‘સડક 2’નું નવું પોસ્ટર રિલીઝ થયું, ફિલ્મ OTT પર રિલીઝ થશે

મુંબઈઃ એક સમય એવો હતો જ્યારે લોકો નવી ફિલ્મની રિલીઝના શુક્રવારની રાહ જોતા. ફિલ્મ શુક્રવારે રિલીઝ થાય એના પહેલા જ શોમાં જઈને જોવા માટે ઘણા લોકો પડાપડી કરતા. પણ હાલ કોરોના વાઈરસના ફેલાવાને કારણે થિયેટરો બંધ છે. ફિલ્મો OTT (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે. મતલબ કે નવી ફિલ્મને કેબલ કે સેટેલાઈટ પ્રોવાઈડરને બદલે હાઈ-સ્પીડ ઈન્ટરનેટ કનેક્શન મારફત પ્રસારિત કરવામાં આવે છે. આ પ્લેટફોર્મ મફત હોતા નથી.

આલિયા ભટ્ટ, સંજય દત્ત, પૂજા ભટ્ટ, આદિત્ય રોય કપૂર અભિનીત નવી આગામી ફિલ્મ ‘સડક 2’નું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 28 ઓગસ્ટે માત્ર ડિઝની+હોટસ્ટાર પર રિલીઝ કરવામાં આવનાર છે.

આલિયા ભટ્ટે આ સમાચાર ખાસ પોતાનાં ચાહકો માટે સોશિયલ મિડિયા પર શેર કર્યાં છે અને લખ્યું છે: ”સડક 2′, ધ રોડ ટૂ લવ સ્ટ્રીમિંગ ઓન @DisneyPlusHotstarVIP ફ્રોમ 28 ઓગસ્ટ.’

પોસ્ટરમાં આલિયા, સંજય દત્ત અને આદિત્ય રોય કપૂર એક રસ્તા પર ચાલતા જતા જોવા મળે છે. સામે બરફાચ્છાદિત પહાડો દેખાય છે. આદિત્યના ખભા પર ગિટાર છે તો આલિયા બેકપેક સાથે છે. વચમાં સંજય દત્ત વટમાં ચાલી રહ્યો છે.

‘સડક 2’ને મહેશ ભટ્ટે ડાયરેક્ટ કરી છે, જેમણે આ ફિલ્મ દ્વારા 20 વર્ષ પછી દિગ્દર્શનનું સુકાન ફરી પોતાના હાથમાં લીધું.

1991માં આવેલી ‘સડક’ ફિલ્મની આ સીક્વલ છે. ‘સડક’ ફિલ્મમાં સંજય દત્ત, પૂજા ભટ્ટ અને સદાશીવ અમરાપુરકર મુખ્ય ભૂમિકાઓમાં હતાં. એ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ થઈ હતી અને એના ગીત-સંગીતને લોકો હજી પણ યાદ કરે છે.

‘સડક 2’ રવિ નામના પાત્રના ડિપ્રેશનની વાર્તા છે, જેમાં તે એક છોકરીની મદદ કરે છે જે એક બની બેઠેલા સ્વામી (ગોડમેન)નું સત્ય દુનિયા સામે લાવવા માગે છે.

‘સડક 2’ને મુકેશ ભટ્ટે પ્રોડ્યૂસ કરી છે અને ફિલ્મનું શૂટિંગ ઉટી, મુંબઈ, મૈસૂર અને ઉત્તરાખંડમાં કરવામાં આવ્યું હતું.

આ ફિલ્મને પહેલાં માર્ચ 2020માં રિલીઝ કરવાનું વિચારાયું હતું, પણ કોરોના વાઈરસને કારણે ફિલ્મની રિલીઝને અટકાવી દેવામાં આવી હતી. ત્યારબાદ ડિઝની+હોટસ્ટાર દ્વારા એવી જાહેરાત કરાઈ હતી કે ‘સડક 2’ ફિલ્મ એના પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે.