નવી દિલ્હીઃ બાળકોના યૌન શોષણને પ્રોત્સાહન આપતી સામગ્રી (કન્ટેન્ટ) અંગે કેન્દ્ર સરકારે મેટા સામે કાર્યવાહી શરૂ કરી છે. ભારતના ઇલેક્ટ્રોનિક્સ મંત્રીના નિર્દેશ બાદ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY)ના અધિકારીઓને મેટા પાસેથી આ મામલે સ્પષ્ટીકરણ માગવા સૂચના આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યાનુસાર મંત્રાલય મેટાને પૂછશે કે ઇન્સ્ટાગ્રામ પર બાળકોના યૌન શોષણ સાથે જોડાયેલી વાંધાજનક જાહેરાતો કેવી રીતે પ્રદર્શિત થઈ અને આવી જાહેરાતોને રોકવા માટે કંપનીએ અત્યાર સુધી શાં પગલાં લીધાં છે.
એક તપાસ આધારિત રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇન્સ્ટાગ્રામ પર બાળ યૌન શોષણ (Child Sexual Abuse Material – CSAM) સંબંધિત સામગ્રી ઉપલબ્ધ છે. તપાસમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં ઇન્સ્ટાગ્રામ પર એવા પેઇડ જાહેરાતો ચલાવવામાં આવી રહી હતી, જેમાં ‘રેપ વીડિયો’ અને ‘ચાઇલ્ડ વીડિયો’ જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ જાહેરાતો પર ક્લિક કર્યા બાદ યુઝર્સને Telegram ચેનલો પર મોકલવામાં આવતા હતા, જ્યાં કથિત રીતે બાળકોના યૌન શોષણ સાથે જોડાયેલો કન્ટેન્ટ ખૂબ ઓછી કિંમતે વેચવામાં આવતો હતો.
શું ઇન્સ્ટાગ્રામ અશ્લીલ સામગ્રીનું કેન્દ્ર બની રહ્યું છે?
રિપોર્ટ મુજબ તપાસ દરમિયાન આવા અંદાજે 30 અલગ-અલગ જાહેરાતો મળી આવી હતી, જે કથિત રીતે બાળકોના યૌન શોષણ સાથે જોડાયેલા કન્ટેન્ટનું પ્રચાર કરતી હતી. આ ઉપરાંત લગભગ 20 જાહેરાતો પુખ્ત વયના લોકો માટેની અશ્લીલ સામગ્રી સાથે સંબંધિત હોવાનું પણ સામે આવ્યું છે.
વોટ્સએપના ‘યુઝરનેમ ફીચર’ મુદ્દે પણ મેટાને નોટિસ
આ પહેલાં સરકારે બુધવારે ભારતમાં વોટ્સએપના વિવાદાસ્પદ ‘યુઝરનેમ ફીચર’ને લઈને પણ મેટાને નોટિસ પાઠવી હતી. સરકારે ચેતવણી આપી હતી કે આ મુદ્દે ચર્ચા પૂર્ણ ન થાય ત્યાં સુધી આ ફીચર ભારતમાં રજૂ કરવામાં ન આવે. આ ઉપરાંત મેટાને ત્રણ દિવસની અંદર આ ફીચર અંગે વિગતવાર માહિતી આપવા પણ કહેવામાં આવ્યું છે.




