બિહારમાં છઠ્ઠી સપ્ટેમ્બર સુધી લોકડાઉન લંબાવાયું

પટનાઃ બિહારમાં જારી રહેલા કોરોના સંકટની વચ્ચે સરકારે છઠ્ઠી સપ્ટેમ્બર સુધી લોકડાઉન ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. બિહાર સરકારે ક્રાઇસિસ ગ્રુપ મેનેજમેન્ટ કમિટીની મીટિંગ પછી આ નિર્ણય લીધો હતો. ગૃહ વિભાગના મુખ્ય સચિવ આમિર સુબહાનીએ આ વિશેની માહિતી આપતાં કહ્યું હતું કે રાજ્યમાં છઠ્ઠી સપ્ટેમ્બર સુધી લોકડાઉન જારી રહેશે. તેમણે એ પણ કહ્યું હતું કે આ વખતે પણ ધાર્મિક સ્થળો બંધ રહેશે.

કન્ટેનમેન્ટ ઝોનમાં સખતાઈથી લોકડાઉન

કન્ટેનમેન્ટ ઝોનમાં સખતાઈની સાથે હાલ લોકડાઉનને જારી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુબહાનીએ જણાવ્યું હતું કે પાછલા આદેશમાં જે પગલાં લેવામાં આવ્યાં હતાં, એ આ વખતે પણ જારી રહેશે.

શોપિંગ મોલથી માંડીને ધાર્મિક સ્થળો બંધ

છઠ્ઠી સપ્ટેમ્બર સુધી બિહારમાં કેટલીક શરતોની સાથે દુકાન અને બજાર ખોલવામાં આવશે. બજાર ખૂલવાનો સમય સવારે છ કલાકથી સાંજે છ કલાક સુધી હશે. ગૃહ વિભાગે લોકડાઉન સંબંધિત આદેશ જારી કરી દીધો છે. પહેલાંની જેમ આ વખતે પણ લોકડાઉનમાં શોપિંગ મોલથી માંડીને ધાર્મિક સ્થળો સુધી નહીં ખૂલે. રેસ્ટોરાંમાં પણ માત્ર હોમ ડિલિવરીની સુવિધા મળશે. બિહારના બધા જિલ્લાઓમાં ખાનગી ઓફિસો 50 ટકા કર્મચારીઓ સાથે ખુલ્લી રખાશે અને રાજ્યમાં બસો નહીં ચાલે. જોકે જરૂરી સેવાઓવાળી ઓફિસોને આમાંથી મુક્ત રાખવામાં આવી છે.

ટેક્સી અને ઓટો રિક્ષા પર પ્રતિબંધ નહીં

સુરક્ષાને ધ્યાનમાં રાખતાં બધા જિલ્લાના ડીએમ (ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રટ) પોતાના સ્તરે આદેશ જારી કર્યા હતા અને એ આધારે જિલ્લા સહિત અન્ય વિસ્તારોમાં દુકાનો ખુલ્લી રહેશે. રાજ્યમાં બસ જેવી પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવા શરૂ નહીં થાય. ટેક્સી અને ઓટો રિક્ષા પર પ્રતિબંધ નહીં હોય. લોકડાઉન દરમ્યાન રાજ્યના ધાર્મિક સ્થળ, સ્કૂલ-કોલેજ, કોચિંગ સંસ્થા બંધ રહેશે. એ સાથે પાર્ક અને જિમ જેવાં સ્થળો પણ પહેલાની જેમ બંધ રહેશે. બિહારમાં કોરોના સંક્રમણ સતત જારી છે. રાજ્યમાં કોરોના સંક્તમિતોની સંખ્યા 1,00,000ને પાર પહોંચી છે. વળી, આ રોગચાળાથી 500થી વધુ લોકોનાં મોત થયાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]