શ્રેય હોસ્પિટલમાં આગઃ નીડર એટેન્ડન્ટે ત્રણ વરિષ્ઠ નાગરિકનો જીવ બચાવ્યો

અમદાવાદઃ શહેરના નવરંગપુરા વિસ્તારની શ્રેય હોસ્પિટલમાં શોર્ટ સર્કિટને કારણે આજે વહેલી સવારે આગ લાગી હતી, જેમાં આઠ વ્યક્તિનાં મોત થયાં છે, પણ આ ભીષણ આગ લાગી ત્યારે ત્યાં એક 25 વર્ષીય એટેન્ડન્ટે અદમ્ય સાહસ દાખવ્યું હતું. તેણે આવા કપરા સમયે ત્રણ સિનિયર સિટિઝનોના જીવ બચાવ્યા હતા. તે યુવક ત્યાં કામ કરી રહ્યો હતો અને તેણે આવી દુર્ઘટનામાં બખૂબી બુદ્ધિચાતુર્યનો ઉપયોગ કર્યો હતો.

ફાયરબ્રિગ્રેડના અધિકારીઓએ કહ્યું હતું કે જે ICU વોર્ડમાં જે દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા, તેમાંથી પાંચ પુરુષ અને ત્રણ મહિલા દર્દીઓનાં મોત થયાં હતા.

શ્રેય હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગી

શ્રેય હોસ્પિટલમાં ચાર માળની છે અને હોસ્પિટલના ચોથા માળે સવારે 3.30 કલાકે આગ લાગી ગઈ હતી, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ આ હોસ્પિટલ કોરોના વાઇરસના દર્દીઓની સારવાર માટે ફાળવી હતી.  જ્યારે આગ લાગી હતી, ત્યારે ચોથા માળે 11 દર્દીઓ હતા. પોલીસના જણાવ્યાનુસાર કોવિડ-19ના દર્દીઓ માટે ચોથા માળે એક વિશેષ ICU વોર્ડ બનાવવામાં આવ્યો હતો.

ચિરાગ પટેલે જીવ જોખમમાં મૂક્યો

આ આગ લાગી ત્યારે હોસ્પિટલના એટેન્ડન્ટ ચિરાગ પટેલે પોતાનો જીવ જોખમમાં મૂકીને ત્રણ સિનિયર સિટિઝનોને બચાવ્યા હતા. જોકે ચોથા માળે લાગેલી આ આગને પહેલાં અન્ય એટેન્ડન્ટે જોઈ હતી. પટેલે પોલીસને નિવેદન આપ્યા પછી સંવાદદાતાઓને કહ્યુંહ તું કે જ્યારે હું ચોથા માળે ગયો હતો ત્યારે મે જોયું કે દર્દીના બેટ પાસે કેટલાંક મેડિકલ ઉપકરણોમાં આગની જ્વાળાઓ નીકળી રહી હતી અને એ દર્દીના વાળોમાં આગ લાગેલી હતી. જેથી મેં તરત જ તેમના બેડથી મોનિટરને દૂર કર્યું, એક બીજા એટેન્ડન્ટના PPE સૂટમાં પણ આગ લાગી હતી. જોકે સારા નસીબથી એક ડોક્ટર પાણીની એક ડોલની સાથે ઉપર આવ્યો અને તેણે એ એટેન્ટન્ટ પર પાણી નાખીને તેને બચાવ્યો.

ICU વોર્ડમાં એક વિસ્ફોટ

જોકે એ પછી અચાનક ICU વોર્ડમાં એક વિસ્ફોટ થયો. જેથી અમે દર્દીઓને બચાવવા માટે ફરી ઉપર ગયા, પણ ત્યાં આગને લીધે ધુમાડા નીકળતા હતા અને બહુ ઓછું દેખાતું હતું તેમ જ અંદર જવું સંભવ નહોતું, એમ તેણે કહ્યું હતું.

ગૂંગળામણનો અનુભવ

પટેલે જણાવ્યું હતું કે અન્ય એક એટેન્ડન્ટ અને ડોક્ટર ધુમાડાને કારણે ગૂંગળામણ અનુભવતા હતા, તેથી મેં ત્યાં રહેવાનો નિર્ણય કર્યો અને અન્યોને સલામતી માટે નીચે જવા કહ્યું. આ દરમ્યાન હોસ્પિટલના કર્મચારીઓએ ફાયરબ્રિગ્રેડને જાણ કરી.

ચોથા માળે 11 દર્દીઓ હતા

પટેલે કહ્યું હતું કે એ સમયે ચોથા માળે 11 દર્દીઓ હતા અને તેમને બચાવવા મુશ્કેલ કાર્ય હતું. હું ચોથા માળે એકલો હતો અને મેં સૌથી પહેલાં એક વરિષ્ઠ મહિલા દર્દીને ઉઠાવી લીધાં. તેઓ ચાલી નહોતાં શકતાં. હું  તેમને જેમતેમ કરીને નીચે લાવ્યો. એ પછી ફરી હું ઉપર ગયો ત્યારે ત્યાં ધુમાડાના ગોટેગોટા હતા. એ પછી મેં અન્ય એક વરિષ્ઠ મહિલાને મદદ કરી, તેઓ નીચે પડી ગયાં હતાં અને ચાલી નહોતાં શકતાં. તેમને એક પુરુષ દર્દીની સાથે સુરક્ષિત નીચે ઊતરવામાં મદદ કરી.

ધુમાડાને કારણે કશું દેખાતું નહોતું

ત્યાર બાદ ધુમાડાને કારણે કશું દેખાતું નહોતું અને હું પણ શ્વાસ નહોતો લઈ શકતો, જેથી હું ફરી અંદર ના જઈ શક્યો. મેં બહારના પાઇપોથી ચોથી માળે ચઢી ગયો અને દર્દીઓની બારી પાસેથી તેમને બચાવવાના પ્રયાસો કર્યા, પણ બારીને હું તોડી ના શક્યો, એમ તેણે કહ્યું હતું.

મારા માટે એક દર્દીનું જીવન વધુ મહત્ત્વનું

મને આનંદ એ છે હું ત્રણ ગંભીર દર્દીઓને બચાવવામાં સક્ષમ રહ્યો. મારા માટે એક દર્દીનું જીવન પણ મારા જીવન કરતાં વધુ મહત્ત્વનું છે. DCP ઝોન-1ના રવીન્દ્ર પટેલે કહ્યું હતું કે પોલીસે હોસ્પિટલના કર્મચારીઓનાં નિવેદનોને તપાસનો એક હિસ્સો ગણાવ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]