Home Blog Page 4690

૧૯ ઓગસ્ટ ૨૦૨૦

પંચાંગ 19/08/2020

એપ્રિલથી અત્યાર સુધી દેશમાં 1.89 કરોડ લોકોએ નોકરીઓ ગુમાવીઃ CMIE

નવી દિલ્હીઃ એપ્રિલથી અત્યાર સુધી દેશમાં કોરોના વાઇરસના રોગચાળાને લીધે 1.89 કરોડ લોકોએ નોકરીઓ ગુમાવી છે, જેમાં આશરે 50 લાખ લોકોની નોકરીઓ ગયા મહિને ગઈ છે, એમ સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE)ના આંકડા જણાવે છે.

ડેટા મુજબ જુલાઈ મહિનામાં આશરે 50 લાખ નોકરી ગયા પછી લગભગ 39 લોકોને જૂનમાં મળી હતી. એપ્રિલમાં 1.77 કરોડ લોકોની નોકરીઓ ગઈ હતી. ત્યાર બાદ મે મહિનામાં એક લાખ લોકોએ નોકરીઓ ગુમાવી હતી. એક વાર નોકરીઓ જાય એ પછી કોઈ પણ કર્મચારીને સહેલાઈથી નોકરી નથી મળતી અથવા નોકરી મળવી મુશ્કેલ બને છે. આ સંખ્યામાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, એમ CMIEના CEO મહેશ વ્યાસે કહ્યું હતું. આમેય સરેરાશ નોકરીઓ આશરે 190 લાખ (1.90 કરોડ) નોકરીઓ વર્ષ 2019-20માં ઓછી હતી. પાછલા નાણાકીય વર્ષની તુલનાએ નોકરીઓમાં 22 ટકાનો ઘટાડો થયો હતો.

CMIEના તાજા આંકડાથી એ માલૂમ પડે છે કે આ સમયગાળા દરમ્યાન આશરે 68 લાખ દૈનિક વેતન કમાતા લોકોએ નોકરીઓ ગુમાવી હતી. જોકે આશરે 1.49 કરોડ લોકો ખેતી ક્ષેત્ર તરફ વળ્યા હતા.લોકડાઉનની જાહેરાતને પગલે સમગ્ર ક્ષેત્રોમાં નોકરીઓમાં કાપ મુકાવા માંડ્યો હતો અને પગારકાપ સાથે લીવ વિધાઉટ પે પણ થવા માંડ્યો હતો.

ઔદ્યોગિક સંસ્થાઓએ અને કેટલાય અર્થશાસ્ત્રીઓએ કોરોના વાઇરસ રોગચાળા દરમ્યાન મોટા પાયે નોકરીઓમાં કાપથી બચવા ઉદ્યોગોને સરકારી મદદ કરવા આહવાન કર્યું હતું.

 

 

‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ નિમિત્તે યૂટ્યૂબ પર સિતાંશુ યશશ્ચંદ્રનું ચિંતનાત્મક વ્યાખ્યાન

મુંબઈઃ કળા, સાહિત્ય, સંસ્કૃતિ અને વિજ્ઞાનનો સમન્વય સાધી એમના પ્રચાર અને પ્રસારનું કાર્ય કરતી અત્રેના કાંદિવલી ઉપનગરની સંસ્થા ‘સંવિત્તિ’ના ઉપક્રમે ૨૪ ઑગસ્ટ, ૨૦૨૦ના રોજ વીર નર્મદના જન્મદિવસ, જેને ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે, તેની ઉજવણી રૂપે એક ચિંતનાત્મક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. વિષય છે: ‘સશક્ત સમાજનું સાહિત્ય, સશક્ત સાહિત્યનો સમાજ’.

આ વ્યાખ્યાનના વક્તા છે, મેધાવી સર્જક, સાહિત્ય મીમાંસાના ઊંડા અભ્યાસી અને મર્મજ્ઞ કવિશ્રી સિતાંશુ યશશ્ચંદ્ર.

વ્યાખ્યાન વિશે સંક્ષિપ્ત રૂપરેખા

¤ ભાષા સાથે, આપણી માતૃભાષા સાથે આપણો સંબંધ કેવો?, જગતભરમાં ફેલાયેલી અંગ્રેજીની જેમ ભાષાને જીવંત રાખવા માટે અંગ્રેજો જેવું વિશ્વવ્યાપક સાંસ્થાનિક સામ્રાજ્ય જરૂરી છે? એ જ રીતે સંસ્કૃત ભાષા બૃહદ્ વ્યાપમાં કેવી રીતે ફેલાઈ?, એનું મૂળ રાજસત્તા નહીં, સાહિત્યસત્તા અને જ્ઞાનસત્તા હતાં. ગુજરાતી ભાષા એ બે શક્તિમત્તા કઈ રીતે મેળવી શકે?,  વાણિજ્ય વિશેષજ્ઞતા, રાજકીય કે ધાર્મિક સંગઠનથી સમર્થ બનેલી ગુજરાતી પ્રજાનું સાહિત્ય કેવું હોય?,  નરસિંહ-મીરાં, અસાઈત-અખો, પ્રેમાનંદ-શામળ, નર્મદ, નાનાલાલ, ગોવર્ધનરામ, ગાંધી, ઉમાશંકર-સુંદરમ, પન્નાલાલ-દર્શક, રાજેન્દ્ર-નિરંજન આદિથી સશક્ત અને સમર્થ બનેલા સાહિત્યથી પોષાયેલી પ્રજા કેવી હોય?,  ૨૧મી સદીમાં ગુજરાતી ભાષાનું જ્ઞાનસામર્થ્ય કઈ રીતે કેળવવું?

આવા સાત મુદ્દાઓને આવરી લેતું વ્યાખ્યાન – સોમવાર, તા. ૨૪ ઑગસ્ટ, ૨૦૨૦ની સવારે ૧૧.00 વાગ્યે યૂટ્યૂબ પર મૂકવામાં આવશે. આ કાર્યક્રમને આપ યૂટ્યૂબ પર samvitti ek jagruti લખીને જોઈ શકશો.

વધુ માહિતી માટે સંપર્ક – કીર્તિભાઈ શાહ – 9323656339

ગુજરાત સરકારે રાજ્યમાં 70થી વધુ માળની ગગનચુંબી ઇમારતો બાંધવા મંજૂરી આપી

ગાંધીનગરઃ રાજ્ય સરકારે 70થી વધુ માળની ગગનચુંબી બિલ્ડિંગો બાંધવા માટે મંજૂરી આપી દીધી છે. સરકારે રાજ્યનાં પાંચ મુખ્ય શહેરોમાં 70 કે તેથી વધુ માળની ઇમારતોના નિર્માણને મંજૂરી આપી છે. હાલના નિયમો અનુસાર રાજ્યમાં મહત્તમ 23 માળની બિલ્ડિંગો બાંધી શકાય છે.

હવે રાજ્ય સરકારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગરમાં 70 અથવા તેનાથી વધુ માળની ઊંચી ઇમારતોના બાંધકામને મંજૂરી માટે કોમન GDCR (જનરલ ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન્સ)માં સંશોધન કરવાનો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા મંજૂરીપ્રાપ્ત ઇમારતો વિશેના આ નવા નિયમો એ બિલ્ડિંગોને લાગુ પડશે, 100 મીટરથી વધુ ઊંચાં છે. આ પ્રકારના પ્રોજેક્ટોને મંજૂરી આપવા માટે એક સ્પેશિયલ ટેક્નિકલ કમિટીની રચના કરવામાં આવશે.

100થી 150 મીટરની વચ્ચેની ઊંચાઈવાળી ગગનચુંબી ઇમારતનું નિર્માણનું કદ 2500 સ્ક્વેર મીટરથી 3500 સ્ક્વેર મીટરમાં હોવું જોઈએ, જો પ્રસ્તાવિત ઊંચાઈ 150 મીટરથી વધુ હોય, એમ યાદીમાં કહેવામાં આવ્યું છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન સિવાય નવા નિયમો હેઠળ મોડલનું માળખું વિન્ડ ટનલ ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યા છે. રૂપાણીએ વિશ્વાસ દર્શાવ્યો હતો કે નમવા નિયમોથી જમીનનો મહત્તમ ઉપયોગ કરવા દેવામાં આવશે અને એથી ઘરોની કિંમતોમાં ઘટાડો થવામાં મદદ મળશે.

વરસાદ હોય તો શું થયું, મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓની નેટ પ્રેક્ટિસ ચાલુ છે…

આ વખતની ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધા, જે 13મી આઈપીએલ અથવા આઈપીએલ-2020 છે, એ ભારતમાં નહીં, પણ સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ)માં રમાવાની છે. આઠેય ટીમના ખેલાડીઓ યૂએઈમાં ભેગા થશે અને અબુધાબી, દુબઈ, શારજાહમાં 20-20 ફોર્મેટની મેચો રમશે. સ્પર્ધાનો આરંભ 19 સપ્ટેંબરથી થશે અને 10 નવેંબરે ફાઈનલ મેચ રમાશે. આઠમાંની એક ટીમ, મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓ હાલ મુંબઈની પડોશના થાણે જિલ્લાના નવી મુંબઈ શહેરના ઘણસૌલી ઉપનગરના MIDC ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં આવેલા રિલાયન્સ કોર્પોરેટ પાર્કમાં નેટ પ્રેક્ટિસ કરી રહ્યા છે. હાલ મુંબઈમાં વરસાદની મોસમ છે એટલે ક્રિકેટની પ્રેક્ટિસ સંભવ જ ન હોય, પણ રિલાયન્સ કોર્પોરેટ પાર્કમાં જુઓ ખેલાડીઓની પ્રેક્ટિસ માટે કેવી વ્યવસ્થા કરવામાં આવી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની માલિકીની મુંબઈ ઈન્ડિયન્સ ટીમ અત્યાર સુધીમાં 4 વખત આઈપીએલ સ્પર્ધામાં વિજેતા બની ચૂકી છે. (તસવીર સૌજન્યઃ mumbaiindians.com)

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 16 ટકા વધારે વરસાદ થયો

મુંબઈઃ આ વર્ષે ચોમાસાની મોસમમાં મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સારો વરસાદ થયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં નોર્મલ સરેરાશ કરતાં 16 ટકા વધારે વરસાદ પડી ચૂક્યો છે.

રાજ્યમાં 1 જૂનથી 17 ઓગસ્ટ સુધીમાં 826 મિ.મી. વરસાદ પડી ચૂક્યો હતો. આ જ સમયગાળા માટે નોર્મલ એવરેજ 713 મિ.મી.ની છે.

આમ, આ વખતનો વરસાદ 16 ટકા વધારે બતાવે છે. તે છતાં હવામાન વિભાગની સ્કેલ આને હજી નોર્મલ વરસાદ તરીકે જ ઓળખાવે છે.

રાજ્યના કુલ 36માંથી છ જિલ્લામાં જરૂર કરતાં વધારે વરસાદ પડ્યો છે જ્યારે યવતમાળ, ગોંદિયા અને આકોલામાં વરસાદની ખાધ નોંધાઈ છે.

મુંબઈમાં આ વખતની મોસમમાં અત્યાર સુધીમાં અમુક દિવસોએ અતિ ભારે વરસાદ પડ્યો હતો. સરેરાશ મુજબ પ્રતિ દિવસ 50 મિ.મી. વરસાદ પડ્યો છે.

મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતા જળાશયોમાં જળસપાટી ખાસ્સી એવી વધી છે અને જળાશયો 75 ટકા ભરાઈ ગયા છે. જોકે ગયા વર્ષે આ જ સમયગાળા વખતે આનાથી વધારે વરસાદી પાણી આવ્યું હતું. શહેરમાં ચોમાસું હજી પૂરું થયું નથી અને હજી વધારે વરસાદ પડવાની સંભાવના હોવાથી જળાશયોમાં નવું પાણી આવવાની ધારણા છે.

મુંબઈના હાઈડ્રોલિક એન્જિનીયરના વિભાગ તરફથી મળેલી માહિતી મુજબ 18 ઓગસ્ટ, 2020ની સવારે મુંબઈના સાત જળાશયોમાં જળસપાટી આ મુજબ હતીઃ

નામ

વર્ષ

હાલની જળસપાટી મિ.લિ.માં

જળાશયની મૂળ ક્ષમતા મિ.લિ.માં

પાણીની આવક ટકાવારીમાં

અપર વૈતરણા

2020

153656

227047

67.7

2019

203789

89.8

મોડક સાગર

2020

127410

128925

98.8

2019

128925

100.0

તાનસા

2020

129393

145080

89.2

2019

143887

99.2

મિડલ વૈતરણા

2020

173418

193530

89.6

2019

184778

95.5

ભાત્સા

2020

581021

717037

81.0

2019

666281

92.9

વિહાર

2020

27698

27698

100.0

2019

27698

100.0

તુલસી

2020

8046

8046

100.0

2019

8046

100.0

કરણ જોહરનો ‘પદ્મશ્રી’ પાછો લઈ લોઃ કંગનાની સરકારને વિનંતી

નવી દિલ્હીઃ ફિલ્મ અભિનેત્રી કંગના રણૌતે ફરી એક વાર ફિલ્મ ‘ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ’ મામલે પ્રોડ્યુસર કરણ જોહર પર નિશાન સાધ્યું છે અને સરકારને વિનંતી કરી છે કે કરણ જોહરને આપેલો ‘પદ્મશ્રી’ પુરસ્કાર પાછો લઈ લેવામાં આવે. તેણે કરણ જોહર પર એન્ટિ-નેશનલ ફિલ્મ બનાવવાનો પણ આરોપ મૂક્યો છે. તેણે એમ પણ કહ્યું છે કે કરણ જોહરે તેને ધમકી આપી છે અને સુશાંત સિંહ રાજપૂતની કેરિયર પણ બરબાદ કરી હતી.

કંગના રનોત ટીમે એક ટવીટ કર્યું હતું કે હું કેન્દ્ર સરકારને પ્રાર્થના કરું છું કે કરણ જોહર પાસેથી પદ્મશ્રી સન્માન પાછું લેવામાં આવે. તેણે કહ્યું હતું કે એક આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર મને ખુલ્લેઆમ ધમકી પણ આપી છે અને મને ઇન્ડસ્ટ્રી છોડવા માટે કહ્યું હતું. તે સુશાંત સિંહ રાજપૂતની કેરિયર ખતમ કરવા માટે જવાબદાર છે. ઉરી હુમલા દરમ્યાન પણ તેણે પાકિસ્તાનને સપોર્ટ કર્યો હતો અને હવે આપણી સેનાની સામે દેશવિરોધી ફિલ્મ બનાવી છે.

કંગના રનોત ટીમે એક શખસના ટ્વીટને રિટ્વીટ કરતાં આ બધુ લખ્યું છે. સૌમ્યા દીપ્તાએ ટ્વિટર પર શ્રી વિદ્યા રાજનની ફ્લાઇટ લેફ્ટેનન્ટની પોસ્ટ શેર કરી છે. સૌમ્યા દીપ્તાનું કહેવું છે કે શ્રીવિદ્યા રાજન ઉધમપુર એરફોર્સ બેઝમાં ગુંજન સકસેનાની કોર્સ-મેટ હતી. તેણે પુષ્ટિ કરી છે કે આર્મ રેસલિંગ સીન સંપૂર્ણ રીતે ખોટો છે. તેમણે કહ્યું હતું કે ગુંજન સક્સેના ફેક્ટ્સને તોડીમરોડીને રજૂ કર્યા છે. શ્રીવિદ્યા રાજને પોતાના ફેસબુક પોસ્ટમાં પણ એનો ખુલાસો કર્યો છે.

ગુંજન સક્સેના અને શ્રીવિદ્યા રાજન

એની સાથે સૌમ્યા દીપ્તાએ ગુંજન સકસેના અને શ્રીવિદ્યા રાજનની ટ્રેનિંગ દરમ્યાનના ફોટો શેર કર્યા છે. આ ફોટો શેર કરતાં તેમણે લખ્યું હતું કે ગુંજન સક્સેના અને શ્રીવિદ્યા રાજન ઉધમપુર બેઝમાં ટ્રેનિંગ દરમ્યાન. ગુંજન એર ફોર્સ અધિકારી નથી કે જેણે એકલાએ ટ્રેનિંગ લીધી હતી. શ્રીવિદ્યા પણ પહેલી મહિલા હતી, જેણે કારગિલમાં તહેનાત કરવામાં આવી હતી. ગુંજન તેમના ગયા પછી ત્યાં ગઈ હતી.

 

 

 

 

 

ડ્રીમ-11 છે આઈપીએલ-2020નું નવું ટાઈટલ સ્પોન્સર

મુંબઈઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધાની આ વર્ષની આવૃત્તિ, આઈપીએલ-2020ની ટાઈટલ સ્પોન્સરશિપ ફેન્ટસી સ્પોર્ટ્સ લીગ પ્લેટફોર્મ ‘ડ્રીમ 11’ને ફાળવી છે.

ફેન્ટસી ગેમિંગ પ્લેટફોર્મ ડ્રીમ-11એ રૂ. 222 કરોડમાં આ અધિકાર ખરીદ્યો છે.

ડ્રીમ-11એ ચાઈનીઝ મોબાઈલ ફોન કંપની વિવોની જગ્યાએ આ સ્પોન્સરશિપ હાંસલ કરી છે.

ભારત અને ચીનના લશ્કર વચ્ચે સરહદ પર થયેલી હિંસક અથડામણ બાદ ભારતની જનતામાં ચીનની સરકાર અને ચીનની કોર્પોરેટ કંપનીઓ વિરુદ્ધ ઉગ્ર પ્રત્યાઘાતો આવ્યા છે. કેન્દ્ર સરકારે પણ ચીનની અસંખ્ય મોબાઈલ એપ્લિકેશન્સ પર ભારતમાં પ્રતિબંધ મૂકી દીધો છે.

ભારત સરકારની નારાજગી વચ્ચે ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે આઈપીએલના આરંભ પૂર્વે જ વિવો કંપનીની આ વર્ષ માટેની સ્પોન્સરશિપનો અંત લાવી દીધો હતો. એને પગલે આ અધિકાર હવે કોને મળશે એની ઉત્કંઠા જાગી હતી.

ડ્રીમ-11એ સાડા ચાર મહિના માટે આ સ્પોન્સરશિપ અધિકાર હાંસલ કર્યો છે.

આ વર્ષની આઈપીએલ, ટુર્નામેન્ટની 13મી આવૃત્તિ હશે અને તે ભારતને બદલે સંયુક્ત આરબ અમિરાત (યુએઈ)માં રમાશે. આ વખતની સ્પર્ધા આવતી 19 સપ્ટેંબરથી રમાશે. 10 નવેંબરે ફાઈનલ રમાશે. આ સ્પર્ધાની મેચો અબુધાબી, દુબઈ અને શારજાહમાં રમાશે.

રેસમાં ટાટા સન્સ કંપની પણ હતી અને તે ફેવરિટ મનાતી હતી, પણ ડ્રીમ-11એ એને પરાસ્ત કરી દીધી છે.

વિવો કંપનીએ 2018માં બીસીસીઆઈ સાથે પાંચ વર્ષ માટે ટાઈટલ સ્પોન્સરશિપનો કરાર કર્યો હતો.

દર વર્ષે એ બોર્ડને રૂ. 440 કરોડ ચૂકવતી હતી, પરંતુ આ વર્ષે ચીન વિરુદ્ધના લોકજુવાળને પગલે વિવોને હટાવવાનો બીસીસીઆઈએ નિર્ણય લીધો હતો.

ક્રિકેટ બોર્ડે આ મહિનાના આરંભમાં જાહેરાત કરી હતી કે જે કંપનીઓનું ટર્નઓવર રૂ. 300 કરોડ કે તેથી વધારે હોય એમને જ આઈપીએલ-2020ના સ્પોન્સરશિપ રાઈટ્સ માટે બોલી કરવા દેવામાં આવશે. આ રાઈટ્સ 2020ની 18 ઓગસ્ટથી 2020ની 31 ડિસેંબર સુધી રહેશે.

આઈપીએલ-2020ની સ્પોન્સરશિપ હાંસલ કરવા માટે રિલાયન્સ જિયો, ટાટા સન્સ, અનએકેડેમી, BYJUs જેવી કંપનીઓ પ્રયત્નશીલ હતી. ડ્રીમ-11એ એ તમામને પછાડી દીધી છે. અનએકેડેમીએ 210 કરોડ અને ટાટા સન્સે 180 કરોડની બોલી લગાવી હતી. એજ્યુકેશન એપ કંપની BYJUsએ 125 કરોડની બોલી લગાવી હતી.

રોહિત શર્માને ‘ખેલ રત્ન પુરસ્કાર’ આપવાની ભલામણ કરાઈ

નવી દિલ્હીઃ દેશમાં ખેલકૂદ ક્ષેત્ર માટે રમતવીરને અપાતો સર્વોચ્ચ એવોર્ડ રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર ભારતીય ક્રિકેટ ટીમના વાઈસ-કેપ્ટન અને ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માને આપવાની એવોર્ડ પસંદગી સમિતિએ કેન્દ્ર સરકારને ભલામણ કરવામાં આવી છે.

જો આ ભલામણનો સ્વીકાર થશે તો ખેલ રત્ન એવોર્ડ મેળવનાર રોહિત શર્મા ચોથો ક્રિકેટર બનશે. આ પહેલાં સચીન તેંડુલકર, મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલીને આ એવોર્ડ આપવામાં આવી ચૂક્યો છે.

શર્મા ઉપરાંત અન્ય 3 એથ્લીટને ખેલ રત્ન એવોર્ડ આપવાની ભલામણ કરવામાં આવી છે. અન્યો છેઃ મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ, ટેબલ ટેનિસ ચેમ્પિયન મનિકા બત્રા અને પેરાલિમ્પિક (વિકલાંગો માટેની ઓલિમ્પિક્સ)ના ગોલ્ડમેડલ વિજેતા મરિઅપ્પન થાંગાવેલુ.

આ ભલામણો માટે કેન્દ્રીય સ્પોર્ટ્સ પ્રધાન (કિરન રિજીજુ)ની મંજૂરી મળવી આવશ્યક છે. તેઓ એને મંજૂરી આપે તે પછી રાષ્ટ્રપતિ (રામનાથ કોવિંદ) આ એવોર્ડ્સ એનાયત કરશે.

સચીન તેંડુલકરને 1997માં, ધોનીને 2007માં અને વિરાટ કોહલીને 2018માં ‘ખેલ રત્ન એવોર્ડ’થી સમ્માનિત કરવામાં આવ્યા હતા.