Home Blog Page 4649

હવે બેંક KYCની સુવિધા પણ વિડિયોથી!

અમદાવાદઃ કોરાનોના આ સમયમાં તમે ઓફિસ ન જઇ શકો તો કામ ઘરેથી કરી શકો, વીજળી કે ગેસનાં બિલ કે બીજા પેમેન્ટ ઓનલાઇન કરી શકો, પણ કોઇ તમને કહે કે ઘરે બેઠાં બેંકમાં ખાતું ખોલાવી શકાય તો?

વેલ, હવે બેંકોએ આ કામ પણ ઘરે બેઠાં વિડિયોની મદદથી શરૂ કર્યું છે. દેશની જાણીતી ખાનગી બેંક HDFC એ એની વિડિયો KYC સુવિધા શરૂ કરી છે. આ વિડિયો KYC સુવિધા એ ભેગા મળીને કામ કરી રહેલી બ્રાન્ચ બેન્કિંગ, ડિજિટલ બેન્કિંગ અને રિટેલ એસેટ્સના એજાઇલ પોડ્સની કામગીરીનું પરિણામ છે.

જોકે હાલમાં વિડિયો KYC સુવિધાને બચત અને કોર્પોરેટ સેલરી ખાતાંઓ તથા પર્સનલ લોન માટે શરૂ કરવામાં આવી છે અને તબક્કાવાર રીતે અન્ય ઉત્પાદનો માટે પણ શરૂ કરવામાં આવશે. આરબીઆઇના દિશા-નિર્દેશો મુજબ વિડિયો KYCની કામગીરી સફળતાપૂર્વક થવી એ સંપૂર્ણ KYCને સમકક્ષ છે અને ગ્રાહક તમામ નાણાકીય- બેન્કિંગ સેવાઓ મેળવવા પાત્ર ગણાય છે.

ટૂંકમાં, હવેથી ગ્રાહકો હવે ઘેર અથવા ઓફિસમાં બેઠાં-બેઠાં HDFC બેન્કમાં સંપૂર્ણ KYCની સાથે તમામ લાભ ધરાવતું ખાતું ફક્ત થોડી જ મિનિટોમાં ખોલાવી શકે છે.

HDFC બેન્કના રિટેઇલ બ્રાન્ચ બેન્કિંગના ગ્રુપના વડા અરવિંદ વોરાએ જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં અમે તેને બચત અ કોર્પોરેટ સેલરી અને પર્સનલ લોનના ગ્રાહકો માટે શરૂ કરી રહ્યા છીએ અને તબક્કાવાર અન્ય ગ્રાહકોને આ સવલત પૂરી પાડીશું.

 

JEE એડવાન્સ પરીક્ષાર્થીઓને રાતવાસો કરવા મદદ કરાશે

ગાંધીનગરઃ વર્તમાન કોરોના રોગચાળાને ધ્યાનમાં JEE એડવાન્સ પરીક્ષા આપનારા પરીક્ષાર્થીઓને મદદ કરવાના હેતુથી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગર (IITGN) પરીક્ષાર્થીઓને અને તેમનાં માતાપિતાને સાથે કેમ્પસમાં રાતવાસો કરવા માટે ઓફર કરી રહી છે.

JEE એડવાન્સના ઉમેદવાર –જેના ગાંધીનગર-અમદાવાદ ક્ષેત્રોમાં કેન્દ્ર છે અને તેઓ IITGN કેમ્પસમાં રાતવાસો કરવા ઇચ્છે તો તેઓ https://www.iitgn.ac.in/jeeaes પર રજિસ્ટ્રેશન કરાવી શકે છે. નોંધણી પામેલા પરીક્ષાર્થીઓને  સંસ્થામાંથી સંદેશવ્યવહાર અને કોર્સ વિશેની માહિતી મળી શકશે.

આ ખાસ વ્યવસ્થા વિશે વાત કરતાં IITGNના ડિરેક્ટર પ્રોફેસર સુધીર જૈને કહ્યું હતું કે આ સમય આ ઉમેદવારો અને પરીક્ષાર્થી માટે પડકારજનક છે, જેમના JEE એડવાન્સના પરીક્ષા કેન્દ્રો તેમના હાલના નિવાસસ્થાનેથી બહુ દૂર છે અને તેમને સુરક્ષિત સ્થળે રાતવાસો શોધવાની જરૂર છે, તેમના પ્રતિ IIGN સંવેદનશીલ બનવા સાથે આ સુવિધા આપશે. આવા પરીક્ષાર્થીઓ અને તેમનાં માતાપિતાને રાહત રૂપે રાતવાસાની સુવિધા આપવા માટે સંસ્થાનો આ વિનમ્ર પ્રયાસ છે.

 

 

 

આજથી IPL: મુંબઈ ઈન્ડિયન્સ છે બુકીઓની ટોપ ફેવરિટ ટીમ

અબુધાબીઃ ટીમદીઠ 20-20 ઓવરવાળી મેચોની ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટ સ્પર્ધાની 13મી મોસમનો આવતીકાલથી યૂએઈમાં ત્રણ સ્થળે આરંભ થશે. કાલની પ્રારંભિક મેચ ગયા વર્ષના ચેમ્પિયન્સ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે શેખ ઝાયેદ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે અને ભારતીય સમય મુજબ સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે. આ બંને ટીમ ગયા વર્ષની સ્પર્ધાની ફાઈનલિસ્ટ છે. હરિયાણાના ગુરુગ્રામ શહેર તથા એની આસપાસના વિસ્તારોમાંથી ક્રિકેટ સટ્ટાકીય પ્રવૃત્તિ ચલાવતા  બુકીઓમાં મુંબઈ ઈન્ડિયન્સ સૌથી ફેવરિટ છે. તેઓ આ ટીમનો ભાવ રૂ. 4.90નો લગાવે છે. તે પછીના ક્રમે સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમ આવે છે – રૂ. 5.60ના ભાવ સાથે.

બેટિંગ (સટ્ટાખોરી)ના ગેરકાયદેસર કૌભાંડ ચલાવતી સિન્ડીકેટ્સ પર ચાંપતી નજર રાખવાનો ગુરુગ્રામ પોલીસે તેની ગુપ્તચર શાખા – ક્રાઈમ બ્રાન્ચને તથા સ્ટેશન હાઉસ ઓફિસરોને આદેશ આપ્યો છે.

બીજી બાજુ, બુકીઓએ પોલીસની નજરમાંથી બચતા રહીને એમનું કામકાજ શરૂ કરી દીધું છે. રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ટીમના ભૂતકાળના દેખાવના આધારે બુકીઓ આ વખતે પણ આ ટીમને ટોપ ફેવરિટ ગણાવે છે.

નામ જાહેર ન કરવાની શરતે એક બુકીએ કહ્યું કે બુકીઓ ચેન્નાઈ સુપર કિંગ્સનો પાંચ રૂપિયા ભાવ આપે છે તો રોયલ ચેલેન્જર્સ બેંગલોર રૂ. 6.20 સાથે ચોથા ક્રમે છે. તે પછીના ક્રમે દિલ્હી કેપિટલ્સ (રૂ. 6.40), કોલકાતા નાઈટ રાઈડર્સ (રૂ. 7.80), કિંગ્સ ઈલેવન પંજાબ (રૂ. 9.50) અને રાજસ્થાન રોયલ્સ (રૂ. 10) આવે છે.

જે ટીમનો સૌથી ઓછો ભાવ હોય એ ટ્રોફી જીતવા માટે મજબૂત દાવેદાર ગણાય. જો કોઈ રૂ. 1000ની રકમ દાવ પર લગાવે કે મુંબઈ ઈન્ડિયન્સ ટીમ આઈપીએલ-2020 જીતશે તો એને બુકી તરફથી રૂ. 4,900 મળશે. મેચ દર ઉપર-નીચે જઈ શકે છે.

મુંબઈ ઈન્ડિયન્સે છેલ્લા પાંચેય મુકાબલામાં ચેન્નાઈ સુપર કિંગ્સને પરાજય આપ્યો હતો.

મુંબઈ ઈન્ડિયન્સ અત્યાર સુધીમાં ચાર વખત અને ચેન્નાઈ ટીમ 3 વખત ચેમ્પિયન બની છે.

આ વખતની આઈપીએલ ભારતમાં કોરોના વાઈરસનો ફેલાયો થયો હોવાને કારણે વિદેશની ધરતી પર રમાડવામાં આવી રહી છે.

આઈપીએલ મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોશો?

આઈપીએલ-2020 અથવા આઈપીએલ-13નું પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ પર કરવામાં આવશે. તે અંગ્રેજી ઉપરાંત હિન્દી તથા અન્ય સ્થાનિક ભાષાઓમાં પણ પ્રસારિત કરાશે.

સ્ટાર સ્પોર્ટ્સ ઉપરાંત ડિઝની હોટસ્ટાર વીઆઈપી ચેનલ ઉપર પણ આઈપીએલ મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ કરાશે.

મોબાઈલ ફોન ઉપર પણ લોકો આ મેચો જોવાનો આનંદ ઉઠાવી શકશે.

કોરોના વાઈરસ મહાબીમારીએ આખી દુનિયામાં હાહાકાર મચાવ્યો છે એટલે યૂએઈના ત્રણેય સેન્ટર – દુબઈ, અબુધાબી અને શારજાહમાં પણ મેચો ખાલી સ્ટેડિયમોમાં રમાશે.

મોદીએ કરણ જોહરની પ્રશંસા કરી; ટ્વિટર-યુઝર્સે કંગનાની ઠેકડી ઉડાવી

મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ગઈ કાલે એમના 70મા જન્મદિને દેશ અને દુનિયાની અનેક હસ્તીઓએ શુભકામના આપી હતી. આ શુભેચ્છા આપનારાઓમાં ફિલ્મ જગતની અનેક હસ્તીઓ પણ સામેલ હતી. આમિર ખાન, કરણ જોહર, શાહરુખ ખાન, કંગના રણોત જેવા સ્ટાર્સે વડા પ્રધાનને સોશિયલ મિડિયાના માધ્યમથી જન્મદિવસની શુભકામના આપી હતી અને વડા પ્રધાન મોદીએ તે બધાનો આભાર પણ માન્યો હતો.

જોકે નિર્માતા કરણ જોહરનો આભાર માનતાં વડા પ્રધાન મોદીએ એમની પ્રશંસા પણ કરી હતી એટલે ટ્વિટર પર ઘણા લોકોએ કંગનાની મજાક ઉડાવી છે. છેલ્લા કેટલાક દિવસોથી કંગના અને તેના સમર્થક કરણ જૌહરને સોશિયલ મિડિયા પર ટ્રોલ કરી રહ્યા છે. ત્યારે કંગનાની બોલિવુડ અને મહારાષ્ટ્ર સરકારની વચ્ચે ચાલી રહેલી કશ્મકશમાં ભાજપ અભિનેત્રીનું સમર્થ કરતાં નજરે ચઢે છે.

કંગના કોઈ ખૂણામાં બેસીને રોતી રહેશે

વડા પ્રધાન મોદી દ્વારા કરણ જૌહરની પ્રશંસા કરવા પર સોશિયલ મિડિયા યુઝર્સ કહી રહ્યા છે કે હવે કંગના કોઈ ખૂણામાં બેસીને રડી રહી હશે. વડા પ્રધાન મોદીના કરણ જૌહરને જવાબ પર યુઝર્સે કંગનાની બહુ ઠેકડી ઉડાવી રહ્યા છે. કોઈ કંગનાનો રડતો ચહેરો ફોટો શેર કરી રહ્યા છે તો કોઈ વિડિયો. તો કેટલાક એના વિશે કોમેન્ટ પણ કરી રહ્યા છે.

 

 

નીતિનું ઉલ્લંઘન કરવા બદલ ‘ગૂગલ પ્લેસ્ટોર’ પરથી ‘પેટીએમ’ની હકાલપટ્ટી

ન્યુ યોર્કઃ એક આશ્ચર્યજનક પગલામાં સર્ચ એન્જિન ગૂગલે તેની નીતિઓનું વારંવાર ઉલ્લંઘન કરવા બદલ તેના ‘પ્લેસ્ટોર’માંથી જાણીતી પેમેન્ટ એપ્લિકેશન ‘પેટીએમ’ને આજે હટાવી દીધી હતી. જોકે, વન97 કોમ્યુનિકેશન્સ લિમિટેડની માલિકીની પેટીએમ એપ તરફથી બાદમાં જાહેરાત કરાઈ હતી કે તે ‘ગૂગલ પ્લેસ્ટોર’ પર ફરીથી ઉપલબ્ધ થઈ છે. ગૂગલ કંપનીએ એમ પણ કહ્યું છે કે એ ક્યારેય પણ ગેમ્બલિંગ (જુગાર પ્રવૃત્તિને ઉત્તેજન આપતી) એપને ટેકો નહીં આપે. વન97 કોમ્યુનિકેશન્સ લિમિટેડની માલિકીની પેટીએમ એપ હવે ગૂગલ પ્લેસ્ટોર પર સર્ચ માટે જોવા નહીં મળે. જોકે આની અન્ય એપ્સ, જેમ કે પેટીએમ ફોર બિઝનેસ, પેટીએમ મની, પેટીએમ મોલ અને કંપનીની માલિકીની અન્ય એપ હજી પણ પ્લેસ્ટોર પર ઉપલબ્ધ છે. પેટીએમ એપલના ‘એપ-સ્ટોર’ ઉપર ડાઉનલોડ માટે પણ ઉપલબ્ધ છે.

ગૂગલે કહ્યું છે કે, અમે કસિનો, રમતની સટ્ટાબાજીની સુવિધા આપતી કોઈ પણ ઓનલાઈન ગેમ્બલિંગ એપને ટેકો નથી આપતા. આમાં એ પણ સામેલ છે કે એપ ગ્રાહકોને અન્ય વેબસાઇટ તરફ લઈ જાય છે- જે તેમને પૈસા-રોકડ પુરસ્કાર જીતવા માટેની ચુકવણી માટે ટુર્નામેન્ટમાં ભાગ લેવાની મંજૂરી આપે છે, એમ ગૂગલે કહ્યું હતું.

ગૂગલે પેટીએમના ડેવલપર્સને એમની એપ દૂર કરવા વિશે અગાઉથી જાણ કરી દીધી હતી.

ગૂગલે કહ્યું હતું કે પ્લે સ્ટોર ઓનલાઇન કેસિનો અને અનિયમિત ગેમ્બલિંગ એપ્સને પ્રતિબંધિત કરે છે, જે ભારતમાં રમત પર સટ્ટાબાજીની સુવિધા આપે છે. પેટીએમ એપે વારંવાર કંપનીઓની નીતિઓનું ઉલ્લંઘન કર્યું છે. આ મામલાને જાણનાર બે લોકોએ અમને જણાવ્યું હતું. પેટીએમના ભારતની સૌથી મૂલ્યવાન સ્ટાર્ટઅપ છે અને 50 મિલિયન માસિક સક્રિય વપરાશકર્તાઓએ છે. એની માર્કી એપ- જે વપરાશકર્તાઓને એકબીજાની સાથે પૈસાની લેવડદેવડ કરવાની મંજૂરી આપી છે. દેશમાં શુક્રવારે પ્લે સ્ટોરમાંથી પેટીએમ ગાયબ થઈ ગઈ છે. 

પેટીએમની માલિકી વન97 કોમ્યુનિકેશન્સ લિમિટેડની નામની ભારતીય કંપની પાસે છે, જેની સ્થાપના વિજય શેખર શર્મા દ્વારા કરવામાં આવી હતી, પણ કંપનીને ફિનટેક કંપની એન્ટ ફાઇનાન્શિયલ્સ પાસેથી જંગી ભંડોળ મળ્યું હતું, જે ચીનની અલીબાબા ગ્રુપની સહયોગી કંપની છે.

પ્લે સ્ટોર પરથી દૂર કરવા પર ટિપ્પણી કરતાં પેટીએમે ટ્વિટર પર એક નિવેદનમાં કહ્યું હતું કે નવા ડાઉનલોડ અથવા અપડેટ માટે ગૂગલના પ્લે સ્ટોર પર પેટીએમ એન્ડ્રોઇડ એપ હંગામી ધોરણે ઉપલબ્ધ નથી, પણ એ બહુ જલદી પરત આવશે. તમારા પૈસા સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને તમે તમારી પેટીએમ એપનો આનંદ લેવાનું જારી રાખશો.

 

રશિયાની કોરોના રસીથી દર સાતમાંથી એક જણ બીમાર પડ્યું

મોસ્કોઃ ભારતમાં કોરોના વાઈરસનો રોગચાળો હજી ગંભીર રીતે આગળ વધી રહ્યો છે. વધુ ને વધુ લોકો એનો શિકાર બની રહ્યા છે ત્યારે લોકો આ રોગ સામે રક્ષણ આપે એવી મેડિકલ રસી જલદી ઉપલબ્ધ થાય એની રાહ જોઈ રહ્યા છે. રશિયાએ દાવો કર્યો છે કે તેણે આ રોગ સામેની રસી બનાવી લીધી છે અને તેના લોકોને આ Sputnik V રસી આપવાનું શરૂ પણ થઈ ગયું છે. આ રસી ભારત પણ ખરીદવાનું છે એવા અહેવાલો છે.

 પરંતુ, એવા અહેવાલો છે કે રશિયામાં જેમણે Sputnik V  રસી લીધી છે એ દર સાતમાંથી એક વ્યક્તિ બીમાર પડી છે.

રશિયામાં આ રસી જેમને આપવામાં આવી છે એ સ્વયંસેવકોમાંથી આશરે 14 ટકા અથવા દર સાતમાંથી એક જણે આડઅસર થઈ હોવાની ફરિયાદ કરી છે. આ જાણકારી ખુદ રશિયાના આરોગ્ય પ્રધાન મિખાઈલ મુરાશ્કોએ આપી છે. એમણે કહ્યું છે કે દેશમાં 40 હજાર સ્વયંસેવકોમાંથી 300 જેટલાને ‘સ્પુતનિક ફાઈવ’ રસી આપવામાં આવી છે.

મુરાશ્કોએ જ કહ્યું છે કે આશરે 14 ટકા લોકોએ રસી લીધાના 24 કલાકમાં જ શરીરમાં નબળાઈ લાગતી હોવાની, સ્નાયૂઓમાં દુખાવો થતો હોવાની ફરિયાદ કરી છે. તેમજ એમના શરીરનું તાપમાન પણ વધી ગયું છે.

મુરાશ્કોને આવું કહેતા રશિયાની સરકાર હસ્તકની સમાચાર સંસ્થા ‘તાસ’એ ટાંક્યા છે.

જોકે ફરિયાદ કર્યાના બીજા દિવસે બધું ઠીક પણ થઈ જાય છે.

‘સ્પુતનિક 5’ રસીની તબીબી અજમાયશોના પરિણામ ગઈ 4 સપ્ટેમ્બરે લેન્સેટ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યા હતા. એમાં દાવો કરાયો હતો કે રસી 76 જણને આપવામાં આવી હતી અને એ સંપૂર્ણપણે સુરક્ષિત જણાઈ છે. 21 દિવસોની અંદર સ્વયંસેવકોના શરીરમાં કોઈ પણ પ્રકારની આડઅસર વિના એન્ટી-બોડી બની છે.

ભારતમાં, હૈદરાબાદ સ્થિત જી.વી. પ્રસાદ પ્રેરિત ડોક્ટર રેડિઝ લેબોરેટરિઝ (ડો. રેડિઝ) તથા રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ નવેમ્બરના આરંભમાં રશિયન રસી લોન્ચ કરવા ધારે છે. જી.વી. પ્રસાદે કહ્યું કે અમે રશિયન ડેવલપમેન્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ સાથે કરાર કર્યો છે. અમને આશા છે કે અમે ભારતમાં વહેલી તકે ‘સ્પુતનિક 5’ રસી લાવીશું.

કોરોનાના 96,424 નવા કેસઃ કોવિડ-19એ 15 કરોડ બાળકોને ગરીબીમાં ધકેલ્યા

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 52 લાખને પાર થયા છે.  આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 96,424 નવા કેસ સામે આવ્યા છે.. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1174 લોકોનાં મોત થયાં છે. દેશમાં સતત 17 દિવસથી પ્રત્યેક દિવસે 1000થી વધુ લોકોનાં મોત થઈ રહ્યાં છે.  દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 52,14,677 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 84,372 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 41,12,551 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 10,17,754 પહોંચી છે. રિકવરી રેટ વધીને 78.64 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.63 ટકા થયો છે. દેશમાં પહેલી વાર કોરોનાના સક્રિય કેસો 10 લાખને પાર થયા છે.

કોવિડ-19એ 15 કરોડ બાળકોને ગરીબીમાં ધકેલ્યાઃ યુનિસેફ

યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમર્જન્સી ફંડ (UNICEF)ના એક નવા વિશ્લેષણ અનુસાર આ વર્ષના પ્રારંભે કોવિડ-19ના રોગચાળો શરૂ થયા પછી વિશ્વભરમાં 15 કરોડ બાળકો ગરીબીના ખપ્પરમાં આવી ગયા છે. એનાથી વિશ્વભરમાં ગરીબીના વિવિધ હાલતમાં રહેતાં બાળકોની સંખ્યા વધીને આશરે 1.2 અબજ થઈ ગઈ છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

રેલવે સ્ટેશનોનો પુનરુદ્ધાર કરવા ‘યુઝર ચાર્જ’ વસૂલશે

નવી દિલ્હીઃ ભારતીય રેલવે 700-1050 સ્ટેશનો પર પેસેન્જરોને વધુ સારી સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે અને વધુ આવક ઊભી કરવા માટે ‘એફોર્ડબેલ યુઝર્સ ચાર્જીસ’ લગાવવાની યોજના બનાવી રહી છે. જોકે રેલવેની 50 રેલવે સ્ટેશનોને આધુનિકીકરણની પ્રારંભિક યોજના છે. આ સ્ટેશનોના પુનર્વિકાસ માટે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ હેઠળ કરવામાં આવશે.

નીતિ આયોગના CEO અમિતાભ કાંતે ગઈ કાલે કહ્યું હતું કે 2021 સુધીમાં 50 સ્ટેશનોનો પુનર્વિકાસ કરવાનો ઉદ્દેશ છે. જોકે એક પૂર્વ નિર્ધારિત અને ‘એફોર્ડેબલ યુઝર ચાર્જ’ રેલવે દ્વારા સૂચિત કરવામાં આવશે, પણ આ માટે પેસેન્જરો પર કોઈ વધારાનો બોજ નાખવામાં નહીં આવે. રેલવે આ માટે એક લાખ કરોડનું મૂડીરોકાણ કરશે. આ માટે 10 સ્ટેશનો માટે RFQ (request for qualification) મગાવવામાં આવ્યાં છે. ગ્વાલિયર અને સુરત સહિત આઠ સ્ટેશનો માટે ભાગીદારીની ઓફર આવી ગઈ છે, એમ કાંતે વર્ચ્યુઅલ પત્રકાર પરિષદમાં કહ્યું હતું.

જોકે એરપોર્ટની જેમ ‘યુઝર ફી’ આ રેલવે સ્ટેશનોના પુનરુદ્ધાર કરવા સુધી સીમિત નહીં અને એને ટૂંક સમયમાં મોટાં સ્ટેશનો પર લાગુ કરવામાં આવશે, જે ફૂટફોલ પ્રોજેક્શનને આધારે હશે, દેશમાં કુલ 7000 સ્ટેશનો છે.રેલવે નેટવર્કના વિસ્તરણની સાથે અમે વધુ ને વધુ સ્ટેશનોનો પુનરુદ્ધાર કરીશું. આ ફી માત્ર 10થી 15 ટકા હશે( 7000 સ્ટેશનોમાં) લાગુ થશે, એમ રેલવે બોર્ડના ચેરમેન વિનોદકુમારે કહ્યું હતું અને ઉમેર્યું હતું કે આ વપરાશકર્તાઓને જાણ કરવામાં આવશે.

વપરાશકર્તાઓ માટે આ ચાર્જ ફરજિયાતપણે એક ટોકન એમાઉન્ટ છે, જે બધા પેસેન્જરો માટે સુવિધા સારી ઉપલબ્ધ કરવા માટે રાખવામાં આવશે, એમ રેલવે મંત્રાલયના એક અધિકારીએ નામ ના આપવાની શરતે કહ્યું હતું. આ સ્ટેશનના વિકાસ પૂરો થવા સુધી માત્ર મેનેજમેન્ટ દ્વારા એકઠો કરવામાં આવશે. આ પહેલાં જો કોઈ ‘યુઝર ચાર્જ’ વસૂલવા માટે જરૂરિયાત હશે તો એ માત્ર રેલવે પાસે જશે અને સામાન્ય પેસેન્જરો માટે સુવિધામાં સુધારો કરવા માટે રાખવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓને સારી સુવિધા આપવા અને આવક ઊભી કરવા માટે ‘યુઝર ફી’ લગાવવામાં આવશે, જેથી સ્ટેશનો પર પેસેન્જરોના ટ્રાફિકનું નિયમન કરવામાં મદદ મળશે.

 

 

 

 

રવિન્દ્ર જાડેજાનું ‘ગોલ્ડન તલવાર’ આપીને સમ્માન કરાયું…

ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી મોસમના આરંભ પૂર્વે અબુધાબીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ દ્વારા 17 સપ્ટેમ્બર, ગુરુવારે દુબઈમાં ખાસ એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેના અમુક ખેલાડીઓને તથા કોચને એવોર્ડ આપવામાં આવ્યા હતા. આઈપીએલ સ્પર્ધામાં સૌથી સફળ ડાબોડી સ્પિનર બનેલા રવિન્દ્ર જાડેજાને ગિફ્ટ-એવોર્ડ રૂપે ‘ગોલ્ડન તલવાર’ આપવામાં આવી હતી. ચેન્નાઈ ટીમને પોતાના સુકાનીપદ હેઠળ 3 ટાઈટલ અપાવનાર કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને 2019ની આઈપીએલમાં સુપર કિંગ્સ ટીમ માટે સૌથી વધારે રન કરવા બદલ ‘ગોલ્ડન કેપ’ આપીને સમ્માનિત કરવામાં આવ્યો હતો. તો ઓપનર શેન વોટસનનું પણ એવોર્ડ આપીને સમ્માન કરાયું હતું. આ પ્રસંગે ટીમના હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગ પણ ઉપસ્થિત રહ્યા હતા. આઈપીએલ-2020 અથવા આઈપીએલ-13નો આરંભ 19 સપ્ટેમ્બરના શનિવારથી થશે. પહેલી મેચ અબુધાબીના શેખ ઝાયેદ ક્રિકેટ સ્ટેડિયમમાં ગયા વર્ષની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે.

ઉલ્લેખનીય છે કે જામનગરનિવાસી રવિન્દ્ર જાડેજા રાજપૂત જ્ઞાતિનો છે અને તે ઘણી વાર બેટિંગમાં ઝળક્યા બાદ એ રમૂજમાં પોતાના બેટને તલવારની જેમ વીંઝતો હોય છે.

ત્રાસવાદી તત્ત્વોની સેંકડો સંપત્તિ પાકિસ્તાન સરકારે ફ્રીઝ કરી

ઇસ્લામાબાદઃ પાકિસ્તાન સરકારે આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા અને મની લોન્ડરિંગ પ્રવૃત્તિઓમાં સામેલ થયેલા તત્ત્વો સામે જોરદાર સપાટો બોલાવ્યો છે અને જમાત-ઉદ-દાવા (JuD) અને જૈશ-એ-મોહમ્મદ (JeM) જેવા સંગઠનોની કુલ 964 સંપત્તિઓને ફ્રીઝ કરી દીધી છે. સરકાર દ્વારા આ કાર્યવાહી ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ હેઠળ કરવામાં આવી છે. આ પ્રયાસો હેઠળ ટેરર ફાઇનાન્સિંગ અને મની લોન્ડરિંગમાં સામેલ લોકોની સામે કાર્યવાહી કરવામાં આવે છે. ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ના 27 પોઇન્ટ એક્શન પ્લાન પૂરા કરવાની આવશ્યકતા હોય છે.

ઇન્ટિરિયર મંત્રાલયના જણાવ્યા અનુસાર જમાત-ઉદ-દાવાની 907 અને જૈશ-એ-મોહમ્મદની 57 સંપત્તિઓને ફ્રીઝ કરવામાં આવી છે. સંસદીય કાર્ય રાજ્યપ્રધાન અલી મુહમ્મદ ખાને કહ્યું હતું કે ક્ષેત્રીય ગૃહ વિભાગોએ વિદેશ મંત્રાલય દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC-ફ્રીઝિંગ અને સીઝર)ના આદેશ 2019 હેઠળ JuD અને JeMની સંપત્તિને ફ્રીઝ કરવાની કાર્યવાહી કરી છે.

બંને આંતકવાદી સંગઠનોની ફ્રીઝ કરવામાં આવેલી સંપત્તિઓ વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે પંજાબમાં JuDની કુલ 611 સંપત્તિઓ ફ્રીઝ કરવામાં આવી છે, જ્યારે ખૈબર પખ્તુનખ્વામાં 108, સિંધમાં 80, જમ્મુ અને કાશ્મીર (POK)માં 61, બલૂચિસ્તાનમાં 30 અને ઇસ્લામાબાદમાં 17 સંપત્તિઓ ફ્રીઝ થઈ છે, એમ તેમણે પાકિસ્તાની સંસદના ઉપલા ગૃહને જણાવ્યું હતું.

JeMની આઠ સંપત્તિઓ પંજાબમાં, ખૈબર પખ્તુનખ્વામાં 29, આઝાદ જમ્મુ અને કાશ્મીરમાં 12, ઇસ્લામાબાદ રાજધાની ક્ષેત્રમાં ચાર, સિંધમાં ત્રણ અને બલૂચિસ્તાનમાં એક સંપત્તિને ફ્રીઝ કરવામાં આવી છે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે JuDની 75 સ્કૂલ, ચાર કોલેજ, 330 મસ્જિદ અને અર્ધ વિદ્યાલય, 186 ડિસ્પેન્સરીઝ, 15 હોસ્પિટલ્સ, 62 એમ્યુલન્સ અને ફ્યુનરલ બસ (અંતિમ સંસ્કારની બસ), ત્રણ ડિઝેસ્ટર મેનેજમેન્ટ ઓફિસીસ, 10 બોટ્સ 17 બિલ્ડિંગ્સ, પ્લોટ, કૃષિની જમીન, અને બે મોટરસાઇકલને જપ્ત કરી છે.

જ્યારે JeMની જપ્ત થયેલી સંપતિ વિશે ખાને કહ્યું હતું કે 53 મસ્જિદો અને સેમિનાર, બે ડિસ્પેન્સરી અને બે એમ્બ્યુલન્સ સામેલ છે.

પાકિસ્તાને આ કાર્યવાહી એવી સમયે કરી છે, જ્યારે પાકિસ્તાન FATFના ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવા માટે આકાશપાતાળ એક કરી રહ્યું છે અને FATFના 27 પોઇન્ટનું પાલન કરવા માટે આકરી મહેનત કરી રહ્યું છે.