કોરોના રસી માટે દુનિયાને ભારતની જરૂર છેઃ બિલ ગેટ્સ

ન્યૂયોર્ક/નવી દિલ્હીઃ અબજોપતિ દાનવીર બિલ ગેટસે કહ્યું છે કે વિશ્વસ્તરે ફેલાયેલા કોવિડ-19ની રસીના ઉત્પાદનમાં ભારત મોટી અને નિર્ણાયક ભૂમિકા ભજવશે અને એ વેક્સિન અન્ય વિકાસશીલ દેશોને પહોંચાડવામાં પણ ભારત મહત્ત્વનો હિસ્સો હશે. ગેટ્સનું ફાઉન્ડેશન રોગચાળા સામે લડવા ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. વિશ્વ યુદ્ધ પછી વિશ્વ સૌથી મોટી બાબતનો (રોગચાળાનો) સામનો કરી રહ્યું છે, એમ તેમણે કહ્યું હતું.

માઇક્રોસોફ્ટના આ સહસંસ્થાપકે કહ્યું હતું કે વિશ્વ કોવિડ-19ની વેક્સિનના ઉત્પાદન માટે ભારત સામે આશા ભરેલી નજરે જોઈ રહ્યું છે. આપણે બધા ઇચ્છીએ છીએ કે ભારતમાંથી જલદી એક વેક્સિન બનીને બહાર આવે, જે બહુ અસરકારક હોય અને બહુ સુરક્ષિત હોય. આગામી વર્ષે ક્યારેય પણ કોવિડ-19ની વેક્સિન રોલઆઉટ થઈ શકે છે, જેનું ભારતમાં મોટા પાયે ઉત્પાદન થશે. વિશ્વના અન્ય વિકાસશીલ દેશો ઉપલબ્ધ થનારી વેક્સિનની ક્ષમતા માટે ભારત તરફ આશાભરી મીટ માંડી રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું.

સાયન્ટિસ્ટો અને ફાર્મા કંપનીઓ કોરોના વાઇરસની વેક્સિનને શોધવા માટે રેસ લગાવી રહ્યાં છે. આ કોવિડ-19ને કારણે આશરે વિશ્વભરમાં 9,32,000 લોકો માર્યા ગયા છે અને 2.40 કરોડથી વધુ લોકો સંક્રમિત થયા છે. કેટલીક કંપનીઓની આ વેક્સિન ત્રીજા અને અંતિમ તબક્કામાં પ્રવેશ કર્યો છે. એ એક વિશ્વ યુદ્ધની જેમ નથી, પણ ત્યાર બાદની સૌથી મોટી બીના છે, જે આપણે ક્યારેય જોઈ નથી, એમ તેમણે કહ્યું હતું.

વિશ્વની સૌથી મોટા દાનવીરોમાંના એક બિલ અને મેલિડા ગેટ્સ ફાઉન્ડેશન રોગચાળાને રોકવાના પ્રયાસોમાં સામેલ છે. ફાઉન્ડેશને ભારતમાં કોવિડ-19ની વેક્સિનના ઉત્પાદન માટે સિરમ સંસ્થા સાથે ભાગીદારી કરી છે.

કોરોનાની લડાઈમાં યોગદાન

અમારી પાસે એક મોડલ છે, જે બતાવે છે કે વેક્સિનને એ લોકો સુધી પહોંચાડવાની છે, જેમને એની સૌથી વધુ આવશ્યકતા છે. જો તમે માત્ર શ્રીમંત દેશોને મોકલશો તો અડધા જીવન જ બચશે, એમ તેમણે કહ્યું હતું. ગરીબી અને બીમારીઓથી લડવા તેમણે અબજોનું દાન કર્યું છે અને વેક્સિનના ઉત્પાદનમાં ભારતની ક્ષમતા વિશે વિસ્તારથી વાત કરતાં તેમણે સિરમ ઇન્સ્ટિટ્યૂટ, બાયો ઈ અને ભારત બાયોટેક જેવી કંપનીઓનો ઉલ્લેખ કર્યો હતો.

અમે એક વેક્સિનના ભારતમાં ઉત્પાદન માટે વિચાર કરી રહ્યા છે, પછી ભલે એ એસ્ટ્રાઝેનકા, ઓક્સફર્ડ અથવા નોવાવેક્સ અથવા જોન્સન અને જોન્સન બનાવે. અમે જાહેર રીતે એ વ્યવસ્થા વિશે વાત કરી છે કે જ્યાં સિરમ એસ્ટ્રાઝેનકા અને નોવાવેક્સની વેક્સિનનું મોટા પાયે ઉત્પાદન હાથ ધરી શકે એમ છે, એમ તેમણે કહ્યું હતું.

બાયો ઈ અને જોન્સન એન્ડ જોન્સન વેક્સિની સાથે પણ જોડાણ કરવા તેઓ વિચારવિમર્શ કરી રહ્યા છે. ફાઉન્ડેશન ભારતના નીતિ આયોગની સાથે ચર્ચાવિચારણા કરી રહ્યું છે અને ICMR પાસેથી નિયામકીય મંજૂરીનાં પાસાં વિશે પણ જોઈ રહ્યું છે. હું વાસ્તવમાં આ મુદ્દાઓ પર સરકાર સાથે ચર્ચાથી બહુ પ્રભાવિત છું અને વેસ્ટર્ન કંપનીઓ સહિત આ નવા કંપનીઓની સાથે અમે સહયોગ કરી રહ્યા છીએ. તેઓ આવતા વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કેટલીક વેક્સિન ઇમર્જન્સી લાઇસન્સની મંજૂરી સુધી પહોંચી જવા માટે તેઓ આશાવાદી છે, એમ તેમણે કહ્યું હતું.