ડ્રીમ-11 છે આઈપીએલ-2020નું નવું ટાઈટલ સ્પોન્સર

મુંબઈઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધાની આ વર્ષની આવૃત્તિ, આઈપીએલ-2020ની ટાઈટલ સ્પોન્સરશિપ ફેન્ટસી સ્પોર્ટ્સ લીગ પ્લેટફોર્મ ‘ડ્રીમ 11’ને ફાળવી છે.

ફેન્ટસી ગેમિંગ પ્લેટફોર્મ ડ્રીમ-11એ રૂ. 222 કરોડમાં આ અધિકાર ખરીદ્યો છે.

ડ્રીમ-11એ ચાઈનીઝ મોબાઈલ ફોન કંપની વિવોની જગ્યાએ આ સ્પોન્સરશિપ હાંસલ કરી છે.

ભારત અને ચીનના લશ્કર વચ્ચે સરહદ પર થયેલી હિંસક અથડામણ બાદ ભારતની જનતામાં ચીનની સરકાર અને ચીનની કોર્પોરેટ કંપનીઓ વિરુદ્ધ ઉગ્ર પ્રત્યાઘાતો આવ્યા છે. કેન્દ્ર સરકારે પણ ચીનની અસંખ્ય મોબાઈલ એપ્લિકેશન્સ પર ભારતમાં પ્રતિબંધ મૂકી દીધો છે.

ભારત સરકારની નારાજગી વચ્ચે ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે આઈપીએલના આરંભ પૂર્વે જ વિવો કંપનીની આ વર્ષ માટેની સ્પોન્સરશિપનો અંત લાવી દીધો હતો. એને પગલે આ અધિકાર હવે કોને મળશે એની ઉત્કંઠા જાગી હતી.

ડ્રીમ-11એ સાડા ચાર મહિના માટે આ સ્પોન્સરશિપ અધિકાર હાંસલ કર્યો છે.

આ વર્ષની આઈપીએલ, ટુર્નામેન્ટની 13મી આવૃત્તિ હશે અને તે ભારતને બદલે સંયુક્ત આરબ અમિરાત (યુએઈ)માં રમાશે. આ વખતની સ્પર્ધા આવતી 19 સપ્ટેંબરથી રમાશે. 10 નવેંબરે ફાઈનલ રમાશે. આ સ્પર્ધાની મેચો અબુધાબી, દુબઈ અને શારજાહમાં રમાશે.

રેસમાં ટાટા સન્સ કંપની પણ હતી અને તે ફેવરિટ મનાતી હતી, પણ ડ્રીમ-11એ એને પરાસ્ત કરી દીધી છે.

વિવો કંપનીએ 2018માં બીસીસીઆઈ સાથે પાંચ વર્ષ માટે ટાઈટલ સ્પોન્સરશિપનો કરાર કર્યો હતો.

દર વર્ષે એ બોર્ડને રૂ. 440 કરોડ ચૂકવતી હતી, પરંતુ આ વર્ષે ચીન વિરુદ્ધના લોકજુવાળને પગલે વિવોને હટાવવાનો બીસીસીઆઈએ નિર્ણય લીધો હતો.

ક્રિકેટ બોર્ડે આ મહિનાના આરંભમાં જાહેરાત કરી હતી કે જે કંપનીઓનું ટર્નઓવર રૂ. 300 કરોડ કે તેથી વધારે હોય એમને જ આઈપીએલ-2020ના સ્પોન્સરશિપ રાઈટ્સ માટે બોલી કરવા દેવામાં આવશે. આ રાઈટ્સ 2020ની 18 ઓગસ્ટથી 2020ની 31 ડિસેંબર સુધી રહેશે.

આઈપીએલ-2020ની સ્પોન્સરશિપ હાંસલ કરવા માટે રિલાયન્સ જિયો, ટાટા સન્સ, અનએકેડેમી, BYJUs જેવી કંપનીઓ પ્રયત્નશીલ હતી. ડ્રીમ-11એ એ તમામને પછાડી દીધી છે. અનએકેડેમીએ 210 કરોડ અને ટાટા સન્સે 180 કરોડની બોલી લગાવી હતી. એજ્યુકેશન એપ કંપની BYJUsએ 125 કરોડની બોલી લગાવી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]