શ્રેય હોસ્પિટલમાં આગની દુર્ઘટનામાં આઠ કોરોનાગ્રસ્ત દર્દીઓનાં મોતઃ સગાંઓનો ભારે હંગામો

અમદાવાદઃ શહેરના નવરંગપુરામાં આવેલી શ્રેય હોસ્પિટલમાં આગ લાગતાં કમસે કમ આઠ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ હોસ્પિટલ કોવિડ-19ના દર્દીઓ માટે ફાળવવામાં આવી છે. આ આગની દુર્ઘટનામાં કોવિડ-19ના દર્દીઓનાં મોત થયાં છે. શ્રેય હોસ્પિટલમાં ગઈ કાલે રાત્રે આશરે ત્રણ કલાકે અચાનક આગ લાગી હતી. આ આગમાં કોરોનાના દર્દી એવા પાંચ પુરુષો અને ત્રણ મહિલા સહિત આઠ દર્દીઓના મોત થયાં હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. આ દુર્ઘટના ICUમાં લાગી હતાં, જેમાં સારવાર લઈ રહેલા આઠ દર્દીઓનાં મોત થયાં હતાં.આ હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી છે અને આ હોસ્પિટલ સામે FIR નોંધવામાં આવ્યો છે.

વડા પ્રધાને ટ્વીટ કર્યું

આ દુર્ઘટનાની વડા પ્રધાને ગંભીર નોંધ લેતાં એક ટ્વીટ કર્યું છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ દુર્ઘટના અંગે તપાસના આદેશ આપ્યા છે. આ આગમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો છે. આ આગમાં એક પિતા-પુત્રના પણ મોત થયાં હતાં. વડા પ્રધાને આ દુર્ઘટનાને અત્યંત દુખદ ગણાવી હતી અને મૃતકોને બે લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. જોકે મુખ્ય પ્રધાને આ ઘટનામાં કોઈ સહાયની હજી સુધી જાહેરાત નથી કરી.

હોસ્પિટલમાં આગ શોર્ટ સર્કિટને કારણે

શ્રેય હોસ્પિટલમાં આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાની શક્યતા છે. જોકે ફાયર વિભાગ આ અંગે તપાસ કરી રહ્યું છે. આ હોસ્પિટલને ફાયરનું NOC મળ્યું હતું કે કેમ –એ પણ તપાસ કરવામાં આવી છે. હાલમાં આરોગ્ય સચિવ જયંતી રવિ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં.

 અન્ય 35 દર્દીઓને અન્ય હોસ્પિટલોમાં ખસેડાયા

આ હોસ્પિટલમાં આગ લાગ્યા પછી ફાયર બ્રિગ્રેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ હોસ્પિટલના કર્મચારીઓએ આગ લાગ્યાના તરત બાદ 35 અન્ય દર્દીઓને SVP હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

મધરાતે હોસ્પિટલમાં અફરાતફરી

આ આગ ત્રણથી સાડાત્રણ દરમ્યાન લાગતાં મધરાતે હોસ્પિટલમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 8 દર્દીઓના મોત થયા છે. તેમના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. હોસ્પિટલમાંથી અન્ય લોકોને બચાવી પણ લેવામાં આવ્યા છે.

શ્રેય હોસ્પિટલ બહાર દર્દીઓના પરિવાજનોનો આક્રોશ
શ્રેય 50 બેડવાળી કોવિડ-19 હોસ્પિટલ છે. જ્યાં 40થી વધુ કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. આ દુર્ઘટનામાં જે દર્દીઓનાં મોત થયાં છે, એ દર્દીઓની માહિતી પરિવારજનોને ન આપવાના આક્ષેપ સાથે હોસ્પિટલની બહાર પરિવારજનોનો આક્રોશ જોવા મળ્યો હતો.

આ હોસ્પિટલમાં જે દર્દીઓનાં મોત થયાં છે, તેમનાં નામ નીચે મુજબ છે.

પાલડીના આયશાબહેન તીરમિઝી- પાલડી,  જ્યોતિબેન સિંધી- ખેરાલુ, અરવિંદભાઈ ભાવસાર-મેમનગર,  નવીનલાલ શાહ- ધોળકા,  આરિફ મન્સૂરી-વેજલપુર, લીલાવતીબેન શાહ- વાસણા,  નરેન્દ્રભાઈ શાહ-ધોળકા અને  મનુભાઈ ઈશ્વરભાઈ રામી- મેમનગરનો સમાવેશ થાય છે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]