બહામાસ: કેરેબિયન ટાપુ સમૂહ દેશમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. દેશ જ્યારે પોતાની આઝાદીની ઉજવણીમાં ડૂબેલો હતો, ત્યારે જ સર્જાયેલા એક પ્લેન ક્રેશમાં સવાર તમામ 10 લોકોના મોત નીપજ્યા હતા. આ મોટી દુર્ઘટના બાદ બહામાસ સરકારે ‘ફ્લેમિંગો એર’ (Flamingo Air)ની તમામ ફ્લાઇટ્સ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકી દીધો છે.
ઉત્તરી એન્ડ્રોસ નજીક અકસ્માત
આ અકસ્માત શુક્રવારે (10મી જુલાઈ) બહામાસની રાજધાની નાસાઉના પશ્ચિમ ભાગમાં આવેલા ઉત્તર એન્ડ્રોસ (North Andros) નજીક સર્જાયો હતો. બહામાસ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન ઓથોરિટી (AAIA)ના જણાવ્યાનુસાર, સેસ્ના 402 (Cessna 402) – પ્લેન બહામાસમાં જ રજિસ્ટર્ડ હતું. આ વિમાને રાજધાની નાસાઉના ‘લિન્ડેન પિંડલિંગ આંતરરાષ્ટ્રીય વિમાનમથક’ પરથી ઉડાન ભરી હતી અને તે સાન એન્ડ્રોસ જઈ રહ્યું હતું. જ્યારે વિમાન પોતાના ગંતવ્ય સ્થાને પહોંચે તે પહેલા જ તે ક્રેશ થઈ ગયું હતું.
તમામ મુસાફરના મોત
બહામાસના પ્રધાનમંત્રી ફિલિપ બ્રેવ ડેવિસે શરૂઆતમાં માહિતી આપી હતી કે અકસ્માતમાં એક વ્યક્તિનો જીવ બચી ગયો છે. પરંતુ, ત્યારપછી યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે પુષ્ટિ કરી હતી કે ગંભીર ઈજાઓના કારણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન એકમાત્ર બચેલી વ્યક્તિએ પણ દમ તોડી દીધો છે. આ સાથે જ અકસ્માતમાં કુલ મૃત્યુઆંક 10 પર પહોંચ્યો છે. સત્તાવાર રીતે હજુ સુધી તમામ મૃતકોની ઓળખ જાહેર કરવામાં આવી નથી.
તપાસના આદેશ
અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે બહામાસ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન ઓથોરિટી (AAIA) દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ફ્લેમિંગો એરલાઇન્સની તમામ સેવાઓ હાલ પૂરતી રોકી દેવામાં આવી છે.






