મુખ્ય સચિવ અનિલ મુકિમને છ મહિનાનું એક્સટેન્શન
ગાંધીનગરઃ ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકિમને છ મહિનાનું એક્સટેન્શન મળ્યું છે. અનિલ મુકિમે કોરોના સંક્રમણના સમયે કરેલી યોગ્ય કામગીરી બદલ રાજ્ય સરકારે તેમને છ મહિનાનું વધુ એક્સટેન્શન મળે એ માટે કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારની મુકિમના એક્સટેન્શનની અરજીને મંજૂર કરી છે. મુકિમ હવે ફેબ્રુઆરી 2021 સુધી મુખ્ય સચિવના પદે રહેશે.
સરકારની ભલામણને મંજૂરી
રાજ્યના ચીફ સેકેટરી અનિલ મુકિમ 31 ઓગસ્ટે નિવૃત થવાના હતા, પણ રાજ્ય સરકારની ભલામણ પર કેન્દ્ર સરકારે લીલી ઝંડી આપી છે, તેથી હવે રાજ્યમાં અનિલ મુકિમ વધુ છ માસ સુધી ફરજ બજાવશે.
અનિલ મુકિમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નજીકના IAS અધિકારી રહ્યા છે. મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે મુકિમે મુખ્ય પ્રધાન કાર્યાલયમાં કામ કર્યુ છે. મુકિમ 1985 બેચના અધિકારી છે. તેઓ કેન્દ્ર સરકારના ખાણ વિભાગમાં સચિવપદ પર પણ કામ કર્યુ છે. રાજ્ય સરકાર દ્વારા પહેલી ડિસેમ્બરે તેમને રાજ્યના મુખ્ય સચિવ તરીકે કાર્યભાર સોંપવામાં આવ્યો હતો.
સુર સમ્રાટ શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજ (90)નું અમેરિકામાં નિધન
ન્યૂજર્સી (અમેરિકા): સુર સમ્રાટ તરીકે જાણીતા શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજનું ન્યૂજર્સીમાં હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું છે. એ 90 વર્ષના હતા. પંડિત જસરાજના પુત્રી દુર્ગા જસરાજે જાણકારી આપી કે સ્થાનિક સમય મુજબ સોમવારે સવારે 5.15 વાગ્યે એમના પિતાએ આખરી શ્વાસ લીધો હતો.
મેવાતી ઘરાનાના ગાયક પંડિત જસરાજની સંગીત-ગાયકીની કારકિર્દી 80 વર્ષ લાંબી હતી.
આયુષ્ય દરમિયાન એમણે ‘પદ્મવિભૂષણ’, ‘પદ્મશ્રી’, સંગીત નાટક અકાદમી, મારવાડ સંગીત રત્ન પુરસ્કાર સહિત અનેક મોટા પુરસ્કારો મેળવ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પંડિત જસરાજના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને એમની સાથેની પોતાની એક તસવીરને ટ્વિટર પર શેર પણ કરી છે.
પંડિત જસરાજનો જન્મ 1930ની 28 જાન્યુઆરીએ થયો હતો.
એ જ્યારે 22 વર્ષના હતા ત્યારે કાઠમંડુમાં પ્રથમ સોલો સંગીત મહેફિલમાં પરફોર્મ કર્યું હતું. એમણે રાગ મુલતાની અને શિવ ભજનો ગાયા હતા. દર્શકોએ એમને ખૂબ બિરદાવ્યા હતા અને એ સંગીત મહેફિલ નિયમિત યોજાતી રહી. 2014માં પણ પંડિત જસરાજે નેપાળમાં શાસ્ત્રીય સંગીતના પ્રેમીઓ માટે સોલો પરફોર્મન્સ રજૂ કર્યો હતો.
એમનો પરિવાર ચાર પેઢીથી હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતને એક-એકથી ચડિયાતા શિલ્પી પ્રદાન કરવાનું ગૌરવ ધરાવે છે. પંડિત જસરાજના પિતા પંડિત મોતીરામ પણ મેવાતી ઘરાનાના વિશિષ્ટ સંગીતજ્ઞ હતા.
નડિયાદઃ હાઇવે પર કાર અકસ્માતમાં એક જ પરિવારનાં પાંચ સભ્યોનાં મોત
નડિયાદઃ રાજ્યના ખેડા જિલ્લાના નડિયાદ પાસે એક SUV અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં એક જ પરિવારના પાંચ સભ્યોનાં મોત થયાં હતાં, એમ પોલીસે કહ્યું હતું. ગઈ કાલે રાત્રે નેશનલ હાઇવે નંબર-48 પર બનેલી દુર્ઘટનામાં પરિવારના અન્ય ચાર સભ્યો અને SUVનો ડ્રાઇવર ઇજાગ્રસ્ત થયો હતો. અમદાવાદના નવ પરિવારના સભ્યો પોતાના સગાંસંબંધીઓને મળવા આણંદથી પરત ફરી રહ્યા હતા, ત્યારે પિજ ગામની પાસે આવેલા હાઇવે નજીક તેજ ઝડપથી આવી રહેલી SUV તેમની કારથી અથડાઈ ગઈ હતી, એમ પોલીસ અધિકારી એફએ પારગીએ કહ્યું હતું.
આ અકસ્માતમાં બે બાળકો સહિત કારમાં રહેલા પાંચ જણનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે અન્ય ચાર જણ ઇજાગ્રસ્ત થયા હતા, જેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે, એમ તેમણે કહ્યું હતું. SUVચાલક પ્રમુખ પટેલ કે જેઓ SUVમાં એકલા જ હતા, તેઓ ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ દુર્ઘટનામાં સીમા શેખ (24), તેની પુત્રી તનાઝ (4), યાકુબ શેખ (52) અને કૌસર બાનુ (50), અને ઇનાયા શેખ (9)નાં મોત થયાં છે.
SUVચાલક પ્રમુખ પટેલ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 279 (તેજ ડ્રાઇવિંગ) અને 304 (A) (બેદરકારી દાખવવા બદલ મોત) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમને હોસ્પિટલમાંથી રજા અપાયા પછી તેમની ધરપકડ કરવામાં આવશે.
જાણીતા દિગ્દર્શક-અભિનેતા નિશિકાંત કામતનું અવસાન
હૈદરાબાદઃ હિન્દી ફિલ્મ ‘દ્રશ્યમ’ (અજય દેવગન, તબ્બૂ અભિનીત), ‘મદારી’ (ઈરફાન ખાન અભિનીત) અને મરાઠી ફિલ્મ ‘લય ભારી’ (રિતેશ દેશમુખ અભિનીત)ના દિગ્દર્શક નિશિકાંત કામતનું આજે અહીંની હોસ્પિટલમાં નિધન થયું છે. એ 50 વર્ષના હતા. એમને લિવર સિરોસીસની બીમારી હતી. એમને કોરોના વાઈરસ ચેપ પણ લાગુ પડ્યો હતો.
કામતને હૈદરાબાદની એશિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ગેસ્ટ્રોએન્ટરોલોજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી.
કામતે કેટલીક હિન્દી અને મરાઠી ફિલ્મોમાં અભિનય પણ કર્યો હતો.
કામતે જોન અબ્રાહમ સાથે ‘ફોર્સ’ અને ‘રોકી હેન્ડસમ’ ફિલ્મો બનાવી હતી.
કામતનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હતો. 2005માં એમણે મરાઠી ફિલ્મ ‘ડોંબિવલી ફાસ્ટ’ સાથે દિગ્દર્શન ક્ષેત્રમાં એન્ટ્રી કરી હતી. એમની પહેલી જ મરાઠી ફિલ્મને બેસ્ટ ફિચર ફિલ્મનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો.
કામતે 2015માં અજય દેવગન, તબ્બૂ તથા શ્રેયા સરનને ચમકાવતી ‘દ્રશ્યમ’ ફિલ્મ બનાવી હતી, જે સુપરહિટ બની હતી.
‘હાથ આને દે’ હિન્દી ફિલ્મમાં કામતે અભિનય કર્યો હતો અને એ સાથે જ એમણે બોલીવૂડમાં પદાર્પણ કર્યું હતું. તે ઉપરાંત એમણે ‘સતચ્યા આત ઘરાત’ (મરાઠી), ‘404 એરર નોટ ફાઉંડ’, ‘રોકી હેન્ડસમ’, ‘ફુગે’, ‘ડેડી’, ‘જૂલી-2’, ‘ભાવેશ જોશી ધ સુપરહિરો’ જેવી અનેક હિન્દી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. 2016માં આવેલી ‘રોકી હેન્ડસમ’માં એમણે વિલનનો રોલ કર્યો હતો. એમણે જ એ ફિલ્મ ડાયરેક્ટ કરી હતી.
કામત ‘દર-બ-દર’ હિન્દી ફિલ્મ બનાવવાની તૈયારીમાં હતા જેને 2022માં રિલીઝ કરવાનું નિર્ધારિત છે.
અજય દેવગન અને રિતેશ દેશમુખે ટ્વીટ દ્વારા કામતને અંજલિ આપી.
My equation with Nishikant was not just about Drishyam, a film which he directed with Tabu and me. It was an association that I cherished. He was bright; ever-smiling. He has gone too soon.
RIP Nishikant 🙏— Ajay Devgn (@ajaydevgn) August 17, 2020
I will miss you my friend. #NishikantKamat Rest In Peace. 🙏🏽 pic.twitter.com/cqEeLbKJPM
— Riteish Deshmukh (@Riteishd) August 17, 2020
લક્ઝરી ઘરોની કિંમતોમાં પાછલાં 11 વર્ષમાં સૌથી નીચલી વાર્ષિક વૃદ્ધિ
નવી દિલ્હીઃ વિશ્વમાં લક્ઝરી ઘરોની કિંમતોની વાત કરીએ તો આ યાદીમાં પહેલું નામ ફિલિપિન્સના પાટનગર મનિલાનું છે. જોકે આ યાદીમાં ભારત પણ વધુ પાછળ નથી. આ યાદીમાં બેંગલુરુ દિલ્હી 27મા અને મુંબઈ 32મા ક્રમાંકે છે. નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાના એક સર્વેમાં બીજા ત્રિમાસિક ગાળામાં બેંગલુરુ અને મુંબઈ એક-એક ક્મ આગળ વધ્યા હતા, જ્યારે દિલ્હીએ પાંચ નંબર આગળ છલાંગ લગાવી હતી.
વાર્ષિક આધારે કિંમતોમાં વૃદ્ધિ
અહેવાલ અનુસાર એપ્રિલ-જૂનના ત્રિમાસિક ગાળામાં પાછલા નાણા વર્ષના સમાન તુલનાએ બેંગલુરુમાં લક્ઝરી ઘરોની સંપત્તિઓના મૂલ્ય 0.6 ટકા અને દિલ્હીમાં 0.3 ટકાનો વધારો થયો હતો. જોકે મુંબઈમાં આમાં 0.6 ટકાનો ઘટાડો નોંધાયો હતો. વાર્ષિક આધારે કિંમતોમાં વૃદ્ધિની દ્રષ્ટિએ બેંગલુરુ 26મા નંબરે છે. બીજા ત્રિમાસિક ગાળામાં બેંગલુરુમાં લક્ઝરી ઘરોની કિંમત 0.60 ટકા વધીને 19,727 રૂપિયા પ્રતિ સ્ક્વેરફૂટ હતી.
દિલ્હી આ યાદીમાં 27મા ક્રમાંકે છે. અહીં વાર્ષિક આધારે સરેરાશ કિંમતો 0.30 ટકા વધીને 33,625 પ્રતિ સ્ક્વેર ફૂટ રહી છે. અહેવાલ અનુસાર બીજા ત્રિમાસિક ગાળામાં મુંબઈમાં કિંમતો 0.60 ટકા ઘટીને સરેરાશ 64,388 પ્રતિ સ્ક્વેર ફૂટ રહી છે.
ફિલિપિન્સની રાજધાની મનિલા પહેલા સ્થાને
મુંબઈ આ યાદીમાં 32મા સ્થાને છે. વિશ્વનાં 45 શહેરોમાં લક્ઝરી ઘરોની કિંમતો 0.9 ટકા વધી છે. આ પાછલાં 11 વર્ષમાં સૌથી નીચલી વાર્ષિક વૃદ્ધિ છે. આ યાદીમાં ફિલિપિન્સની રાજધાની મનિલા પહેલા સ્થાને છે. મનિલામાં જૂન, 2020 સુધી વાર્ષિક આધારે લક્ઝરી ઘરોની કિંમતો 14.4 ટકા વધ્યા હતા. ત્યાર બાદ જાપાનના ટોક્યો (8.60 ટકા) તથા સ્વીડનના સ્ટોકહોમ (4.40 ટકા)નો નંબર આવે છે.

રાજધાની બેંગકોકનો દેખાવ સૌથી ખરાબ
થાઇલેન્ડની રાજધાની બેંગકોકનો દેખાવ સૌથી ખરાબ રહ્યો હતો. ત્યાં વાર્ષિક આધારે લક્ઝરી ઘરોની કિંમતોમાં 5.8 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જોકે નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શિશિર બૈજલે કહ્યું હતું કે કોરોના વાઇરસ રોગચાળાને કારણે વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા છે. વિશ્વમાં શ્રીમંત લોકો મોંઘી ચીજવસ્તુઓની ખરીદી ટાળી રહ્યા છે. તેઓ સોના જેવી કીમતી જણસોમાં મૂડીરોકાણને પ્રાથમિકતા આપી રહ્યા છે.
મુંબઈમાં 24માંથી 20 વોર્ડમાં કોરોના દર્દીઓની સંખ્યા ઘટતાં રાહત
મુંબઈઃ કોરોના વાઈરસના ફેલાવાથી મુંબઈ શહેર છેલ્લા પાંચ મહિનાથી ત્રસ્ત છે, પરંતુ હવે ધીમે ધીમે આ ચેપી બીમારીએ મુંબઈના અમુક વિસ્તારોમાંથી વિદાય લેવાની શરૂઆત કરતાં સત્તાવાળાઓની ચિંતા ઘટી છે અને રાહત વધી છે.
મુંબઈના 24 પૈકી 20 વોર્ડમાં કોરોના દર્દીઓની સંખ્યામાં 1 ટકાનો ઘટાડો થયો છે. હવે માત્ર ચાર વોર્ડમાં જ દર્દીઓની સંખ્યાનો દર વધારો 1 ટકાથી વધારે છે.
મુંબઈમાં ડબલિંગ રેટની મુદત 85 દિવસ પર પહોંચી છે. છેલ્લા કેટલાક દિવસોથી આ મુદત સતત વધતી જોવા મળી છે. તેથી મહાનગરપાલિકાએ રાહતનો શ્વાસ લીધો છે.
હવે શહેરના માત્ર ચાર વોર્ડમાં જ કોરોના દર્દીઓની સંખ્યામાં વધારાનો દર એક ટકો અથવા એનાથી વધારે હોવાનું માલૂમ પડ્યું છે.
બાકીના 20 વોર્ડમાં રોગીઓની સંખ્યાનો વધારો ઘટી ગયો છે.
બોરીવલી (આર-મધ્ય), ગ્રાન્ટ રોડ (ડી-વોર્ડ), ફોર્ટ વિસ્તાર, ચંદનવાડી (સી-વોર્ડ), બાન્દ્રા પશ્ચિમ (એચ-વેસ્ટ)માં જ દર્દીઓની સંખ્યામાં થોડોક વધારો છે.
જે 20 વોર્ડમાં કોરોનાનો ચેપ ઘટી રહ્યો છે એમાંના સાત વોર્ડમાં રોગીઓની સંખ્યા અડધા ટકાથી વધારે છે. સાંતાક્રૂઝ (એચ-પૂર્વ), અંધેરી (કે-પૂર્વ) વોર્ડમાં 0.56 ટકા અને કુર્લા (એલ-વોર્ડ)માં રોગીઓની સંખ્યામાં વધારાનો દર 0.51 ટકા છે.
દાદર, ધારાવી વિસ્તારોમાં આ દર 0.76 ટકા, વરલી, પ્રભાદેવી વોર્ડમાં 0.77 ટકા વધારો છે. ભાયખલાના ઈ-વોર્ડમાં 0.81 ટકા છે જ્યારે અગાઉ જ્યાં કેસોની સંખ્યા ખૂબ વધુ હતી તે ભાંડુપનાન એસ-વોર્ડમાં હાલ પ્રમાણ 0.58 ટકા છે.
વોર્ડ વાર કેસ-વધારાના દરની સ્થિતિ આ મુજબ છેઃ ગ્રાન્ટ રોડ (ડી) 1.4 ટકા, બોરીવલી (આર-મધ્ય) 1.35 ટકા, ચંદનવાડી (સી) 1.18 ટકા, બાન્દ્રા (પશ્ચિમ) – 1.11 ટકા, ભાયખલા (ઈ) 0.81 ટકા, વરલી-પ્રભાદેવી (જી-દક્ષિણ) 0.77 ટકા, દાદર-ધારાવી (જી-ઉત્તર) 0.76 ટકા, ભાંડુપ (એસ) 0.58 ટકા, અંધેરી (પૂર્વ) 0.56 ટકા, સાંતાક્રૂઝ (એચ-પૂર્વ) 0.56 ટકા, કુર્લા (એલ) 0.51 ટકા.
બિહારમાં છઠ્ઠી સપ્ટેમ્બર સુધી લોકડાઉન લંબાવાયું
પટનાઃ બિહારમાં જારી રહેલા કોરોના સંકટની વચ્ચે સરકારે છઠ્ઠી સપ્ટેમ્બર સુધી લોકડાઉન ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. બિહાર સરકારે ક્રાઇસિસ ગ્રુપ મેનેજમેન્ટ કમિટીની મીટિંગ પછી આ નિર્ણય લીધો હતો. ગૃહ વિભાગના મુખ્ય સચિવ આમિર સુબહાનીએ આ વિશેની માહિતી આપતાં કહ્યું હતું કે રાજ્યમાં છઠ્ઠી સપ્ટેમ્બર સુધી લોકડાઉન જારી રહેશે. તેમણે એ પણ કહ્યું હતું કે આ વખતે પણ ધાર્મિક સ્થળો બંધ રહેશે.
કન્ટેનમેન્ટ ઝોનમાં સખતાઈથી લોકડાઉન
કન્ટેનમેન્ટ ઝોનમાં સખતાઈની સાથે હાલ લોકડાઉનને જારી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુબહાનીએ જણાવ્યું હતું કે પાછલા આદેશમાં જે પગલાં લેવામાં આવ્યાં હતાં, એ આ વખતે પણ જારી રહેશે.

શોપિંગ મોલથી માંડીને ધાર્મિક સ્થળો બંધ
છઠ્ઠી સપ્ટેમ્બર સુધી બિહારમાં કેટલીક શરતોની સાથે દુકાન અને બજાર ખોલવામાં આવશે. બજાર ખૂલવાનો સમય સવારે છ કલાકથી સાંજે છ કલાક સુધી હશે. ગૃહ વિભાગે લોકડાઉન સંબંધિત આદેશ જારી કરી દીધો છે. પહેલાંની જેમ આ વખતે પણ લોકડાઉનમાં શોપિંગ મોલથી માંડીને ધાર્મિક સ્થળો સુધી નહીં ખૂલે. રેસ્ટોરાંમાં પણ માત્ર હોમ ડિલિવરીની સુવિધા મળશે. બિહારના બધા જિલ્લાઓમાં ખાનગી ઓફિસો 50 ટકા કર્મચારીઓ સાથે ખુલ્લી રખાશે અને રાજ્યમાં બસો નહીં ચાલે. જોકે જરૂરી સેવાઓવાળી ઓફિસોને આમાંથી મુક્ત રાખવામાં આવી છે.

ટેક્સી અને ઓટો રિક્ષા પર પ્રતિબંધ નહીં
સુરક્ષાને ધ્યાનમાં રાખતાં બધા જિલ્લાના ડીએમ (ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રટ) પોતાના સ્તરે આદેશ જારી કર્યા હતા અને એ આધારે જિલ્લા સહિત અન્ય વિસ્તારોમાં દુકાનો ખુલ્લી રહેશે. રાજ્યમાં બસ જેવી પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવા શરૂ નહીં થાય. ટેક્સી અને ઓટો રિક્ષા પર પ્રતિબંધ નહીં હોય. લોકડાઉન દરમ્યાન રાજ્યના ધાર્મિક સ્થળ, સ્કૂલ-કોલેજ, કોચિંગ સંસ્થા બંધ રહેશે. એ સાથે પાર્ક અને જિમ જેવાં સ્થળો પણ પહેલાની જેમ બંધ રહેશે. બિહારમાં કોરોના સંક્રમણ સતત જારી છે. રાજ્યમાં કોરોના સંક્તમિતોની સંખ્યા 1,00,000ને પાર પહોંચી છે. વળી, આ રોગચાળાથી 500થી વધુ લોકોનાં મોત થયાં છે.
















