Home Blog Page 4653

પંચાંગ 16/09/2020

ઓફિસમાં તોડફોડઃ કંગનાએ BMC પાસે વળતરપેટે માગ્યા રૂ.2 કરોડ

મુંબઈઃ બોલિવુડ એક્ટ્રેસ કંગના રણોતે પોતાના નિવાસસ્થાનમાં ‘ગેરકાયદેસર’ રીતે તોડફોડ કરવામાં આવી હોવાનું જણાવીને બૃહનમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) પાસેથી વળતરપેટે બે કરોડ રૂપિયા આપવાની માગણી કરી છે અને એ માટે એણે બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરી છે. મુંબઈ મહાનગરપાલિકા (BMC) દ્વારા ગઈ નવ સપ્ટેમ્બરે બાંદરા સ્થિત પાલી હિલ વિસ્તારમાં ‘ક્વીન’ના બંગલામાં કથિતપણે ગેરકાયદે રીતે કરવામાં આવેલા રીનોવેશનને ધ્વસ્ત કરવામાં આવ્યા પછી કંગનાએ મુંબઈ હાઈ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં હતાં.

જસ્ટિસ એસ. જે. કાથાવાલાની અધ્યક્ષતામાં ખંડપીઠે એ કહેતાં બંગલાની તોડફોડની કામગીરી પર રોક લગાવી હતી કે એ મેલાફાઇડ (ખરાબ) હેતુથી કરવામાં આવી હતી. કંગનાએ સુધારેલી અરજીમાં આરોપ લગાવ્યો છે કે BMC દ્વારા તેની સંપત્તિને તોડી પાડવામાં આવી એ મહારાષ્ટ્ર સરકારની સામે તેની ટિપ્પણીઓનું સીધું પરિણામ હતું. તે મહારાષ્ટ્ર સરકારની સાથે કેટલાક મુદ્દે જે વાદવિવાદ થયો, જે સામાન્ય જનતા પર અસર પડી હતી, જેના સંબંધમાં તેના બંગલામાં તોડફોડ કરવામાં આવી હતી, એમ તેણે ક્હ્યું હતું.

રણોતની સુધારેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે તેના દ્વારા કરવામાં આવેલી અભિવ્યક્તિએ કેટલાક લોકોને નારાજ કરી દીધા હતા, ખાસ કરીને એક રાજકીય પક્ષ કે જે મહારાષ્ટ્રમાં સરકારનો હિસ્સો છે- એ પાર્ટી નારાજ થઈ હતી, જેથી તેના બંગલામાં દ્વેષપૂર્ણ ભાવનાથી કામ કરવામાં આવ્યું હતું.  BMCમાં પણ એ જ સત્તાધારી પાર્ટી છે, એમ અરજીમાં શિવસેનાનું નામ લીધા વગર કહેવામાં આવ્યું હતું.

આ અરજીમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે બોલિવુડ એક્ટ્રેસે બંગલામાં માળખાકીય સમારકામ માટે BMCથી મંજૂરી માગી હતી, જેને 2018માં મંજૂરી આપવામાં આવી હતી, એમ તેણે કહ્યું હતું. BMCએ સાત સપ્ટેમ્બરે તેને ડિમોલિશન નોટિસ મોકલી અને જવાબ આપવા માટે તેને 24 કલાકનો સમય જ આપ્યો હતો.

અરજીમાં કહેવામાં આવ્યું હતું કે તેણે જવાબ સમયસર આપ્યો હતો, પણ એનો અસ્વીકાર કરતાં બીજા દિવસે BMC અને પોલીસ અધિકારીઓ કાર્યવાહી કરવા માટે પહેલેથી જ બંગલાની બહાર હાજર હતા. દિવસના ફોટોથી માલૂમ પડે છે કે BMC સવારથી જ બંગલામાં તોડફોડ માટે ડિમોલિશન ઈક્વિપમેન્ટ સાથે તૈયાર હતી, જે સાબિત કરે છે કે સિવિક સંસ્થાનો બદઇરાદો હતો અને એનો આશય બંગલામાં ગેરકાયદે રીતે તોડફોડ કરવાનો હતો, એવો અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો.

આ અરજીમાં કોર્ટને BMCની કાર્યવાહીને ગેરકાયદે જાહેર કરવા અને સિવિક સંસ્થા અને એના સંબંધિત અધિકારીઓ પાસેથી એના નુકસાન પેટે બે કરોડ રૂપિયાના વળતર આપવાનો નિર્દેશ આપવામાં આવે એવી વિનંતી કરવામાં આવી છે.

કોર્ટ આ મામલાની સુનાવણી 22 સપ્ટેમ્બરે કરશે. રણોતના બંગલાની તોડફોડ પછી શિવસેનાએ જાહેર નિવેદન કર્યું હતું, જેમાં સેનાએ એના (રણોતના) નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો કે મુંબઈની તુલના પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (POK)થી કરવામાં આવ્યો હતો.

ભાવનગરમાં વિશ્વનું પહેલું CNG ટર્મિનલ સ્થાપવા ગુજરાત સરકારે મંજૂરી આપી

ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મંગળવારે ભાવનગરમાં કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) ટર્મિનલ સ્થાપિત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ ટર્મિનલ સ્થાપવા માટે 1900 કરોડ રૂપિયાના મૂડીરોકાણનો પ્રસ્તાવ છે. સરકારે બ્રાઉનફીલ્ડ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ વિશ્વનું પહેલું CNG પોર્ટ ટર્મિનલ હશે. આ ટર્મિનલની વાર્ષિક ક્ષમતા 15 લાખ ટનની હશે.

આ ટર્મિનલને ડેવલપર્સના કોન્સોર્શિયમ દ્વારા વિકસિત કરવામાં આવશે, જેમાં પદ્મનાભ મફતલાલ ગ્રુપ અને એક નેધરલેન્ડ્સનું ગ્રુપ સામેલ હશે.

બ્રાઉનફીલ્ડ પોર્ટ પ્રોજેક્ટના પહેલા તબક્કામાં 1300 કરોડનું મૂડીરોકાણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ ભાવનગરને વિકસિત કરવાના મહત્ત્વાકાંક્ષી  મેગા પ્રોજેક્ટનો એક ભાગ છે, જ્યાં 45 લાખ કન્ટેનરની ક્ષમતાવાળી એક લિક્વિડ અને વાઇટ કાર્ગો ટર્મિનલની સાથે રો રો ફેરી સર્વિસ ટર્મિનલને પણ વિકસાવવામાં આવશે.

આ ટર્મિનલને વિકસિત કરવા માટે ચેનલ અને પોર્ટ બેઝિનમાં બે લોક ગેટોનું નિર્માણ કરવામાં આવશે. CNG પરિવહન માટે તટ પર માળખાકીયની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પ્રોજેક્ટને પગલે વાર્ષિક ભાવનગર પોર્ટની કાર્ગો ક્ષમતાને 90 લાખ ટન મેટ્રિક ટન (MMT) સુધી વધારવામાં આવશે.

ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય છે, જ્યાં CNG અને LNG –બંને માટે (દહેજ અને હજીરામાં) ટર્મિનલ હશે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટથી ભાવનગર અને એની આસપાસનાં ક્ષેત્રોના યુવાનોને લોજિસ્ટિક, ટ્રાન્સપોર્ટેશન અને વેરહાઉસિંગ ક્ષેત્રે મોટા પાયે નોકરીઓની તકો મળશે.

ઈશાન-અનન્યાનું રોમેન્ટિક ગીત ‘તહસ નહસ’ રિલીઝ…

આગામી નવી હિન્દી ફિલ્મ ‘ખાલી પીલી’ના એક વધુ ગીતનો વિડિયો નિર્માતાઓએ સોશિયલ મિડિયા પર રિલીઝ કર્યો છે. આ ગીતની હૂક લાઈન છે – ‘તહસ નહસ’, તે કોઈક ગેરેજમાં ફિલ્માવવામાં આવ્યું છે જેમાં ઈશાન ખટ્ટર અને અનન્યા પાંડે માદક અદાઓ સાથે ફાંકડો ડાન્સ કરતાં જોવા મળે છે. આ ગીતને વિશાલ-શેખરની સંગીતકાર જોડીએ કમ્પોઝ કર્યું છે. સ્વર આપ્યો છે, શેખર રજવાની અને પ્રકૃતિ કક્કડે. કોરિયોગ્રાફી રજિત દેવની છે. ‘ખાલી પીલી’ આ વર્ષની બીજી ઓક્ટોબરે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ‘ઝી પ્લેક્સ’ પર રિલીઝ થવાની છે.

કોરોના રસી માટે દુનિયાને ભારતની જરૂર છેઃ બિલ ગેટ્સ

ન્યૂયોર્ક/નવી દિલ્હીઃ અબજોપતિ દાનવીર બિલ ગેટસે કહ્યું છે કે વિશ્વસ્તરે ફેલાયેલા કોવિડ-19ની રસીના ઉત્પાદનમાં ભારત મોટી અને નિર્ણાયક ભૂમિકા ભજવશે અને એ વેક્સિન અન્ય વિકાસશીલ દેશોને પહોંચાડવામાં પણ ભારત મહત્ત્વનો હિસ્સો હશે. ગેટ્સનું ફાઉન્ડેશન રોગચાળા સામે લડવા ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. વિશ્વ યુદ્ધ પછી વિશ્વ સૌથી મોટી બાબતનો (રોગચાળાનો) સામનો કરી રહ્યું છે, એમ તેમણે કહ્યું હતું.

માઇક્રોસોફ્ટના આ સહસંસ્થાપકે કહ્યું હતું કે વિશ્વ કોવિડ-19ની વેક્સિનના ઉત્પાદન માટે ભારત સામે આશા ભરેલી નજરે જોઈ રહ્યું છે. આપણે બધા ઇચ્છીએ છીએ કે ભારતમાંથી જલદી એક વેક્સિન બનીને બહાર આવે, જે બહુ અસરકારક હોય અને બહુ સુરક્ષિત હોય. આગામી વર્ષે ક્યારેય પણ કોવિડ-19ની વેક્સિન રોલઆઉટ થઈ શકે છે, જેનું ભારતમાં મોટા પાયે ઉત્પાદન થશે. વિશ્વના અન્ય વિકાસશીલ દેશો ઉપલબ્ધ થનારી વેક્સિનની ક્ષમતા માટે ભારત તરફ આશાભરી મીટ માંડી રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું.

સાયન્ટિસ્ટો અને ફાર્મા કંપનીઓ કોરોના વાઇરસની વેક્સિનને શોધવા માટે રેસ લગાવી રહ્યાં છે. આ કોવિડ-19ને કારણે આશરે વિશ્વભરમાં 9,32,000 લોકો માર્યા ગયા છે અને 2.40 કરોડથી વધુ લોકો સંક્રમિત થયા છે. કેટલીક કંપનીઓની આ વેક્સિન ત્રીજા અને અંતિમ તબક્કામાં પ્રવેશ કર્યો છે. એ એક વિશ્વ યુદ્ધની જેમ નથી, પણ ત્યાર બાદની સૌથી મોટી બીના છે, જે આપણે ક્યારેય જોઈ નથી, એમ તેમણે કહ્યું હતું.

વિશ્વની સૌથી મોટા દાનવીરોમાંના એક બિલ અને મેલિડા ગેટ્સ ફાઉન્ડેશન રોગચાળાને રોકવાના પ્રયાસોમાં સામેલ છે. ફાઉન્ડેશને ભારતમાં કોવિડ-19ની વેક્સિનના ઉત્પાદન માટે સિરમ સંસ્થા સાથે ભાગીદારી કરી છે.

કોરોનાની લડાઈમાં યોગદાન

અમારી પાસે એક મોડલ છે, જે બતાવે છે કે વેક્સિનને એ લોકો સુધી પહોંચાડવાની છે, જેમને એની સૌથી વધુ આવશ્યકતા છે. જો તમે માત્ર શ્રીમંત દેશોને મોકલશો તો અડધા જીવન જ બચશે, એમ તેમણે કહ્યું હતું. ગરીબી અને બીમારીઓથી લડવા તેમણે અબજોનું દાન કર્યું છે અને વેક્સિનના ઉત્પાદનમાં ભારતની ક્ષમતા વિશે વિસ્તારથી વાત કરતાં તેમણે સિરમ ઇન્સ્ટિટ્યૂટ, બાયો ઈ અને ભારત બાયોટેક જેવી કંપનીઓનો ઉલ્લેખ કર્યો હતો.

અમે એક વેક્સિનના ભારતમાં ઉત્પાદન માટે વિચાર કરી રહ્યા છે, પછી ભલે એ એસ્ટ્રાઝેનકા, ઓક્સફર્ડ અથવા નોવાવેક્સ અથવા જોન્સન અને જોન્સન બનાવે. અમે જાહેર રીતે એ વ્યવસ્થા વિશે વાત કરી છે કે જ્યાં સિરમ એસ્ટ્રાઝેનકા અને નોવાવેક્સની વેક્સિનનું મોટા પાયે ઉત્પાદન હાથ ધરી શકે એમ છે, એમ તેમણે કહ્યું હતું.

બાયો ઈ અને જોન્સન એન્ડ જોન્સન વેક્સિની સાથે પણ જોડાણ કરવા તેઓ વિચારવિમર્શ કરી રહ્યા છે. ફાઉન્ડેશન ભારતના નીતિ આયોગની સાથે ચર્ચાવિચારણા કરી રહ્યું છે અને ICMR પાસેથી નિયામકીય મંજૂરીનાં પાસાં વિશે પણ જોઈ રહ્યું છે. હું વાસ્તવમાં આ મુદ્દાઓ પર સરકાર સાથે ચર્ચાથી બહુ પ્રભાવિત છું અને વેસ્ટર્ન કંપનીઓ સહિત આ નવા કંપનીઓની સાથે અમે સહયોગ કરી રહ્યા છીએ. તેઓ આવતા વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કેટલીક વેક્સિન ઇમર્જન્સી લાઇસન્સની મંજૂરી સુધી પહોંચી જવા માટે તેઓ આશાવાદી છે, એમ તેમણે કહ્યું હતું.

સંસદમાં રવિકિશનની ઝાટકણી કાઢનાર જયા બચ્ચનની બોલીવૂડમાં વાહ-વાહ

મુંબઈઃ સમાજવાદી પાર્ટીનાં રાજ્યસભાનાં સદસ્ય જયા બચ્ચને ગઈ કાલે ગૃહમાં એક ચર્ચા દરમિયાન આપેલાં ભાષણ અને હિન્દી ફિલ્મ ઉદ્યોગની તરફેણમાં કરેલી દલીલના મિશ્ર પ્રત્યાઘાત આવ્યા છે. બોલીવૂડે જયા બચ્ચનને ટેકો આપ્યો છે તો સોશિયલ મિડિયામાં ઘણાં લોકોએ જયાની ટીકા કરી છે.

જયા બચ્ચને એમનાં સંબોધનમાં કહ્યું હતું કે હિન્દી ફિલ્મ ઉદ્યોગને બદનામ કરવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એમની આ દલીલને બોલીવૂડની અનેક હસ્તીઓએ ટેકો આપ્યો છે.

પીઢ અભિનેત્રી અને સંસદસભ્ય જયા બચ્ચને વાસ્તવમાં એમનાં ભાષણમાં ભોજપુરી અભિનેતા અને ભાજપના નવા લોકસભા સદસ્ય બનેલા રવિકિશનની ઝાટકણી કાઢી હતી. રવિકિશને અગાઉના દિવસે એમના ભાષણમાં કેફી દ્રવ્યો સંબંધિત આક્ષેપોનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ આક્ષેપો સુશાંત સિંહ રાજપૂત ભેદી મૃત્યુ કેસની તપાસ દરમિયાન ફિલ્મ ઉદ્યોગ સામે કરવામાં આવ્યા છે.

રવિ કિશને કહ્યું હતું કે કેફી દવાઓના સેવનનું દૂષણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ફેલાયું છે. અનેક લોકોને અટકમાં લેવામાં આવ્યા છે. NCB એજન્સી સારું કામ કરી રહી છે. હું કેન્દ્ર સરકારને અપીલ કરું છું કે ગુનેગારો સામે કડક પગલાં લે. એમને કડક શિક્ષા કરે અને પડોશી દેશો દ્વારા ચલાવાતા ષડયંત્રનો અંત લાવે.

ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસની તપાસમાં ડ્રગ્સનો એન્ગલ ચગ્યો છે. એવા અહેવાલો છે કે સુશાંત ડ્રગ્સ લેતો હતો અને એની વ્યવસ્થા એની ગર્લફ્રેન્ડ રીયા ચક્રવર્તી કરતી હતી. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ રીયાની ધરપકડ કરી છે અને તે હાલ મુંબઈની જેલમાં છે.

રવિકિશનના તે ભાષણના જવાબમાં જયા બચ્ચને રાજ્યસભામાં એવો દાવો કર્યો હતો કે ફિલ્મ ઉદ્યોગ લાખો લોકોને સીધી તથા આડકરતી રીતે નોકરી આપે છે અને સંકટના સમયમાં સરકારોને મદદ પણ કરે છે. હાલ જ્યારે આર્થિક પરિસ્થિતિ બિસ્માર હાલતમાં છે અને રોજગારીનું સ્તર અત્યંત ખરાબ સ્તરે નીચે ઉતરી ગયું છે ત્યારે લોકોનું ધ્યાન બીજે દોરવામાં આવી રહ્યું છે.

જયા બચ્ચને કહ્યું કે પોતે કોઈનું નામ ઉચ્ચારવા માગતાં નથી, પરંતુ એમનાં ભાષણનો ઈશારો રવિકિશન તરફ જ હતો. એમણે કહ્યું કે માત્ર જૂજ લોકોને કારણે તમે આખા ફિલ્મ ઉદ્યોગને બદનામ કરી ન શકો. ગઈ કાલે લોકસભામાં આપણામાંના એક સભ્યએ ફિલ્મ ઉદ્યોગ વિશે જે કહ્યું એ શરમ ઉપજાવનારું હતું. જે લોકોએ ફિલ્મ ઉદ્યોગમાં નામના હાંસલ કરી છે એ લોકો હવે ઉદ્યોગને ગટર કહે છે. આવું બોલતાં એમને શરમ આવવી જોઈએ. હું એમની સાથે સંપૂર્ણપણે અસહમત છું. જે થાળીમાં ખાવ છો એમાં જ છેદ કરો છો? એવી તેમણે ટકોર કરી હતી.

જયા બચ્ચનના ભાષણને અભિનેત્રીઓ તાપસી પન્નૂ, સોનમ કપૂર અને નગ્મા, અભિનેતા ફરહાન અખ્તર, નિર્માતા અનુભવ સિન્હાએ આવકાર આપ્યો છે તો કંગના રણૌતે ટીકા કરી છે.

તાપસીએ એનાં વેરીફાઈડ એકાઉન્ટ પર જયા બચ્ચનનાં ભાષણની વિડિયો ક્લિપ શેર કરી છે અને જયા બચ્ચન હેશટેગ સાથે લખ્યું છે કે અમે હંમેશાં સરકારની જનજાગૃતિ ઝૂંબેશોને ટેકો આપતાં આવ્યાં છીએ. હવે ઉદ્યોગને પરત કરવાનું જે તેણે આપણને આટલા વર્ષોમાં આપ્યું છે. આજે ફરીવાર ઉદ્યોગમાંથી એક મહિલા એની તરફેણમાં બોલ્યાં છે, એમનો આદર કરો.

અનુભવ સિન્હાએ લખ્યું છે કે હું જયાજીની સંપૂર્ણ તરફેણ કરું છું.

અભિનેત્રી અને નેતા બનેલી નગ્માએ પણ ટ્વિટર પર લખ્યું છે કે જે લોકોએ ઉદ્યોગમાંથી નામના હાંસલ કરી હોય એમણે એનું નામ બદનામ કરવું ન જોઈએ. જે લોકો ડ્રગ્સના સેવન વિશે કમેન્ટ કરે છે એ લોકોને જો ડ્રગ્સ લેનારાઓનાં નામ ખબર હોય તો જાહેર કરવા જોઈએ.

ઓનલાઈન શોપિંગ વધ્યું: તહેવારોની મોસમમાં ફ્લિપકાર્ટ 70,000ને નોકરી આપશે

બેંગલુરુઃ વોલમાર્ટ ઇન્કની ઈ-કોમર્સ જાયન્ટ ફ્લિપકાર્ટે કહ્યું હતું કે કંપની તહેવારોની આગામી સીઝન દરમ્યાન પ્રત્યક્ષ રીતે 70,000 અને પરોક્ષ રીતે લાખોની સંખ્યામાં નોકરીઓનું નિર્માણ કરશે. ભારતીય તહેવારોની સીઝન દરમ્યાન શોપિંગને પહોંચી વળવા માટે ઈ-કોમર્સ કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા તૈયાર છે. તહેવારોમાં શોપિંગમાં ઓર્ડરને પહોંચી વળવા માટે કંપનીમાં ડિલિવરી પાર્ટનર્સ અને અન્ય કામગીરી માટે કેટલીય નોકરીઓનું સર્જન થશે.

સપ્લાય ચેઇનમાં સીધી નોકરીની તકો

ફ્લિપકાર્ટની સપ્લાય ચેઇનમાં સીધી નોકરીની તકો ઊભી થશે, જેમાં ડિલિવરી એક્ઝિક્યુટિવ, પિકર્સ, પેકર્સ અને સોર્ટર્સ સામેલ છે. ફ્લિપકાર્ટના વેચાણના ભાગીદારો અને (સ્થાનિક કોર્નર સ્ટોર્સ) પર અપ્રત્યક્ષ નોકરીઓની તકો પણ ઊભી થશે, એમ કંપનીએ મોકલેલા ઈ-મેઇલમાં જણાવ્યું હતું.

ઓનલાઇન રિટેલ માર્કેટમાં હિસ્સો વધારવા માટે ભારે પ્રયાસો

ફ્લિપકાર્ટ, એમેઝોન.કોમ ઇન્કની ભારતીય સબસિડિયિરી ને રિલાયન્સ ઇન્ડ. લિ.નો ઈ-કોમર્સ વેપાર ઝડપથી વધતાં ઓનલાઇન રિટેલ માર્કેટમાં હિસ્સો વધારવા માટે ભારે પ્રયાસો કરી રહી છે. કોવિડ-19ના રોગચાળાને કારણે ઈ-કોમર્સ વેપારમાં ખાસ્સો વધારો થયો છે, કેમ કે મોટા ભાગના ભારતીયોએ કરિયાણાનો સામાન અને અન્ય  ચીજવસ્તુઓ ખરીદવા માટે સ્માર્ટફોનનો બહોળો ઉપયોગ કર્યો છે.

ફ્લિપકાર્ટના ‘બિગ બિલિયન ડેઝ’ જે એમેઝોનના ‘પ્રાઇમ ડે’ની થિમ પર છે- જે વર્ષ માટેનૌ સૌથી મોટું વેચાણનો દિવસ છે. જે ચાર-પાંચ દિવસનું લાંબું વેચાણ હોય છે અને સામાન્ય રીતે એ ઓક્ટોબર (નવરાત્રિ-દિવાળીની) આસપાસ હોય છે. જ્યારે ભારતમાં તહેવારોની મોસમ હોય છે, જે દિવાળીની સાથે પૂરી થાય છે.

કંપનીએ કહ્યું હતું કે કંપનીએ 50,000 કરિયાણા અથવા નાની કરિયાણાની દુકાન સાથે કરાર કર્યા છે. આ મહિનાના પ્રારંભે ઈ-કોમર્સ કંપનીએ મોમ અને પોપ સ્ટોર અને અન્ય નાના વેપાર-ધંધા માટે ઓનલાઇન હોલસેલ સર્વિસ ‘ફ્લિપકાર્ટ હોલસેલ’ લોન્ચ કરી હતી.

મુંબઈઃ ભૂતપૂર્વ નેવી અધિકારી મદન શર્મા ભાજપમાં જોડાયા

મુંબઈઃ ગયા અઠવાડિયે મુંબઈમાં કથિતપણે શિવસેનાના કાર્યકર્તાઓ દ્વારા મારપીટનો ભોગ બનેલા ભારતીય નૌકાદળના નિવૃત્ત અધિકારી મદન શર્મા હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. આજે તેઓ રાજભવન ખાતે જઈને મહારાષ્ટ્રના ગવર્નર ભગતસિંગ કોશ્યારીને મળ્યા હતા.

બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં શર્માએ કહ્યું કે ગૂંડાગીરી અટકાવવા માટે હું ભાજપ-આરએસએસમાં જોડાઈ ગયો છું. મને મારતી વખતે એ લોકોએ એવો આક્ષેપ કર્યો હતો કે હું ભાજપ-આરએસએસ સાથે સંકળાયેલો છું. એટલે હવે હું જાહેરાત કરું છું કે હું આજથી ભાજપ-આરએસએસ સાથે છું.

62 વર્ષીય શર્મા ઉપર ગયા શુક્રવારે કાંદિવલી (ઈસ્ટ) ઉપનગરમાં હુમલો કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધનું એક કાર્ટૂન શર્માએ સોશિયલ મિડિયા પર ફોરવર્ડ કર્યા બાદ કથિતપણે શિવસૈનિકોના એક જૂથે એમની મારપીટ કરી હતી.

તે હુમલા બાદ શર્માએ માગણી કરી હતી કે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે એમની તથા દેશની માફી માગે. શર્માએ એમ પણ કહ્યું હતું કે સરકાર જો કાયદો અને વ્યવસ્થાની સંભાળ લઈ શકતી ન હોય તો ઠાકરેએ મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપી દેવું જોઈએ.

દરમિયાન, શર્મા પર હુમલો કરનાર તમામ 6 આરોપીઓને બોરીવલી ઉપનગરની એક કોર્ટે અદાલતી કસ્ટડીમાં રીમાન્ડ પર રાખવાનો હુકમ કર્યો છે. કાંદિવલી (પૂર્વ)ના સમતા નગર પોલીસ સ્ટેશને મદન શર્માની ફરિયાદને આધારે એફઆઈઆર નોંધી છે. એમની પર ભારતીય ફોજદારી કાયદા (આઈપીસી)ની કલમ 452 લાગુ કરી છે – (ઘૂસણખોરી કરવી, હુમલો કરવો). તમામ છ આરોપીઓને ગઈ કાલે રાતે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને આજે સવારે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.

‘ચિત્રલેખા’ના સથવારે લાલુભાઈનો પંચામૃત મનોરથ

મુંબઈઃ આમ તો ભક્તોને તો ખબર હશે જ કે અધિક માસમાં નાથદ્વારામાં શ્રીનાથજીના દર્શન માટે લાખો લોકોની ભીડ થતી હોય છે, પરંતુ હાલ કોરોના વાઈરસ લોકડાઉનને કારણે ભક્તો ઇચ્છે તો પણ દર્શન કરવા જઇ શકે એમ નથી. આ સંજોગોમાં ભાવિક ભક્તો શ્રીજીબાવાના દર્શનથી વંચિત રહી ન જાય એ માટે મુંબઈસ્થિત જાણીતા વેપારી લાલુભાઈએ મંગળાથી લઈને શયન સુધીના શ્રીજીના દર્શનનો એક કાર્યક્રમ યોજ્યો છે. ‘પંચામૃત’ નામના આ કાર્યક્રમ થકી એમણે લાખો લોકોને શ્રીજીના ઓનલાઇન દર્શન કરાવવાનો મનોરથ કર્યો છે.

લાલુભાઈની આ ભાવના ખરેખર દાદને પાત્ર છે. આવા કપરા કાળમાં નોખા નોખા કાર્યક્રમો દ્વારા લોકોનો અજંપો ઓછો કરતી તેમની સેવા ખરેખર અનોખી છે.

હકીકતમાં વર્ષ 2018 માં એમણે શ્રીજીના મંગળાથી શયન સુધીના દર્શન અને સાથે જાણીતા કૃષ્ણગીતોનો આ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં જાહ્ન્વી શ્રીમાંકર અને પ્રહર વોરાએ કૃષ્ણગીતો પ્રસ્તુત કર્યા હતા અને મંગળાથી શયન સુધીના પદો તથા ચિત્રજીનાં રચયિતા હતા રૂપા બાવરી. રસાસ્વાદ અંકિત ત્રિવેદીએ કરાવ્યો હતો અને મંચસજ્જાથી દર્શનસેવાની કામગીરી હતી લાલુભાઇની.

‘ચિત્રલેખા’ના સથવારે યોજાએલા આ કાર્યક્રમમાં ટીવી અભિનેતા દિલીપ જોશી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમ મન ભરીને માણ્યો હતો. ‘ચિત્રલેખા’ પરિવારની ચાર પેઢીનાં સભ્યો – મધુરીબહેન કોટક, મૌલિક કોટક, મનન કોટક અને તનાયા કોટક પણ એમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

(ડાબેથી જમણે) લાલુભાઈ, દિલીપ જોશી, ‘ચિત્રલેખા’ના ચેરમેન મૌલિક કોટક

હવે આ વર્ષે કોરોનાને લઇને મોટાભાગના મંદિરો બંધ છે અને તહેવારોની આ રીતે ઉજવણી કરવી શક્ય નથી એટલે લાલુભાઇએ આ કાર્યક્રમને નવા રંગરૂપમાં ઓનલાઇન પ્રસ્તુત કરવાનું નક્કી કર્યું છે. ‘પંચામૃત’ નામનો આ સુંદર ભક્તિમય કાર્યક્રમ રસ ધરાવતા ભક્તો અધિક માસના પહેલા દિવસે શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2020ના રોજ રાત્રે 9.00 વાગ્યે YouTube પર Creative Vision ચેનલ પર જોઇ શકશે. લાલુભાઇ કહે છે, કાર્યક્રમ એ જ રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે જોનાર ભક્તોને જાણે એ પોતે નાથદ્વારામાં જ છે એવી પ્રતીતિ થશે.

કાર્યક્રમની એક ઝલકઃ

કોરોનાના નવા 83,809 નવા કેસ, 1054નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં રેકોર્ડ સ્તરે વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 83,809 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1054 લોકોનાં મોત થયાં છે. દેશમાં સતત 14 દિવસથી પ્રત્યેક દિવસે 1000થી વધુ લોકોનાં મોત થઈ રહ્યાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 49,30,236 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 80,776 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 38,59,399 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 9,90,061 પહોંચી છે. રિકવરી રેટ વધીને 78 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.63 ટકા થયો છે.

5.83 કરોડ લોકોના સેમ્પલ ટેસ્ટ

દેશમાં અત્યાર સુધી 5.83 કરોડ લોકોનાં સેમ્પલનું ટેસ્ટિંગ થઈ ચૂક્યું છે, જેમાં 14 સપ્ટેમ્બરે 11 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.