નવી  ઔદ્યોગિક નીતિઃ વિદેશના ઉદ્યોગકારો માટે લાલ જાજમ બિછાવાઈ

ગાંધીનગરઃ રાજ્યમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની સરકારે ચાર વર્ષ પૂર્ણ થયાં છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને ઉપમુખ્ય પ્રધાન નીતિન પટેલે પત્રકાર પરિષદમાં આ ઔદ્યોગિક નીતિની જાહેરાત કરી હતી. આ પહેલાંની ઔદ્યોગિક નીતિની મુદત ડિસેમ્બર, 2019માં પૂરી થઈ ગઈ છે. પરંતુ નવી નીતિ ના બને ત્યાં સુધી  જૂની નીતિના લાભોને ચાલુ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેથી આ ચોથી વર્ષગાંઠે મુખ્ય પ્રધાન દ્વારા રાજ્યની ઔદ્યોગિક નીતિ-2020ની જાહેરાત કરવામાં આવી હતી. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે રાજ્યનો વિકાસદર 10.14 ટકા છે. સ્ટાર્ટઅપ ક્ષેત્રે રાજ્યનો ટોપ ટેન રાજ્યમાં સમાવેશ થયો છે. રાજ્યમાં બેરોજગારી દરનો દર માત્ર 3.4 ટકા છે. નવી નીતિમાં વિદેશના ઉદ્યોગકારો માટે લાલ જાજમ બિછાવવામાં આવી છે.

નવી નીતિમાં 19 જેટલા ક્ષેત્રોનો સમાવેશ

રાજ્ય સરકારે નવી નીતિમાં 19 વિવિધ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જે રાજ્યના 33 જિલ્લાઓને અસર કરે છે. સરકારે અગાઉની નીતિમાં 12 ક્ષેત્રો પર કામ કર્યું હતું. કોઈ પણ પ્રોજેક્ટને એક વર્ષ સુધીમાં કાર્યરત કરવાનો સમયગાળો આપવામાં આવ્યો છે. જ્યારે સામાન્ય ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને પૂર્ણ કરવા નવી ઉદ્યોગ નીતિ જાહેર થયાનાં બે વર્ષમાં કાર્યરત કરવાનો સમય આપવામાં આવશે.

નવી નીતિનો સમયગાળો 2020થી 2025

સરકારે દેશના મૂડીરોકાણમાં અન્ય અગ્રણી રાજ્યોની નીતિને ધ્યાનમાં રાખીને આ નવી નીતિમાં સુધારાવધારા કર્યા છે. આ નવી નીતિનો સમયગાળો 2020થી 2025 સુધીનો રહેશે  નવી ઔદ્યોગિક નીતિમાં વિદેશી મૂડીરોકાણને આકર્ષવા માટે મોટા પાયે પ્રયાસ કરવામાં આવ્યા છે.

 • ઉદ્યોગનીતિમાં કરાયેલી અન્ય જાહેરાતો 

  • ઉદ્યોગોએ હવે બજાર કિંમતના છ ટકા ભાડું ચૂકવવાનું રહેશે.
  • તમામ ઉદ્યોગોને સરકાર જમીન ભાડેપટ્ટે આપશે, જેથી ઉદ્યોગોને જમીન માટે વધુ નાણાં ચૂકવવા પડે.
  • જમીન ગિરવે રાખી ઉદ્યોગકારો લોન લઈ શકશે.
  • મૂડીરોકાણની 12 ટકા રકમ પરત કરવામાં આવશે.
  • ઉદ્યોગકારોને પાંચ વર્ષ સુધી ઇલેક્ટ્રિક ડ્યૂટીમાંથી મુક્તિ આપવામાં આવશે.
  • રાજ્યમાં FDI પ્રવાહ 240 ટકા વધ્યો
  • દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનનો 17 ટકા હિસ્સા સાથે ઔદ્યોગિક ઉત્પાદનમાં દેશમાં પ્રથમ સ્થાને
  • નાના અને મધ્યમ ઉદ્યોગોને ૨૫ ટકા સુધીની લોન સબસિડી મળવા પાત્ર રહેશે
  • વ્યાજ સબસિડીમાં સાત વર્ષના સમયગાળા સુધી 7 ટકા સુધી ૩૫ લાખ સુધી સબસિડી આપવામાં આવશે.
  • ઈલેક્ટ્રિક સિટી ડ્યુટી છૂટ આપવામાં આવશે.
  • નવી ઉદ્યોગ નીતિમાં મિડિયાને પણ સમાવેશ કરવામાં આવ્યો.
  • નાના અને મધ્યમ ઉદ્યોગો સોલર પાવરનું ઉત્પાદન કરીને ઉપયોગ કરશે, તો તેમને વધારાની સહાય પણ ચૂકવાશે.સોલર પાવર દ્વારા ઉત્પાદિત વધારાનું ઉત્પાદન સવા બે રૂપિયા લેખે સરકાર ખરીદે છે. 
  • ખાનગી ઇન્ડસ્ટ્રિયલ પાર્ક કરવા માટે પણ પ્રોત્સાહન આપવામાં આવશે
  • ઉદ્યોગોને મૂડીરોકાણના ૨૫ ટકા સુધીની સહાય કરવામાં આવશે. 30 કરોડ સુધીની મદદ સરકાર કરશે.
  • નવી પોલિસીમાં તાલીમ માટે પણ ખાસ જોગવાઈ કરવામાં આવી છે. વ્યક્તિગત તાલીમ લેનાર વ્યક્તિને 15,000 રૂપિયા સુધીનું વળતર આપવામાં આવશે.
  • સિંગલ વિન્ડો સિસ્ટમ અમલમાં મૂકવામાં આવશે.
  • આદિવાસી વિસ્તારમાં મૂડીરોકાણમાં 25 ટકા રાહત આપવામાં આવશે.
  • નવા ઉદ્યોગોને ૫૦ વર્ષ સુધી લાંબા ગાળાની લીઝ પર જમીન અપાશે
  • MSMEમાં 60 ટકાનો વધારો થયો છે
  • MSMEને ટેક્નોલોજી અપગ્રેડેશનમાં નવી નીતિ મદદ કરશે
  • નવા એકમોને લોન લેવામાં સરકાર મદદ કરશે
  • આત્મનિર્ભર ગુજરાત પર નવી નીતિમાં ભાર મૂકવામાં આવ્યો.

રાજ્યના ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ એમ. કે. દાસે કહ્યું હતું કે આ નીતિમાં ઉદ્યોગો તેમ જ નવા સ્થપાનારા ઉદ્યોગો માટે અનેક પ્રોત્સાહનો જાહેર કરવામાં આવ્યાં છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]