હિસ્સેદારીની આવકમાં નુકસાનના અનુદાન સ્વરૂપે રૂ. 6195 કરોડ આપવામાં આવ્યા હતા, જેમાં આંધ્ર પ્રદેશ, આસામ, હિમાચલ પ્રદેશ, કેરળ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, પંજાબ, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, તામિલનાડુ અને ત્રિપુરા સામેલ છે.