Home Blog Page 4702

કશ્મીર પર સાઉદી અરેબિયાએ સાથ ન આપતાં પાકિસ્તાન ભડક્યું

ઇસ્લામાબાદઃ ચીન અને તુર્કીના ઇશારે નાચી રહેલા પાકિસ્તાને કાશ્મીરને લઈને હવે જૂના મિત્ર સાઉદી અરેબિયાને મોટી ધમકી આપી છે. પાકિસ્તાનના ષડયંત્રમાં સાથ નહીં આપવા બદલ હતાશ થયેલા પાકિસ્તાની વિદેશપ્રધાન શાહ મહમૂદ કુરેશીએ સાઉદી અરેબિયાના નેતૃત્વવાળા ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કન્ટ્રીઝ (OIC)ને ધમકાવવાનું શરૂ કર્યું છે. તેમણે કહ્યું હતું કે OIC કાશ્મીર પર પોતાના વિદેશપ્રધાનોની પરિષદની બેઠક બોલાવવાનું બંધ કરે.

પાકિસ્તાની ન્યૂઝ ચેનલ ARYને કુરેશીએ કહ્યું હતું કે હું ફરી એક વાર સન્માનથી OICને કહેવા માગું છું કે વિદેશપ્રધાનોની પરિષદની બેઠક અમારી અપેક્ષા છે. જો તમે એને બોલાવી ના શકો તો હું વડા પ્રધાન ઇમરાન ખાનથી ઇસ્લામિક દેશોની મીટિંગ બોલાવવા માટે ફરજ પાડીશ, જે કાશ્મીર મુદ્દે અમારી સાથે ખભેખભા મિલાવી ઊભા રહેવા તૈયાર છે.
ક્યારેક સાઉદી અરેબિયાના નાણાંથી પાલનપોષણ કરનારા પાકિસ્તાને વિદેશપ્રધાને પોતાના નિવેદન દ્વારા OICને એક રીતે ધમકી આપી હતી. એકક અન્ય સવાલના જવાબમાં કુરેશીએ કહ્યું હતું કે પાકિસ્તાન વધુ રાહ નથી જોઈ શકતું.

પાકિસ્તાન કાશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર કર્યા પછી 57 મુસ્લિમ દેશોના સંગઠન OICના વિદેશપ્રધાનોની બેઠક બોલાવવા માટે સતત સાઉદી અરેબિયા પર દબાણ કરી રહ્યું છે. જોકે અત્યાર સુધી એને સફળતા નથી મળી. સંયુક્ત રાષ્ટ્ર પછી OIC વિશ્વનું સૌથી બીજા નંબરનું મોટું સંગઠન છે.

કુરેશીએ કહ્યું હતું કે પાકિસ્તાને સાઉદી અરેબિયાના વિનંતી પર ખુદને કુઆલા લમ્પુર શિખર સંમેલનથી અલગ કરી લીધું હતું અને હવે પાકિસ્તાન એ માગ કરી રહ્યું છે કે સાઉદી અરેબિયા કાશ્મીરને મુદ્દે આગેવાની લે. પાકિસ્તાની વિદેશપ્રધાને કહ્યું હતું કે જો OICના વિદેશપ્રધાનોની બેઠક થાય છે તો એનાથી કાશ્મીર પર ભારતને ઇસ્લામિક દેશો તરફથી સ્પષ્ટ સંદેશ જશે.
પાકિસ્તાનને સાથ નથી આપી રહ્યું સાઉદી અરેબિયા

OICની બેઠક ના બોલાવવા માટે એક મોટું કારણ સાઉદી અરેબિયા છે. સાઉદી અરેબિયા OIC દ્વારા ભારતને ચિત કરવાની ચાલમાં સાથ નથી આપી રહ્યું. OICમાં કોઈ પણ પગલા માટે સાઉદી અરેબિયાનો સાથ સૌથી જરૂરી છે. OIC પર સાઉદી અરેબિયા અને એના સહયોગી દેશોનો દબદબો છે.

કુરેશીએ કહ્યું હતું કે અમારી સંવેદનશીલતાને તમારે સમજવી પડશે. ખાડી દેશોને એ સમજવી પડશે. તેમણે કહ્યું હતું કે તેઓ ભાવુક થઈને આ નિવેદન નથી કરતા, પણ એની અસરને સમજીએ છીએ. તેમણે કહ્યું હતું કે એ સાચું છે કે હું સાઉદી અરેબિયા સાથે સારા સંબંધો છતાં મારું વલણ સ્પશ્ટ કરી રહ્યો છું. પાકિસ્તાની ન્યૂઝપેપરના અહેવાલ મુજબ સાઉદી અરેબિયાના ભગલાં નહીં ભરવાથી પાકિસ્તાન નિરાશ થયું છે. ઇમરાન ખાને પણ પાછલા દિવસોમાં આ મુદ્દે પોતાની હતાશા વ્યક્ત કરી હતી.

 

 

 

શ્રેય હોસ્પિટલમાં આગઃ નીડર એટેન્ડન્ટે ત્રણ વરિષ્ઠ નાગરિકનો જીવ બચાવ્યો

અમદાવાદઃ શહેરના નવરંગપુરા વિસ્તારની શ્રેય હોસ્પિટલમાં શોર્ટ સર્કિટને કારણે આજે વહેલી સવારે આગ લાગી હતી, જેમાં આઠ વ્યક્તિનાં મોત થયાં છે, પણ આ ભીષણ આગ લાગી ત્યારે ત્યાં એક 25 વર્ષીય એટેન્ડન્ટે અદમ્ય સાહસ દાખવ્યું હતું. તેણે આવા કપરા સમયે ત્રણ સિનિયર સિટિઝનોના જીવ બચાવ્યા હતા. તે યુવક ત્યાં કામ કરી રહ્યો હતો અને તેણે આવી દુર્ઘટનામાં બખૂબી બુદ્ધિચાતુર્યનો ઉપયોગ કર્યો હતો.

ફાયરબ્રિગ્રેડના અધિકારીઓએ કહ્યું હતું કે જે ICU વોર્ડમાં જે દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા, તેમાંથી પાંચ પુરુષ અને ત્રણ મહિલા દર્દીઓનાં મોત થયાં હતા.

શ્રેય હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગી

શ્રેય હોસ્પિટલમાં ચાર માળની છે અને હોસ્પિટલના ચોથા માળે સવારે 3.30 કલાકે આગ લાગી ગઈ હતી, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ આ હોસ્પિટલ કોરોના વાઇરસના દર્દીઓની સારવાર માટે ફાળવી હતી.  જ્યારે આગ લાગી હતી, ત્યારે ચોથા માળે 11 દર્દીઓ હતા. પોલીસના જણાવ્યાનુસાર કોવિડ-19ના દર્દીઓ માટે ચોથા માળે એક વિશેષ ICU વોર્ડ બનાવવામાં આવ્યો હતો.

ચિરાગ પટેલે જીવ જોખમમાં મૂક્યો

આ આગ લાગી ત્યારે હોસ્પિટલના એટેન્ડન્ટ ચિરાગ પટેલે પોતાનો જીવ જોખમમાં મૂકીને ત્રણ સિનિયર સિટિઝનોને બચાવ્યા હતા. જોકે ચોથા માળે લાગેલી આ આગને પહેલાં અન્ય એટેન્ડન્ટે જોઈ હતી. પટેલે પોલીસને નિવેદન આપ્યા પછી સંવાદદાતાઓને કહ્યુંહ તું કે જ્યારે હું ચોથા માળે ગયો હતો ત્યારે મે જોયું કે દર્દીના બેટ પાસે કેટલાંક મેડિકલ ઉપકરણોમાં આગની જ્વાળાઓ નીકળી રહી હતી અને એ દર્દીના વાળોમાં આગ લાગેલી હતી. જેથી મેં તરત જ તેમના બેડથી મોનિટરને દૂર કર્યું, એક બીજા એટેન્ડન્ટના PPE સૂટમાં પણ આગ લાગી હતી. જોકે સારા નસીબથી એક ડોક્ટર પાણીની એક ડોલની સાથે ઉપર આવ્યો અને તેણે એ એટેન્ટન્ટ પર પાણી નાખીને તેને બચાવ્યો.

ICU વોર્ડમાં એક વિસ્ફોટ

જોકે એ પછી અચાનક ICU વોર્ડમાં એક વિસ્ફોટ થયો. જેથી અમે દર્દીઓને બચાવવા માટે ફરી ઉપર ગયા, પણ ત્યાં આગને લીધે ધુમાડા નીકળતા હતા અને બહુ ઓછું દેખાતું હતું તેમ જ અંદર જવું સંભવ નહોતું, એમ તેણે કહ્યું હતું.

ગૂંગળામણનો અનુભવ

પટેલે જણાવ્યું હતું કે અન્ય એક એટેન્ડન્ટ અને ડોક્ટર ધુમાડાને કારણે ગૂંગળામણ અનુભવતા હતા, તેથી મેં ત્યાં રહેવાનો નિર્ણય કર્યો અને અન્યોને સલામતી માટે નીચે જવા કહ્યું. આ દરમ્યાન હોસ્પિટલના કર્મચારીઓએ ફાયરબ્રિગ્રેડને જાણ કરી.

ચોથા માળે 11 દર્દીઓ હતા

પટેલે કહ્યું હતું કે એ સમયે ચોથા માળે 11 દર્દીઓ હતા અને તેમને બચાવવા મુશ્કેલ કાર્ય હતું. હું ચોથા માળે એકલો હતો અને મેં સૌથી પહેલાં એક વરિષ્ઠ મહિલા દર્દીને ઉઠાવી લીધાં. તેઓ ચાલી નહોતાં શકતાં. હું  તેમને જેમતેમ કરીને નીચે લાવ્યો. એ પછી ફરી હું ઉપર ગયો ત્યારે ત્યાં ધુમાડાના ગોટેગોટા હતા. એ પછી મેં અન્ય એક વરિષ્ઠ મહિલાને મદદ કરી, તેઓ નીચે પડી ગયાં હતાં અને ચાલી નહોતાં શકતાં. તેમને એક પુરુષ દર્દીની સાથે સુરક્ષિત નીચે ઊતરવામાં મદદ કરી.

ધુમાડાને કારણે કશું દેખાતું નહોતું

ત્યાર બાદ ધુમાડાને કારણે કશું દેખાતું નહોતું અને હું પણ શ્વાસ નહોતો લઈ શકતો, જેથી હું ફરી અંદર ના જઈ શક્યો. મેં બહારના પાઇપોથી ચોથી માળે ચઢી ગયો અને દર્દીઓની બારી પાસેથી તેમને બચાવવાના પ્રયાસો કર્યા, પણ બારીને હું તોડી ના શક્યો, એમ તેણે કહ્યું હતું.

મારા માટે એક દર્દીનું જીવન વધુ મહત્ત્વનું

મને આનંદ એ છે હું ત્રણ ગંભીર દર્દીઓને બચાવવામાં સક્ષમ રહ્યો. મારા માટે એક દર્દીનું જીવન પણ મારા જીવન કરતાં વધુ મહત્ત્વનું છે. DCP ઝોન-1ના રવીન્દ્ર પટેલે કહ્યું હતું કે પોલીસે હોસ્પિટલના કર્મચારીઓનાં નિવેદનોને તપાસનો એક હિસ્સો ગણાવ્યો હતો.

‘સડક 2’નું નવું પોસ્ટર રિલીઝ થયું, ફિલ્મ OTT પર રિલીઝ થશે

મુંબઈઃ એક સમય એવો હતો જ્યારે લોકો નવી ફિલ્મની રિલીઝના શુક્રવારની રાહ જોતા. ફિલ્મ શુક્રવારે રિલીઝ થાય એના પહેલા જ શોમાં જઈને જોવા માટે ઘણા લોકો પડાપડી કરતા. પણ હાલ કોરોના વાઈરસના ફેલાવાને કારણે થિયેટરો બંધ છે. ફિલ્મો OTT (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે. મતલબ કે નવી ફિલ્મને કેબલ કે સેટેલાઈટ પ્રોવાઈડરને બદલે હાઈ-સ્પીડ ઈન્ટરનેટ કનેક્શન મારફત પ્રસારિત કરવામાં આવે છે. આ પ્લેટફોર્મ મફત હોતા નથી.

આલિયા ભટ્ટ, સંજય દત્ત, પૂજા ભટ્ટ, આદિત્ય રોય કપૂર અભિનીત નવી આગામી ફિલ્મ ‘સડક 2’નું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 28 ઓગસ્ટે માત્ર ડિઝની+હોટસ્ટાર પર રિલીઝ કરવામાં આવનાર છે.

આલિયા ભટ્ટે આ સમાચાર ખાસ પોતાનાં ચાહકો માટે સોશિયલ મિડિયા પર શેર કર્યાં છે અને લખ્યું છે: ”સડક 2′, ધ રોડ ટૂ લવ સ્ટ્રીમિંગ ઓન @DisneyPlusHotstarVIP ફ્રોમ 28 ઓગસ્ટ.’

પોસ્ટરમાં આલિયા, સંજય દત્ત અને આદિત્ય રોય કપૂર એક રસ્તા પર ચાલતા જતા જોવા મળે છે. સામે બરફાચ્છાદિત પહાડો દેખાય છે. આદિત્યના ખભા પર ગિટાર છે તો આલિયા બેકપેક સાથે છે. વચમાં સંજય દત્ત વટમાં ચાલી રહ્યો છે.

‘સડક 2’ને મહેશ ભટ્ટે ડાયરેક્ટ કરી છે, જેમણે આ ફિલ્મ દ્વારા 20 વર્ષ પછી દિગ્દર્શનનું સુકાન ફરી પોતાના હાથમાં લીધું.

1991માં આવેલી ‘સડક’ ફિલ્મની આ સીક્વલ છે. ‘સડક’ ફિલ્મમાં સંજય દત્ત, પૂજા ભટ્ટ અને સદાશીવ અમરાપુરકર મુખ્ય ભૂમિકાઓમાં હતાં. એ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ થઈ હતી અને એના ગીત-સંગીતને લોકો હજી પણ યાદ કરે છે.

‘સડક 2’ રવિ નામના પાત્રના ડિપ્રેશનની વાર્તા છે, જેમાં તે એક છોકરીની મદદ કરે છે જે એક બની બેઠેલા સ્વામી (ગોડમેન)નું સત્ય દુનિયા સામે લાવવા માગે છે.

‘સડક 2’ને મુકેશ ભટ્ટે પ્રોડ્યૂસ કરી છે અને ફિલ્મનું શૂટિંગ ઉટી, મુંબઈ, મૈસૂર અને ઉત્તરાખંડમાં કરવામાં આવ્યું હતું.

આ ફિલ્મને પહેલાં માર્ચ 2020માં રિલીઝ કરવાનું વિચારાયું હતું, પણ કોરોના વાઈરસને કારણે ફિલ્મની રિલીઝને અટકાવી દેવામાં આવી હતી. ત્યારબાદ ડિઝની+હોટસ્ટાર દ્વારા એવી જાહેરાત કરાઈ હતી કે ‘સડક 2’ ફિલ્મ એના પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે.

દેશની પબ્લિક સેક્ટર બેન્કોને રાજકારણીઓથી કોણ બચાવશે?

પીએસબીને સ્વતંત્ર અખત્યાર નહિ અપાય ત્યાં સુધી તેમની
કામગીરી સુધરવાની નથી


ચેન્નાઈઃ ભારતીય જનતા પાર્ટી (BJP)ના તામિલ નાડુ એકમની વેબસાઈટ (http://bjptn.com) પર જણાવવામાં આવ્યું છે કે પક્ષના એકમને સરકારની વિવિધ સ્કીમ હેઠળ લોનની 23,524 અરજીઓ મળી છે અને તેમાંથી 57 અરજીઓના મળીને રૂ.42 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. આ સંદેશ પાર્ટીના અન્ય રાજ્યોના એકમોને મોકલવામાં આવ્યો છે એટલે આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

રાજકીય પક્ષે બેન્કોના કામકાજમાં દરમિયાનગીરી કરવાની શી જરૂર? પબ્લિક સેક્ટર બેન્ક્સ (PSB)ને કંઈ મતો પ્રાપ્ત કરવાનું સાધન ન બનાવાય.

તામિલ નાડુ બીજેપીએ દલીલ કરી છે કે તે લોકોને લોન પ્રાપ્ત કરવામાં સહાય કરી રહી છે ત્યારે સામો એવો સવાલ કરવામાં આવી રહ્યો છે કે લોકોને લોન્સ જોઈએ તો તેઓ કોઈ પણ રીતે બેન્કનો સંપર્ક કરી મેળવી શકે છે, એમાં વચેટિયાઓની શી જરૂર.

એ ચોખ્ખું છે કે શાસક પક્ષ લોન માટે બેન્કનો સંપર્ક કરે ત્યારે બેન્ક કર્મચારીઓ પર કોઈ નેતાની ભલામણનો સ્વીકાર કરવા માટેનું દબાણ ઊભું થાય છે. આ ભલામણ ગર્ભીત ધમકી સમજી લેવાની હોય છે એમ એક સિનિયર બેન્ક અધિકારીએ કહ્યું હતું. તેણે એમ પણ કહ્યું કે આવા દબાણને પગલે મુદ્રા લોનો આડેધડ મંજૂર કરવામાં આવી હતી.

બેન્કો કર્જદારની પરત ચુકવણીની ક્ષમતાના અભ્યાસ બાદ લોન મંજૂર કરતી હોય પરંતુ કોઈ કોઈ કિસ્સામાં એમ બનતું નથી અને એમાં વળી રાજકારણીઓનો હસ્તક્ષેપ થાય એથી પરિસ્થિતિ વધુ વણસે છે.

બેન્કોના રાષ્ટ્રીયકરણ પછીના લાંબા ગાળામાં PSBના કર્મચારીઓમાં જે ગુલામીનું માનસ સર્જાયેલું છે તે હજી પણ યથાવત છે. આજે પણ બેન્કોમાં સામંતી માળખું હોય એમ કામ થાય છે અને સિનિયરો એમના સાહેબોને ખુશ રાખે છે અને એનું જ અનુકરણ તેમના જુનિયરો કરે છે. PSBના વડાઓ પર નોર્થ બ્લોકના બાબુઓનો અંકુશ છે. વ્યાવસાયિક કૌશલની અહીં કોઈને પડી નથી હોતી. UPA સરકાર દરમિયાન રાજકારણીઓની દખલ બહુ હતી પરંતુ NDAના રાજમાં પણ પરિસ્થિતિમાં બહુ ફરક પડ્યો નથી.

કેન્દ્રનાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને રૂ.20 લાખ કરોડના કોવિદ-19 પેકેજ હેઠળ જાહેર કરેલી રૂ.3 લાખ કરોડની ઈમર્જન્સી ક્રેડિટ લાઈન ગેરન્ટી સ્કીમ (ECLGS) હેઠળ વધુને વધુ લોનો MSMEને આપવા માટે સરકારી બેન્કોનાં કાંડાં આમળવામાં આવી રહ્યાં છે. હકીકત એ છે કે માગના અભાવે MSME લોનો લેવા માટે આગળ આવતાં નથી. એમને લોન લેવા સમજાવવાનું સરકારી બેન્કોના કર્મચારીઓ માટે મુશ્કેલ બની ગયું છે. કેટલાક બેન્કરો કહે છે કે અમને આ સ્કીમના મોટા લક્ષ્યાંક હાંસલ કરવાનું કહેવામાં આવ્યું છે.

બીજી તરફ કેટલીક બેન્કોએ સરળ રસ્તો શોધી એ કાઢ્યો છે કે તેઓ આ નવી લોન સામે જૂની લોન સરભર કરી આપે છે. સરકારની ગેરન્ટી છે એટલે બેન્કો આમ કરવાની લાલચ રોકી શકતી નથી. આ નાણાં MSMEને કટોકટીમાંથી ઉગારવા આપવામાં આવી રહ્યાં છે એ હેતુ માટે જ આ નાણાં વાપરવામાં આવશે કે કેમ એ સવાલ છે.

અંતે, વર્તમાન કર્જદાર તેની 29 ફેબ્રુઆરી, 2020ના રોજ બાકી રહેલી ઉઘરાણીના 20 ટકા સુધીનો ઉપાડ કરી શકે છે. બેન્કોએ એમએસએમઈ માટે રૂ.1.3 લાખ કરોડ મંજૂર કર્યા છે, જેમાંથી રૂ.82,065 કરોડની ચુકવણી કરવામાં આવી છે.

રામમંદિર ટ્રસ્ટને અત્યાર સુધીમાં મળ્યું રૂ. 41 કરોડનું દાન

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ ઓગસ્ટે રામ મંદિરનું ભૂમિપૂજન કર્યું અને મંદિરની આધારશિલા રાખી. ત્યાર બાદ અયોધ્યામાં પ્રસ્તાવિત રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. જોકે મંદિર નિર્માણથી પહેલાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને અત્યાર સુધીમાં 41 કરોડ રૂપિયાનું દાન પ્રાપ્ત થયું છે.

આમાં ધર્મગુરુઓ દ્વારા કરવામાં આવેલું દાન સામેલ નથી, જેમાં પરમાર્થ નિકેતનના સ્વામી ચિદાનંદ સરસ્વતી, જૂના અખાડાના સ્વામી અવધેશાનંદ ગિરિ, બાબા રામદેવ અને અન્ય સન્માનીય વ્યક્તિઓ સામેલ નથી, જે બુધવારે ભૂમિ પૂજનના પ્રસંગે અયોધ્યામાં મોજૂદ નહોતા.

મોરારી બાપુ દ્વારા 11 કરોડ રૂપિયા દાન

ટ્રસ્ટના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગિરિના અનુસાર મંગળવારને છેલ્લી વાર જોવામાં આવ્યું હતું ત્યારે ટ્રસ્ટમાં કુલ દાન 30 કરોડ રૂપિયા હતું. રામાયણ કથાકાર મોરારીબાપુ દ્વારા 11 કરોડ રૂપિયા દાન કર્યા પછી આ ભંડોળ વધીને 41 કરોડ રૂપિયા થયું હતું. જોકે આ રકમમાં બુધવારે કરવામાં આવેલું દાન સામેલ નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે કોવિડ-19 રોગચાળા દરમ્યાન પણ લોકોએ રામ મંદિર માટે દાન કર્યું હતું. રામ મંદિરનું નિર્માણ L&T કરશે અને મંદિર બનાવવામાં આશરે ત્રણથી સાડાત્રણ વર્ષનો સમય લાગશે.

બોગદામાં ગાબડું પડ્યું; કોંકણ રેલવેની ટ્રેનોને અન્યત્ર વાળવી પડી

પણજીઃ ગોવામાં ભારે વરસાદને કારણે એક બોગદાનો એક ભાગ તૂટી પડ્યા બાદ કોંકણ રેલવે રૂટ પર અનેક ટ્રેનોનો માર્ગ બદલી નાખવામાં આવ્યો છે. સદ્દભાગ્યે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.

ગોવામાં પેરનેમ ખાતે આજે વહેલી સવારે ભારે વરસાદને કારણે એક બોગદાની દીવાલનો પાંચ મીટર જેટલો ભાગ તૂટી પડ્યો હતો. એને કારણે ગોવામાંથી કોંકણ રેલવે લાઈન પરની અનેક ટ્રેનોને પડોશના કર્ણાટકના લોન્ડા માર્ગે વાળવી પડી છે.

બોગદામાં ગાબડાની ઘટનામાં કોઈને ઈજા નથી થઈ અને પાટાનું સમારકામ ચાલુ છે, એમ કોંકણ રેલવે કોર્પોરેશન લિમિટેડના પ્રવક્તા બબન ઘાટગેએ કહ્યું છે.

આ વિભાગ પર ટ્રેનવ્યવહાર વધુ આદેશ ન મળે ત્યાં સુધી સ્થગિત કરી દેવામાં આવ્યો છે. આ વિભાગ પરની ટ્રેનોને લોન્દા માર્ગે વાળવામાં આવી રહી છે. કોઈ પણ ટ્રેન રદ કરવામાં આવી નથી.

એર્નાકુલમ-હઝરત નિઝામુદ્દીન સુપરફાસ્ટ સ્પેશિયલ એક્સપ્રેસ, તિરુવનંતપુરમ-લોકમાન્ય તિલક સ્પેશિયલ એક્સપ્રેસ જેવી ટ્રેનોને અન્ય રૂટ પર વાળી દેવામાં આવી છે.

તો IPL2020 રદ થશેઃ પંજાબ ટીમના માલિક વાડિયાનો ધડાકો

નવી દિલ્હીઃ IPL ક્રિકેટ સ્પર્ધાની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP)ના સહમાલિક નેસ વાડિયાએ ધડાકો કર્યો છે. એમણે કહ્યું છે કે આ વખતની ટુર્નામેન્ટ દરમ્યાન કોવિડ-19નો એક પણ પોઝિટીવ કેસ નોંધાવો ન જોઈએ, નહીં તો સ્પર્ધા રદ કરવામાં આવશે. નેસ વાડિયા ઉપરાંત બોલીવૂડ અભિનેત્રી પ્રીતિ ઝીન્ટા, મોહિત બર્મન અને કરણ પૌલ પંજાબ ટીમના માલિકો છે.

આ વખતની આઈપીએલ-13 સ્પર્ધા યુએઈમાં યોજાવાની છે. ભારતમાં કોરોના વાઈરસના અસંખ્ય કેસ બન્યા હોવાથી આ વખતની સ્પર્ધા ભારત બહાર રમાડવાનો ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે નિર્ણય લીધો છે અને એમિરેટ્સ ક્રિકેટ બોર્ડ યજમાન બનવા તૈયાર થયું છે. સ્પર્ધા આવતી 19 સપ્ટેંબરથી 10 નવેંબર સુધી યુએઈમાં રમાશે.

જ્યાં એક બાજુ IPL સ્પોન્સરને લઈને બહુ અટકળો ચાલી રહી છે, ત્યારે મને લાગે છે કે આ હાસ્યાસ્પદ છે. માત્ર એક બાબત જે અમે (ટીમના માલિક)  જાણીએ છીએ કે આ IPL ટુર્નામેન્ટ થઈ રહી છે. અમે ખેલાડીઓ અને એમાં સામેલ લોકોની સુરક્ષા વિશે બહુ ચિંતિત છે. અહી સુધી કે કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો તો IPLને રદ પણ કરવામાં આવી શકે છે.

વિવોની ચિંતા BCCIને

જૂનમાં લદ્દાખ-પૂર્વમાં ભારતીય અને ચીની સૈનિકોની વચ્ચે હિંસક ઘટના પછી વાડિયાએ કહ્યું હતું કે IPLને ધીમે-ધીમે ચીની પ્રાયોજકોથી દૂર કરવી જોઈએ. IPLમાં વિવોના ભવિષ્ય છતાં વાડિયાએ કહ્યું હતું કે મને નથી માલૂમ કે BCCIએ ટાઇટલ સ્પોન્સર પર શો નિર્ણય લીધો છે. બધી ટીમના માલિકોની વચ્ચે એક બેઠક હતી અને IPLને સફળ બનાવવા માટે અમે તૈયાર છીએ. અમે BCCIનું સમર્થન કરવા માગીએ છીએ અને ટૂંક સમયમાં ફરી એક બેઠક થશે.

IPL 2020 સુપરરહિટ થશે

હાલના આર્થિક માહોલમાં વાડિયાને લાગે છે કે પ્રાયોજક ઘણી વાટાઘાટ કરશે, પણ તેઓ આ વખતની IPLને સુપરહિટ માને છે. નેસે કહ્યું હતું હું મારું નામ બદલી નાખું જો આ IPL અત્યાર સુધીની સૌથી વધુ સફળ (જોવાતી) ટુર્નામેન્ટ ના બને તો. આ સૌથી સારી IPL હશે. તમે મારા શબ્દો પર ધ્યાન આપજો. પ્રાયોજકોને આ વર્ષે IPLનો હિસ્સો નહીં બને તો એ એ નરી મૂર્ખતા હશે.  આ IPLનો હિસ્સો નહીં થાય તો એ તેમની એક મોટું ખોટું પગલું હશે. હું વાસ્તવમાં માનું છું કે જો હું એક પ્રાયોજક હોત તો હું આ વખતે જરૂર એમાં સામેલ થાત.  

કોરોના કેસ ના આવવો જોઈએ

IPL ટુર્નામેન્ટના સુચારુ સંચાલન માટે BCCIએ ટીમોને 16 પાનાંની SOP મોકલી છે. એના માટે ક્રિકેટરો, મદદ કરતા કર્મચારીઓ, ટીમના અધિકારીઓ અને માલિકોને સુરક્ષિત વાતાવરણનો હિસ્સો બનવું પડશે. વાડિયાએ પોતે IPL માટે UAE નહીં જવાનો નિર્ણય કર્યો છે, પણ કહ્યું છે કે સુરક્ષાથી સમજૂતી નહીં કરવામાં આવવી જોઈએ. તેમણે કહ્યું હતું કે આપણે સુરક્ષિત રહેવાનું છે અને પર્યાવરણને અનુકૂળ રહેવાનું છે.

ટીવી સિરિયલ અભિનેતા સમીર શર્માએ મુંબઈ નિવાસસ્થાને આત્મહત્યા કરી

મુંબઈઃ ટીવી હિન્દી સિરિયલોનો જાણીતો અભિનેતા સમીર શર્મા મુંબઈના મલાડ ઉપનગરમાં એના નિવાસસ્થાને ગઈ કાલે રાતે મૃત હાલતમાં મળી આવ્યો હતો. એનો મૃતદેહ રસોડામાં પંખા સાથે લટકતો મળી આવ્યો હતો. પોલીસને શંકા છે કે એણે આત્મહત્યા કરી છે.

સમીર શર્મા 44 વર્ષનો હતો. એ ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’, ‘કહાની ઘર ઘર કી’, ‘લેફ્ટ રાઈટ લેફ્ટ’, ‘જ્યોતિ’, ‘ઈસ પ્યાર કો ક્યા નામ દૂં’, ‘યે રિશ્તે હૈં પ્યાર કે’ જેવી ઘણી જાણીતી ટીવી સિરિયલોમાં ચમક્યો હતો.

મલાડ પોલીસને ઘટનાની જાણ ગઈ કાલે રાતે લગભગ 8 વાગ્યે કરવામાં આવી હતી.

પોલીસે કહ્યું કે સમીરના ઘરમાંથી કોઈ સુસાઈડ નોટ નથી મળી, પણ પ્રાથમિક રીતે એને આ આત્મહત્યાનો કેસ જણાયો છે.

પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો છે. સમીરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

પોલીસનું કહેવું છે કે મૃતદેહની હાલત જોતાં એવી શંકા છે કે સમીર બે દિવસ પહેલાં આત્મહત્યાને લીધે મૃત્યુ પામ્યો હતો.

નેહા હાઉસિંગ સોસાયટીમાં B-વિંગના પહેલા માળ પરના 102 નંબરના ફ્લેટમાં સમીર એકલો રહેતો હતો. મકાનનો વોચમેન જ્યારે કોઈક કામસર B વિંગમાં ગયો હતો ત્યારે એણે બારીમાંથી નજર કરતાં એને સમીરનો મૃતદેહ પંખા સાથે લટકતો જણાયો હતો.

વોચમેને ત્યારબાદ તરત જ મલાડ પોલીસને જાણ કરી હતી.

સમીરે આત્મહત્યા કેમ કરી એ વિશે કોઈ જાણકારી મળી નથી. કહેવાય છે કે સમીર કોઈક ગંભીર બીમારીથી પીડાતો હતો. એને તે ઉપરાંત બીજી પણ સમસ્યાઓ હતી.

પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે.

COVID19 બાદના સમયગાળામાં ઋણબોજ અંકુશમાં રાખવા ઝઝૂમતું કોર્પોરેટ ક્ષેત્ર

મુંબઈઃ છેલ્લાં થોડાં વર્ષો દરમિયાન ખાનગી કંપનીઓમાં અસ્ક્યામતો વેચીને ચડી ગયેલું દેવું ઘટાડવાના વલણે જે વેગ પકડ્યો હતો તે 2019-20ના ઉત્તરાર્ધમાં શમી ગયો હતો, કારણ કે ધિરાણનો ઉપયોગ તેઓ સબસિડિયરી કે અન્ય કંપનીઓને લોન્સ અને એડવાન્સીસ આપવામાં કરી રહી હતી, મૂડીખર્ચમાં તેઓ રોકી રહી નહોતી, એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ પરથી જાણવા મળ્યું હતું.

RBIએ 3,760 લિસ્ટેડ નોન-ફાઈનાન્સિયલ કંપની (68 પીએસયુ અને 3692 નોન-પીએસયુ)ની કરેલી મોજણીમાં જણાઈ આવ્યું હતું કે નોન-પીએસયુ કંપનીઓએ પીએસયુની તુલનાએ દેવામાં મોટા પ્રમાણમાં ઘટાડો કર્યો હતો.

પીએસયુ કંપનીઓનો ડેટ અને કાર્યકારી નફા વચ્ચેનો ગુણોત્તર માર્ચ, 2019માં 2.38 ટકા થયો હતો જે પાંચ વર્ષનો સૌથી મોટો હાઈ છે, એની સામે નોન-પીએસયુનો રેશિયો 2.32 રહ્યો હતો, જે માર્ચ, 2016ના 2.71 ટકાની ટોચની તુલનાએ સૌથી નીચો છે, એમ RBIના બાય એન્યુઅલ ફાઈનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટમાં જણાવાયું હતું. જોકે વેચાણમાં અને કાર્યકારી નફામાં મંદ વૃદ્ધિ એ દર્શાવે છે કે વેપારનો માહોલ કોવિદ-19ના એક મહિના પૂર્વે જ પડકારજનક બની ગયો હતો.

કોર્પોરેટ ટેક્સમાં સપ્ટેમ્બર, 2019માં ઘટાડો કરાયો તેમ છતાં 1640 લિસ્ટેડ ખાનગી કંપનીઓના વેચાણમાં વાર્ષિક ધોરણે 3.4 ટકાનો ઘટાડો અને ચોથા ક્વાર્ટર દરમિયાન 10.2 ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે ચોખ્ખો નફો અનુક્રમે 19.3 ટકા અને 65.4 ટકા ઘટ્યો હતો.

ઉક્ત સમય દરમિયાન ખાનગી અને પીએસયુ કંપનીઓ બંનેની પ્રવાહિતામાં ઘટાડો થયો હતો. ખાનગી ક્ષેત્રની કંપનીઓનો એસેટ ટુ લાયાબિલિટી રેશિયો માર્ચ, 2019માં માર્ચ, 2018ના 1.48 ટકાથી ઘટીને 1.51 ટકા અને પીએસયુનો રેશિયો 1.25 ટકાથી વધુ ખરડાઈને 1.35 ટકા થયો હતો.

દેવામાં ઘટાડો કરવાનું વલણ ટ્રિપલ એ રેટિંગ ન ધરાવતી કંપનીઓમાં અધિક હતું. ટ્રિપલ એ રેટિંગ ધરાવતી કંપનીઓનો ડેટ ટુ ઓપરેટિંગ રેશિયો માર્ચ, 2018ના 0.66 ટકાથી વધીને માર્ચ, 2019માં 0.76 ટકા થયો હતો, જ્યારે નોન-ટ્રિપલ એ રેટિંગ કંપનીઓનો રેશિયો માર્ચ, 2018ના 3.73 ટકાથી ઘટીને માર્ચ, 2019માં 2.96 ટકા થયો હતો.

ટ્રિપલ એ કંપનીઓની પ્રવાહિતા માર્ચ 2018ના 1.05 ટકાથી વધીને માર્ચ, 2019માં 1.18 ટકા થઈ હતી, જ્યારે નોન-ટ્રિપલ એ કંપનીઓની પ્રવાહિતા આ ગાળામાં 1.70 ટકાથી ઘટીને 1.68 ટકા થઈ હતી.

કોરોનાના 56,282 નવા કેસઃ વિશ્વમાં 24 કલાકમાં સૌથી વધુ કેસ

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 56,282 નવા કેસ સામે આવ્યા છે અને 904 લોકોનાં મોત થયાં છે. દેશમાં કોવિડ-19ના સંક્રમણના દૈનિક ધોરણે 50,000થી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 19,64,536 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 40,699 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 13,28,336 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 5,95,501એ પહોંચી છે. રિકવરી રેટ 67.61 ટકાએ પહોંચ્યો છે. પોઝિટિવિટી રેટ 8.48 ટકાએ પહોંચ્યો છે.

અમેરિકા, બ્રાઝિલ કરતાં વધુ કેસો ભારતમાં

દેશમાં કોરોના વાઇરસના સૌથી વધુ કેસો નોંધાયા છે. અમેરિકા અને બ્રાઝિલથી વધુ કેસો દેશમાં નોંધાયા છે. પાછલા 24 કલાકમાં દેશમાં 56,282 કેસો નોંધાયા છે અને 904 લોકોનાં મોત થયાં છે, જ્યારે અમેરિકા અને બ્રાઝિલમાં પાછલા 24 કલાકમાં અનુક્રમો 55,100 અને 54,685 કેસો નોંધાયા છે. ત્યાં ક્રમશઃ 1306 અને 1322 લોકોનાં મોત થયાં છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.