બોગદામાં ગાબડું પડ્યું; કોંકણ રેલવેની ટ્રેનોને અન્યત્ર વાળવી પડી

પણજીઃ ગોવામાં ભારે વરસાદને કારણે એક બોગદાનો એક ભાગ તૂટી પડ્યા બાદ કોંકણ રેલવે રૂટ પર અનેક ટ્રેનોનો માર્ગ બદલી નાખવામાં આવ્યો છે. સદ્દભાગ્યે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.

ગોવામાં પેરનેમ ખાતે આજે વહેલી સવારે ભારે વરસાદને કારણે એક બોગદાની દીવાલનો પાંચ મીટર જેટલો ભાગ તૂટી પડ્યો હતો. એને કારણે ગોવામાંથી કોંકણ રેલવે લાઈન પરની અનેક ટ્રેનોને પડોશના કર્ણાટકના લોન્ડા માર્ગે વાળવી પડી છે.

બોગદામાં ગાબડાની ઘટનામાં કોઈને ઈજા નથી થઈ અને પાટાનું સમારકામ ચાલુ છે, એમ કોંકણ રેલવે કોર્પોરેશન લિમિટેડના પ્રવક્તા બબન ઘાટગેએ કહ્યું છે.

આ વિભાગ પર ટ્રેનવ્યવહાર વધુ આદેશ ન મળે ત્યાં સુધી સ્થગિત કરી દેવામાં આવ્યો છે. આ વિભાગ પરની ટ્રેનોને લોન્દા માર્ગે વાળવામાં આવી રહી છે. કોઈ પણ ટ્રેન રદ કરવામાં આવી નથી.

એર્નાકુલમ-હઝરત નિઝામુદ્દીન સુપરફાસ્ટ સ્પેશિયલ એક્સપ્રેસ, તિરુવનંતપુરમ-લોકમાન્ય તિલક સ્પેશિયલ એક્સપ્રેસ જેવી ટ્રેનોને અન્ય રૂટ પર વાળી દેવામાં આવી છે.