મુંબઈમાં ટ્રાફિક સિગ્નલની ગ્રીન લાઈટ્સમાં ઉમેરાયું સ્ત્રી ચિહ્ન!

મુંબઈઃ મુંબઈના ટ્રાફિક સિગ્નલમાં, ગ્રીન લાઈટ્સમાં ‘સ્ત્રી ચિહ્ન’ ઉમેરવામાં આવ્યું છે. જેના સર્વત્ર વખાણ થઈ રહ્યાં છે. જાતિ સમાનતાના આવા પગલાં ટ્રાફિક સિગ્નલ માટે લેનાર મુંબઈ દેશનું પહેલું શહેર બન્યું છે!

મહારાષ્ટ્રમાં મુંબઈ શહેરે મહિલા સમાનતા તેમજ સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે એક પ્રશંસનીય પગલું લીધું છે. બૃહ્નમુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈના દાદર વિસ્તારના એટલે કે, મુંબઈના ‘G North’ વોર્ડના 120 રાહદારી માર્ગો પર ટ્રાફિક સિગ્નલ તેમજ સાઈનબોર્ડ માટે મહિલાનું પ્રતિનિધિત્વ રજૂ કરતાં સ્ત્રી પ્રતિકાત્મક ચિહ્નો મૂક્યાં છે.

આ ફેરફાર મુંબઈ પાલિકાના ‘કલ્ચરલ સ્પાઈન પ્રોજેક્ટ’ હેઠળ કરવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રના પર્યટન મંત્રી આદિત્ય ઠાકરેએ ટ્વિટ કરતાં જણાવ્યું, ‘તમે જો દાદર વિસ્તારથી પસાર થાવ, તો તમે અમુક નવીનતા જોઈને બહુ જ ગર્વ અનુભવશો. બીએમસીએ એક બહુ જ સાદા ઉપાય થકી જાતિ સમાનતાનો સંદેશ આપી દીધો છે. તેણે હવે ટ્રાફિક સિગ્નલમાં મહિલા ચિહ્ન ઉમેરી દીધું છે.’

ટ્રાફિક સિગ્નલની લાલ તેમજ લીલી લાઈટ્સ માટે અત્યારસુધી સ્ટીક ફિગર્સ વપરાતા હતા. તેની જગ્યાએ હવે ત્રિકોણાકાર વેશભૂષા ધારણ કરેલી સ્ત્રીની આકૃતિ જોવા મળશે.

આ ફેરફારને યુનાઈટેડ નેશન્સની મહિલાઓએ પણ બિરદાવ્યો છે. તેમણે ટ્વિટ કર્યું છે, ‘એક ગુડ ન્યુઝ છે! મુંબઈની વર્ટિકલ ટ્રાફિક લાઈટે જાતિ સમાનતાના એક ભાગરૂપે ટ્રાફિક લાઇટ્સમાં હવે લિંગ પ્રતિકાત્મક સંકેતો મૂક્યાં છે!’

મુંબઈની એક રહેવાસી નિમિષા વોરિયર આ બાબતે ન્યુઝ એજેન્સી એએનઆઈને જણાવે છે, ‘ઘણી સારી વાત છે કે, આપણે આવી પહેલ કરીએ છીએ. હવે લોકો મહિલાની શક્તિને પિછાણી રહ્યાં છે અને તેમને સમાજમાં સમાન દરજ્જો આપી રહ્યાં છે. મહિલા સશક્તિકરણ માટેની આ પહેલ ઘણી સારી છે.’