લોકડાઉન પત્યા પછી ટ્રાન્સપોર્ટરો હડતાળ પર ઊતરશે

મુંબઈઃ દેશમાં કોરોના વાઈરસ લોકડાઉનમાં એક બાજુ પરપ્રાંતિય કામદારો પારાવાર મુશ્કેલીઓ વેઠીને એમના વતન ઘેર પહોંચી રહ્યા છે, ત્યારે બીજી બાજુ મુંબઈ સહિત અનેક બંદરગાહો પરથી માલસામાન પહોંચાડવાની કામગીરી ધીમી પડી છે. હવે ટ્રાન્સપોર્ટર્સ અને ટ્રેડર્સ તેમને થઈ રહેલા નુકસાનથી ચિંતિત છે અને કહે છે કે તેમની આર્થિક રાહત પેકેજની માગનો સરકાર દ્વારા સ્વીકાર કરવામાં નથી આવ્યો. તેથી અમે નક્કી કર્યું છે કે જેવું લોકડાઉન ખૂલે એ પછી તેઓ હડતાળ પર જશે.

પોતાની પ્રવૃત્તિઓને આવશ્યક સેવા ગણવાની ટ્રાન્સપોર્ટરોની માગ

ટ્રાન્સપોર્ટરોએ કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યો છે કે ટ્રાન્પોર્ટ સેક્ટરને કોઈ નાણાકીય પેકેજ આપવામાં નથી આવ્યું. ટ્રાન્સપોર્ટરોએ તેમના કામને આવશ્યક સર્વિસ ગણવાની પણ માગ કરી છે. તેમણે આ સિવાય કોરોના કાળમાં ટોલમાં કન્સેશન સહિત ઉદ્યોગ માટે વિવિધ માગ સાથે નાણાકીય પેકેજની પણ માગ કરી છે. આ ઉપરાંત તેમણે મોટર ઇન્શ્યોરન્સ અને લાઇસન્સની મુદતમાં પણ ફરજિયાત વધારો માગ્યો છે.

ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે 20 કરોડ લોકોની રોજીરોટી

દેશમાં ટ્રાન્સપોર્ટ ક્ષેત્ર સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે 20 કરોડ લોકો જોડાયેલા છે અને દેશભરમાં લોકડાઉનને પગલે આ ક્ષેત્ર છેલ્લા બે મહિનાથી વેન્ટિલેટર પર છે. ઉદ્યોગના લોકો ટકી રહે એ માટે તાત્કાલિક નાણાકીય પેકેજની જરૂર છે. આ ઉદ્યોગમાં હાલ કોઈ આવક નથી અને ઉદ્યોગ ઠપ હોવાથી અનેક વેપારીઓના પેમેન્ટ્સ અટકી ગયા છે અથવા અટવાઈ ગયા છે. વળી આમાં 85 ટકા ઓપરેટરો નાની કંપનીઓ ચલાવે છે, જે કામકાજ બંધ હોવાથી તેમનો ધંધો લાંબા સમય સુધી ચલાવી શકે એમ નથી, એમ વડા પ્રધાન, કેન્દ્રીય ગૃહપ્રધાન, નાણાપ્રધાન અને ટ્રાન્સપોર્ટ પ્રધાનને લખેલા પત્રમાં ટ્રાન્સપોર્ટ ઓપરેટરોની સંસ્થા ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે જણાવ્યું છે.

સરકારે અમારી મુશ્કેલીઓ સામે આંખ આડા કાન કર્યા

દેશમાં સંપૂર્ણ લોકડાઉન દરમ્યાન અમે સરકારને અમારી મુશ્કેલીઓ જણાવી હતી, પણ એણે અમારી સમસ્યાઓ ઉકેલવાને બદલે આંખ આડ કાન કર્યા અને અમને ગણકાર્યા પણ નહીં. સરકારે અમારી માગણીઓની અવગણના કરી હતી, એમ મુંબઈના એસોસિયેશન ઓફ મહારાષ્ટ્ર હેવી વેહિકલ્સ અને કન્ટેઇનર ઓપરેટર્સના એક સભ્યએ કહ્યું હતું.

 અનેક ટ્રાન્સપોર્ટ સંસ્થાઓએ અમારી માગને ટેકો

દેશની અનેક ટ્રાન્સપોર્ટ સંસ્થાઓએ અમારી માગને ટેકો પૂરો પાડ્યો છે, એમ મુંબઈ લોકલ ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ ભરત ધાનાણાએ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે તેઓ હેવી વેહિકલ ઓપરેટર્સને ટેકો આપશે. જો જરૂર પડશે તો અને પહેલાં એક દિવસની હડતાળ કરીશું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]