અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હવે અત્યંત ખતરનાક અને વિનાશક સ્તરે પહોંચી ગયો છે. ઈરાનની નૌસેના (Navy) દ્વારા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ને આગામી નોટિસ સુધી બંધ કરવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ, અમેરિકાએ ઈરાનના અનેક સૈન્ય ઠેકાણાઓ પર ભીષણ હવાઈ હુમલા શરૂ કરી દીધા છે. ઈરાન તરફથી પણ આ હુમલાઓનો આક્રમક જવાબ આપવામાં આવી રહ્યો છે, જેના કારણે સમગ્ર મિડલ ઈસ્ટમાં ફરી એકવાર મહાયુદ્ધ (World War) ની સ્થિતિ સર્જાઈ છે. અહેવાલો અનુસાર, ઈરાન પર અમેરિકાના આ હવાઈ હુમલામાં વધુ એક ઈરાની સૈનિક માર્યો ગયો હોવાના સમાચાર છે.

વિવાદની શરૂઆત ક્યાંથી થઈ?
આ તાજો વિવાદ ત્યારે ભડક્યો જ્યારે ઈરાને હોર્મુઝ રૂટને આગામી આદેશ સુધી બ્લોક કરવાનો નિર્ણય કર્યો. આ જાહેરાતના ગણતરીના કલાકોમાં જ અમેરિકાએ ઈરાનના સૈન્ય ઠેકાણાઓ અને વ્યૂહાત્મક વિસ્તારો પર બોમ્બમારો શરૂ કર્યો હતો. અમેરિકાએ ઈરાનની ન્યુક્લિયર સિટી ગણાતા બુશેહર (Bushehr) સહિતના અનેક શહેરોને ટાર્ગેટ કર્યા છે. અગાઉ જ્યારે સીઝફાયર (યુદ્ધવિરામ) દરમિયાન ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની જાહેરાત કરી હતી, ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેને સમગ્ર વિશ્વ માટે સૌથી શાનદાર દિવસ ગણાવ્યો હતો. પરંતુ એક કોમર્શિયલ જહાજ પર ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના હુમલા બાદ સ્થિતિ ફરી બગડી છે. ઈરાનનો દાવો છે કે આ વ્યાપારી જહાજ નક્કી કરેલા દરિયાઈ માર્ગનું પાલન નહોતું કરી રહ્યું અને વારંવારની ચેતવણી છતાં તેણે નેવિગેશન સિસ્ટમ બંધ રાખી હતી, જેથી તેને નિશાન બનાવાયું હતું. ઈરાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જ્યાં સુધી આ ક્ષેત્રમાં અમેરિકાની દખલગીરી બંધ નહીં થાય ત્યાં સુધી હોર્મુઝ રૂટ ખોલવામાં આવશે નહીં.

અમેરિકન સેન્ટ્રલ કમાન્ડનો મોટો દાવો
ઈરાન પર થયેલા તાજા હુમલા બાદ અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (US Central Command) દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, છેલ્લા 3 દિવસમાં ઈરાનના 300 થી વધુ સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કરવામાં આવ્યા છે. આ હુમલાઓનો મુખ્ય હેતુ હોર્મુઝ સ્ટ્રેટ પર વ્યાપારી જહાજોને નિશાન બનાવવાની ઈરાનની સૈન્ય ક્ષમતાને નબળી પાડવાનો છે. અમેરિકી સેનાએ એવો પણ દાવો કર્યો છે કે અત્યાર સુધીમાં તેણે 800 થી વધુ વ્યાપારી જહાજોને સુરક્ષિત રીતે હોર્મુઝ સ્ટ્રેટ પાર કરાવવામાં મદદ કરી છે, જેમાં અંદાજે 40 crore બેરલ તેલ લઈ જતા જહાજો પણ સામેલ હતા.
ઈરાનનો અમેરિકી એરબેઝ પર પલટવાર
બીજી તરફ, ઈરાનની સૈન્ય પાંખ IRGC એ દાવો કર્યો છે કે તેણે કતાર (Qatar) સ્થિત અમેરિકાના અલ ઉદીદ એરબેઝ (Al Udeid Airbase) પર અનેક બેલિસ્ટિક મિસાઈલો (Ballistic Missiles) થી ભયાનક હુમલો કર્યો છે. આ મિસાઈલ હુમલામાં અમેરિકી ફાઈટર જેટ્સના મેઈન્ટેનન્સ અને રિપેરિંગ સેન્ટર તેમજ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને સીધું નિશાન બનાવી તબાહ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઓમાનના દુક્મ પોર્ટ (Duqm Port) પર પણ હુમલો કરાયો હોવાનો દાવો ઈરાને કર્યો છે. IRGC ના જણાવ્યા અનુસાર, અમેરિકી એરક્રાફ્ટ કેરિયર્સ માટે વપરાતા લોજિસ્ટિક સપોર્ટ સેન્ટર અને ઈંધણ ભરવાના પ્લેટફોર્મ પર મોટો હુમલો કરીને અમેરિકી ઠેકાણાઓને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.
વૈશ્વિક સ્તરે તેલ અને ગેસનું સંકટ?
અમેરિકા અને ઈરાન વચ્ચે અગાઉ જ્યારે પરમાણુ કાર્યક્રમ અને હોર્મુઝ સ્ટ્રેટ અંગે વાટાઘાટો થઈ હતી, ત્યારે ઈરાન અમેરિકાની શરતો માનવા તૈયાર નહોતું. જોકે બાદમાં રસ્તો નીકળ્યો હતો, પણ હવે ફરી આ જ જળમાર્ગ યુદ્ધનું મેદાન બની ગયો છે. આ તણાવ વચ્ચે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે સવાલો ઉઠી રહ્યા છે કે શું હોર્મુઝ રૂટ સંપૂર્ણપણે બ્લોક થઈ જશે? જો આ રૂટ લાંબો સમય બંધ રહેશે તો સમગ્ર વિશ્વ સામે ફરી એકવાર ક્રૂડ ઓઈલ (તેલ) અને નેચરલ ગેસની ભારે અછત અને મોંઘવારીનું મોટું સંકટ ઊભું થઈ શકે છે.




