નીતિનું ઉલ્લંઘન કરવા બદલ ‘ગૂગલ પ્લેસ્ટોર’ પરથી ‘પેટીએમ’ની હકાલપટ્ટી

ન્યુ યોર્કઃ એક આશ્ચર્યજનક પગલામાં સર્ચ એન્જિન ગૂગલે તેની નીતિઓનું વારંવાર ઉલ્લંઘન કરવા બદલ તેના ‘પ્લેસ્ટોર’માંથી જાણીતી પેમેન્ટ એપ્લિકેશન ‘પેટીએમ’ને આજે હટાવી દીધી હતી. જોકે, વન97 કોમ્યુનિકેશન્સ લિમિટેડની માલિકીની પેટીએમ એપ તરફથી બાદમાં જાહેરાત કરાઈ હતી કે તે ‘ગૂગલ પ્લેસ્ટોર’ પર ફરીથી ઉપલબ્ધ થઈ છે. ગૂગલ કંપનીએ એમ પણ કહ્યું છે કે એ ક્યારેય પણ ગેમ્બલિંગ (જુગાર પ્રવૃત્તિને ઉત્તેજન આપતી) એપને ટેકો નહીં આપે. વન97 કોમ્યુનિકેશન્સ લિમિટેડની માલિકીની પેટીએમ એપ હવે ગૂગલ પ્લેસ્ટોર પર સર્ચ માટે જોવા નહીં મળે. જોકે આની અન્ય એપ્સ, જેમ કે પેટીએમ ફોર બિઝનેસ, પેટીએમ મની, પેટીએમ મોલ અને કંપનીની માલિકીની અન્ય એપ હજી પણ પ્લેસ્ટોર પર ઉપલબ્ધ છે. પેટીએમ એપલના ‘એપ-સ્ટોર’ ઉપર ડાઉનલોડ માટે પણ ઉપલબ્ધ છે.

ગૂગલે કહ્યું છે કે, અમે કસિનો, રમતની સટ્ટાબાજીની સુવિધા આપતી કોઈ પણ ઓનલાઈન ગેમ્બલિંગ એપને ટેકો નથી આપતા. આમાં એ પણ સામેલ છે કે એપ ગ્રાહકોને અન્ય વેબસાઇટ તરફ લઈ જાય છે- જે તેમને પૈસા-રોકડ પુરસ્કાર જીતવા માટેની ચુકવણી માટે ટુર્નામેન્ટમાં ભાગ લેવાની મંજૂરી આપે છે, એમ ગૂગલે કહ્યું હતું.

ગૂગલે પેટીએમના ડેવલપર્સને એમની એપ દૂર કરવા વિશે અગાઉથી જાણ કરી દીધી હતી.

ગૂગલે કહ્યું હતું કે પ્લે સ્ટોર ઓનલાઇન કેસિનો અને અનિયમિત ગેમ્બલિંગ એપ્સને પ્રતિબંધિત કરે છે, જે ભારતમાં રમત પર સટ્ટાબાજીની સુવિધા આપે છે. પેટીએમ એપે વારંવાર કંપનીઓની નીતિઓનું ઉલ્લંઘન કર્યું છે. આ મામલાને જાણનાર બે લોકોએ અમને જણાવ્યું હતું. પેટીએમના ભારતની સૌથી મૂલ્યવાન સ્ટાર્ટઅપ છે અને 50 મિલિયન માસિક સક્રિય વપરાશકર્તાઓએ છે. એની માર્કી એપ- જે વપરાશકર્તાઓને એકબીજાની સાથે પૈસાની લેવડદેવડ કરવાની મંજૂરી આપી છે. દેશમાં શુક્રવારે પ્લે સ્ટોરમાંથી પેટીએમ ગાયબ થઈ ગઈ છે. 

પેટીએમની માલિકી વન97 કોમ્યુનિકેશન્સ લિમિટેડની નામની ભારતીય કંપની પાસે છે, જેની સ્થાપના વિજય શેખર શર્મા દ્વારા કરવામાં આવી હતી, પણ કંપનીને ફિનટેક કંપની એન્ટ ફાઇનાન્શિયલ્સ પાસેથી જંગી ભંડોળ મળ્યું હતું, જે ચીનની અલીબાબા ગ્રુપની સહયોગી કંપની છે.

પ્લે સ્ટોર પરથી દૂર કરવા પર ટિપ્પણી કરતાં પેટીએમે ટ્વિટર પર એક નિવેદનમાં કહ્યું હતું કે નવા ડાઉનલોડ અથવા અપડેટ માટે ગૂગલના પ્લે સ્ટોર પર પેટીએમ એન્ડ્રોઇડ એપ હંગામી ધોરણે ઉપલબ્ધ નથી, પણ એ બહુ જલદી પરત આવશે. તમારા પૈસા સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને તમે તમારી પેટીએમ એપનો આનંદ લેવાનું જારી રાખશો.